તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક આઈડિયા જો બદલ દે દુનિયા:લોકડાઉનની નવરાશમાં આવેલા વિચારની ફળશ્રુતિ, ST વિભાગે નકામી બસને મોબાઈલ દવાખાનું બનાવી; અંતરિયાળ વિસ્તારમાં નિદાન-સારવાર કરાશે

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી
 • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ન હોય એવા વિસ્તારોમાં જઈને નિદાન, સારવાર કરી શકાશે, એમ્બ્યુલન્સ જેવો ઉપયોગ પણ આપશે
 • રાજ્ય સરકાર મંજૂરી આપે તો મહત્તમ 300 જેટલી મલ્ટિપર્પઝ મેડિકલ વાન તૈયાર કરવાની એસ.ટી.ની તૈયારી

વીતેલા વર્ષમાં કોરોના મહામારીએ ઘણી એવી આવશ્યકતાઓ સામે આંગળી ચીંધી જેના વિશે દુનિયાએ ભાગ્યે જ અગાઉ કદી વિચાર્યું હોય. એવી જ એક જરૂરિયાત ઊભી થઈ હતી મોબાઈલ દવાખાનાની. એક એવું દવાખાનું, જે રાજ્યના કોઈપણ વિસ્તારમાં ડોક્ટર, આસિસ્ટન્ટ સ્ટાફ, આવશ્યક દવાઓ અને ઓક્સિજન-સિલિન્ડર સહિતની સારવાર સામગ્રી સાથે પહોંચી શકે, દર્દીઓને તપાસી શકે અને કોન્ટેક્ટલેસ વ્યવસ્થા હોવાથી ડ્રાઈવર, ડોક્ટર, નર્સિંગ સ્ટાફને ચેપ લાગવાની શક્યતા પણ રોકી શકાશે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા એસ.ટી. બસને મોડિફાઈડ કરીને મોબાઈલ ડિસ્પેન્સરી કમ એમ્બ્યુલન્સ તરીકે તૈયાર કરી છે. આ હરતુંફરતું દવાખાનું જ્યાં આરોગ્ય કેન્દ્રનો અભાવ છે એવા અંતરિયાળ વિસ્તારોમાં ઉચ્ચ સ્તરની આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.

લોકડાઉનની ફુરસદમાં આવ્યો વિચાર
એસ.ટી. વર્કશોપના અધિકારી એન.બી સિસોદિયાના જણાવ્યા અનુસાર, લોકડાઉનના સમય દરમિયાન વર્કશોપમાં નવી બસો તૈયાર કરવાની કામગીરી બંધ હતી. આ સમય દરમિયાન વર્કશોપના 14 મિકેનિક્સને કોવિડની મહામારી દરમિયાના સામે આવી રહેલા પડકારો અંગે કંઇક કરવાનો વિચાર આવ્યો અને તેમણે મલ્ટિપર્પઝ મેડિકલ વાન તૈયાર કરવાની કામગીરીની શરૂઆત કરી. કામ જેમ જેમ આગળ વધતું ગયું એમ સુધારા-વધારા થતા ગયા અને દોઢ માસમાં વાન તૈયાર થઇ ગઈ. મોડિફિકેશન માટેની મોટા ભાગની સામગ્રી વર્કશોપમાં જ હોવાથી કોઈ મોટો ખર્ચ નથી થયો. જોકે આ પ્રકારની બસ અંદાજે 4થી 5 લાખના ખર્ચે તૈયાર થઇ શકે છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ નિગમના અધિકારીઓ બસનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરશે. જો લીલી ઝંડી મળે તો આ પ્રકારની વધુ બસો તૈયાર કરશે.

હરતુ-ફરતું દવાખાનું
અમદાવાદના નરોડા વિસ્તાર સ્થિત ગુજરાત વાહન વ્યવહાર વિભાગના વર્કશોપના મિકેનિક્સે ખાસ પ્રકારની બસ તૈયાર કરી છે, જે એમ્બ્યુલન્સ ઉપરાંત એક હરતા-ફરતા દવાખાની તરીકે પણ કામમાં આવી શકે છે. GSRTCના એશિયાના સૌથી મોટા વર્કશોપમાં પ્રાયોગિક ધોરણે આ બસ તૈયાર કરાઈ, જે સામાન્ય રીતે જોવા મળતી એમ્બ્યુલન્સ કરતાં અલગ અને મલ્ટિપર્પઝ મેડિકલ વાન પ્રકારની છે. કોરોનાકાળ દરમિયાગ આરોગ્ય સંબંધિત તાતી જરૂરિયાત ઊભી થઇ હતી, એમાંય હોસ્પિટલો અને એમ્બ્યુલન્સની મોટી માત્રામાં માગ ઊભી થઇ હતી. આ મેડિકલ વેન મુખ્યત્વે નાનાં ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

એસ.ટી. નિગમે તૈૈયાર કરેલી ખાસ બસની અંદરની સુવિધા.
એસ.ટી. નિગમે તૈૈયાર કરેલી ખાસ બસની અંદરની સુવિધા.

