સોની હવે માત્ર હૉલમાર્ક સોનું જ વેચી શકશે:આધાર કાર્ડની જેમ જ્વેલરીનો હશે 6 આંકડાનો કોડ; આખરે કેમ પડી આની જરૂર?

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડિસેમ્બર 2022ની વાત છે. રોહન મધ્યપ્રદેશના છિંદવાડામાં એક સોની પાસેથી હૉલમાર્ક વગરના 2 તોલા સોનાના દાગીના ખરીદે છે. થોડા દિવસો પછી આ જ્વેલરી બગડવા લાગે છે. જ્યારે તે એને પરત કરવા સોની પાસે ગયો ત્યારે તેને હવે એ જ જ્વેલરીની અડધી કિંમત મળી, પરંતુ 1 એપ્રિલ 2023 પછી આવું નહીં થાય. એનું કારણ એ છે કે સોની હવે હૉલમાર્ક ટેગ વિના સોનું વેચી શકશે નહીં.

ભાસ્કર એક્સ્પ્લેનરમાં બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડને ટાંકીને 12 પ્રશ્ન દ્વારા સોનાના હૉલમાર્ક સંબંધિત તમામ પ્રશ્નોના જવાબો જાણો….

પ્રશ્ન 1: હૉલમાર્ક સોનું શું છે અને એ કોણ નક્કી કરે છે?
જવાબ: તમે સોની પાસેથી જે સોનું ખરીદો છો એ શુદ્ધ છે કે નહીં એની તપાસ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા સોના, ચાંદી અને અન્ય કીમતી ધાતુઓમાંથી બનેલી જ્વેલરી અથવા કલાકૃતિઓની તપાસ કરે છે. જો ધાતુ શુદ્ધ હોય તો એને ટેગ આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને હૉલમાર્કિંગ કહેવામાં આવે છે. હવે ભારત સરકારે આદેશ જારી કરીને કહ્યું છે કે સોની હૉલમાર્કિંગ વગર સોનાની બનેલી કોઈપણ વસ્તુ વેચી શકશે નહીં.

પ્રશ્ન 2: સોનાના હૉલમાર્કિંગથી સામાન્ય લોકોને કેવી રીતે ફાયદો થશે?
જવાબ: નીચેનાં ગ્રાફિક્સમાં આ પ્રશ્નનો જવાબ વાંચો…

પ્રશ્ન 3: હૉલમાર્કવાળા સોનાની જરૂર કેમ પડી?
જવાબ: ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે. ચીન નંબર વન છે. આવી સ્થિતિમાં લોકોએ નકલી અથવા ઓછું શુદ્ધ સોનું વાસ્તવિક માનીને ખરીદવું જોઈએ નહીં. આ માટે સોનાનું હૉલમાર્કિંગ કરવામાં આવી રહ્યું છે.

હૉલમાર્ક્ડ સોનું ઓળખવામાં સરળ રહેશે, કારણ કે જેમ આધાર કાર્ડમાં 12 અંકનો કોડ હોય છે એવી જ રીતે સોનામાં પણ 6 અંકનો હૉલમાર્ક કોડ હશે. એને હૉલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે.

આ નંબર આલ્ફાન્યૂમેરિક હોઈ શકે છે, એટલે કે આના જેવું કંઈક- AZ4524. આ નંબર દ્વારા સોનું ટ્રેસ કરીને એ જાણી શકાશે કે સોનું કેટલા કેરેટનું છે. હવે ગ્રાહકોએ જ્વેલરી ખરીદતાં પહેલાં હૉલમાર્ક ચેક કરવો પડશે. દેશભરમાં સોના પર ટ્રેડમાર્ક આપવા માટે 940 કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે.

પ્રશ્ન 4: કઈ 5 રીતે હૉલમાર્કવાળા સોનાનું પરીક્ષણ કરવું સરળ રહેશે?
જવાબ: સોનું એ સખત ધાતુ છે, તેથી ઘરેણાં બનાવવા માટે એને નરમ બનાવવું જરૂરી છે. આ માટે સોનામાં અન્ય ધાતુઓ મિક્સ કરવામાં આવે છે. દાગીનામાં જેટલું સોનું હોય છે એટલું મોંઘું હોય છે. હૉલમાર્ક કોડ જારી થયા પછી જ્વેલરી કેટલી અસલી છે કે નકલી એની ઓળખ આ 5 રીતે થશે…

1. BIS માર્ક: દરેક જ્વેલરીમાં ટ્રેડમાર્ક એટલે કે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સનો લોગો હશે.

2. કેરેટમાં શુદ્ધતા: દરેક જ્વેલરીમાં કેરેટ અથવા બારીકાઈમાં શુદ્ધતા હશે.

