તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Gondal Youth Started Tiffin Service To Provide Nutritious Food To Patients, Serving Two Meals A Day To 450 People At A Cost Of Rs 25,000 Per Day.

આજની પોઝિટિવ સ્ટોરી:ગોંડલના યુવકોએ દર્દીઓને પૌષ્ટિક આહાર જમાડવા ટિફિન સેવા શરૂ કરી,રોજના 25 હજારના ખર્ચે 450 લોકોને બે ટાઈમ ભોજન પીરસાય છે

રાજકોટ4 મહિનો પહેલાલેખક: શૈલેષ રાદડિયા
યુવકોના ગ્રુપ દ્વારા જાતે જ ભોજન તૈયાર કરીને પેક કરી દર્દીઓ સુધી પહોંચડવામાં આવે છે.
  • ટિફિન આપતી વેળાએ દર્દી ક્ષોભ કે નાનપ ન અનુભવે તે માટે ફોટોગ્રાફ્સ લેવાતો નથી

કોરોનાના કપરા કાળમાં ભલભલાને ભુખ્યા રહેવાની નોબત આવે છે, ત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને બે સમયનું પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે ગોંડલમાં અનોખો સેવાયજ્ઞ શરૂ થયો છે. છેલ્લા એક મહિનાથી ગોંડલના અક્ષય ભારતી મિત્ર મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ગ્રુપના 25 જેટલા યુવાનોએ પોતાના ખિસ્સામાંથી રોજ 25 હજારથી વધુ રૂપિયા ખર્ચી દર્દી નારાયણની સેવામાં જોતરાયા છે. રોજ 450 જેટલા પૌષ્ટિક આહાર સાથેના ટિફિન તૈયાર કરી બપોર અને સાંજે હોસ્પિટલમાં દર્દીઓને ફ્રીમાં આપી તેની જઠરાગ્નિ તૃપ્ત કરી રહ્યાં છે.

ત્રણ મિત્રોએ શરૂ કરેલી સેવા આજે વટવૃક્ષ બની
અક્ષય ભારતી મિત્ર મંડળના અનિલભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમે ત્રણ મિત્રો હું રોહિત ચુડાસમા અને શ્રુમિલભાઈ રાદડીયાએ મળીને આ સેવા શરૂ કરી હતી. ત્યારે અમે રોજ પોતાના 15 હજારના ખર્ચે 200 જેટલા ટિફિન બનાવતા હતાં અને દર્દીઓને ફ્રીમાં હોસ્પિટલ સુધી પહોંચાડતા હતા. ધીમે ધીમે લોકોનો સહકાર મળતો ગયો અને આજે 25 જેટલા યુવાનો આ સેવાકાર્યમાં જોડાયા છે. આજની તારીખમાં 25 હજાર જેટલો ખર્ચ રોજનો થાય છે અને એક પણ રૂપિયો માગ્યા વગર લોકો સામેથી આ સેવાકાર્યમાં જોડાતા જાય છે. હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓ તેમજ હોમ આઇસોલેટ થયેલા દર્દીઓને બપોરે અને રાત્રે નિઃશુલ્ક ટિફિન પહોંચાડવામાં આવી રહ્યું છે.

ટિફિનમાં બપોરે બે શાક, દાળ-ભાત, સલાડ, છાશ અને રોટલી અપાય છે.
ટિફિનમાં બપોરે બે શાક, દાળ-ભાત, સલાડ, છાશ અને રોટલી અપાય છે.

આ રીતે ટિફિન મેળવી શકાય છે
અનિલભાઇ વધુમાં જણાવે છે કે, આ ટિફિનમાં બપોરે બે શાક, દાળ-ભાત, સલાડ, છાશ અને રોટલીનો સમાવેશ કરાયો છે. જ્યારે રાત્રિના ભોજનમાં કઢી, ખીચડી, એક શાક તેમજ સલાડ પિરસવામાં આવી રહ્યું છે. રોજિંદા રૂપિયા 25 હજારનો ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં મેડિકલ સ્ટાફ માટે પણ ટિફિન સેવા શરૂ કરવા આયોજન કરવામાં આવનાર છે, ટિફિન મેળવવા ઇચ્છુક દર્દીઓએ મોબાઇલ નંબર 98795 26592 ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમજ મહામારીને ધ્યાને રાખી મિત્ર મંડળ દ્વારા ડિસ્પોઝેબલ ડીશ, છાશની બોટલ આપવામાં આવી રહ્યાં છે,

રાત્રિના ભોજનમાં કઢી, ખીચડી, એક શાક તેમજ સલાડ પિરસાય છે.
રાત્રિના ભોજનમાં કઢી, ખીચડી, એક શાક તેમજ સલાડ પિરસાય છે.

ઘર કે હોસ્પિટલમાં બહારથી જ ટિફિન આપી દેવાય છે
અનિલભાઇ વધુમાં જણાવે છે કે, કોરોનાનું સંક્રમણ વધે નહીં તે મુજબ અમે સરકારની ગાઇડ લાઇન ફોલો કરીને આ સેવા કરી રહ્યાં છીએ. અમે હોસ્પિટલ વાઇઝ અલગ અલગ ટીમ બનાવી છે. ટીમવાઇઝ અમે હોસ્પિટલના દર્દીઓ સુધી ટિફિન પહોંચાડી રહ્યાં છીએ. હોમ આઇસોલેટ દર્દી કે તેનો પરિવાર હોય તો તે બધા માટે અમે ટિફિન બનાવી રહ્યાં છીએ. અમારી ટીમ આવા દર્દીઓના ઘરે પહોંચે છે ત્યારે બહાર ટિફિન મૂકી અંદરથી પરિવારજનને બોલાવી ટિફિન આપી રહ્યાં છીએ. આથી અમારી ટીમનો એક પણ સભ્ય આજદિન સુધી કોરોનાગ્રસ્ત બન્યો નથી.

