કોના પૈસે તાગડધિન્ના?:જીટીયુના કુલપતિ સ્ટાફને બે વખત ફિલ્મ બતાવવા લઈ ગયા, 70 હજારનો ધુમાડો કોણે કર્યો?

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • જીટીયુના કુલપતિ સહિતના સત્તાધીશોને ચાલુ ફરજ દરમિયાન સ્ટાફને ફિલ્મ બતાવવાનો ચસકો લાગ્યો
  • છેલ્લા 3 મહિનામાં બીજી વખત જીટીયુના સ્ટાફને ફિલ્મ જોવા લઈ ગયા
  • અંદાજે 70 હજાર જેટલી રકમનો ધુમાડો કોણે કર્યો ? કોણ છે સ્પોન્સર?

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી એક યા બીજા કારણસર સતત મીડિયામાં ચમકતી રહે છે. એમાંય વળી, તાજેતરમાં તો જીટીયુના કુલપતિએ હદ વટાવી દીધી હોય એવી હકીકત પ્રકાશમાં આવી છે. વિદ્યા અને શિક્ષાના પાઠ ભણાવવાનું કાર્ય કરતી યુનિવર્સિટીના સત્તાધીશોને ચાલુ ફરજ દરમિયાન જ કર્મચારીઓને ફિલ્મ જોવા લઈ જવાનો ચસકો લાગ્યો હોય એવું દેખાઇ રહ્યું છે. એક વખત નહીં, બલકે છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત ફિલ્મ જોવા લઈ ગયા હતા. ત્યાં સુધી કે આ ફિલ્મની ટિકિટનાં પૂરેપૂરાં નાણાં પણ કર્મચારીઓએ કાઢ્યા ન હતા અને તેમને ટિકિટની રકમમાં જીટીયુ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આ ડિસ્કાઉન્ટ 5-10 રૂપિયા નહીં, બલકે તગડું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ડિસ્કાઉન્ટનાં નાણાં ચૂકવ્યાં કોને ? એ તપાસનો વિષય છે.

જો આ વધારાનાં નાણાં યુનિવર્સિટીએ પણ ભોગવ્યા હોય તો એવું તો શું રહી જતું હતું કે યુનિવર્સિટી દ્વારા ફિલ્મ જોવા માટે પોતાના પૈસે કર્મચારીઓને ફિલ્મ બતાવી હતી. આ ડિસ્કાઉન્ટની રકમ પણ જોઈએ તો 5-10 હજાર નહીં, બલકે અંદાજે 70 હજાર થતી હોવાની વિગતો જાણવા મળી છે. જોકે યુનિવર્સિટીના કુલપતિ તરફથી કર્મચારીઓને ટિકિટ પેટે આપવામાં આવેલું ડિસ્કાઉન્ટ સ્પોન્સરરે આપ્યું હોવાનું જણાવ્યું છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ સ્પોન્સરર છે કોણ ? તેણે કેમ આપ્યું હશે ડિસ્કાઉન્ટ ?

કર્મચારીઓ પાસેથી ટિકિટ પેટે 50 રૂપિયાનું ઉઘરાણું કરીને બાકીનાં નાણાં જીટીયુએ ભોગવ્યા હતા.
કર્મચારીઓ પાસેથી ટિકિટ પેટે 50 રૂપિયાનું ઉઘરાણું કરીને બાકીનાં નાણાં જીટીયુએ ભોગવ્યા હતા.

જીટીયુને ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી તમામ ક્ષેત્રે આગળ હોવાનું વારંવાર રટણ કરવામાં આવે છે, ત્યારે પોતાના સ્ટાફને ફિલ્મો બતાવવામાં પણ આગળ હોવાનું સાબિત કરી દીધું હોય એમ લાગી રહ્યું છે. કર્મચારીઓ ચાલુ ફરજ દરમિયાન ફિલ્મો જોવા જતા હોવાને કારણે યુનિવર્સિટીમાં કામ અર્થે આવતા વિદ્યાર્થીઓને ધરમધક્કા પડી રહ્યા છે.

