• Gujarati News
  • Dvb original
  • Gujarati Background, Multiple Colors Of Womanhood In The Classic Hindi Film Mirch Masala, Based On A Gujarati Story, Also Praised By Satyajit Rai

ભાસ્કર ઇનડેપ્થગુજરાતી વાર્તા, હિન્દી ફિલ્મ ને સ્ત્રીશક્તિ:મડિયાની વાર્તા પરથી કેતન મહેતાએ એવી ‘મિર્ચ મસાલા’ બનાવી કે સ્મિતા પાટીલે એક એક્સપ્રેશન માટે ફ્લાઇટ છોડી દીધી! દીકરીઓને અચૂક બતાવજો...

અમદાવાદ15 દિવસ પહેલાલેખક: વિક્રમ મહેતા

સાહિત્ય..
‘શિકારીની બંદૂક જોઈને ત્રસ્ત બનેલી હરણીની જેમ દોડતી ગેમી ડેલાના દરવાજામાં ઘૂસી ગઈ. અંદરને ઓટે ગડાકુની તડપલી મસળતો અભુ મકરાણી હજી તો કંઈ પૂછેગા છે કે ડેલાનું બારણું વાસવા ઊભો થાય એ પહેલાં તો ગેમીએ જ જોશભેર ગળક-બારીનું બારણું પછાડીને વાસી દીધું અને ઉપર આગળો ચડાવી દીધો.

લુહારની ધમણની જેમ ગેમીની છાતીમાં શ્વાસ ધમાતો હતો. નસકોરા ફૂલીને ફૂંફાડા મારતા હતા. ડોળા ચકળવકળ ફરતા હતા. આમેય ચણોઠી શા લાલચટક મોં ઉપર વધારાનું લોહી ધસી આવતાં એ અત્યારે ધગધગતા તાંબા જેવું લાગતું હતું.

ગડાકુ ફૂંકવાનું કોરે મૂકીને અભુ ગેમીની નજીક આવ્યો અને પૃચ્છા કરી, પણ ઉત્તર આપવા મથતા ગેમીના હોઠ આછા ફફડતાં વધારે ઊઘડી જ ન શક્યા...’

..અને સિનેમા
‘એક્સ્ટ્રીમ લૉંગ શૉટમાં પહાડી રસ્તા વચ્ચેથી એક બારોટ પોતાના ગધેડા પર સામાન લાદી દુહો લલકારતો આવી રહ્યો છે. ‘માટી, માનન, મન બના... ઉબ કિયો કિર-કાજ... મિરચ મસાલા ડાલ કે રંગ દિયો સંસાર.’ મરચાંનાં ખેતર વચ્ચે ઊભેલા ચાડિયા પર કેમેરા ફોકસ થાય છે. ખેડૂત ગોફણથી ચાડિયાનું માથું એટલે કે માટલું ફોડી નાખે છે. માટલામાંથી મધમાખીઓ ઊડે છે. બૅકગ્રાઉન્ડમાં અંગ્રેજ સરકારના દેશી સિપાહીઓ મરચાંનાં ખેતરો, લાલચટક મરચાં વચ્ચેથી મારતે ઘોડે આવતા દેખાય છે... તળાવના કિનારે સ્ત્રીઓ પાણી ભરી રહી છે... ફોજ આવવાથી સ્ત્રીઓમાં નાસભાગ થાય છે... એક સ્ત્રી નથી હટતી એ સોનબાઈ...’

સિનેમા અને સાહિત્યને નાળસંબંધ રહ્યો છે. સાહિત્યની ઘણી કૃતિઓએ ફિલ્મકારોને કચકડે કંડારાવા માટે પ્રેરણા આપી છે, જેની કસદાર કલમમાંથી કાઠિયાવાડની ધીંગી ધરા આળસ મરડીને ખોંખારો ખાતી બેઠી થાય એવા બળકટ સર્જક ચુનીલાલ મડિયાની ઓછી જાણીતી વાર્તા એટલે ‘અભુ મકરાણી’. મડિયાની આ કૃતિ ફિલ્મકાર કેતન મહેતાની આંખે ચડી ક્લાસિક ફિલ્મ ‘મિર્ચ મસાલા’નાં બીજ રોપાયાં.

