ગ્રાઉન્ડ રિપોર્ટ:એક તરફ કન્યા કેળવણીની વાતો ને બીજી તરફ દેત્રોજની 150 વર્ષ જૂની કન્યા શાળાને કુમાર શાળામાં મર્જ કરાઈ, ગ્રામજનોની એક જ માગ- પુનઃશરૂ કરો

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • શાળા પુનઃ શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે
  • રસ્તા રોકો, શાળાને તાળાબંધી જેવા વિરોધપ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી

એક તરફ સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં 150 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલતી કુમાર અને કન્યા શાળાને મર્જ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ શાળાને મર્જ કરવાના નિર્ણય અંગે પુનઃવિચારણા કરી બન્ને શાળાને અલગ કરવામાં આવે એવી માગ કરવામાં આવી રહી છે. જો સકારાત્મક પગલાં ભરવામાં નહીં આવે તો આ શાળા અંગેનું આંદોલન વધુ ઉગ્ર બનશે એવી સંભાવના તાલુકા પંચાયતના સદસ્યોએ વ્યક્ત કરી છે.

ચાર શિક્ષકને પણ છૂટા કરી દેવામાં આવ્યા
અમદાવાદથી અંદાજે 65 કિ.મી. દૂર આવેલી દેત્રોજ બ્રાન્ચ શાળા, એટલે કે કન્યા શાળા અને દેત્રોજ તાલુકા શાળા, એટલે કે કુમાર શાળા 1856થી અલગ-અલગ ચાલે છે. આ શાળાઓ એક જ કમ્પાઉન્ડમાં આવેલી હોવાથી તથા નાણાકીય ભારણને કારણે રાજ્ય સરકારે 26 ઓગસ્ટ 2021ના રોજ મર્જ કરવાનો હુકમ કર્યો હતો, જેનો 28 જૂન 2022થી અમલ કરવામાં આવ્યો છે, જેને પગલે ચાર શિક્ષકોને પણ છૂટા કરી દેવામાં આવ્યા છે.

એક જ વર્ગમાં બેસાડી ભણાવવાનું શરૂ કરી દેવાયું
ધો. 1થી 8ની ચાલતી બન્ને શાળાને એક કરી દઇને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને એક જ વર્ગમાં બેસાડીને ભણાવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. સ્થાનિક વેપારીઓ તેમજ વિવિધ સામાજિક સંગઠનોએ પણ આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે અને શાળાને મર્જ નહીં કરીને પુનઃ શરૂ કરવામાં આવે એવી ઉગ્ર રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરી છે. જો શાળા પુનઃ શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, રસ્તા રોકો, શાળાને તાળાબંધી જેવા વિરોધપ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

કેટલા છે વિદ્યાર્થીઓ ?
ધોરણ 1થી 8માં કુલ 525 વિદ્યાર્થી
કન્યાની કુલ સંખ્યા 249
કુમારની કુલ સંખ્યા 276

બધા વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં બેસાડીએ છીએઃ મુકેશ ગુર્જર, આચાર્ય
દેત્રોજ પ્રાથમિક શાળાના આચાર્ય મુકેશ આર. ગુર્જરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેત્રોજ બ્રાન્ચ શાળા મતલબ કે કન્ય શાળા અને દેત્રોજ તાલુકા શાળા, એટલે કે કુમાર શાળા 150 વર્ષથી વધુ સમયથી અલગ-અલગ ચાલતી હતી. સરકારે 26 ઓગસ્ટ 2021ના પત્રથી બન્ને શાળાને એક જ કમ્પાઉન્ડમાં ચાલતી હોવાથી અને નાણાકીય આર્થિક બોજને કારણે મર્જ કરાઇ હોવાનું જણાવ્યું છે, જેને કારણે બન્ને શાળાને મર્જ કરીને કન્યા શાળાના ચાર શિક્ષકને છૂટા કરીને બધા વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં બેસાડ્યા છે.

