આજે 21મી સદીના આધુનિક યુગમાં દરેક ફેસિલિટિ હાથની આંગળીના ટેરવે આવી ગઈ છે. વધતી જતી સુખ સગવડોની સાથે સાથે તેની મશીનીરી ઈલેક્ટ્રિકથી લઈને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ આજે ઘરે ઘરે અસંખ્ય માત્રામાં જોવા મળે છે. જો કે આ વસ્તુ ખરાબ થાય ત્યારે તેને નષ્ટ કરવાનો પણ બહુ મોટો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે આ વસ્તુઓને આસાનીથી રિસાયકલિંગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કાર્ય એક ગુજરાતી કરી રહ્યો છે. શામળાજી, રાજકોટ, ગાંધીનગર સહિત બરોડમાં કંપનીના રિસાયકલિંગ પ્લાન્ટ્સ ધારવતા મનીશભાઈ ભીમાણીની કંપની દ્વારા કચરામાંથી કંચન(સોનું)બનાવવામાં આવતું હોય તેમ એક કરોડના ટર્નઓવર વાળી કંપનીને 3 જ વર્ષમાં 50 કરોડે પહોંચાડી દીધું છે.
આ રીતે કંપની શરૂ કરી
મનિષભાઈનો જન્મ અને ઉછેર સુરતમાં થયો છે. ત્યારબાદ તેમણે કેમિકલ બ્રાન્ચમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ કર્યું છે. મનિષભાઈ ભીમાણીએ ભણતર પૂરું કર્યા પછી એક કેમિકલ કંપનીમાં 2000ના માસિક પગાર સાથે કામ ચાલુ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2008-09માં એક વેસ્ટ મેનેજમેન્ટ કંપનીમાં જોડાયા હતા. તેઓ જણાવે છે કે, ત્યાં કામ કરતા કરતા આ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટી તક હોવાનો વિચાર આવ્યો હતો. વર્ષ 2008-09માં ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળતા ઇ-વેસ્ટની સામે તેનું રિસાયકલિંગ કરનારા યુનિટ ખૂબ જ ઓછાં હતા. એટલે લોકો નાના નાના ઇ-વેસ્ટનો જાતે જ નિકાલ કરતા હતા. તેનાથી પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થતું હતું. જેને લઈને દસ વર્ષના પ્રોપર પ્લાનિંગ પછી વર્ષ 2018માં R-પ્લેનેટ કંપની અસ્તિત્વમાં આવી હતી.
વેસ્ટ વસ્તુ જ રિસોર્સ છેઃ મનિષભાઈ
મનિષભાઈ જણાવે છે કે, મારા મતે જેને આપણે વેસ્ટ કહીએ છીએ, કચરો કહીએ છીએ... તે એક્ચ્યુઅલી વેસ્ટ નથી. તે એક રિસોર્સ છે, તેનો કેવી રીતે ફરી ઉપયોગ થઈ શકે તે અંગે મેં વિચાર્યું. તેઓ કહે છે કે, એ કંપનીમાં ઘણાં બધા પ્રકારના વેસ્ટ આવતા હતા. જેમાંથી ઘણા વેસ્ટ તો ખુલ્લી જગ્યામાં સળગાવી દેવામાં આવતા હતા તો ઘણા વેસ્ટને જમીનમાં દાટવામાં આવતા હતા. ત્યારે જ મને વિચાર આવ્યો કે, આમાંથી ઘણાં વેસ્ટ એવાં છે કે, તેનું રિસાયકલિંગ કરવું જોઈએ અને ત્યાંથી આ R-પ્લેનેટ કંપનીના પાયા નંખાયા છે.
‘ઇ-વેસ્ટનો યોગ્ય નિકાલ ખૂબ જ જરૂરી’
મનિષભાઈ શરૂઆતના તબક્કાની વાત કરતા કહે છે કે, આ વિચાર ઇ-વેસ્ટથી શરૂ થયો હતો. શરૂઆતમાં કંપની માત્ર ભંગારના ગોડાઉનોમાંથી અને અન્ય કંપનીઓ પાસેથી પણ ઇલેક્ટ્રોનિક વેસ્ટને ભેગો કરવામાં આવતો હતો. ત્યારબાદ મેં મારું ફોકસ ઇ-વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ મેનેજમેન્ટમાં ડાયવર્ટ કર્યુ. સૌથી મહત્વની વાત તો એ છે કે, જો ઇ-વેસ્ટને યોગ્ય રીતે નિકાલ ન કરવામાં આવે તો તે પર્યાવરણ અને માણસોને નુકસાન પહોંચાડી શકે છે. એટલે એનું રિસાયકલિંગ થવું જ જોઈએ.