દિલ્હીમાં પ્રાધ્યાપક રહી ચૂકેલા સાહિત્યના મર્મી પિતા ચંદ્રકાન્ત મહેતાનો વારસો લઇને આવતા કેતન મહેતાની સિનેમાઇ દુનિયાનો પાયો કોઇ ને કોઇ સાહિત્ય-નાટ્યકૃતિ રહી છે. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’, જે ધીરુબહેન પટેલ લિખિત નાટક પર આધારિત હતી. એવું જ ‘હોલી’ (મહેશ એલકુંચવાર લિખિત આ શીર્ષકનું નાટક), ‘હીરો હીરાલાલ’ (નૌશિલ મહેતા કૃત ‘નૌશિલ મહેતા આત્મહત્યા કરે છે’) અને ‘માયા મેમસાબ’ (ગુસ્તાવ ફ્લોબર્ટ લિખિત ફ્રેન્ચ નાટક ‘માદામ બોવારી’.). એમની ‘મિ. યોગી’ જેવી ટેલિવિઝન ધારાવાહિક મધુ રાયની ‘કિમ્બલ રેવન્સવુડ’ નવલકથા પર આધારિત હતી તો ‘કિસી એક ફૂલ કા નામ લો’ નામની ટેલિફિલ્મ પણ મધુ રાયના જાણીતા નાટક ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો!’ પર આધારિત હતી.

મિર્ચ મસાલાનાં આજે સંભારણાં કેમ?
આજે ‘ઇન્ટરનેશનલ વિમેન્સ ડે’ અને રંગોનો ઉત્સવ ધૂળેટીના બેવડા સંગમ પર વાત કરવી છે કેતન મહેતાની ઉત્કૃષ્ટ ફિલ્મ મિર્ચ મસાલાની. ગુજરાતી પૃષ્ઠભૂમિ, ગુજરાતી કૃતિ આધારિત આ ફિલ્મનું ઘણું શૂટિંગ રાજકોટના બામણબોર પાસેના મોલડી અને ડોસલીઘુના નામનાં ગામમાં થયું હતું. મિર્ચ મસાલામાં સ્ત્રી અસ્મિતાનો લાલહિંગોળ રંગ છે. પુરુષ પ્રધાન સમાજ સામેના આક્રોશનો લાલ રંગ છે.

સુકાની કેતન મહેતા કહે છે એમ, ‘ફિલ્મમાં રંગો તરફનો આપણો વિચાર પાશ્ચાત્ય ફિલ્મો કરતાં તદ્દન અલગ છે. લોકનાટ્યોમાં તમે જુઓ છો કે રંગ કેવી રીતે સંપૂર્ણ ભજવણીની બાંધણીનો બળૂકો અને મહત્ત્વનો હિસ્સો બને છે. મિર્ચ મસાલામાં મરચાંનો લાલચોળ રંગ રક્ત, બલિદાન, બંડ એવાં બહુવિધ પાસાંનું પ્રતીક છે.’

શું હતી આ ફિલ્મની વાર્તા?
'મિર્ચ મસાલા' ફિલ્મના કથાનકને ફરી વાર યાદ કરી લઈએ. આઝાદી પહેલાંના સૌરાષ્ટ્રના એક અંતરિયાળ ગામની આ વાત છે. નદીકિનારે સ્ત્રીઓ પાણી ભરી રહી છે. એવામાં ગામનો સૂબેદાર (નસીરુદ્દીન શાહ) પોતાની ફોજ સાથે ગામમાં ધામા નાખે છે. સૂબેદારની નજર ગામની સુંદર સ્ત્રી સોનબાઈ (સ્મિતા પાટિલ) પર પડે છે. સૂબેદાર રંગીન મિજાજનો, ઘમંડી અમલદાર છે. સત્તાના કેફમાં મદમસ્ત સૂબેદાર માને છે કે કંઈ પણ કરી શકવા તે સક્ષમ છે. નદીકિનારે જોયા પછી રાસના એક કાર્યક્રમમાં સૂબેદાર સોનબાઈને જુએ છે અને તેની દાનત વધુ બગડે છે. સોનબાઈના પતિ (રાજ બબ્બર)ને શહેરમાં નોકરી મળતાં સૂબેદારને મોકળું મેદાન મળે છે. સોનબાઈને એકલી જોઈને એની પાસે અણછાજતી માગ કરે છે, પરંતુ સોનબાઈ જવાબરૂપે સૂબેદારને સણસણતો તમાચો ચોડી દે છે. અહીંથી કથાનકમાં નવો વળાંક આવે છે. સૂબેદારનો પુરુષ તરીકેનો અહંકાર ઘવાયો છે અને તે હવે કોઈ પણ ભોગે સોનબાઈને પોતાની કરી લેવા ભુરાયો થાય છે.