દેત્રોજ વેપારીમંડળ શું કહે છે?
દેત્રોજ વેપારીમંડળે 18 જૂન 2022ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં કન્યા શાળાને કુમાર શાળા સાથે મર્જ કરવાના નિર્ણયનો વિરોધ નોંધાવીને આ નિર્ણય સત્વર રદ કરવા ઉગ્ર રજૂઆત કરી છે. આ પત્રમાં જણાવ્યું છે કે અમારા ગામમાં છેલ્લાં 50 વર્ષથી કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને દીકરીઓનો ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવા માટે દાતાઓ અલગ-અલગ બિલ્ડિંગો બનાવીને એક કેમ્પસમાં બે અલગ-અલગ શાળા કરી હતી અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું, પરંતુ આપની સરકારમાં આ શાળાને કોઇપણ કારણ વગર રદ કરીને બંધ કરી મિશ્ર શાળા કરી છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. અગાઉના મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી છતાં કોઇ જ પરિણામ આવ્યું નથી. તો આપ નવા મુખ્યમંત્રી તરીકે અલગ છાપ ધરાવો છો. તો એક કન્યા શાળાને ફરીથી શરૂ કરવા માટેનો આદેશ કરવા માગણી કરી છે.

સરકારના નિર્ણયથી કન્યાઓની સંખ્યા ઘટીઃ મણિબા કન્યા છાત્રાલય
દેત્રોજની શ્રીમતી મણિબા કન્યા છાત્રાલયના મંત્રીએ જણાવ્યું હતું કે શ્રીમતી મણિબા કન્યા છાત્રાલય સરકારી છે. આ કન્યા શાળા અલગ હોવાથી આજુબાજુનાં ગામની મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાંથી ઘણી દીકરીઓ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરી હતી, પરંતુ સરકારના આ નિર્ણયના કારણે આ વર્ષે અમારા છાત્રાલયમાં કન્યાઓ ભણવા માટે ઓછી આવી છે. આ નિર્ણયથી આ વર્ષે અમારા કન્યા છાત્રાલયમાં ખૂબ જ ઓછી વિદ્યાર્થિનીઓએ પ્રવેશ મેળવ્યો છે. દેત્રોજની કન્યા શાળાનું શિક્ષણ સુંદર છે. તેણે દરેક કામમાં સિદ્ધિ મેળવી છે. શિક્ષણમાં ખૂબ જ સારી કામગીરી છે, તો આ શાળાને પુનઃ શરૂ કરવા છાત્રાલયના મંત્રીએ મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કરી છે.

શિક્ષણ પર ગંભીર અસર થવાની શક્યતાઃ સિદ્ધાર્થ સર્વોદય ટ્રસ્ટ
દેત્રોજ સ્થિત શ્રી સિદ્ધાર્થ સર્વોદય ટ્રસ્ટના ગૃહપતિએ જણાવ્યું હતું કે છેલ્લાં 150 વર્ષથી અમારા ગામમાં કુમાર અને કન્યા શાળા અલગ અલગ ચાલે છે, જે છેલ્લાં ચાર-પાંચ દિવસથી ભેગી કરી છે, જેથી અમારા ગામમાં શિક્ષણ ઉપર ગંભીર અસર થવાની શક્યતા છે. તાલુકા મથક હોવાથી બે અલગ-અલગ શાળા હોવી જરૂરી છે, જેથી કન્યા શાળાને ફરી જીવંત કરી શિક્ષણ સુધારણાનું એક અનેરુ પગલું ભરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

દેત્રોજની કન્યા શાળાએ અમદાવાદ જિલ્લામાં નામ રોશન કર્યું હતું
દેત્રોજના શ્રી બહુચર માઇ મંડળે મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે દેત્રોજ ગામમાં પદ્મશ્રી અવૉર્ડ મેળવનારા અને ગાંધીવાદી વિચાર ધરાવતા મગનભાઇ રણછોડભાઇ પટેલ તથા આચાર્ય ત્રિકમભાઇ પટેલે કન્યા શિક્ષણને વેગવંતું બનાવ્યું છે. આપની આજની કન્યા કેળવણી શિક્ષણને પ્રોત્સાહિત કરતી સરકાર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2001થી કન્યા કેળવણી રથના ઉદ્દઘાટક છે, જેથી અમારા ગામમાં દેત્રોજ બ્રાન્ચ શાળા ( કન્યા શાળા ) ખૂબ જ સરાહનીય શિક્ષણકાર્ય કરે છે. નવા શૈક્ષણિક કાર્યક્રમાં ગુણોત્સવ 2.0માં દેત્રોજ કન્યા શાળાએ અમદાવાદ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તથા ગુજરાતમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. તો વિદ્યાર્થિની તથા શૈક્ષણિક સ્ટાફની મહેનત કાયમ રાખવા માટે કન્યા શાળાને મર્જ કરવાના નિર્ણયને રદ કરીને પુનઃ સ્થાપિત કરી શાળાને જીવંત કરવા વિનંતી કરી છે.

