તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદના માર્કેટનો ગ્રાઉન્ડ રિપોર્ટ:બજારો તો ખૂલી, પણ રોનક પાછી આવતાં સમય લાગશે, નાના વેપારીઓનો ધંધો ઘટીને 20% થઈ ગયો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેશનરી, ફૂટવેર, ઈલેક્ટ્રોનિક્સ, ચશ્માં, રમકડાં, કપડાંની દુકાનોમાં ગ્રાહકોની નહિવત હાજરી
  • વેપારીઓએ લગ્નગાળાની ઘરાકી ગુમાવી અને હવે આવનારા તહેવારોમાં વેપાર વધવાની અપેક્ષા

બેકાબૂ બનેલી કોરોનાની બીજી લહેરને કાબૂ કરવા રાજ્ય સરકારે એપ્રિલમાં મિની લોકડાઉન લાગુ કર્યું હતું અને ત્યાર બાદ જીવન જરૂરી ન હોય એવી તમામ વસ્તુઓના વેપાર માટે કડક નિયમો લગાવ્યા હતા. ત્યાર બાદ 21 મે પછી સરકારે ધીમે ધીમે દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી અને બપોરે 3 વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી હતી. 4 જૂનથી રાજ્ય સરકારે આ સમયમર્યાદા વધારી સાંજના 6 વાગ્યા સુધીની કરી છે. દિવ્ય ભાસ્કરે અમદાવાદ શહેરની અલગ અલગ બજારોના દુકાનદારો સાથે વાત કરી તેમની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.

હાલની સ્થિતિમાં કપડાના વેપારને સૌથી વધુ ફટકો પડ્યો છે.
હાલની સ્થિતિમાં કપડાના વેપારને સૌથી વધુ ફટકો પડ્યો છે.

વેપારીઓના મનમાંથી નિરાશ ગઈ નથી
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મોટા ભાગના વેપારીઓએ જણાવ્યું હતું કે સરકારે દુકાનો ચાલુ રાખવાની સમયમર્યાદામાં વધારો કર્યો એનાથી રાહત તો મળશે, પણ બજારમાં રોનક પાછી આવતાં સમય લાગશે. એપ્રિલમાં મિની લોકડાઉન અને ત્યાર બાદ લાગેલા નિયમોને કારણે લગ્નસરા તેમજ ફેસ્ટિવલ્સનો ધંધો બિલકુલ થયો ન હતો અને અત્યારે પણ ગ્રાહકો આવતા નથી. દુકાનો શરૂ તો કરી છે, પણ વેપાર ઘટીને 20% પર આવી ગયા છે.

દિવસ દરમિયાન ધમધમતા પુસ્તક માર્કેટની રોનક થઈ ગુમ

ફર્નાન્ડિઝ બ્રિજ પાસે આવેલું પુસ્તક માર્કેટ.
ફર્નાન્ડિઝ બ્રિજ પાસે આવેલું પુસ્તક માર્કેટ.

સામાન્ય દિવસોમાં, એટલે કે કોરોના પહેલાં દિવસ દરમિયાન ફર્નાન્ડિઝ બ્રિજ પાસે આવેલા પુસ્તક માર્કેટ દિવસ દરમિયાન ધમધમતું રહેતું. માત્ર અમદાવાદ નહીં, પરંતુ રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી પણ અમદાવાદમાં અહીં પુસ્તક ખરીદી માટે આવતા, પરંતુ કોરોના અને મિની લોકડાઉનને કારણે દિવસ અગાઉ મોટા પ્રમાણમાં અહીં ચહલપહલ જોવા મળતી, પણ હવે આ માર્કેટની રોનક ગાયબ છે. અતુલ બુક સ્ટોલના સંચાલક અતુલ શાહનું કહેવું છે કે વેપારધંધા માટે જ્યારે સમય અવધિ વધારવામાં આવી છે એનાથી થોડોઘણો ફાયદો થશે એવી આશા સેવીને બેઠા છે. 21 એપ્રિલ બાદ વેપાર ચાલુ કર્યા બાદ એમાં 15-20% વધારો થશે અને રોજનો ખર્ચ નીકળે તોપણ હાલ મોટી રાહત સાબિત થશે.