સોનબાઈ મરચાંના એક કારખાનામાં કામ કરે છે. એક દિવસ કારખાનાનો દરવાજો અબુ મિયાં (ઓમ પુરી) બંધ કરે છે. જોકે સૂબેદાર કારખાનામાં સંતાયો હોય છે. સૂબેદાર સોનબાઈને પોતાના હવાલે કરી દેવાનું ફરમાન કરે છે અને જો આમ ન થાય તો આખા ગામને સળગાવી દેવાની ધમકી આપે છે. ગામના માણસો અને મુખી પણ સોનબાઈને શરણું સ્વીકારી લેવાનું કહે છે. અરે! સોનબાઈ સાથે કામ કરતી સ્ત્રીઓ પણ તેને શરણાગતિ સ્વીકારી લેવા કહે છે, પણ સોનબાઈ અડગ છે. પોતાની ગરિમા પ્રત્યે સજાગ છે અને તેની આ ગરિમા બચાવવા એક મર્દ આગળ આવે છે. તે અબુ મિયાં. પોતાના જીવની કિંમતે પણ એ સ્ત્રીનું તે રક્ષણ કરે છે.

ક્લાઇમેક્સમાં બધી સ્ત્રીઓ સૂબેદારની આંખમાં મરચું છાંટી દે છે. બીજી બાજુ દાંતરડું હાથમાં લઈને સામે પડેલી રણચંડી લાલ હિંગળોક સોનબાઈ પર કૅમેરા સ્થિર થાય છે અને ફિલ્મ પૂર્ણ થાય છે. ફિલ્મના સબપ્લૉટમાં મુખી અને તેની પત્ની (સુરેશ ઑબેરૉય-દીપ્તિ નવલ)ની કથા છે. મુખીના પરસ્ત્રી સાથેના સંબંધો સામે પત્ની સરસ્વતી સવાલ ઉઠાવે છે. અહીં સરસ્વતી પણ એક અર્થમાં સ્ત્રીશક્તિના પ્રતીકસમું પાત્ર બની જાય છે. મુખીના ભાઈ મોહન (મોહન ગોખલે) અને તેની પ્રેમિકા રાધાની વાત પણ ફિલ્મમાં સરસ રીતે દર્શાવાઈ છે. રાધા-મોહન પરણી શકતાં નથી, કારણ કે મુખીનું કુટુંબ ઉચ્ચ છે અને રાધાનું કુટુંબ નીચલા વરણનું છે. અહીં સમાજમાં ઊંચ-નીચની વાડાબંધી તરફ અંગુલિનિર્દેશ કરાયો છે. અહીં એક ગાંધીવાદી વિચારધારાના રંગે રંગાયેલા શિક્ષક (બેન્જામિન ગિલાની)નું પણ પાત્ર પણ છે. એ શિક્ષક સ્ત્રીશિક્ષણનો હિમાયતી છે. ગ્રામજનોના કેટલાક રૂઢિચુસ્ત ખ્યાલોનો તે વિરોધ પણ કરે છે.

સ્ત્રી સશક્તીકરણની વાતો કહેતી ફિલ્મોની પંગતમાં મુઠ્ઠી ઊંચેરી ફિલ્મ, સ્ત્રીજગતના અનેક રંગો
હિન્દી સિનેમાના પડદે આપણે સ્ત્રી સશક્તીકરણની વાતો કહેતી ઘણી ફિલ્મો જોઈ છે, પરંતુ ‘મિર્ચ મસાલા’ એમાં ‘હટકે’ છે. એની માવજત, પાત્રાલેખન, કથાવસ્તુ ચીલાચાલુ નથી. માત્ર સૌરાષ્ટ્રના એક નાના ગામડાની પૃષ્ઠભૂમિમાં આકાર લેતી આ કથા પ્રાથમિક નજરે સીધીસાદી લાગે, પરંતુ વાર્તામાં સ્ત્રીના અસ્તિત્વના અને સાથે ગ્રામ્યસમાજનાં અનેક સ્તરો વણાયાં છે. અંગ્રેજોના સમયમાં ગ્રામ્યવિસ્તારોની સામાજિક-આર્થિક સ્થિતિ પર પણ અહીં પ્રકાશ ફેંકાયો છે..