હોસ્પિટલ જેવી જ સુવિધાઓ
સામાન્ય રીતે એમ્બ્યુલન્સમાં એક જ બેડ હોય છે અને ગંભીર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાની જ એની મુખ્ય ભૂમિકા હોય છે. એની સામે આ મલ્ટિપર્પઝ મેડિકલ વાન સ્થળ પર જ પેશન્ટની તબીબી ચકાસણી, નિદાન અને સારવાર કરી શકે છે. ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીને તરત જ ઓક્સિજન સપ્લાઇ આપીને જીવતદાન આપી શકે છે. આ બસની ખાસિયત એ છે કે વેહિકલ એસી હોય છે, જોકે નિગમે તૈયાર મલ્ટિપર્પસ મેડિકલ વેનમાં 3 બેડ રાખવામાં આવ્યાં છે, સાથે સાથે ઘરમાં હોય એ પ્રકારનું ઇન્ડોર એસી ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ બસની ખાસિયત એ છે કે ડોકટર માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી દર્દી અને ડોકટર સીધા સંપર્કમાં ન આવે. એ માટે ડોકટર અને દર્દી વચ્ચે પાર્ટિશન રાખવામાં આવ્યુ છે. ઉપરાંત બે બેડ વચ્ચે પણ પાર્ટિશન છે. ડોક્ટર અને દર્દી માટે એન્ટ્રી-એક્ઝિટ પણ અલગ છે. ડ્રાઇવર કમ્પાર્ટમેન્ટમાં પણ પાર્ટિશન કરવામાં આવ્યું છે. હાલ નિગમના ડ્રાઇવર અને કંડકટરોને પ્રાથમિક સારવાર માટેની બેઝિક તાલીમ આપવાના કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યા છે, જે આ મલ્ટિપર્પઝ મેડિકલ વાનને વધુ ઉપયોગી અને અસરકારક બનાવશે.

બસમાં છે ટોઇલેટ અને વોશબેસિન સહિતની સેનિટેશનની સગવડતાઓ છે.
બસમાં છે ટોઇલેટ અને વોશબેસિન સહિતની સેનિટેશનની સગવડતાઓ છે.

આવી 300 વાન બની શકે છે
સૌથી મોટી અને રસપ્રદ બાબત એ છે કે 8 લાખ કિલોમીટર ચાલી ચૂકેલી બસને મોડિફાઇ કરવામાં આવી છે. નિગમના પ્રાવધાન અનુસાર, જે બસ 8 લાખ કિલોમીટર ચાલી જાય એને ઓવરએજ બસ તરીકે ગણવામાં આવે છે અને પરિવહનમાંથી દૂર કરવામાં આવતી હોય છે. નિગમ પાસે અંદાજે 1 હજાર જેટલી ઓવરએજ બસ છે, જેમાંથી 300 જેટલી બસનો આ પ્રકારે મોડિફાઇ થઇ શકે અને આ પ્રકારે નવેસરથી ઉપયોગમાં લઇ શકાય તેમ છે. રાજ્ય સરકાર સમક્ષ પ્રેઝન્ટેશન પછી આ અંગે વધુ નિર્ણય લેવાશે.

સલામતી માટે ડોકટર અને દર્દી વચ્ચે પારદર્શક કાચનું પાર્ટિશન.
સલામતી માટે ડોકટર અને દર્દી વચ્ચે પારદર્શક કાચનું પાર્ટિશન.

એમ્બ્યુલન્સની ઘટ પૂરી થઈ શકશે
કોરોનાકાળ દરમિયાન રાજ્યભરમાં એમ્બ્યુલન્સની અછત સર્જાઇ હતી. 108ની 622 એમ્બ્યુલન્સ પૈકી 100 જેટલી 108 એમ્બ્યુલન્સ કોવિડના દર્દીની મૂવમેન્ટ માટે ઉપયોગમાં લેવાઇ. જ્યારે રાજ્યભરમાં 1300 જેટલા સંજીવની રથનો દર્દીની તપાસ અને દવા વિતરણ માટે ઉપયોગ કરાયો હતો. એક અંદાજ મુજબ, રાજ્યમાં મોટી નામાંકિત ખાનગી હોસ્પિટલો પાસે અંદાજે 150 જેટલી એમ્બ્યુલન્સ છે, જે પૈકી અમદાવાદમાં 40 જેટલી છે. આ દરેક સંખ્યા ગુજરાતના ભૌગોલિક અંતર અને આરોગ્ય સેવાઓની જરૂરિયાત જોતાં અપૂરતી છે. એ સંજોગોમાં એસ.ટી. વિભાગ દ્વારા જો આ પ્રકારે મોબાઈલ મેડિકલ વાન તૈયાર કરવામાં આવે તો એ ચોક્કસપણે આશીર્વાદરૂપ બને એમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો