વેલેન્ટાઇન ડે સ્પેશિયલ:ગુજરાતના કાપડ વેપારીએ પત્નીની યાદમાં મંદિર બંધાવ્યું, મોરારિબાપુ પણ લઈ ચૂક્યા છે મુલાકાત

6 મહિનો પહેલાલેખક: કિશન પ્રજાપતિ

આમ તો સાચા પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી હોતી પણ, આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે અમે તમને ગુજરાતના કાપડના વેપારીની સાચી પ્રેમકહાણી જણાવીએ છીએ. આ પ્રેમકહાણી છે મૂળ સુરેન્દ્રનગરના ખોડુ ગામના વતની (હાલ દિલ્હીના રહેવાસી) લાલારામ અને લલિતાબહેનની. વર્ષ 2004માં હાર્ટ-એટેક આવતાં લલિતાબહેનનું નિધન થયું હતું, જેને લીધે લાલારામ અને તેમના પરિવારને લલિતાબહેનને ના બચાવી શકવાનો વસવસો રહી ગયો. લલિતાબહેન જ્યારે જીવતાં હતાં ત્યારે લાલારામને સમાજના લોકો, ગરીબો અને અનાથની સેવા કરવા માટે કહેતાં હતાં, પણ એ વખતે લાલારામ લલિતાબહેનની વાત હસીને ટાળી દેતા હતા. લલિતાબહેનના નિધન બાદ લાલારામે પત્નીની યાદમાં સુરેન્દ્રનગરના દૂધરેજ-ખોડુ રોડ પર વૃદ્ધાશ્રમ બનાવ્યો અને એમાં લલિતાબહેનની આબેહૂબ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરી. જ્યારે વૃદ્ધાશ્રમ બની ગયો ત્યારે ખુદ મોરારિબાપુએ એનું ઉદઘાટન કર્યું હતું. લાલારામે દિવ્ય ભાસ્કર સાથે તેમની અને લલિતાબહેનની અનોખી પ્રેમકહાણી વાગોળી હતી, જે અમે અહીં તેમના શબ્દશઃ રજૂ કરીએ છીએ.

લલિતાબહેન અને લાલારામ.
લલિતાબહેન અને લાલારામ.

''મારાં પત્ની (લલિતાબહેન) તેમના મૃત્યુનાં થોડાંક વર્ષ પહેલાં સમાજ સેવાનું કરવાનું કહેતાં''
લાલારામ ભોજવિયાએ દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ''અમે મૂળ સુરેન્દ્રનગરના ખોડુ ગામના વતની છીએ. છેલ્લાં ઘણાં વર્ષથી અમે દિલ્હીમાં રહીએ છીએ અને અહીં અમારે કાપડનો મોટો બિઝનેસ છે. મારાં પત્ની જ્યારે જીવતાં હતાં ત્યારે મને દરેક વારતહેવારે સમાજના લોકો, ગરીબો અને અનાથની સેવા કરવા માટેનું વારંવાર કહેતાં હતાં, પણ એ સમયે હું તેમની વાત હસીને ટાળી દેતો હતો. એ વખતે હું તેમને એવું કહેતો હતો કે આ બધા કાર્ય કરવાં સરળ નથી છતાં તેઓ મને માનવસેવાના કાર્યનું કહેતાં રહેતાં હતાં. ત્યારે મને કલ્પના પણ નહોતી કે એક દિવસ આટલો મોટો તેમના નામનો વૃદ્ધાશ્રમ હશે.''

લાલારામ અને લલિતાબહેન તેમનાં બંને બાળકો સાથે.
લાલારામ અને લલિતાબહેન તેમનાં બંને બાળકો સાથે.

''વર્ષ 2004માં હાર્ટ-એટેકથી લલિતાબહેનનું નિધન થયું અને તેમને ના બચાવી શક્યાનો આજે પણ વસવસો છે''
લાલારામે જણાવ્યું હતું કે ''વર્ષ 2004માં લલિતાબહેનને હાર્ટ-એટેક આવ્યો. અમારી પાસે બધું હોવા છતાં અમે તેમને બચાવી ના શક્યા એનો મને અને આખા પરિવારને વસવસો રહી ગયો. મારી પત્નીના નિધન પછી અમારાં બાળકોએ કહ્યું હતું કે મમ્મીની આપણે ખાસ સેવાચાકરી કરી શક્યા નહિ અને તેમની ઇચ્છા પૂરી કરવા હવે આપણે સમાજ, ગરીબો અને અનાથો માટે કંઈક કરવું છે.''