વેસ્ટનું રિસાયકલિંગ કરી ધાતુ-પ્લાસ્ટિક છૂટું પાડે છે
બધુ છૂટું પાડ્યા બાદ રિસાયકલિંગ માટે મોકલવામાં આવતો હતો. તેમાંથી વિવિધ પ્રકારની ધાતુ જેવી કે, લોખંડ, તાંબુ, કાંસુ વગેરે છૂટું પાડવામાં આવતું હતું અને ત્યારબાદ જે તે જરૂરિયાતવાળી કંપનીને આ ધાતુઓ પહોંચાડવામાં આવી હતી. વધુમાં તેઓ કહે છે કે, મારી કંપનીનું મુખ્ય કામ જુદી જુદી કંપનીઓ પાસે રહેલો વેસ્ટ અને ભંગારવાળા પાસે પડેલા તમામ વેસ્ટને રિસાયકલ કરી તેમાંથી લોખંડ, કોપર, બ્રોન્ઝ વગેરે જેવી ધાતુઓ મેળવવી. જેનાથી પર્યાવરણ પ્રદૂષિત થતા અટકે છે. આમ, વેસ્ટમાંથી બેસ્ટનો આઇડિયા ખૂબ જ કારગર રહ્યો.
ત્રણ જ વર્ષમાં કંપનીનું ટર્નઓવર 50 કરોડે પહોંચ્યું
મનિષભાઈ જણાવે છે કે, વર્ષ 2018માં R-પ્લેનેટ નામની ઇ-વેસ્ટ કંપનીની શરૂઆત કરવામાં આવી હતી. પહેલા વર્ષે મારી કંપનીએ 500 ટન જેટલું કલેક્શન કરી તેનું રિસાયલિંગ કર્યું હતું. ત્યારે અમારું ટર્નઓવર અંદાજે 1 કરોડ જેટલું થયું હતું. જ્યારે બીજા વર્ષે કલેક્શન અને રિસાયકલિંગનો આંકડો 12 ગણો વધીને 6000 ટને પહોંચી જાય છે. જેમાંથી અમને વાર્ષિક ટર્નઓવર 12 કરોડ જેટલું થયું હતું અને વર્ષ 2021માં આ ટર્નઓવરનો આંકડો 50 કરોડને આંબી ગયો છે. આ વર્ષે કંપનીએ 13000 ટન જેટલું કલેક્શન અને રિસાયકલિંગ કર્યું છે. તેમની કંપનીનું મુખ્ય સૂત્ર જણાવતા મનિષભાઈ કહે છે કે, અમે દેશને ઇ-વેસ્ટ ફ્રી બનાવવા માટે ઇચ્છીએ છીએ. લોકો જે વસ્તુને ખરેખર કચરો ગણે છે તે કચરો નહીં પણ અમારા માટે રિસોર્સ છે.
કેવા પ્રકારની પ્રોડક્ટ્સનું રિસાયકલિંગ થાય છે
ઈ-વેસ્ટમાં એર કન્ડિશનર, લેપટોપ, વોશિંગ મશિન, મોબાઇલ, આઇટી પ્રોડક્ટ્સ, પ્રિન્ટર વગેરે આવે છે. આ બધી જ વસ્તુનું પ્રાઇમરી ડિસમેન્ટલિંગ એન્ડ શ્રેડિંગ અને સેપરેશન કરી તેમાંથી બેઝિક કોમોડિટી રિકવર કરવામાં આવે છે. જેમાંથી મળતી વિવિધ પ્રકારની ધાતુને જે-તે કંપનીને મોકલવામાં આવે છે. જેમ કે, લોખંડની વાત કરીએ તો, તે ફર્નેસ ઇન્ડસ્ટ્રીમાં મોકલવામાં આવે છે. જ્યાં તેઓ તેમાંથી સળિયાં, પતરાં, એન્ગલ વગેરે જેવી પ્રોડક્ટ્સ બનાવતા હોય છે. હાલમાં ઘણી નામી કંપનીઓ R-પ્લેનેટની ક્લાયન્ટ છે.
કંપનીના પ્લાન્ટ ગુજરાતભરમાં છે
આ કંપનીના મોટા ભાગના પ્લાન્ટ ગાંધીનગરમાં છે. આ ઉપરાંત એક પ્લાન્ટ શામળાજીમાં, એક પ્લાન્ટ રાજકોટમાં અને બે પ્લાન્ટ બરોડામાં છે. જ્યારે હજુ એક પ્લાન્ટ કડીમાં બની રહ્યો છે. તેઓ કહે છે કે, પહેલા વર્ષમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી. તે છતાં અમે અડગ રહ્યા, મજબૂત રહ્યા. હિંમત ના હાર્યા અને અમે આજે આજે જગ્યાએ પહોંચ્યા છીએ. એટલે જે વ્યક્તિ બિઝનેસ કરવા માગે છે તેમણે ક્યારેય હિંમત ના હારવી જોઈએ, ગમે તેવી પરિસ્થિતિ આવે તેનો સામનો કરવો જોઈએ. ગમે તેવી મુશ્કેલીઓ આવે તેની સામે લડો, ચોક્કસ સફળતા મળશે. યુ વીલ બી સક્સેસફુલ.
કંપનીને અનેક એવોર્ડ મળ્યા છે
આર પ્લેનેટ કંપનીને ગુજરાત સરકાર તરફથી તથા અનેક અન્ય એવોર્ડ્સ પણ મળ્યા છે. જેમાં ભારત સરકારમાં ટુરિઝમ મંત્રી પ્રહલાદ સિંઘ પટેલ દ્વારા ‘ગ્લોરી ઓફ ઇન્ડિયા’ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય તેમને ‘ગ્રીન બિઝનેસમેન’ એવોર્ડ પણ મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.