3. ધારો કે સોના પર 22K916 લખેલું છે: એનો અર્થ એ છે કે એ 22 કેરેટ સોનું છે અને એ 91.6% શુદ્ધ છે.

4. સોના પર 18K750 લખેલું છે: આનો અર્થ એ છે કે એ 18 કેરેટ સોનું છે અને એ 75% શુદ્ધ છે.

5. સોના પર 14K585 લખેલું છે: આનો અર્થ એ છે કે એ 14 કેરેટ સોનું છે અને એ 58.5% શુદ્ધ છે.

પ્રશ્ન 5: હૉલમાર્ક ગોલ્ડ HUID નંબર ડેટા ગોપનીયતા કેટલી સુરક્ષિત છે?
જવાબ: જૂન 2021માં ભારત સરકારે નકલી સોનાના વેચાણ અને જ્વેલરીની ચોરી અટકાવવા માટે હૉલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું હતું. સરકારનું કહેવું છે કે એના યોગ્ય અમલીકરણ પછી સોનું વેચનારા તમામ નાના-મોટા સોની આપોઆપ નોંધાઈ જશે. તેણે કેટલું સોનું ખરીદ્યું અને વેચ્યું? દરેક બાબતની માહિતી સરકાર પાસે રહેશે. ડેટા ગોપનીયતાના સંદર્ભમાં HUID નંબર પણ ખૂબ સુરક્ષિત છે.

ગ્રાહકો 'BIS કેર એપ' દ્વારા સોનાની શુદ્ધતાની સ્વ-તપાસ કરી શકે છે. આ માટે સૌપ્રથમ યુઝર્સે ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ પછી વપરાશકર્તાઓ એપ્લિકેશનના 'વેરિફાઈ HUID' વિભાગમાં જઈને એના વિશે વિગતવાર માહિતી મેળવી શકે છે.

પ્રશ્ન 6: જૂનો 4 અંકનો હૉલમાર્કિંગ નંબર કેમ નાબૂદ કરવામાં આવ્યો?
જવાબ: 16 જૂન, 2021 સુધી સોનાનું હૉલમાર્કિંગ જરૂરી નહોતું. એ સોનાના ખરીદદારો અને વેચાણકર્તાઓની ઈચ્છા પર આધાર રાખતું હતું. ત્યારે HUID નંબર 4 અંકનો હતો. આ પછી 1 જુલાઈ, 2021થી હૉલમાર્ક નંબર ઘટાડીને 6 અંક કરવામાં આવ્યો. હવે સરકારે 4 અંક અને 6 અંકના હૉલમાર્કિંગ અંગેની મૂંઝવણ દૂર કરવા માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

નવા નિયમ હેઠળ, 1 એપ્રિલથી ફક્ત છ-અંકનું આલ્ફાન્યૂમેરિક હૉલમાર્કિંગ માન્ય રહેશે તેમજ ચાર આંકડાનું હૉલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે. આ નવા નિયમના અમલ પહેલાં સોનાના વેપારીઓને ચાર આંકડાની વસ્તુઓનો સ્ટોક ખાલી કરવા માટે એક વર્ષ અને નવ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, હવે એ સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે.

પ્રશ્ન 7: શું હૉલમાર્ક નંબર ફક્ત જ્વેલરી પર લાગુ થશે કે સોનાના બિસ્કિટ અને સિક્કા પર પણ?
જવાબ: નવા હૉલમાર્ક નંબર તમામ સોના, સોનાના દાગીના, બિસ્કિટ અને સિક્કા માટે જારી કરવામાં આવશે. જોકે જ્વેલર્સ ગ્રાહકો પાસેથી હૉલમાર્ક વગરના જૂના સોનાના દાગીના, બિસ્કિટ અને સિક્કા પાછા ખરીદવાનું ચાલુ રાખી શકે છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જૂની સ્કીમ હેઠળ ગ્રાહકો પાસે હૉલમાર્કવાળી જ્વેલરી માન્ય રહેશે. લોકો તેમનાં જૂનાં ઘરેણાં સોનીને વેચી શકે છે.

