કલોલ તાલુકાનું ડિંગુચા ગામ આજકાલ ચર્ચામાં છે. અહીંના વતની જગદીશ પટેલ પોતાના પરિવાર સાથે કેનેડા ગયા હતા. તેમણે કેનેડા પહોંચી અમેરિકા-કેનેડા બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોર્ડર ક્રોસ કરતી વેળાએ ભારે હિમવર્ષા થઈ હતી. આ હિમવર્ષાને કારણે જગદીશ પટેલ, પત્ની વૈશાલી પટેલ અને બે બાળકોનાં અકાળે અવસાન થયાં હતાં. આ ઘટનાને લઈ ડિંગુચા ગામમાં શોકનો માહોલ છે. દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે ડિંગુચા ગામે પહોંચી હતી.
‘અમારા ગામના છોકરાઓને કોઈ છોકરી નહીં આપે’
દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે ડિંગુચા પહોંચી ત્યારે ગામલોકોની આંખોમાં આવકાર વર્તાયો નહીં. કેમેરા સાથે પહોંચેલી ટીમને જોઈ ગામલોકોને જાણે કે ગમ્યું નહીં. ગામલોકોના આવા વ્યવહાર પાછળનું કારણ છે મીડિયા કવરેજ. અહીંના લોકોનું માનવું છે કે આ ઘટનાને લઈ જે કવરેજ થઈ રહ્યું છે એને લીધે ગામની બદનામી થઈ રહી છે. એક યુવાને તો નામ ન છાપવાની શરતે કહ્યું હતું કે ‘આ બદનામીને કારણે ડર લાગે છે કે કદાચ અમારા ગામના છોકરાઓની સગાઈ નહીં થાય.’
જગદીશ પટેલના ઘરે તાળાં જોવા મળ્યાં છે
દિવ્ય ભાસ્કરની ટીમ ગામલોકોને પૂછતાં પૂછતાં પહોંચી જગદીશ પટેલના ઘર પાસે પહોંચી. ટીમ જ્યારે પહોંચી ત્યારે જગદીશ પટેલના ઘરને તાળાં જોવા મળ્યાં હતાં. આ ઘટના બાદ જગદીશ પટેલના પિતા બળદેવભાઈ પટેલ ભારે આઘાતમાં છે અને ઘરે તાળાં મારી કોઈ સગાના ઘરે રહેવા જતા રહ્યા છે. ગામમાં જે કૌટુંબિક ભાઈનો પરિવાર રહે છે તે પણ આઘાતમાં છે, ત્યારે મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળે છે.
'અહીં તકો નથી'વાળા નીતિન પટેલના નિવેદનને સમર્થન
જોકે ગામના કેટલાક વડીલોને સમજાવ્યા તો તેઓ અમારી સાથે વાતચીત કરવા તૈયાર થયા હતા. ડિંગુચા ગામના વતની અને NRI અમરત પટેલે દિવ્ય ભાસ્કરની ટીમ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘જગદીશ પટેલનો પરિવાર આર્થિક રીતે સધ્ધર કહી શકાય એવો નથી, આથી સરકાર તરફથી આર્થિક મદદ મળે તો સારું.’ તેમણે આડકતરી રીતે એવા લોકોને પણ ટકોર કરી છે, જે લોકો ગેરકાયદે રીતે વિદેશ જાય છે. તેમણે કહ્યું હતું કે વિદેશ જવા ઈચ્છુક લોકોએ વિઝા સહિતની યોગ્ય માહિતી પ્રાપ્ત કરીને જ આગળ વધવું જોઈએ. અમરત પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના એ નિવેદનનું પણ સમર્થન કર્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે ‘ગુજરાતમાં રોજગારીની તકો નથી માટે, યુવાનોએ વિદેશ જવું પડે છે.’ અમરત પટેલે વધુમાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં રોજગારીની પૂરતી તકો મળે તો કોઈ ગુજરાતી સાહસ કરીને વિદેશમાં જવા મજબૂર બનશે નહીં.’
‘પાટીદારનાં યુવક-યુવતીઓને અનામતનો લાભ ન મળતાં વિદેશ જાય છે’
અમરતભાઈ સાથેની વાતચીત ચાલુ જ હતી ત્યારે ગામના અન્ય વડીલ ભરતભાઈ પટેલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અમારો કેમેરો જોઈને તેઓ થોભ્યા અને પછી તો ઘણુંબધું બોલ્યા પણ ખરા. આક્રોશ સાથે તેમણે કહ્યું હતું કે ‘પાટીદારોને અનામતનો લાભ મળતો નથી માટે હોશિયાર યુવક-યુવતીઓ પોતાની ક્ષમતા મૂજબનું કામ કરવા મળે એ માટે વિદેશ જાય છે.’
કેનેડામાં મોતને ભેટનારાં 4 ગુજરાતી ડિંગુચાના રહેવાસી
ડિંગુચા ગામના તલાટી જયેશ ચૌધરીએ પણ આ મુદ્દે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સત્તાવાર રીતે હજી સુધી જણાવવામાં આવ્યું નથી કે અમેરિકા-કેનેડા બોર્ડર પર જે મૃતદેહો મળ્યા છે તે જગદીશ પટેલ, તેમની પત્ની અને બે બાળકોના છે. પરિવાર સાથે ગુમ થયેલા જગદીશ પટેલ ડિંગુચાના વતની છે. જોકે આજે જે સમાચાર આવ્યા છે એ મુજબ કેનેડા પોલીસે મૃતકોની ઓળખ કરી લીધી છે. મૃતકો ડિંગુચા ગામનાં હોવાની પુષ્ટિ કરી છે.
અડધું ગામ વિદેશમાં જઈને વસ્યું છે
ઉલ્લેખનીય છે કે 4 હજારની વસતિ ધરાવતા ડિંગુચા ગામમાંથી 2 હજારથી વધુ લોકો વિદેશમાં રહે છે, આથી જ આ ગામના અન્ય લોકોમાં પણ વિદેશ જવાનો ક્રેઝ જોવા મળે છે. આ ક્રેઝને કારણે જ જગદીશ પટેલ જેવા કેટલાક યુવકો એજન્ટોની વાતોમાં આવી લાખો-કરોડો આપીને પણ ગેરકાયદે રીતે વિદેશ જવાનો પ્રયત્ન કરે છે અને માઠાં પરિણામો ભોગવે છે.
સમગ્ર મામલો શું છે?
કલોલ તાલુકાના ડિંગુચા ગામના મૂળ વતની જગદીશભાઈ બળદેવ ભાઈ પટેલ, તેમનાં પત્ની વૈશાલીબેન, પુત્રી વિહંગા (ગોપી) અને પુત્ર ધાર્મિક પંદર દિવસ અગાઉ પિતા બળદેવભાઈને કેનેડા જતાં હોવાની વાત કરીને નીકળ્યાં હતાં. જોકે નસીબે સાથ ન આપતાં તેઓ કેનેડાથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરી શક્યાં નહોતાં અને ભારે હિમવર્ષાને કારણે ગ્રુપમાંથી છૂટાં પડી ગયાં હતાં અને બરફની ચાદર નીચે મોતને ભેટયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.