અહીં એક તરફ સૂબેદારને વશ ન થવા સોનબાઈ અડીખમ છે તો બીજી તરફ મરદ મુછાળો (પોતાને માનતો!) એક પુરુષ પરસ્ત્રી સાથેના સંબંધોને પોતાની મર્દાનગી માને છે. ત્રીજી તરફ સ્ત્રી આમન્યાને નેવે મૂકતો એક આખો સમાજ છે જે એક અબળા સ્ત્રીનું રક્ષણ નથી કરી શકતો, કારણ કે આમ કરવા જતાં સૂબેદારનો ખોફ વહોરી લેવાનો ડર છે. ચારણ (બાબુભાઈ રાણપુરા)નું પાત્ર પુરુષોને કંઈક આ મતલબનું કહે છે કે, ‘લગતા હૈ અબ તો ગાંવ મેં ચૂડિયોં કા વ્યાપાર ઝ‌્યાદા ચલેગા!’ એક તબકકે સત્તા આગળ શાણપણ નકામું એવી સલાહો આપીને સોનબાઈની સાથે કામ કરતી જ સ્ત્રીઓ શરણાગતિ સ્વીકારી લેવાનું કહે છે, પણ સોનબાઈ પોતાના નિર્ણયમાં અફર છે. તેનો સણસણતો જવાબ છે કે ‘મેરા મરદ કહે તો ભી નહીં જાતી’. એક તરફ આ ખુમારીવાળી સોનબાઈ છે તો બીજી તરફ લક્ષ્મી (રત્ના પાઠક) છે, જેને સૂબેદારની શય્યાસંગિની થવામાં કોઈ છોછ નથી. એક તરફ દીકરીને તૈયાર કરીને ભણાવવા જતી મુખીની પત્નીને ગામની જ સ્ત્રીઓ મહેણાં મારે છે. અહીં તમે જુઓ કે સ્ત્રીજગતના કેટલા રંગો એક ફિલ્મમાં આપણને જોવા મળે છે! આ વિવિધ શેડ્સને કારણે જ ‘મિર્ચ મસાલા’ એ અન્ય સ્ત્રીસશક્તિકરણની ફિલ્મો કરતાં મૂઠી ઊંચેરી લાગે છે.

કેતન મહેતાને ચુનીલાલ મડિયાની કૃતિના એવા ક્યા પાસાઓ આકર્ષી ગયા?
‘મિર્ચ મસાલા'ના ડિરેક્ટર અને સહલેખક કેતન મહેતાએ પોતાની આ ફિલ્મ વિશે મીડિયાને આપેલી જુદી જુદી મુલાકાતોમાં ઘણી વાતો કરી છે. એક જગ્યાએ તેઓ કહે છે, 'ચુનીલાલ મડિયાનું પાત્રાલેખન અદ‌્ભુત હોય છે. ‘અભુ મકરાણી’ વાર્તામાં સૌથી આકર્ષતું તત્ત્વ એનાં પાત્રો ઉપરાંત સરસ રીતે ઝીલાયેલી પ્રાદેશિક સામાજિક પૃષ્ઠભૂમિ છે. એક નાની વાર્તામાં ચુનીલાલ મડિયાએ ખૂબ સુંદર રીતે સામાજિક વિશ્લેષણ કર્યું છે. નાના પ્રસંગો દ્વારા દંભી સમાજનું દર્શન મડિયાએ અહીં કરાવ્યું છે. આ બધાં પાસાંને કારણે મને આ વાર્તામાં સારી ફિલ્મ બની શકે તેવી ક્ષમતા દેખાઈ અને હું આ વાર્તા પરથી ફિલ્મ બનાવવા પ્રેરિત થયો.'

એ મહત્ત્વનો ફેરફાર, જેણે મૂળ કૃતિ કરતાં ફિલ્મને આગળ મૂકી દીધી
ચુનીલાલ મડિયાની મૂળ કૃતિમાં તો મરચાને બદલે તમાકુની ફેક્ટરી છે. મૂળ કૃતિમાં સ્ત્રીઓ તમાકુની ફૅક્ટરીમાં કામ કરે છે. ઉપરાંત વાર્તામાં અભુ મકરાણી છે કે જે ગેમીને બચાવવા અસમર્થ રહેતા આત્મહત્યા કરે છે. જ્યારે ફિલ્મમાં અભુ મકરાણીનું પાત્ર અબુ મિયાં છે. જે સુબેદાર અને એના માણસોનો બહાદુરીથી પ્રતિકાર કરે છે અને સોનબાઇની રક્ષા કાજે શહીદ થઇ જાય છે. આ ફેરફારો મૂળ કૃતિના હાર્દને નુકસાનકારક નથી સાબિત થતા ઉલટાનું અહીં કેતન મહેતાએ લાલ મરચાનો પ્રતીકાત્મક ઢબે ઉપયોગ કરીને ફિલ્મને મૂળ કૃતિ કરતાં ઘણી આગળ મૂકી દીધી છે. કેતન મહેતા કહે છે, 'આ વાર્તા ધ્યાનમાં આવી તે સમયે હું ગુજરાતમાં ઇસરોમાં કામ કરી રહ્યો હતો. મારે ગુજરાતમાં ફરવાનું ઘણું થતું. સૌરાષ્ટ્ર પ્રાંતમાં ઘૂમતી વખતે મને ચારેબાજુ મરચાંના ઢગલા દેખાયા. મને વિચાર આવ્યો કે જો ફિલ્મમાં તમાકુની જગ્યાએ લાલ મરચાંની ફૅક્ટરી બતાવીએ તો સુંદર દેખાશે. એક બહાદુર માણસના બલિદાનમાંથી સ્ત્રીના પ્રતિકારમાં આખી વાર્તા આ ફેરફારને કારણે સરસ રીતે પરિવર્તિત થઈ જશે.'