વાલીગણમાં ભારોભાર રોષ પ્રગટ થયો છે
શ્રી રબારી ધર્મ ગુરુ ગાદી- દેત્રોજના પ્રમુખે પણ મુખ્યમંત્રીને શાળા ફરી શરૂ કરવાની અરજ ગુજારતાં પત્રમાં લખ્યું છે કે આઝાદી પહેલાંથી બંને શાળા અલગ-અલગ મકાનમાં ચાલે છે, જેના કારણે શાળાની શિક્ષણ કામગીરી ખૂબ જ સારી થાય છે, પરંતુ છેલ્લાં લગભગ એકાદ વર્ષથી સરકાર દ્વારા બંને શાળાને એક કરવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે વાલીગણમાં ખૂબ રોષ છે.

શાળા બંધ થવાથી દીકરીઓના વાલીઓમાં ચિંતા
સદ્દગુરુ શ્રી કાશીરામદાસજી કુમાર છાત્રાલયના ગૃહપતિ કાળુભાઇ દેસાઇએ કહ્યું હતું કે આ શાળા બંધ થવાથી ગામમાં ખૂબ જ આઘાત લાગ્યો છે અને દીકરીના વાલીઓ ચિંતામાં પડ્યા છે, જેથી આ શાળાને ચાલુ કરવામાં અમારી અરજ છે.

શું કહે છે દેત્રોજ ગ્રામપંચાયતના સરપંચ ?
અમદાવાદ જિલ્લાના દેત્રોજ-રામપુરા ગ્રામપંચાયતના સરપંચ એસ.આર. ઠાકોરે મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે દેત્રોજ ગામમાં તાલુકામાંથી આશરે 7 હજારની વસતિ છે, જેમાં બે શાળા આવેલી છે, એમાંથી કન્યા શાળાને બંધ કરવાથી અમારા ગામમાં શાળાની સ્થાપના 12 માર્ચ 1856ના રોજ થઇ હતી. ત્યારથી કુમાર અને કન્યા શાળા અલગ અલગ ચાલે છે, જે હમણાં તા.13 જૂન 2022ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હુક્મથી મર્જ કરવામાં આવી છે. એને કારણે તમામ ગ્રામજનો રોષે ભરાયેલાં છે. આપણી સંવેદનશીલ અને વિકાસશીલ સરકાર ગ્રામજનોની લાગણી અને માગણીને માન આપીને પુનઃ કન્યા શાળા તાત્કાલિક ચાલુ કરવા આદેશ આપવા વિનંતી કરી છે.

શાળાને તાળાબંધી તથા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય કરાયો
તાલુકા પંચાયત દેત્રોજ-રામપુરાનાં સદસ્ય મંજુલાબેન શૈલેષભાઇ ડોડિયાએ મુખ્યમંત્રીને લખેલાં પત્રમાં કન્યા શાળાને ફરીથી ચાલુ કરીને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા વિનંતી કરતાં જણાવ્યું હતું કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આ નિર્ણયથી ગ્રામજનોમાં ભારે આક્રોશ છે, જેને કારણે ઉગ્ર આંદોલન, રસ્તા રોકીને આંદોલન અને શાળાને તાળાબંધી તથા ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવા માટે નિર્ણય કર્યો છે. તો દેત્રોજની કન્યા શાળાને ફરીથી શરૂ કરવાના આદેશ આપવા વિનંતી કરી છે.

