કોવિડ ઇમ્પેક્ટ:ત્રીજી લહેર આવતાં ગુજરાતના IT સેક્ટરમાં ફરી 100% વર્ક ફ્રોમ હોમ, કંપનીઓ 3-6 મહિના ઘરેથી જ કામ કરાવશે

અમદાવાદ19 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
  • ત્રીજી લહેરની શરૂઆત સાથે જ સ્ટાફને ઓફિસ આવવા પર પ્રતિબંધ
  • કંપનીઓ એપ્રિલ અને જૂનમાં પરિસ્થિતિ મુજબ રિવ્યુ કરશે

ભારત અને ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) સેક્ટરની કંપનીઓએ ફરી 100% વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટ અપનાવ્યો છે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ગેસિઆ IT એસોસિયેશન) અને કંપનીઓના જણાવ્યા પ્રમાણે એપ્રિલ અને જૂનમાં પરિસ્થિતિને રિવ્યુ કરવામાં આવશે, પણ હાલ તો બધા જ કર્મચારીઓને આગામી ત્રણથી 6 મહિના માટે ઘરેથી જ કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.

અત્યારસુધી 30-50% સ્ટાફ ઓફિસ આવતો હતો
સપ્ટેમ્બર 2021થી દેશમાં કોવિડની સ્થિતિ ઘણી કાબૂમાં હતી અને કેસ પણ એકદમ ઘટી ગયા હતા. ત્યાર બાદથી IT સેક્ટરમાં ધીમે ધીમે સ્ટાફ ફરી ઓફિસ આવવા લાગ્યો હતો અને છેલ્લી સ્થિતિ મુજબ ઘણી કંપનીઓમાં 30-50% કર્મચારીઓ ઓફિસ આવતા થઈ ગયા હતા. જોકે ઓફિસ આવવું ફરજિયાત કરવામાં આવ્યું નથી. જે એમ્પ્લોયી ઘરેથી કામ કરવા માગતા હોય તેમને રિમોટલી કામ કરવાની મંજૂરી છે.

ઓફિસ આવતા લોકોના એન્ટિજન ટેસ્ટ કરાયા
ગેસિઆ IT એસોસિયેશનના પ્રેસિડેન્ટ અને સિગ્નેટ ઇન્ફોટેકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેજીન્દર ઓબેરોયે જણાવ્યું હતું કે IT સેક્ટરમાં કોવિડ અને એને લગતાં સાવચેતીનાં પગલાં અંગે જાગરૂકતા વધારે છે. મોટા ભાગનો સ્ટાફ વેક્સિનેટેડ છે. અમારી કંપનીની વાત કરીએ તો સિગ્નેટમાં 1250થી વધુ લોકો કામ કરે છે અને અત્યારે તેમાંથી 180 જેટલા એમ્પ્લોયીઝ આવતા હતા. કેસ વધવાની સાથે જ અમે ઓફિસ આવતા તમામ સ્ટાફના એન્ટિજન ટેસ્ટ કરાવ્યા હતા. અમારી જેમ અન્ય કંપનીઓ પણ કર્મચારીઓના પ્રિકોશન માટે ટેસ્ટ સહિતના અલગ અલગ પગલાં ભરે છે.

હાયરિંગ એક્ટિવિટીને કોઈ અસર નહીં થાય
તેજીન્દર ઓબેરોયે કહ્યું હતું કે IT સેક્ટરમાં બહોળા પ્રમાણમાં જોબ ક્રિએશન થઈ રહ્યું છે. કોવિડ બાદ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓના કામમાં વધારો થયો છે. જોકે અત્યારે નવેસરથી જે સ્થિતિ ઊભી થઈ છે એને કારણે હાયરિંગ એક્ટિવિટીને કોઈ અસર થશે નહીં. કંપનીઓને સારા માણસોની જરૂર છે અને રિમોટ વર્કિંગ હવે સામાન્ય બની ગયું છે, તેથી દેશના કોઈપણ ખૂણેથી નવી ભરતી કરવામાં કોઈને વાંધો આવી રહ્યો નથી.

એપ્રિલ પહેલાં કોઈને બોલાવવાની ગણતરી નથી

નેટવેબ સોફ્ટવેરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને નાસકોમમાં નેશનલ SME કાઉન્સિલ મેમ્બર મૌલિક ભણસાલીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં અમે અમારા ઓફિસ આવતા બધા જ સ્ટાફને ઘરેથી કામ કરવા કહ્યું છે. એપ્રિલ પહેલાં કોઈને ઓફિસ બોલાવવાની ગણતરી નથી. ગુજરાતમાં અમારી સાથે 250થી વધુ લોકો કામ કરે છે અને તેમાંથી 90-95 લોકો ઓફિસ આવતા હતા. હવે માત્ર 3-5 લોકો જ આવે છે. ગુજરાત બહારના અમારા એમ્પ્લોયીઝને અમે વર્ક ફ્રોમ હોમ માટે કહ્યું છે. એમાં પણ એકદમ જરૂરિયાત હશે તેવા સ્ટાફને જ બોલાવવામાં આવશે.

ફુલ્લી વેક્સિનેટેડ સ્ટાફને પહેલા બોલાવશે
નાસ્ડેકમાં લિસ્ટેડ TTEC ઈન્ડિયાના વાઇસ-પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર કૌશલ મહેતાએ જણાવ્યું હતું કે કોરોનાના કેસ વધતાં જ અમે 100% વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે અને જૂન પછી જ અમે અમારા એમ્પલોયીઝને પાછા બોલાવવા અંગે વિચારીશું. એપ્રિલમાં પરિસ્થિતિનો રિવ્યુ કરવામાં આવશે અને જરૂર પડશે તો અમુક લોકોને બોલાવીશું. તેમાં પણ જે લોકો ફુલ્લી વેક્સિનેટેડ હશે તેમને પહેલા બોલાવવામાં આવશે. અમદાવાદમાં અમારે 2500 જેટલો સ્ટાફ છે અને તેમાંથી 2100 જેટલા લોકોએ વેક્સિન લઈ લીધી છે. વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા અમારો કોઈપણ કર્મચારી ખાનગી હોસ્પિટલમાં રસી લે છે તો એનો ખર્ચ કંપની ભોગવે છે.

ગુજરાત IT સેક્ટરમાં 3 લાખથી વધુ કર્મચારીઓ
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આ ઉદ્યોગમાં અંદાજે 3 લાખથી વધુ લોકો કામ કરી રહ્યા છે. રાજ્યના IT સેક્ટરમાં 3000-4000 કંપનીઓ આવેલી છે. ભારતમાં વેક્સિન ડ્રાઈવ શરૂ થઈ ત્યારથી IT કંપનીઓએ પોતાના સ્ટાફ અને તેમના પરિવાર માટે ઓફિસમાં જ રસી આપવાની વ્યવસ્થા ગોઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...