પ્રતીકો: મરચું, મોજડી, દાંતરડું, દોડતા અશ્વો...
‘મિર્ચ મસાલા’માં કેટલાંક પ્રતીકોનો પણ ખૂબ અસરકારક રીતે ઉપયોગ થયો છે. ફિલ્મના કેન્દ્રમાં છે એ લાલચટ્ટક મરચું અને તેનો લાલ રંગ એક અર્થમાં સ્ત્રીસશક્તીકરણથી માંડીને માણસની અંદર પડેલી શિકારી વાસનાનું પ્રતીક છે. એ પુરુષપ્રધાન સમાજ વિરુદ્ધ ક્રાંતિનું પણ શક્તિશાળી પ્રતીક છે. ફિલ્મની ક્લાઇમેક્સમાં સ્મિતા પાટીલ દાતરડું પકડીને ઊભી છે અને બૅકગ્રાઉન્ડમાં ડાકલાં વાગી રહ્યાં છે. દાતરડું બતાવીને ફિલ્મકારે સ્થાપિત હિતવિરોધી વિચારધારા તરફ ઇશારો કર્યો છે. અહીં બૅકગ્રાઉન્ડમાં વાગતા ડાકલા સોનબાઈના રણચંડી સ્વરૂપને ઉઠાવ આપે છે. શરૂઆતમાં જ મરચાંની પથારી વચ્ચેથી દોડતા ઘોડા સત્તાધારી પુરુષપ્રધાન સમાજનું પ્રતીક બને છે. મુખીની પત્ની એને મોજડી આપે છે. અહીં મોજડી એ પુરુષવર્ગ દ્વારા દબાતા, શોષણ પામતા સ્ત્રીવર્ગનું જાણે પ્રતિબિંબ છે.

અહીં અબુ મિયાં ક્યાંક કયાંક રામાયણના જટાયુના પ્રતીક તરીકે પણ પ્રસ્તુત થાય છે. ફિલ્મમાં સ્ત્રી પાત્રોનાં નામ પણ કાલી, અંબા, સરસ્વતી, લક્ષ્મી રાખવામાં આવ્યાં છે. હિન્દુ દેવીઓનાં નામો અહીં ઘણા અર્થમાં સૂચક છે. દા.ત. મુખીની પત્નીનું નામ સરસ્વતી છે જે શિક્ષણની હિમાયતી છે, નવા પ્રવાહમાં માનનારી છે.

ફિલ્મનાં અસરકારક દૃશ્યો: બેગમજાન, પદ્માવતના ક્લાઇમેક્સ પર મિર્ચ મસાલાની અસર
ફિલ્મમાં કેટલાંય અસરકારક દૃશ્યો છે. શરૂઆતમાં જ સોનબાઈને એકીટસે જોતાં જોતાં, એના ઘડામાંથી પાણી પી રહેલા સૂબેદારનું દૃશ્ય ખૂબ પ્રભાવશાળી રીતે ફિલ્માવાયું છે. અહીં સોનબાઈને પામવાની પાશવી તરસનો પણ નિર્દેશ છે. સોનબાઈ આ દૃશ્યમાં એક સુંદર - ભલી સ્ત્રી તરીકે આપણને જોવા મળે છે, પરંતુ જ્યારે આ માણસ પોતાના પર ખરાબ નજર કરે ત્યારે સોનબાઈના વ્યક્તિત્વમાં 180 ડિગ્રીએ બદલાવ આવે છે! ક્લાઇમેક્સના દૃશ્યમાં કારખાનામાં સૂબેદારને મરચાનો લાલ રંગ છાંટીને પ્રતિરોધ કરતી સ્ત્રીઓ, રણચંડીના ભયાવહ સ્વરૂપમાં સોનબાઈ... આકાશને ભેદતી સૂબેદારના ચિત્કાર-ચીસો... અદભુત દૃશ્ય. વિદ્યા બાલન અભિનીત ‘બેગમ જાન’, કે બહુચર્ચિત ફિલ્મ ‘પદ્માવત’ના ક્લાઇમેક્સમાં મિર્ચ મસાલાની આછી અસર કળાઇ જાય છે.

આ ફિલ્મમાં ઘણું ઝીણું ઝીણું કાંતવામાં આવ્યું છે. સોનબાઈના પતિ શહેરમાં જવાની વાત દ્વારા અહીં ગામડામાંથી શહેર તરફ મોટી સંખ્યામાં સ્થળાંતર કરી રહેલા વર્ગની વાત મુકાઈ છે. બીજું, ગામનો મોટા ભાગનો પુરુષવર્ગ બેકાર બતાવ્યો છે, જ્યારે ગામની સ્ત્રીઓને કારખાનામાં કામ કરતી બતાવાઈ છે જે મહિલાઓની આત્મનિર્ભરતા તરફ સૂચન કરે છે.