સમય વધ્યો, પણ ગ્રાહકો વધવાની અપેક્ષા નથી
CG રોડ શોપ ઓનર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ મોચી કા જૂતાં ફૂટવેરના માલિક વસંત તિરોડકરે જણાવ્યું કે, હું 1965થી ધંધો કરું છું પણ આ પ્રકારનો માહોલ ક્યારે ય જોવા મળ્યો નથી. 9 વાગ્યે દુકાનો ખોલવાની મંજૂરી હોવા છતાં ઘરાકી ન હોવાથી CG રોડના ઘણા દુકાનદારો 10:30-11 વાગ્યા પછી દુકાને આવે છે. આમ પણ ગ્રાહકોની સંખ્યામાં 60-70% જેવો ઘટાડો થયો છે. સમયમર્યાદા વધી છે પણ ગ્રાહકોની આવવાની સંખ્યામાં તાત્કાલિક વધારો થવાની અપેક્ષા નથી.

CG રોડ શોપ ઓનર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ વસંત તિરોડકર.
CG રોડ શોપ ઓનર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ વસંત તિરોડકર.

સમયમાં 3 કલાક વધારો ઓક્સિજન સામન સાબિત થશે
સ્ટેશનરીના વેપારીઓનું માનવું છે કે વેપાર ધંધા માટે ત્રણ કલાક વધુ છૂટ આપવામાં આવી છે જેના કારણે તે ઓક્સિજન સમાન સાબિત થશે કેમ કે હાલ સવારે 10થી 12 દરમિયાન જ ઘરાકી જોવા મળી રહી છે. ગરમીના કારણે લોકો પણ બહાર આવવાનું ટાળી રહ્યા છે, જોકે હવે દૂકાનો સાંજ સુધી ખુલ્લી રહેશે, જેથી ખરીદી માટે લોકોને સમય મળી રહેશે અને વેપાર-ધંધાની ટકાવારી 40 ટકા સુધી પહોંચે. તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે જો શાળા-કોલેજ ક્યારે ખુલે, તેની રાહ જોઈ બેઠા છે.

સ્ટેશનરી માર્કેટમાં 15થી 20% જ વેપાર થાય છે
અમદાવાદ શહેરના લાલ દરવાજા પાસેના ફર્નાન્ડીસ બ્રીજ પાસેના પુસ્તક માર્કેટના વેપારી ભાવેશ શાહનું કહેવું છે કે હવે વેપાર-ધંધા માટે પરવાનગી અપાઈ છે, ત્યારે અત્યાર સુધી પડેલ સમસ્યાઓથી થોડી-ઘણી રાહત મળશે. કારણ કે પુસ્તક-સ્ટેશનરી બજારમાં ઓફલાઇન શિક્ષણ બંધ હોવાથી નહિવત પ્રમાણમાં વેપાર હતો. જોકે રાજ્ય સરકારે 21 એપ્રિલથી સવારે 9 બપોરે 3 વાગ્યા સુધી વેપારમાં કેટલીક મર્યાદાઓ અને સમસ્યાઓ નડી રહી હતી. હાલ માર્કેટમાં 15-20% વેપાર છે. પણ હવે આ સમયગાળાને લંબાવવામાં આવ્યો છે, જેથી વેપાર કરવા સરળતા રહેશે.

ચશ્માના બિઝનેસમાં રિકવરીની કોઈ અપેક્ષા નથી

આર કુમાર ઓપ્ટિકલ્સમાંથી ખરીદી કરતાં ગ્રાહકો.
આર કુમાર ઓપ્ટિકલ્સમાંથી ખરીદી કરતાં ગ્રાહકો.