હોમ આઇસોલેટ થયેલા દર્દીઓને બપોરે અને રાત્રે નિઃશુલ્ક ટિફિન પહોંચાડવામાં આવે છે.
હોમ આઇસોલેટ થયેલા દર્દીઓને બપોરે અને રાત્રે નિઃશુલ્ક ટિફિન પહોંચાડવામાં આવે છે.

ડીશ પેકેજીંગ ખર્ચ પણ લાગે છે
અનિલભાઇએ ટિફિન પેકેજીંગ અંગે જણાવ્યું હતું કે, એક ટિફિન પેકેજીંગમાં જ અમારે 8થી 10 રૂપિયા જેટલો ખર્ચ થઇ જાય છે. જેમાં ડિસ્પોઝેબલ ડિશ, ગ્લાસ અને છાશ ભરવા માટે પ્લાસ્ટિકની બોટલનો સમાવેશ થાય છે. તેમજ એક ટિફિન દિઠ અમારે 70-80 રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. હાલ 25 જેટલા યુવાનો જોડાયા છે તે તમામ પોતાના કામ-ધંધા કે નોકરીમાં રજા મૂકીને આ સેવામાં લાગ્યા છે. સવારે નવ વાગ્યે અને રસોઇ બનાવવાનું શરૂ કરીએ એટલે ક્યારેક રાત્રે 10 પણ વાગી જાય છે. રાતના 9 વાગ્યે કોઇ દર્દીનો ફોન આવે તો અમે તેને ફ્રેશ ટિફિન બનાવીને જમાડીએ છીએ.

ટિફિન પેકેજીંગમાં જ 8થી 10 રૂપિયા જેટલો ખર્ચ થઇ જાય છે
ટિફિન પેકેજીંગમાં જ 8થી 10 રૂપિયા જેટલો ખર્ચ થઇ જાય છે

અક્ષય ભારતી મિત્ર મંડળ 25 વર્ષથી ચાલે છે
અનિલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, અક્ષય ભારતી મિત્ર મંડળ છેલ્લા 25 વર્ષથી અમે ચલાવીએ છીએ. કચ્છના ભૂકંપ વખતે અમે મોરબી અને માળિયામિંયાણા પંથકમાં સેવા આપી હતી અને લોકોને જમાડ્યા હતા. આ ઉપરાંત અમે મોરબીના મચ્છુ હોનારતમાં પણ સેવા આપી હતી. હાલ કોરોના કાળમાં કોઇ કોરોના સંક્રમિત થાય તો તેનો પરિવાર ચિંતા ન અનુભવે તે માટે અમે ટિફિન સેવા શરૂ કરી છે. આ ટિફિન સેવા જ્યાં સુધી કોરોનાકાળ ખતમ ન થાય ત્યાં સુધી ચલાવવાના છીએ.

ગ્રુપના સભ્યો કામ-ધંધા કે નોકરીમાં રજા મૂકીને આ સેવામાં લાગ્યા છે.
ગ્રુપના સભ્યો કામ-ધંધા કે નોકરીમાં રજા મૂકીને આ સેવામાં લાગ્યા છે.

ગરીબ પરિવારને રાશન કીટ આપીએ છીએ
અનિલભાઇ પોતાની સેવા વિશે વાત કરતા આગળ જણાવે છે કે, અમે વર્ષમાં બેવાર 100 જેટલા ગરીબ પરિવારને ફ્રીમાં અમારા ખર્ચે રાશન કીટ આપીએ છીએ. હાલ કોરોના દર્દીને એકાંતરા લીંબુ સરબત, નાળિયેર પાણી અને મોસંબીનું જ્યુસ પણ આપીએ છીએ. તે પણ એકદમ વિનામૂલ્યે. તેમજ અઠવાડિયામાં બેવાર દર્દીઓને ટિફિનમાં મીઠાઇ અને પંજાબી શાક બનાવીને આપીએ છીએ. દર્દીઓને કોરોનામાં એક તરફ સ્વાદ પણ આવતો હોતો નથી એટલે અમે આ વિચાર કર્યો હતો.

અક્ષય ભારતી મિત્ર મંડળ છેલ્લા 25 વર્ષથી ચાલે છે
અક્ષય ભારતી મિત્ર મંડળ છેલ્લા 25 વર્ષથી ચાલે છે

કોરોના દર્દીઓને હાલ હૂંફની જરૂર
હોસ્પિટલમાં દાખલ દર્દીઓ વિશે વાત કરતા અનિલભાઇ જણાવે છે કે, હાલ કોરોના થાય એટલે દર્દી માનસિક રીતે પડી ભાગે છે. આથી તેમને હૂંફની જરૂર વધારે રહે છે. આ માટે અમે વિચાર કર્યો છે કે, અમારી ટીમના 6 જેટલા સભ્યો આવા દર્દીઓનું કાઉન્સેલિંગ કરી તેની સમસ્યા સાંભળે અને તેનો ઉકેલ પણ આપે. આગામી દિવસોમાં અમે આ ટીમ પણ તૈયાર કરી હોસ્પિટલોમાં મોકલીશું.

(તસવીરોઃ દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...