ગુજરાતમાં ધોમધખતા ઉનાળે, મરચાંના ઢગલાઓ વચ્ચે શૂટિંગ કરવું એ પડકારજનક હતું: કેતન મહેતા
ફિલ્મની વાર્તા ગુણવત્તાસભર હોય, અર્થપૂર્ણ હોય, પરંતુ તેને સાકાર કરવા માટે યોગ્ય કલાકારો પણ જોઈએ ને? ફિલ્મનો એક બહુ જ તગડો પ્લસ પૉઇન્ટ ફિલ્મનું અફલાતૂન કાસ્ટિંગ છે. પૅરૅલલ સિનેમાના મંધાતા ખેલાડીઓએ ‘મિર્ચ મસાલા’માં ઉત્તમોત્તમ અભિનય આપ્યો છે. સોનબાઈના પાત્રમાં સ્મિતા પાટીલ મેદાન મારી ગયાં. આંખોમાં વાસનાનાં સાપોલિયાં રમાડતા ઘમંડી, સનકી સૂબેદારના પાત્રમાં નસીરુદ્દીન શાહ ખૂબ જામે છે, તો ભરયુવાનીમાં વૃદ્ધ અબુ મિયાંનું પાત્ર ભજવનાર ઓમ પુરીને દાદની સલામ અવશ્ય આપવી પડે. આ સિવાય દીપ્તિ નવલ, સુરેશ ઑબેરૉય, રત્ના પાઠક જેવાં અદાકારો પોતપોતાનાં પાત્રોને જાણે જીવી ગયાં છે.

ગુજરાતમાં ધોમધખતા ઉનાળે, પિસ્તાળીસ ડિગ્રી ગરમીમાં, ભારે વસ્ત્રો, ઊડતી ધૂળ, મરચાંના ઢગલાઓ વચ્ચે શૂટિંગ કરવું એ અમારા સૌ માટે મોટો પડકાર હતો,' કેતન મહેતા કહે છે, ‘ખાસ તો ઓમ પુરીએ એ ગરમીમાં દાઢી અને માથે વિગ પહેરીને અભિનય કર્યો તે માટે એમને પરમવીરચક્ર મળવું જોઈએ!’

‘જ્યાં સુધી શૉટ પર્ફેક્ટ નહીં આવે ત્યાં સુધી હું નથી જવાની!’
આ ફિલ્મની સિનેમૅટોગ્રાફી જહાંગીર ચૌધરીએ સંભાળી હતી. ક્લાઇમેક્સમાં દાંતરડા સાથે સૂબેદારની સામે પડેલી સોનબાઈના હાવભાવ હોય કે પછી મરચાંની પથારી વચ્ચેથી દોડતા ઘોડાઓનું દૃશ્ય હોય... એમના કૅમેરામાં કેટલાંય દૃશ્યો બખૂબી ઝીલાયાં છે. એક જાણીતો કિસ્સો ફિલ્મની ક્લાઇમેક્સ સાથે સંકળાયેલો છે. અંતમાં સ્મિતા પાટીલ હાથમાં દાંતરડા સાથે ઊભાં છે. હવે પછી શું થવાનું છે તે સ્મિતા પાટીલે માત્ર હાવભાવથી બતાવવાનું હતું. બન્યું એવું કે આ શૉટ ફિલ્માવાઈ રહ્યો હતો તે દિવસે સ્મિતા પાટીલ ઉતાવળમાં હતાં. કોઈ મોટા બૅનરની ફિલ્મના શૂટિંગમાં જવા માટે એમણે મુંબઈની ફ્લાઇટ પકડવાની હતી. કેમેય કરીને સ્મિતા પાટીલના ચહેરા પર ધાર્યા હાવભાવ આવે જ નહીં. આખરે એમની ઉતાવળને ધ્યાનમાં રાખીને એ શૉટ ‘જેવો હોય એવો’ ઓકે કરવા દિગ્દર્શકે મન મનાવ્યું, પણ સ્મિતા પાટીલનું પોતાના કામ પ્રત્યેનું સમર્પણ જુઓ. એમણે કહ્યું, ‘જ્યાં સુધી શૉટ પરફેકટ નહીં આવે ત્યાં સુધી હું નથી જવાની!’

મિર્ચ મસાલામાં સંગીતનાં ત્રણ સ્વરૂપ..
દિગ્દર્શક કેતન મહેતાના કહેવા મુજબ આ ફિલ્મના સંગીતના ત્રણ સ્વરૂપો છે. એક ભારતીય ફિલ્મોમાં સંભળાતું સંગીત, બીજું ગુજરાત અને રાજસ્થાનના લોકગાયકોના કંઠે ગવાયેલું, રચાયેલું અને લોકવાદ્યો પર વગાડવામાં આવતું પ્રાદેશિક છાંટ ધરાવતું સંગીત અને ત્રીજું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જે ફિલ્મનાં દરેક દૃશ્યનો ટોન સચોટ રીતે બતાવે છે.