લલિતાબહેન વૃદ્ધાશ્રમનું ઉદઘાટન કરતા મોરારિબાપુ.
લલિતાબહેન વૃદ્ધાશ્રમનું ઉદઘાટન કરતા મોરારિબાપુ.

''લલિતાબહેન વૃદ્ધાશ્રમ બનાવ્યો, જેનું મોરારિબાપુએ ઉદઘાટન કર્યું હતું''
લાલારામે વધુમાં કહ્યું હતું કે ''પરિવારમાં લલિતાબહેનની અધૂરી ઇચ્છા પૂરી કરવાનું નક્કી કર્યા પછી અમે અમારા મૂળ વતન સુરેન્દ્રનગરના ખોડુ ગામ નજીક ચારએક વીઘા જમીન રાખી. એમાં બે-અઢી વર્ષ કન્સ્ટ્રક્શન ચાલ્યું અને અંદાજે ત્રણ વર્ષમાં અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે વૃદ્ધાશ્રમ બનીને તૈયાર થઈ ગયો. એ વખતે ખુદ મોરારિબાપુએ અહીં આવીને લલિતાબહેન વૃદ્ધાશ્રમનું ઉદઘાટન કર્યું હતું અને મેં મારાં પત્નીની આબેહૂબ મૂર્તિ આશ્રમમાં બનાવેલાં એક મંદિરમાં સ્થાપી હતી.''

લલિતાબહેનના નિઘન બાદ વૃદ્ધાશ્રમમાં લાલારામે સ્થાપેલી તેમની આબેહૂબ મૂર્તિ.
લલિતાબહેનના નિઘન બાદ વૃદ્ધાશ્રમમાં લાલારામે સ્થાપેલી તેમની આબેહૂબ મૂર્તિ.

''લલિતાબહેનની મૂર્તિની દરરોજ સવાર-સાંજ પૂજા-અર્ચના થાય છે''
લાલારામે કહ્યું, ''વૃદ્ધાશ્રમમાં આવેલા મંદિરમાં લલિતાબહેનની મૂર્તિની દરરોજ સવાર-સાંજ પૂજા-અર્ચના કરવામાં આવે છે. અહીં વૃદ્ધાશ્રમમાં રહેતા લોકો અને આસપાસના ગામની મહિલાઓ અહીં આવીને ભજન-કીર્તન પણ કરે છે.''

લલિતાબહેન વૃદ્ધાશ્રમની તસવીર.
લલિતાબહેન વૃદ્ધાશ્રમની તસવીર.

''વૃદ્ધાશ્રમમાં દરેક લોકોને નિઃશુલ્ક રાખીએ છીએ''
લાલારામે જણાવ્યું હતું કે ''લલિતાબહેન વૃદ્ધાશ્રમમાં અત્યારે 30થી વધુ વૃદ્ધ લોકો રહે છે, જેમની પાસે અમે એકપણ રૂપિયો ફી લેતા નથી. દરેકને સવારે નાસ્તો, બપોર અને સાંજે જમવાનું આપીએ છીએ. આ ઉપરાંત કોઈ વૃદ્ધ બીમાર પડે તો તેમની દવા પણ અમે ફ્રીમાં કરાવીએ છીએ.''

લલિતાબહેનના પતિ લાલારામ ભોજવિયા.
લલિતાબહેનના પતિ લાલારામ ભોજવિયા.

''લલિતાબહેનની હયાતીમાં આ સેવાકાર્ય કર્યું હોત તો તેઓ ખૂબ રાજી થયાં હોત''
લાલારામે કહ્યું હતું કે ''અત્યારે મારાં પત્ની લલિતાબહેન તો આ દુનિયામાં નથી પણ, તેમના નામે આ વૃદ્ધાશ્રમ બનાવી લોકોની સેવા કરું છું. જો તેમની હયાતીમાં આ કાર્ય કર્યું હોત તો તેઓ ઘણાં ખુશ થયાં હોત, પણ આજે લલિતાબહેન જ્યાં હશે ત્યાંથી આ સેવાનું કાર્ય જોઈને ઘણાં રાજી થતાં હશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે એવી અમે આખો પરિવાર પ્રાર્થના કરીએ છીએ.''

અન્ય સમાચારો પણ છે...