કરાર આધારિત નિમણૂકો બારોબાર થતી હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઇને રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે સરકારની પૂર્વમંજૂરી વગર કોઇની કરાર આધારિત નિમણૂકો નહીં કરવા આદેશ આપ્યો હોવા છતાં ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમ લિમિટેડ (GIIC) દ્વારા બે નિવૃત્ત અધિકારીની નિમણૂકો કરી હોવાની ફરિયાદ ઊઠી છે. એટલું જ નહીં, કરાર આધારિત નિમણૂક પામેલા બંને નિવૃત્ત અધિકારીને ઘરેથી ઓફિસ અવરજવર માટે સરકારી વાહન ફાળવવામાં આવ્યું હોવાની હકીકત પણ પ્રકાશમાં આવી છે. આ અંગે GIIC કર્મચારી મંડળ હિતરક્ષક સંઘને ફરિયાદ કરવા છતાં સત્તાતંત્રના પેટનું પાણી હાલતું નથી. નવાઇની વાત તો એ છે કે આ નિમણૂકો માટે સરકાર પાસે પરવાનગી લીધી છે કે નહીં એ તો તપાસનો વિષય છે, પરંતુ GIIC જે વિભાગના તાબા હેઠળ આવે છે એ ઉદ્યોગ અને ખાણ વિભાગને જાણકારી નહીં હોવાની હકીકતનો ઘટસ્ફોટ RTIના જવાબમાં થવા પામ્યો છે.
રાજ્યની સરકારી કચેરીઓમાં મંજૂર મહેકમની સરખામણીમાં આજે સંખ્યાબદ્ધ જગ્યાઓ ખાલી છે, જેના કારણે કર્મચારીઓ પર કાર્યબોજ વધી જાય છે. આ કર્મચારીઓ પરનો બોજ ઘટાડવા તથા જગ્યાઓ કામચલાઉ ધોરણે ભરવા માટે સરકાર તરફથી આઉટસોર્સિંગ તેમ જ કરાર આધારિત નિવૃત્ત કર્મચારી- અધિકારીઓની નિમણૂકો કરવામાં આવી રહી છે, પરંતુ કરાર આધારિત નિમણૂકો વિભાગો બારોબાર કરતાં હોવાની માહિતીના પગલે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે નવેમ્બર-2021માં પરિપત્ર બહાર પાડ્યો હતો. એ મુજબ સરકારની પૂર્વ મંજૂરી વગરની નિમણૂકોનો તાત્કાલિક અસરથી અંત લાવવાનો રહેશે અને તેની જાણ સામાન્ય વહીવટ વિભાગને કરવાની રહેશે. આટલું જ નહીં, પરંતુ જો કોઇ કર્મચારીની નિમણૂક કરવાની થાય તો સરકારની મંજૂરી લેવાની રહેશે. દર ત્રણ માસે આ ઠરાવ સાથે સંબંધિત વિભાગે સામાન્ય વહીવટ વિભાગને જાણ કરવાની રહેશે.
આ સ્પષ્ટ આદેશ હોવા છતાં ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણ લિમિટેડ (GIIC)એ બે નિવૃત્ત અધિકારીઓ પી.જે. પરીખ તથા ડી.ડી. પટેલની કરાર આધારિત નિમણૂકો કરી હતી. આ અંગે GIIC કર્મચારી મંડળ હિતરક્ષક સંઘના પ્રમુખે ગુજરાતના મુખ્યમંત્રી, ઉદ્યોગ ખાણ અને ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવન એ.કે. રાકેશ, નાણાં વિભાગના અગ્ર સચિવ જે.પી. ગુપ્તા સહિત મુખ્ય સચિવ પંકજકુમાર સમક્ષ 29-3-2022ના રોજ લેખિતમાં ફરિયાદ કરી છે.
આ ફરિયાદની જાણ થતાં દિવ્ય ભાસ્કર તરફથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. એના ભાગરૂપે જ આ અંગેના જરૂરી દસ્તાવેજો જેવા કે યુનિયન તરફથી કરવામાં આવેલી ફરિયાદ તેમ જ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સાથે થયેલા કરાર ઉપરાંત આ અધિકારીઓને ફાળવવામાં આવેલા સરકારી વાહનની લોગ બુક સહિતના જરૂરી દસ્તાવેજો મેળવવામાં આવ્યા હતા. એનો અભ્યાસ કર્યા બાદ આ અંગે GIICના મેનેજિંગ ડિરેકટર રાહુલ ગુપ્તા સાથે પણ ટેલિફોનિક વાત કરીને સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.