ગુજરાતી પૃષ્ઠભૂમિ, ગુજરાતી કલાકાર અને મિર્ચ મસાલા
NFDCની સહાયથી બનેલી આ ફિલ્મમાં ઓછાં સંસાધનો છે, પણ તેની ગેરહાજરી વર્તાતી નથી. ભવ્ય સેટ્સ કે બિનજરૂરી ભપકા વગર પણ એક કલાત્મક ફિલ્મ કેવી રીતે બનાવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ કેતન મહેતાએ ‘મિર્ચ મસાલા’ બનાવીને આપ્યું છે.ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મમાં ઘણા ગુજરાતી કલાકરો પણ જોડાયેલા હતા. ફિલ્મમાં જાણીતાં નાટ્યકર્મી અદિતિ દેસાઈ, રાજુ બારોટ, દીપ્તિ બ્રહ્મભટ્ટ, સતીશ પંડ્યા, સ્નેહલ લાખિયા જેવા ગુજરાતી કલાકારોએ પણ નાના-મોટા પાત્રમાં અભિનય આપ્યો છે. ‘મિર્ચ મસાલા’માં વેશભૂષા પણ અમદાવાદના જ મીરાં અને આશિષ લાખિયા દ્વારા થઈ હતી.

એક ઔર કનેક્શન છે: પરેશ નાયક. વાર્તાકાર જયંત ખત્રીની કૃતિ પરથી ગુજરાતી સિનેમાને ‘ધાડ’ જેવી સરસ આર્ટ ફિલ્મ આપનાર પરેશ નાયક, ફિલ્મકાર કેતન મહેતાના મુખ્ય સહાયક દિગ્દર્શક રહી ચૂક્યા છે. કેતન મહેતા સાથે એમણે ‘ભવની ભવાઈ’ અને ‘મિર્ચ મસાલા’ આ બંને ફિલ્મો માટે કામ કર્યું છે. ‘મિર્ચ મસાલા’ સબંધિત ઘણી વાતો એમના જ શબ્દોમાં સાંભળવા જેવી છે..

પરેશ નાયક કહે છે, ‘મેં કેતનભાઈ સાથે થિયેટર પણ કર્યું છે અને ફિલ્મો પણ કરી છે. મારા માટે 'મિર્ચ મસાલા' એક રીતે ફિલ્મપ્રશિક્ષણની પ્રક્રિયા હતી. પટકથાલેખનની અમુક તરકીબો પણ મને આ ફિલ્મમાંથી શીખવા મળી છે.’

ફિલ્મનો પહેલો ડ્રાફ્ટ ‘ગરમ મસાલા’ નામથી લખાયો, ગુજરાતના આ સ્થળે કર્યું શૂટિંગ...
પરેશ નાયક ફિલ્મના લેખન અને મેકિંગ પ્રોસેસ પર વાત કરતાં આગળ કહે છે, ‘NFDCની લોન પાસ થયા બાદ આ વિષય પર વધારે કામ કરવાનું શરૂ થયું હતું. ફિલ્મના પટકથાલેખનમાં કેતન મહેતા સાથે આપણા ગુજરાતી લેખક શફી હકીમ પણ જોડાયેલા છે. બંનેએ ફિલ્મનો પહેલો ડ્રાફ્ટ ‘ગરમ મસાલા’ એવા શીર્ષકથી તૈયાર કર્યો હતો. શફી હકીમે લખેલો ‘ગરમ મસાલા’ નામનો પહેલો ડ્રાફ્ટ મેં વાંચ્યો છે. આ પછી સંવાદલેખનમાં હૃદય લાનીએ કામ કર્યું. ફિલ્મમાં સ્ત્રીઓને સાંકળતાં જે દૃશ્યો છે તેના લેખનમાં હિન્દીના જાણીતા નાટ્યકાર ત્રિપુરારી શર્માએ ખૂબ સરસ કામ કર્યું છે. સ્ત્રીઓના લાગણીવિશ્વને નજાકતથી બહાર લાવવામાં તેમનું મોટું પ્રદાન છે. એમણે ઘણુંબધું કામ સેટ પર જ કર્યું છે.’