એક નહીં બે-બે વાર ફિલ્મ જોવા લઈ ગયા
નૈતિકતા અને સમાજસેવાની સુફિયાણી વાતો કરતા જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે અગાઉ માર્ચ મહિનામાં તેમના ટવિટ્રર એકાઉન્ટ પરથી કાશ્મીર ફાઇલ્સ ટેક્સ ફ્રી કરવાની અપીલ કરી હતી . ત્યાર બાદ જીટીયુના તમામ કર્મચારીઓ, એટલે કે લગભગ 300 જેટલા કર્મચારીઓને જોવા લઈ ગયા હતા. એમાં કર્મચારીઓ પાસેથી ટિકિટ પેટે 50 રૂપિયાનું ઉઘરાણું કરીને બાકીનાં નાણાં જીટીયુએ ભોગવ્યા હતા. એટલું જ નહીં, વળી પાછા આ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા દરેક કર્મચારીઓને ચાલુ ફરજ દરમિયાન જ લઈ ગયા હતા. વાત આટલેથી અટકતી નથી. ત્યાં વળી સોમવારે 30મી મેના રોજ પાછા જીટીયુના કુલપતિ તેમની ગુડબુકમાં આવતા 100 કર્મચારીને ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી જોવા લઈ ગયા હતા, એ પણ ચાલુ ફરજ દરમિયાન જ બતાવી હતી.

જીટીયુના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.
જીટીયુના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.

65 હજારથી વધુ રકમનો ધુમાડો કરવામાં આવ્યો
આમ, છેલ્લા ત્રણેક મહિનાના સમયગાળામાં જ ફરી એકવાર યુનિવર્સિટી કોના પૈસે તાડગધિન્ના કરાવી રહી છે એ ચર્ચાનો મુદ્દો બન્યો છે. માર્કેટ રેટ પ્રમાણે પીવીઆર સિનેમાની ટિકિટના 150 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીની ટિકિટ મળે છે. કાશ્મીર ફાઇલ્સ મૂવીનું 300 કર્મચારીનું 15,000 અને‌ નાયકા દેવી ફિલ્મ વખતે 100 કર્મચારી પાસેથી 8 હજારનું ઉઘરાણું કર્યું હતું. જ્યારે કર્મચારીઓને આપવામાં આવેલા ડિસ્કાઉન્ટની રકમ જોઈએ તો આ બે ફિલ્મમાં અનુક્રમે 50,000થી વધુ અને‌ 15,000 મળીને અંદાજિત 65 હજારથી વધુ રકમનો ધુમાડો કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. આ પ્રકારના તાયફા યોજીને સરકારી નાણાંનો વ્યય તેમજ કચેરી સમય દરમિયાન આ પ્રવૃત્તિનું આયોજન કરવાને કારણે યુનિવર્સિટીના કામ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ ધક્કા ખાવાનો વારો આવે છે.

યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને કલ્ચરલ ઓફિસર બીઓજી મેમ્બરના અંગત હોવાને‌ કારણે દરખાસ્ત સ્વીકારાતી હોવાની ચર્ચા થઈ રહી છે.
યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને કલ્ચરલ ઓફિસર બીઓજી મેમ્બરના અંગત હોવાને‌ કારણે દરખાસ્ત સ્વીકારાતી હોવાની ચર્ચા થઈ રહી છે.

સગાવાદને કારણે દરખાસ્ત સ્વિકારાઈ?
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને કલ્ચરલ ઓફિસર આકાશ ગોહિલ બોર્ડ ઓફ ગવર્નન્સ ( બીઓજી ) મેમ્બરના અંગત હોવાને‌ કારણે કુલપતિ તથા રજિસ્ટ્રાર તેમની દરખાસ્ત સ્વીકારી લેતા હોવાનું યુનિવર્સિટીમાં ચર્ચાઈ રહ્યું છે. આ સંજોગોમાં પ્રશ્ન થાય કે ખરેખર આ પ્રકારની પ્રવૃત્તિ કોઈપણ સરકારી સંસ્થા કચેરીના સમય દરમિયાન કરી શકે છે?

આ અંગે દિવ્ય ભાસ્કરે જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠ સાથે વાત કરી હતી.