કેમ થઇ ફરિયાદ?
GIICમાં અગાઉ જ્યારે જ્યારે સરકારની તેમ જ સરકારના નાણાં વિભાગની મંજૂરી વગર કર્મચારીઓને કોઇપણ લાભ આપવામાં આવ્યા હતા તો તે તમામ કર્મચારીઓ પાસેથી પાશ્ચાતવર્તી અસરથી વસૂલાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, નિવૃત્ત કર્મચારીઓને નોકરીમાં એક્સટેન્શન આપવા માટે GIICની બોર્ડ ઑફ ડિરેકટર્સની 29-6-2020ની બોર્ડ મીટિંગમાં ચર્ચા થઇ હતી. એ બાબતની મંજૂરી સરકારમાં પડતર છે. ત્યારે GIIC દ્વારા બે નિવૃત્ત અધિકારી પી.જે. પરીખ તથા ડી.ડી. પટેલની કરાર આધારિત નિમણૂક કરવામાં આવતાં તેમની નિમણૂક સરકારની પૂર્વમંજૂરી લીધા વગર કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્મચારી યુનિયને કર્યો છે.
નિયમોનો કેવી રીતે થાય છે છડેચોક ભંગ
સરકારી ઠરાવ મુજબ GIICમાં કાયમી કર્મચારીઓને ઘરેથી કચેરી આવવા-જવા માટે સરકારી વાહનની સવલત મળવાપાત્ર નથી. છતાં કરાર આધારિત નિમણૂક પામેલા બંને નિવૃત્ત અધિકારી પી.જે. પરીખ અને ડી.ડી. પટેલને સરકારી વાહન ફાળવવામાં આવ્યું છે. આ વાહન ફાળવવા બદલ મામૂલી 250 રૂપિયાની રકમ જ વસૂલવામાં આવે છે. એના પુરાવા સ્વરૂપે લોગ બુકની નકલ પણ યુનિયનના પ્રમુખે ઉપરોક્ત સત્તાધીશોને 29-3-2022ના રોજ લખેલા પત્રની સાથે મોકલી છે, જેમાં આ અંગે તપાસ કરીને યોગ્ય પગલાં ભરવા માગણી કરી છે.
GIICએ નિવૃત્ત કર્મચારીઓને ફરજ પર કેમ લીધા?
GIIC કર્મચારી મંડળ હિતરક્ષક સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર એન. દેસાઇએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે GIICમાં નિવૃત્ત કર્મચારીઓને રાખવા માટે બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં થયેલા ઠરાવ મંજૂરી માટે સરકારમાં પડતર છે. બીજી બાજુ ખુદ સરકારે પણ સરકારી પૂર્વમંજૂરી વગર નોકરીમાં નહીં લેવાનો આદેશ કર્યો છે, જેથી GIICએ CAની કામગીરી માટે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સાથે કરાર કર્યો છે. આ કામગીરી બદલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ફર્મને નિયમાનુસાર ફી પણ ચૂકવવામાં આવે છે, પરંતુ CA સાથે થયેલા કરારમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ફર્મ દ્વારા GIICના કામ માટે GIICના જ નિવૃત્ત અધિકારીને પોતાને ત્યાં નોકરીમાં રાખ્યાં છે અને તે નિવૃત્ત અધિકારી જ GIICનું કામ કરે છે. વાસ્તવમાં તે અધિકારીનો પગાર ફર્મ ચૂકવે છે, પરંતુ હકીકતમાં GIIC દ્રારા ચૂકવવામાં આવતું મહેનતાણું જ તે નિવૃત્ત અધિકારીને ચૂકવવામાં આવે છે. આમ, GIICએ ચતુરાઇપૂર્વક બંને અધિકારીની નિમણૂક કરી છે. નિયમ મુજબ નિવૃત્ત અધિકારીને CA ફર્મના કર્મચારી ગણવામાં આવે તો સ્વાભાવિકપણે તેને અન્ય લાભો આપવાના રહેતાં નથી. આમ છતાં આ અધિકારીઓને ઓફિસે આવવા-જવા માટે GIICનું સરકારી વાહન ફાળવવામાં આવ્યું છે. આમ તો GIICમાં કામ કરતાં કાયમી અધિકારીને પણ વાહન ફાળવાતું નથી.