કાંટાળા થોર વચ્ચેથી સોનબાઈ દોડતી આવે છે એ અમારો પ્રથમ શૉટ હતો. મરચાંની અસલી ફૅક્ટરી રાજકોટ નજીક નાની મોલડી નામના ગામે હોવાથી અમે ફૅક્ટરીનાં દૃશ્યો ત્યાં શૂટ કર્યાં હતાં. કૅમ્પનાં દૃશ્યોનું શૂટિંગ બામણબોર પાસેના એક તળાવ નજીક કર્યું હતું. વિશાળ જગ્યામાં પથરાયેલા લાલ મરચાં, એના પર દોડતા ઘોડાઓનું જે દૃશ્ય છે તે ચૂડા ગામ પાસે શૂટ કર્યું હતું. બાવીસથી પચ્ચીસ દિવસની અંદર આખી ફિલ્મ શૂટ કરી હતી. શૂટિંગ દરમિયાન અમે રાજકોટ રહ્યા હતા. 1985ના ફેબ્રુઆરી મહિનામાં અમે શૂટિંગ શરૂ કર્યું હતું અને 1987ના ફેબ્રુઆરી માસમાં ફિલ્મ રિલીઝ થઈ હતી. આમ, બધી પ્રક્રિયામાં બે વર્ષ જેટલો સમયગાળો લાગ્યો હતો.

જ્યારે સ્મિતા પાટીલ રડવા માંડ્યાં...
પરેશ નાયક કલાકાર કસબીઓ સાથેના સંસ્મરણો વાગોળતાં કહે છે, ‘મિર્ચ મસાલા સાથે સંકળાયેલાં ઘણાં કલાકાર-કસબીઓ અગાઉ ‘ભવની ભવાઈ’ ફિલ્મમાં પણ સાથે કામ કરી ચૂક્યાં હતાં. સ્મિતા પાટીલ, ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, મોહન ગોખલે આ બધા ‘ભવની ભવાઈ’માં પણ હતાં. ‘મિર્ચ મસાલા’ વખતે સ્મિતા ટોચનાં સ્ટાર બની ચૂક્યાં હતાં. એમની વ્યસ્તતાને કારણે અમને ડબિંગની ડેટ નહોતી મળી રહી. આથી સ્મિતા પાટીલનું ડબિંગ અમે ગોપી દેસાઈ પાસે કરાવ્યું હતું. સ્મિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે રડવા માંડ્યાં હતાં. તેમણે કહ્યું કે ડબિંગ તો હું જ કરીશ! આ તેમનું કામ પ્રત્યે કમિટમેન્ટ હતું. પરેશ રાવલ, સુજાતા મહેતા જેવાં કલાકારો પણ ડબિંગમાં અમને મદદ કરતાં હતાં.’

કેતન મહેતાએ આ ફિલ્મ ગુજરાતીને બદલે હિન્દીમાં કેમ બનાવી?
પરેશ નાયક છેલ્લે સરસ વાત કહે છે, ‘સિનેમા થિયેટરથી આગળ વધીને, બધી કલાને સાંકળી લઈને ઝીણવટથી વાસ્તવનું અર્થઘટન કરી શકે છે. ‘મિર્ચ મસાલા’ એ પાત્રાલેખન પર નભતી ફિલ્મ છે. ટૂંકી વાર્તા પરથી આ ફિલ્મ બની છે ત્યારે તે ચુનીલાલ મડિયાની વાર્તા હોવાની સાથે એક રીતે કેતન મહેતાની વાર્તા પણ બની જાય છે. હું તમને ચૅલેન્જ સાથે કહું છું કે જો ‘મિર્ચ મસાલા’ ગુજરાતીમાં બની હોત તો અત્યારે જે સ્વરૂપમાં છે તેના કરતાં પણ વધુ સારી થઈ હોત. ભાષાને તમે સિનેમામાંથી બાકાત નથી કરી શકતા.કેતન મહેતાને ‘મિર્ચ મસાલા’ હિન્દીમાં કરવી પડી, કેમ કે અર્થપૂર્ણ ગુજરાતી ફિલ્મમાંથી નાણાં મેળવવા લગભગ અશક્ય વાત છે. વળી, કલાકારોની સહાય મેળવવી પણ ઘણી અઘરી થઈ પડે છે. આ પ્રકારનું કલ્ચર આપણે ત્યાં નથી તેથી ગુજરાતી ભાષાની વાતને આપણે હિન્દીમાં લાવવી પડે છે. બાકી ઓમ પુરી, નસરુદ્દીન, સ્મિતા પાટીલ સહિતના મોટા ભાગના કલાકારો કોઈ પણ ભાષામાં ડબિંગ કરી શકે તેમ હતા. સત્યજિત રે જેવા ઊંચા ગજાના ફિલ્મ-દિગ્દર્શકે 'મિર્ચ મસાલા'ની સરાહના કરી હતી. અમારા બધા માટે આ બહુ ગૌરવની વાત હતી.’

અન્ય સમાચારો પણ છે...