સ્પોન્સર્ડ દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું - ડો. નવીન શેઠ

સવાલ - સોમવારે જીટીયુના સ્ટાફને ગુજરાતી ફિલ્મ નાયકા દેવી જોવા લઈ ગયા હતા ?
જવાબ - હા, એનએસએસ- કલ્ચરલ વિભાગે નક્કી કર્યું હતું. લઈ ગયા હતા એટલે બધાની ટિકિટ લીધી હતી.

સવાલ - જીટીયુ તરફથી ટિકિટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું ?
જવાબ - હા, જીટીયુ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

સવાલ - કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું ?
જવાબ - જીટીયુએ નથી આપ્યું, અમને સ્પોન્સરરે આપ્યું હતું એ અમે પાસઓન કર્યું હતું.

સવાલ - કેટલું આપ્યું હશે સ્પોન્સરરે ડિસ્કાઉન્ટ ?
જવાબ - આમાં જીટીયુ કયાંય નથી. અમારા કલ્ચરલ વિભાગ 100 ટિકિટ લાવ્યા હતા. જેને ટિકિટ જોઈતી હોય તેણે 80 રૂપિયા ચૂકવીને લઊ જવા કહ્યું હતું.

સવાલ - ટિકિટની કિંમત કેટલી હતી ?
જવાબ - કિંમત તો રૂપિયા 150 છે.

સવાલ - 70 રૂપિયા આપણે ભોગવ્યા, મતલબ સ્પોન્સરરે ભોગવ્યા ?
જવાબ - જીટીયુએ એકપણ રૂપિયો ખર્ચ્યો નથી.

સવાલ - ફિલ્મ બતાવવાનો ચસકો કેમ લાગ્યો, અગાઉ પણ કાશ્મીર ફિલ્મ જોવા લઈ ગયા હતા ?
જવાબ - ના ના... ચસકો નથી લાગ્યો, કાશ્મીર ફાઇલ પણ જોવા જેવી હતી અને નાયિકા ફિલ્મ પણ ગુજરાતનું પાત્ર છે એની કોઈને ખબર નથી.

સવાલ - ચાલુ ફરજ દરમિયાન ફિલ્મ જોવા લઈ ગયા હતા ?
જવાબ - ના ના... ચાલુ ફરજ દરમિયાન કોઈને ફિલ્મ જોવા લઈ ગયા નથી, અમારી યુનિવર્સિટી ચાલુ જ હતી. બધા રજા મૂકીને ગયા હતા.

સવાલ - બધા રજા મૂકીને ગયા હતા, 100 જણા ?
જવાબ - હા હા.

સવાલ - અગાઉ 300 જણા કાશ્મીર ફાઇલ જોવા ગયા હતા ત્યારે પણ બધા રજા મૂકીને ગયા હતા ?
જવાબ - ના ના.. એ તો સાંજનો શો હતો.

સવાલ - કાશ્મીર ફિલ્મ ટેક્સ ફ્રી કરવાની પણ તમે માગણી કરી હતી ?
જવાબ - હા, અમે રજૂઆત કરી હતી.

સવાલ - સ્પોર્ટ્સ અને કલ્ચરલના અધિકારી બીઓજીના અંગત હોવાથી દરખાસ્ત સ્વીકારી લેવામાં આવે છે ?
જવાબ - ના ભાઈ ના, આવી કોઈ દરખાસ્ત હોય તો કલ્ચરલ વિભાગ દ્વારા જ આવે ને!

સવાલ - પહેલાં આવતી હતી આવી દરખાસ્ત, પહેલાં ફિલ્મો આ રીતે જોઈ હતી ?
જવાબ - કલ્ચરલની હોય તો એના તરફથી આવે છે.

સવાલ - ફિલ્મો તો છેલ્લા ત્રણ મહિનામાં બે જોઈ ને ?
જવાબ - હા, એટલે અમે કોઈને મફત ફિલ્મ નથી બતાવી, યુનિવર્સિટીએ બંને વખત કોઈ ખર્ચ કર્યો નથી. તમારી જાણ માટે.

