છેલ્લા કેટલાક સમયમાં ટ્યૂશન ક્લાસ અને હોસ્પિટલોમાં લાગેલી આગની ઘટનાઓએ ફાયર સેફ્ટીના માપદંડોમાં રહેલી ખામીઓ સામે ગંભીર આંગળી ચીંધી છે. આ ઊણપો દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી ફાયર પોલિસી તૈયાર કરવામાં આવી છે, જેના અનુસંધાને ફાયર સેફ્ટી ઓફિસરની તાલીમની શરૂઆત થઈ છે. ફાયર સેફ્ટી ઓફિસર પ્રોજેક્ટની મદદથી ફાયર NoCની પ્રક્રિયા સરળ અને અસરકારક બને, રાજ્યનાં મહત્તમ સ્થળો ફાયર સેફ્ટીથી સુસજ્જ થાય તેમજ મહત્તમ યુવાનોને રોજગારી મળે એ આ પ્રોજેક્ટનો હેતુ છે.
શું છે FSO પ્રોજેક્ટ ?
રાજ્ય સરકારે ડિસેમ્બરમાં ફાયર પોલિસીની જાહેરાત કરી ફાયર NOC સંદર્ભે કેટલાંક મહત્ત્વના સુધારા લાગુ કર્યા હતા. કમર્શિયલ કન્સ્ટ્રક્શન માટે જે પ્રકારે સ્ટ્રક્ચર એન્જિનિયરનું માર્ગદર્શન ફરજિયાત હોય છે એ પ્રકારે હવે ફાયર સેફ્ટી કન્સલ્ટન્ટની સૂચના અને પ્રમાણપત્ર ફરજિયાત કર્યાં છે. એ માટે ફાયર સેફ્ટી ઓફિસર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ વિભાગ દ્વારા ફાયર એનઓસીની પ્રક્રિયા ઝડપી, અસરકારક બને, ચોક્કસ માપદંડોનો અમલ થાય અને જવાબદારી નક્કી થાય એ હેતુથી આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે.
રૂ. 4થી 12 હજારની ફીમાં 3 કોર્સ
કેવી રીતે અને ક્યાં તૈયાર થઈ રહ્યા છે FSO ?
હાલ રાજ્યમાં 7 સ્થાન પર ફાયર સેફટી ઓફિસર તૈયાર કરવામાં આવશે, જે પૈકી અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટમાં બેચની શરૂઆત થઇ ગઇ છે, જેમાં ત્રણ અલગ-અલગ પ્રકારના સ્તરના કોર્સ મુજબ ક્વાલિફાઇડ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી રહી છે. કોર્સમાં જોડાયેલા ઉમેદવારોને નેશનલ ફાયર સેફટી કોડના આધારે નક્કી કરેલા માપદંડો મુજબ તાલીમ આપવામાં આવી રહી છે, જે મુજબ આ તાલીમ મેળવેલા ઉમેદવારો ફાયર NOC પૂરી પાડશે. રજિસ્ટર થયા બાદ ઉમેદવારોના સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવશે.
2 લાખથી વધુ રોજગારીનું થશે સર્જન
રાજ્યની નગરપાલિકા કમિશનર રાજકુમાર બેનિવાલના જણાવ્યા અનુસાર, આ પ્રયોગથી રાજ્યમાં ફાયર સંબધિત કામગીરી સરળ બનશે. ઉપરાંત દર વર્ષે 2 લાખથી વધુ રોજગારીની તક ઊભી થશે. ખાસ આ કોર્સ માટે ફાયર સેફ્ટીનો અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓની સાથે સાથે ડીગ્રી એન્જિનિયરિંગની સિવિલ, આર્કિટેક્ટ, કેમિકલ, ઇલેટ્રિકલ બ્રાન્ચમાં સ્નાતકની ડીગ્રી મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે પણ FSO બનવાની તક મળી રહેશે, આથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓમાં બેરોજગારીની સમસ્યાનું આંશિક નિવારણ લાવી શકાશે. ફાયર સેફ્ટી ઓફિસર બિલ્ડર પાસેથી કન્સલ્ટિંગ ચાર્જ મેળવી શકે છે.
ફાયરબ્રિગેડ પરનું ભારણ ઘટશે
આ નિર્ણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, એનઓસી, રિન્યુઅલ વગેરે કામગીરીનું હાલનું વધુપડતું કાર્યભારણ ઓછું થશે. આ ઉપરાંત બિલ્ડિંગધારકો અને લોકોને એનઓસી મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા રહેશે. નવી ફાયર સેફ્ટી પોલિસીથી રાજ્યમાં મોટા પ્રમાણમાં ઊંચાં મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળા-કોલેજ, હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોને મેળવવાનું થતું ફાયર એન.ઓ.સી. તથા દર 6મહિને રિન્યુઅલ કરાવવાની સેવાઓ ઝડપી-વિનાવિલંબે મળતી થશે. આવા મિલકતમાલિકો-કબજેદારોને પોતાની પસંદગી મુજબના ફાયર સેફ્ટી ઓફિસરની સેવાઓ લેવાનો વિકલ્પ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.