આર કુમાર ઓપ્ટિકલ્સના ઓનર અનુપ કુમારે જણાવ્યું કે, લોકો નંબરની વધઘટ થાય તો ચશ્માંની ખરીદી કરે છે. ફેશન માટે ગોગલ્સ ખરીદનારાઓ બિલકુલ ઘટી ગયા છે. ઓવરઓલ ફૂટફોલ 60%થી પણ ઓછો છે. જાન્યુઆરીમાં સ્થિતિ સામાન્ય બની ગઈ હતી અને ત્યારે રોજના 30-35 લોકો આવતા હતા. તેની સામે અત્યારે 15-17 લોકો જ આવે છે. ચશ્મા કે ગોગલ્સ લોકો માટે આવશ્યક વસ્તુ નથી તે જોતાં લાગી રહ્યું છે કે અમારા બિઝનેસમાં તાત્કાલિક રિકવરી નહીં આવે. સમય વધ્યો છે તે સારું છે પણ ધંધો વધશે તેવી કોઈ ખાસ અપેક્ષા નથી.

અત્યારે કોઈ રમકડાં ખરીદતું નથી
રામકડાના એક ધંધાર્થીએ જણાવ્યું હતું કે, અમે 15 દિવસથી દુકાન ખોલીએ છીએ પણ ઘરાકી કોઈ જ નથી. રોજના માંડ 5-7 લોકો આવે છે અને તે પણ કોઈ ખરીદી કરે તે નક્કી નથી હોતું. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રોજના 25-30 લોકો આવતા હતા. સરકારે સમયમર્યાદા વધારી છે તો આશા છે કે લોકો રામકડાની ખરીદી માટે આવશે. ઉનાળો છે તો સાંજે 6ના બદલે 8 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવા પરમીશન મળે તો અમારા જેવા નાના વેપારીઓને વધુ ફાયદો થશે.

સ્ટીલ ફર્નિચર માટે ખરીદીની સિઝન ચાલી ગઈ

સદગુરુ સ્ટીલ વર્ક્સના ઓનર સુરેશ પ્રજાપતિ..
સદગુરુ સ્ટીલ વર્ક્સના ઓનર સુરેશ પ્રજાપતિ..

સાબરમતી વિસ્તારમાં સ્ટીલ ફર્નિચર બનાવતા સદગુરુ સ્ટીલ વર્ક્સના ઓનર સુરેશ પ્રજાપતિએ જણાવ્યું કે, કબાટ, તિજોરી, પેટી જેવા સ્ટીલના સામાનની ખરીદી મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાંથી થતી હોય છે. આ વર્ષે પણ એપ્રિલ અને મે મહિનામાં નિયંત્રણો હોવાથી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની અસર વધુ હોવાથી લગ્નસરાની ખરીદી બંધ હતી. અત્યારે સમય વધ્યો છે એટલે થોડા ઘણા ઓર્ડર મળે છે પણ અમારા માટે તો સિઝનનો પિરિયડ પૂરો થઈ ગયો એટલે કોઈ ખાસ ફાયદો નથી. હવે જુલાઇમાં સ્થિતિ શું રહેશે તેના ઉપર નજર છે. બધુ સારું રહેશે તો ધંધો પણ સારો રહેશે.