સવાલ - ડિસ્કાઉન્ટ યુનિવર્સિટીએ આપ્યું છે ?
જવાબ - ડિસ્કાઉન્ટ કોઈ સ્પોન્સર હોઈ, તેમણે આપ્યું હોય. યુનિવર્સિટીના બજેટમાં કોઈ ખર્ચો પડયો નથી.

સવાલ - વિદ્યાર્થીઓ કે યુનિવર્સિટીના ખર્ચામાંથી કોઈ રકમ વાપરી નથી ?
જવાબ - યુનિવર્સિટીમાં કોઈ ખર્ચો જ નહીં, બહારથી કોઈ સ્પોન્સર કરે.

સવાલ - તમે ગયા હતા ફિલ્મ જોવા ?
જવાબ - ના. હું નહોતો ગયો, કાશ્મીર ફિલ્મ જોવા ગયો હતો. પાછળથી સોરી સોરી... હું એમાં પણ ગયો નહોતો. હું તો મારા પરિવાર સાથે પહેલાં જ જોઈ આવ્યો હતો. કાલે ગયો નહોતો.

સવાલ - રજિસ્ટાર સાહેબ સોમવારે કર્મચારીઓ સાથે ગયા હતા ?
જવાબ - ના, તેઓ પણ કાલે નહોતા ગયા.

સવાલ - મારી પાસે ફોટા છે ને...
જવાબ - ફોટો તો ગ્રુપમાં પહેલાં અથવા તો પછી પડાવ્યો હશે

સવાલ - ફોટા થિયેટરના જ છે, તેમની સાથે કોઈ અધિકારી થિયેટરમાં દેખાય છે ને ?
જવાબ - કાલે તો નથી ગયા, મને ખબર છે ને, અગાઉનો હશે, કેમ કે તેમની તબિયત પણ સારી ન હતી, કારણ કે અમારે ત્યાં એમ્પ્લોયીઝની ટ્રેનિંગ સ્ટાફની ચાલે છે.

સવાલ - ટ્રેનિંગને કોઈ અસર થઈ ન હતી ને ?
જવાબ - તમારી પાસે ખોટી માહિતી લાગે છે, તમને કોઈએ ગેરમાર્ગે દોર્યા લાગે છે.

સવાલ - કેમ ખોટી, ફિલ્મ જોવા સ્ટાફ નહોતો ગયો ?
જવાબ - જે ગયા તે અડધી રજા મૂકીને ગયા, બીજા બધા સ્ટાફની ટ્રેનિંગ ચાલે છે.

સવાલ - 100 જણા ગયા હતા ને ?
જવાબ - ના ના, એ તો ઘરના ફેમિલી મેમ્બર સાથે 100 હોય. સ્ટાફના માણસો 100 ના હોય.

સવાલ - તો સ્ટાફના માણસો કેટલા હશે ?
જવાબ - એ તો મને ખબર નથી, પૂછવું પડે. અમુક તો ફેમિલી મેમ્બરની ટિકિટ પણ લેતા હોય ને, પૈસાથી જ ટિકિટ લેવાની હતી.

સવાલ - તો તેમને પણ ડિસ્કાઉન્ટ આપ્યું હશે ને ?
જવાબ - હા, કહું છું ને કે ટિકિટ અમને 80 રૂપિયામાં જ મળી હોય એટલે 80 રૂપિયામાં જ આપવી પડે ને, યુનિવર્સિટીને જેટલામાં પડી હોય એટલા જ લેવાય ને નફો થોડો લેવાય.

સવાલ - સ્પોન્સરે જ આપણને 80 રૂપિયામાં ટિકિટ આપી, એટલે ભલે આપણે પૈસા નહીં ચૂકવ્યા હોય, પણ સ્પોન્સરે તો ચૂકવ્યા જ કહેવાય ને ?
જવાબ - એ સ્પોન્સરર જાણે, એના પ્રમોશન માટે કર્યું હોય કે જે કાંઈ હોય.

સવાલ - થિયેટરવાળાએ જ ડિસ્કાઉન્ટ આપ્યું આપણ ને ?
જવાબ - એ ખબર નથી, એ પૂછવું પડે.

અન્ય સમાચારો પણ છે...