અમદાવાદ જિલ્લામાં 134 શાળા મર્જ કરાઈ

ક્રમતાલુકોધો.6ધો.6 અને 7ધો. 6થી 8તમામ શાળાઓ

મર્જ કરેલી શાળાઓની સંખ્યા

1)દસ્ક્રોઇ7131324
2)સાણંદ453315
3)બાવળા05207
4)ધોળકા2121015
5)વિરમગામ1175326
6)દેત્રોજ0171018
7)માંડલ070512
8)ધંધૂકા143210
9)ધોલેરા05027
કુલ15692228134

( સ્ત્રોત - અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ )

ધો. 1થી 7ની 15 શાળા મર્જ કરાઈ
અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા 2020ની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં 134 શાળાઓ મર્જ કરી છે, જેમાં માત્ર ધો.6, ધો. 6 અને 7 તથા ધો. 6થી 8 તેમ જ તમામ પ્રકારની મતલબ કે ધો.1થી 8 સુધીના તમામ વર્ગોની શાળાઓનો સમાવેશ થાય છે. તેમાંય ધો.1થી 7ની 15 શાળાઓ મર્જ કરાઇ છે. એ જ રીતે ધો. 1થી 5ની 1 શાળા, ધો.1થી 6ની 6, ધો. 1થી 8ની 6 શાળા છે.

ધો.6 અને 7ના 69 વર્ગો સૌથી વધુ મર્જ થયા
અમદાવાદ જિલ્લાની 134 શાળાઓ મર્જ કરવામાં આવી છે, જેમાં ધો.6ની 15, ધો. 6 અને 7ના 69 શાળા તેમ જ ધો. 6થી 8ની 22 શાળાના વર્ગો અન્ય શાળાઓમાં મર્જ કરવામાં આવી છે.

શિક્ષણ કમિટી દ્વારા નિર્ણય લેવાયો હતોઃ નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી
અમદાવાદ જિલ્લાના નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ. દામા સાથે દિવ્ય ભાસ્કર ડિજિટલને થયેલી વાતચીત અહીં રજૂ કરી છે.

પ્રશ્નઃ શાળાઓ મર્જ કરવા માટેનો નિયમ શું છે ?
જવાબઃ
20 વિદ્યાર્થીઓ કરતાં ઓછી સંખ્યા ધરાવતી શાળાને અન્ય નજીકની શાળા સાથે મર્જ કરવાનો નિયમ છે.

પ્રશ્નઃ અમદાવાદ જિલ્લામાં 2020માં કેટલી શાળાઓ મર્જ કરવામાં આવી હતી ?
જવાબઃ
અમદાવાદ જિલ્લામાં જુદાં જુદાં ધોરણોની 134 શાળા 2020માં મર્જ કરવામાં આવી હતી.

પ્રશ્નઃ શાળા મર્જ કરવા બદલ જિલ્લાના કયા કયા તાલુકાઓમાંથી વિરોધ થયો છે ?
જવાબઃ
હું પણ થોડા સમય પહેલાં જ નિમણૂક પામ્યો છું. મારી જાણકારી મુજબ, દેત્રોજ તાલુકાની બે શાળા ગમાનપુરા તથા દેત્રોજ કન્યા શાળામાં વિરોધ થયો છે.

પ્રશ્નઃ દેત્રોજ કન્યા શાળા તો આઝાદી પહેલાંની શાળા છે છતાં એને મર્જ કરવા બદલ વિરોધ થયો છે, તો શું કરશો ?
જવાબઃ
અમદાવાદ જિલ્લાના તત્કાલીન ડીપીઓ પટેલ સાહેબ, શિક્ષણ સમિતિના ચેરમેન સહિતની કમિટીએ નિયમ પ્રમાણે નિર્ણય કર્યો હતો. પછી તેમના પ્રતિનિધિ મંડળને પટેલ સાહેબ મળવાના હતા, પરંતુ તેમની બદલી થતાં અટકી ગયું છે. ઇન્ચાર્જ ડીપીઓ રાકેશ વ્યાસ પ્રતિનિધિમંડળને મળવાના છે.

અન્ય સમાચારો પણ છે...