ઓનલાઈન વેચાણના કારણે પડ્યો ફટકો
ગુજરાત મોબાઈલ વેપારી એસોસિએશનના પ્રમુખ નિકુંજ પટેલનું કહેવું છે કે રિટેઇલ બજારમાં 40% ધંધો જોવા મળી રહ્યો છે. કોરોનાના ડરના કારણે લોકો બજારમાં આવવાથી ડરી રહ્યા છે. જેની અસર વેપાર-ધંધા પર જોવા મળી રહી છે. વળી લોકડાઉન દરમિયાન ઓનલાઈન મોબાઈલનું વેચાણ યથાવત રહ્યું જેની મોટી અસર રિટેઇલ બજારમાં જોવા મળી રહી છે. ઓનલાઇન વેચાણમાં ડિસ્કાઉન્ટ મળવાથી પણ લોકો તેની તરફ વળ્યા છે. આ પરિસ્થિતિમાં હવે નાના વેપારીઓ પણ ડિસ્કાઉન્ટ આપવા માટે મજબૂર બન્યા છે જેથી વેપારમાં ધારી સફળતા નથી મળી રહી. હવે દેશમાં અનલોક થતા મોબાઈલ માર્કેટમાં સંતોષકારક વેપાર થાય તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે.રીલીફ રોડ પર સ્થિત મૂર્તિમન મોબાઈલ કોમ્પ્લેકસ.

લોકો નવો મોબાઈલ લેવા કરતાં રિપેરિંગ વધુ કરાવે છે

મોબાઈલ શોપમાં ફોન રીપેર કરતાં દુકાનદાર.
મોબાઈલ શોપમાં ફોન રીપેર કરતાં દુકાનદાર.

રીલીફ રોડ પર સ્થિત મૂર્તિમન મોબાઈલ કોમ્પ્લેકસમાં લોકોની હાજરી તો જોવા મળી પણ રસપ્રદ વાત એ હતી કે આ ભીડ પૈકી મહત્તમ લોકો પોતાનો મોબાઈલ રીપેર કરાવતા જોવા મળ્યા હતા. આ કોમ્પ્લેક્સના પ્રેસિડેન્ટ મહાદેવ વાધવાણીનું કહેવું છે કે જ્યારથી દુકાનોની શરૂઆત થઈ છે, ત્યારથી વેચાણની સરખામણીએ મોબાઇલ રીપેરીંગની કામગીરી વધુ જોવા મળી રહ્યો છે. અગાઉના દિવસોમાં જ્યાં દિવસના 5-7 મોબાઈલ રીપેરીંગ માટે આવતા, તેની જગ્યાએ આજે 15-20 મોબાઇલ રીપેરીંગ માટે આવી રહ્યા છે. કારણકે કોવિડની કપરી પરિસ્થિતિમાં લોકોની ખરીદશક્તિ ઘટી છે. નવો મોબાઈલ ખરીદવાના સ્થાને લોકો હવે મોબાઈલ રીપેર કરાવી, કામ ચલાવી લેવા માંગે છે.

સમય વધતાં કપડાના વેપારીઓને થોડી રાહત મળશે
રતનપોળ વેપારી મંડળના અગ્રણી નિતીન શાહનુ કહેવુ છે , કે ગયા વર્ષે પણ જ્યારે લગ્નગાળાની મોસમ હતી, ત્યારે લોકડાઉન હતુ, આ વર્ષે પણ જ્યારે લગ્નગાળામાં સારા વેપારની આશા સેવી બેઠા હતા, પરંતુ કોરોનાની બીજી લહેરામાં તેના પર પાણી ફરી વળ્યું છે. વેપાર માટે સમય વધારો તો થયો પરંતુ કપડાના વેપારમાં ગ્રાહક મહત્તમ સમય લે છે જેના કારણે આ સમય વધારો મહત્વપૂર્ણ બની રહેશે. વેપારી મંડળની માંગ છે કે આ વર્ષે કોર્પોરેશન તરફથી ટેક્સમાં 20% માફી મળે તો પણ મોટી રાહત સમાન સાબિત થાય, કારણ કે ભાડાની દુકાન ધરાવતા વેપારીઓની હાલ બેહાલ બન્યા છે.

રાતનપોળ કાપડ માર્કેટ
રાતનપોળ કાપડ માર્કેટ

દુકાનો તો ખુલી પણ ધંધા ન ખૂલ્યા
અમદાવાનું રતનપોળ માર્કેટ માત્ર અમદાવાદ નહિ પરંતુ રાજ્યભરમાં પ્રસિદ્ધ છે. ત્યાંની હાલત પણ કોરોના અને લોકડાઉનના કારણે કફોડી બની છે. માર્કેટના વેપારી ઉમંગ શેઠનું કહેવુ છે કે, 21 એપ્રિલમાં દુકાનો બંધ રહ્યા બાદ મેમાં ધંધો શરૂ થયા બાદ 15-12% ધંધો ચાલી રહ્યો છે. અહી 400 દુકાન આવેલી છે જેમાંથી કેટલીક જ દુકાનોમાં દિવસના 4થી 5 મોટા બિલ બને છે. વળી બપોરે 3 વાગ્યે દુકાન બંધ કરવાની હોવાથી જે ગ્રાહક દુકાનમાં હોય તેમને પણ ઝપડથી કામ નિપટાવવા માટે આગ્રહ કરવો પડે છે.

ઇલેક્ટ્રિક સામાનમાં વેપાર ઠપ્પ
અમદાવાદના ગાંઘીપુલ પાસેના ઇલેક્ટ્રિક માર્કેટના અગ્રણી વેપારી જયપ્રકાશ ભુલચંદાનીનું કહેવુ છે કોરોના વેપારમાં પણ મોટી નુકસાની કરી રહ્યો છે. અન્ય જિલ્લામાંથી લોકો નથી આવી રહ્યાં, જેના કારણે હાલ માત્ર 15% વેપાર છે. હાલના સંજોગોએ અમારે નવરા બેસી રહેવાની સ્થિતી ઉભી થઇ છે. સામાન્ય દિવસોમાં સવારથી લઇ સાંજ સુધી સતત ફોન ચાલતા રહેતા હોય છે. અમદાવાદના સ્થાનિક અને આસપાસના વેપારીઓ ફોન પર ઓર્ડર આપતા હોય છે. પરંતુ હવે તેનું પ્રમાણ પણ ન બરોબર છે. સામાન્ય દિવસોની સાથે સાથે નવરાત્રી, દિવાલી, નાતાલ, ગણશે ઉત્સવ, નવુ વર્ષ વગેરે જેવા તહેવારોમાં લાઇટની સિરીઝ, ઉપરાંત હેલોઝનો ધંધો મોટા પ્રમાણમાં ચાલતો હોય છે. પરંતુ પાછલા એક વર્ષથી એક પણ તહેવારની ઉજવણી નથી થઇ, જેની અસર સીધી ધંધા પર સર્જાઇ છે.

રિલીફ રોડ ઇલેટ્રોનિક માર્કેટમાં વેપાર પડી ભાંગ્યો છે.
રિલીફ રોડ ઇલેટ્રોનિક માર્કેટમાં વેપાર પડી ભાંગ્યો છે.

ઇલેક્ટ્રોનિક માર્કેટમાં ફ્રિજ, ટીવી, એસીના વેપારમાં મંદી
અમદાવાદના રિલીફ રોડ ઇલેટ્રોનિક માર્કેટના પ્રમુખ મેઘરજ ડોડવાણીએ જણાવ્યું કે, કોવિડના કારણે વેપાર-ધંધા ઠપ્પ કરી દીધા છે. હવે સ્થિતી એવી સર્જાઇ છે કે 21 એપ્રિલથી મર્યાદિત સમય માટે ધંધા ચાલુ તો થયા પરંતુ એકલ-દોકલ ઓર્ડર મળી રહ્યા છે. હાલ અનિશ્ચિતતાઓનો સમય ચાલી રહ્યો છે, ત્યારે વેપારીઓ ઓર્ડર આપવાનું જોખમ લેવા નથી માંગતા. માત્ર એટલુ જ નહિ પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સહાયની જાહેરાત તો કરી પરંતુ તે હજુ નાના વેપારીઓ સુધી નથી પહોંચી, જેના કારણે પણ મોટી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...