કરોડોનો ખર્ચ પાણીમાં:વરસાદે ખરાબ ડ્રેનેજ સિસ્ટમની પોલ ખોલી, હવે ગુજરાત સરકાર 1958 કરોડનો ખર્ચ કરી ડ્રેનેજ સુધારશે

ગાંધીનગર23 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે
  • વોટર સપ્લાયના કામ માટે રાજ્યમાં 3028.496 કરોડનો ખર્ચ થશે
  • બગીચા તથા તળાવની કાયાપલટ માટે પણ ખર્ચાશે 25.548 કરોડ

રાજ્યમાં વરસાદને કારણે ભૂવા પડવા કે રસ્તા તૂટી જવા સહિતની સમસ્યાઓ વેઠવામાં કદાચ સરકારના મંત્રીઓ જ બાકાત રહ્યા હશે. આ તમામ સમસ્યાઓ પાછળ માનવામાં આવે છે કે ડ્રેનેજ સિસ્ટમ જો યોગ્ય રીતે નાખવામાં આવી હોત તો આ પ્રકારની કૃત્રિમ સમસ્યાઓનો સામનો ઓછો કરવો પડી શક્યો હોત. ખેર, જે થયું એ, પરંતુ નાગરિકોએ તો વેઠ્યું જ છે. જોકે હવે તંત્રએ કરેલી સંભવિત ભૂલો પર લીપાપોથી કરવાનો સમય આવી ગયો હોય એમ લાગે છે.

રાજ્ય સરકાર રાજ્યની 156 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા વિસ્તારમાં ગટરલાઇન તેમજ પાણીપુરવઠા, તળાવ, જળ સંસ્થાઓનો કાયાકલ્પ કરવા જઈ રહી છે. આ કાયાકલ્પ કરવા પાછળ કેન્દ્ર સરકારે અમૃત પ્રોજેક્ટ 2 હેઠળ મંજૂર કરેલી રૂપિયા 5 હજાર કરોડની રકમનો ખર્ચ કરવામાં આવશે.

ભારત સરકારે 15 હજાર કરોડનાં કામ મંજૂર કર્યાં: એમ.ડી. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM)
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનના મેનેજિંગ ડિરેક્ટર રાજકુમાર બેનિવાલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત સરકારે અમૃત 2 પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. ગુજરાતમાં આ અંગે રૂપિયા 15 હજાર કરોડનાં કામો મંજૂર કરવામાં આવ્યાં છે, જે પૈકી 5 હજાર કરોડનાં કામ મંજૂર થયાં છે તેમજ બાકીના 10 હજાર કરોડનાં કામ આગામી સમયમાં મંજૂર કરવામાં આવશે. આ કામોની અંદર પાણીપુરવઠા, ગટર, તળાવ, બગીચાનાં કામો કરાશે.

અમૃત 2 પ્રોજેક્ટનો હેતુ શો છે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 1લી ઓક્ટોબર, 2021ના રોજ AMRUT 2.0 પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, જે યોજના 5 વર્ષની રાખવામાં આવી છે. આ મિશનનો ઉદ્દેશ તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં 100% પાણીપુરવઠો પૂરો પાડવાનો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓ અને એમાં પણ 100% સીવરેજ કવરેજ પ્રદાન કરવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતનાં 31 શહેરને આવરી લેવામાં આવ્યાં છે.

ત્રણ તબક્કામાં ગુજરાતમાં કામ થશે
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM)ની નોડલ એજન્સી તરીકે જ્યારે નિમણૂક કરવામાં આવી છે ત્યારે કેન્દ્રીય પ્રાયોજિત મિશન AMRUT 2.0 હેઠળ સ્ટેટ વોટર એક્શન પ્લાન (SWAP)ના ત્રણ તબક્કા, એટલે કે સ્વેપ-1, સ્વેપ-2 અને સ્વેપ-3માં કામ કરવામાં આવશે. આ ત્રણ તબક્કા પૈકી ગુજરાત સરકારની દરખાસ્તને આધારે પ્રથમ હપતો, એટલે કે સ્વેપ-1ને મંજૂરી મળી ગઈ છે અને કેન્દ્ર સરકારે આ અંતર્ગત રૂપિયા 5 હજાર કરોડની ફાળવણી પણ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...