પ્રશ્ન 8: શું હું જૂના સોના પર પણ હૉલમાર્ક કરી શકું?
જવાબ: સામાન્ય લોકો તેમની જૂની સોનાની જ્વેલરી કે સિક્કા હૉલમાર્ક વિના કોઈપણ જ્વેલરને વેચી શકે છે. જ્યારે તે જ્વેલર આ સોનામાંથી નવી જ્વેલરી બનાવે છે અને એને ક્યાંક વેચે છે ત્યારે તેણે એને હૉલમાર્ક કરાવવું પડશે.

પ્રશ્ન 9: શું નવા હૉલમાર્ક નિયમનો કોઈ ગેરફાયદો છે અને શું આ નિયમ ચાંદીને પણ લાગુ પડે છે?
જવાબ: નવા હૉલમાર્ક નિયમોથી સામાન્ય લોકોને કોઈ નુકસાન થશે નહીં. આનો બીજો ફાયદો એ થશે કે હવે જો તમે હૉલમાર્ક સાથે જૂનું સોનું વેચવા જશો તો જ્વેલર્સ કોઈપણ કપાત વિના એ પછીના ભાવે ખરીદશે. માત્ર સોના માટે હૉલમાર્કનો નવો નિયમ છે, એ ચાંદી માટે નથી.

પ્રશ્ન 10: ઘડામણ પર એની શું અસર થશે?
જવાબ: નવો નિયમ લાગુ થયા બાદ મેકિંગ ચાર્જ પર કોઈ અસર નહીં થાય. એ પહેલાં જેવા જ દેખાવાનું ચાલુ રાખશે. જો તમે હૉલમાર્ક્ડ સોનું કે જ્વેલરી વેચવા જશો તો હવે જ્વેલર્સ એને કાપી શકશે નહીં. તે ફક્ત તમારી પાસેથી મેકિંગ ચાર્જ લેશે.

પ્રશ્ન 11: નિયમો તોડનારાઓને શું સજા થશે?
જવાબ: નવા નિયમનો ભંગ કરનાર જ્વેલર્સે જ્વેલરીની કિંમત કરતાં પાંચ ગણો દંડ ભરવો પડશે. આ સિવાય એક વર્ષની કેદ અથવા બંને થઈ શકે છે.

પ્રશ્ન 12: હવે આખરે જાણી લો કે હૉલમાર્ક માટે કોણ અને કેવી રીતે નોંધણી કરાવી શકે?
જવાબ: કોઈપણ સોનાના ઉત્પાદક, જથ્થાબંધ વેપારી અને છૂટક વિક્રેતા જે સોના અથવા સોનાના દાગીના ખરીદે અને વેચે છે તેઓ ભારતીય માનક બ્યૂરોમાં નોંધણી માટે અરજી કરી શકે છે.

જ્વેલર્સ આ 5 પગલાંને અનુસરીને નોંધણી માટે અરજી કરી શકે છે...

  • જ્વેલર્સે પહેલા BIS વેબસાઇટ www.manakonline.in ની મુલાકાત લેવી પડશે.
  • આ પછી વેબસાઇટ પર હૉલમાર્કિંગનો વિકલ્પ પસંદ કરો.
  • લોગ-ઇન કરો અને તમારું સભ્ય ID બનાવો.
  • યુઝર આઈડી અને પાસવર્ડ મેઈલ અને ફોનનંબર પણ મોકલવામાં આવે છે.
  • તમે નોંધણી ફોર્મ પરની વિગતો ભરીને હૉલમાર્કિંગ માટે અરજી કરી શકો છો.
  • હવે સોનાને લગતી રસપ્રદ માહિતી માટે નીચેનાં ગ્રાફિક્સ વાંચો…

(નોંધ: પ્રસ્તાવનામાં રોહન સાથેની ઘટનાને થોડા ફેરફાર સાથે નામ બદલીને ટૂંકમાં લખવામાં આવી છે.)

અન્ય સમાચારો પણ છે...