બંને અધિકારીની નિમણૂક આપી નથી, રિટેનરશિપ પર લેવામાં આવ્યા છે - રાહુલ ગુપ્તા
ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમ લિમિટેડ (GIIC)ના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તા સાથે દિવ્ય ભાસ્કરના સવાલ-જવાબ નીચે મુજબ છે.
પ્રશ્ન - સરકારની પૂર્વમંજૂરી વગર GIICમાં બે નિવૃત્ત અધિકારી પી.જે. પરીખ તથા ડી.ડી. પટેલની નિમણૂક કરવામાં આવી છે?
જવાબ - ના, તેમની નિમણૂક કરી નથી.
પ્રશ્ન - અત્યારે આપણે ત્યાં બંને અધિકારી ફરજ બજાવતા હોવાના ડોક્યુમેન્ટ મારી પાસે છે, તો શું તમારે ત્યાં તેઓ ફરજ બજાવતા નથી ?
જવાબ - સરકારમાં મંજૂરી માટે મૂક્યું છે, પણ તેમની નિમણૂક કરી નથી.
પ્રશ્ન - જોબ કરે છે, તો કયા આધાર પર કરે છે ?
જવાબ - તેમને રિટેનરશિપ પર રાખ્યા છે, એક તો એડવોકેટ છે. GIICમાં રિકવરીના ઘણા બધા કેસો હોય છે. તેમને એડવોકેટ તરીકે રિટેનરશિપમાં લીધા છે. એકને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ફર્મમાંથી લીધા છે. સરકાર પાસે બંનેની મંજૂરી માટે મૂક્યું છે.
પ્રશ્ન - ઉદ્યોગ અને ખાણ વિભાગે યુનિયન તરફથી કરાયેલી RTIના જવાબમાં તેમની પાસે મંજૂરી માટે આવી કોઇ ફાઇલ કે દસ્તાવેજ મળી આવેલા નહીં હોવાનું જણાવ્યું છે
જવાબ - 110 ટકા પર મોકલ્યું છે. તમને કોપી જોઇતી હશે તો હું મોકલાવી દઇશ. સરકારના નિયમ હોય ત્યારે અમે નિયમ વિરુદ્ધ કોઇ કામ કરતા નથી અને કરીશું પણ નહીં. GIICમાં મેનેજર કક્ષાના કોઇ અધિકારી જ નથી. કામ સાવ ઠપ થઇ જાય અને રિકવરી કરવાની જે આવે એ પછી કશું આવે જ નહીં.
પ્રશ્ન - આ બંને નિવૃત્ત અધિકારીઓ તો GIICના જ છે ને ?
જવાબ - તેઓ તો ક્યારના નિવૃત્ત થઇ ગયા છે, એમાં ડી.ડી. પટેલ તો છ વર્ષ પહેલાં થઇ ગયા હતા. GIICમાં કોઇ અનુભવી અધિકારી છે જ નહીં, એટલે શું કરો તમે?
પ્રશ્ન - આ બંને અધિકારીને ગાડી આપી છે, મારી પાસે લોગ બુક છે.
જવાબ - કોમન પુલની ગાડી હોય છે. બે ત્રણ કર્મચારી ભેગા આવતાજતા હોય છે, કોઇને વ્યક્તિગત ગાડી અપાતી નથી. યુનિયનમાં અંદરોઅંદર માથાકૂટ હોય છે. એટલે નિવૃત્ત કર્મચારીએ ફરિયાદ કરી હોય. બાકી આમાં કશું છે નહીં એવું મારું માનવું છે.
પ્રશ્ન - સરકારની મંજૂરી મળી ના હોય તોપણ કોઇને રાખી શકાય ખરા ?
જવાબ - નિમણૂક આપી નથી, રિટેનરશિપ પર રાખ્યા છે. કોઇ એડવોકેટની સલાહ લેવી હોય તો તેમને આપણે નિમણૂક નથી આપી શકતા. કોર્પોરેશન અને બીજા વિભાગો પણ એડવોકેટ રાખવા હોય તો તેમને રિટેનરશિપ પર રાખતા હોઇએ છીએ. આપણે તેમને નહીં, રિટેનરશિપ એજન્સીને રકમ ચૂકવીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.