ગ્રાઉન્ડ રિપોર્ટસલમાને શાહરુખને માર્યો, આસ્થા માએ ઘટનાને હિન્દુ-મુસ્લિમ બનાવી:માર ખાધા પછી છોકરો ગુમ, પોલીસે કહ્યું- શોધી રહ્યાં છીએ, મળશે તો જણાવશું

ગાઝિયાબાદ2 મહિનો પહેલાલેખક: વૈભવ પલનીટકર
  • કૉપી લિંક

6 માર્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક લોકોએ છોકરાને પકડીને માર માર્યો હતો. આ છોકરો 100 રૂપિયાની ચોરીની શંકામાં ઝડપાયો હતો. ગાઝિયાબાદના ટીલા મોર પોલીસ સ્ટેશન વિસ્તારના ગરિમા ગાર્ડનમાં આ બધું થઈ રહ્યું હતું. આ દરમિયાન સ્થાનિક હિન્દુવાદી નેતા આસ્થા માની એન્ટ્રી થઈ હતી. આસ્થા માએ પોતાનો ફોન કાઢ્યો અને વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. વીડિઓમાં જુઓ:

આસ્થા માએ પૂછ્યું 'તમારું નામ શું છે?'

પીડિત છોકરાએ જવાબ આપ્યો- 'શાહરુખ'

આસ્થા માએ કહ્યું- 'હ** જાદાઓ, બીજું કોઈ કામ નથી. આ જુઓ, આમની પાસે અસ્ત્રો છે. હવે આ અસ્ત્રો તારા પર ફેરવાશે, તેને નીચે બેસાડો અને તેની હજામત કરો. તમે નશેડી-ગંજેડી હ** જાદાઓ, આ જ કામ હવે બાકી રહી ગયું છે.'

આ પછી ભીડ વધુ ઉશ્કેરાઈ ગઈ. છોકરાને ખૂબ માર મારવામાં આવ્યો, કોઈ નજીકના સલૂનમાંથી ટ્રીમર લાવ્યું અને છોકરાનું માથું મુંડવામાં આવ્યું. છોકરો રડતો રહ્યો અને માફી માગતો રહ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરાને માર માર્યા બાદ ટોળાએ તેને છોડી દીધો હતો. તેણે પોતાનું નામ શાહરુખ જણાવ્યું. આરોપીઓમાં પણ એક છોકરાનું નામ શાહરુખ છે.

સાહિબાબાદના ACP ભાસ્કર વર્માએ કહ્યું, 'છોકરાને માર મારનારા સલમાન, શાહરુખ, અનિલ, જયકિશન અને વાજિદની બીજા જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. જોકે જે શાહરુખ નામના છોકરાને માર મરાયો તેની શોધ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં કોઈ ધાર્મિક એંગલ જોવા મળ્યો નથી.'

આખરે એક નાની ચોરીને હિંદુ-મુસ્લિમનો મુદ્દો કેવી રીતે બનાવવામાં આવ્યો
આ વીડિયોને કટ્ટરપંથી હિંદુ પ્રોફાઇલ્સ અને ઘણા મુસ્લિમ નામો સાથેની પ્રોફાઇલ્સ દ્વારા સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો હતો. વીડિયોના માધ્યમથી એક તરફ મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા હતા, તો બીજી તરફ લોકોએ તેને દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા સાથે જોડ્યો. સમગ્ર મામલાની તપાસ કરવા હું જ્યારે ટીલા મોર ખાતે ગરિમા ગાર્ડન પહોંચ્યો ત્યારે ચિત્ર અલગ જ હતું.

વાયરલ વીડિયોમાંથી લોકેશન ઓળખ્યા બાદ મેં આસપાસના લોકોને ઘટના વિશે પૂછ્યું. તેમણે જણાવ્યું કે ધરપકડ કરાયેલા 5 લોકોને 10મી માર્ચે જામીન મળી ગયા છે. તમામ આરોપીઓ ઘરે આવી ગયા છે.

જો કે, ઘટના જ્યાં બની હતી તેની નજીકની કેટલીક દુકાનો, ખાસ કરીને હેર સલૂન જ્યાંથી ટ્રીમર લાવવામાં આવ્યું હતું, તે ઘટનાના દિવસથી બંધ છે. આ એ જ દુકાનો છે જેમાં સલમાન, શાહરુખ, વાજિદ, જયકિશન કામ કરતા હતા. શાહરુખ પર જયકિશનની દૂધની ડેરીમાંથી ચોરી કરવાનો આરોપ હતો.

'હિંદુ-મુસ્લિમની વાત નથી, ચોરને ટોળાએ પકડીને માર્યો'
જ્યારે મેં વાયરલ વીડિયોમાં જોવા મળેલી ફાસ્ટ ફૂડની દુકાનમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો ત્યારે લોકોએ તેને ચોરીની એક સામાન્ય ઘટના હોવાનું જણાવ્યું. પ્રથમ સંકોચાયા પછી દુકાનદારે કહ્યું, 'જેવો હિંદુ-મુસ્લિમનો મામલો બતાવી રહ્યા હતા, તેવો શરૂઆતમાં નહતો. પંડિતજીની ડેરી સામે છોકરો ગલ્લામાંથી 100 રૂપિયાની ચોરી કરતા પકડાયો હતો. જ્યારે પણ આવો ચોર પકડાય છે ત્યારે ટોળું તેને માર મારવા લાગે છે, અહીં પણ એવું જ થયું છે. ટોળાએ માર મારવાનું શરૂ કરી દીધું અને મામલો વધી ગયો.

તે આગળ જણાવે છે કે, 'પહેલા ડેરીમાંથી પંડિતજીએ પકડ્યો અને પછી લોકો ભેગા થયા. એવું લાગતું હતું કે છોકરો સ્મેક અથવા અન્ય ડ્રગ્સનો નશો કરતો હતો અને તેના કારણે તેણે ચોરીને અંજામ આપ્યો. જેના કારણે લોકો ગુસ્સે થવા લાગ્યા. જ્યારે છોકરાની તપાસ કરી તો તેની પાસેથી એક અસ્ત્રો પણ નીકળ્યો, આની સાથે જ ભીડે તેને મારવાનું શરૂ કરી દીધું.

ગાઝિયાબાદનો ગરિમા ગાર્ડન વિસ્તાર, જ્યાં શાહરૂખને ચોરીની શંકામાં માર મારવામાં આવ્યો હતો.
ગાઝિયાબાદનો ગરિમા ગાર્ડન વિસ્તાર, જ્યાં શાહરૂખને ચોરીની શંકામાં માર મારવામાં આવ્યો હતો.

'સાધ્વી આસ્થા માએ ભીડને માથું મુંડવા માટે ઉશ્કેરી'
ઘટનાના દિવસે ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ કહ્યું, 'જ્યારે વિસ્તારમાં રહેતી આસ્થા મા આવી ત્યારે મારઝૂડ ચાલી રહી હતી. તેમણે મોબાઈલ કાઢ્યો અને રેકોર્ડિંગ શરૂ કર્યું. તેણીએ ભીડને ઉશ્કેરવાનું શરૂ કર્યું અને છોકરાનું નામ પૂછ્યા પછી, જોરથી બૂમો પાડવા લાગી. આસ્થા માએ જ કહ્યું હતું કે છોકરાનું માથું મુંડવું જોઈએ અને આ વીડિયોમાં પણ જોઈ શકાય છે.

જ્યારે ભીડ બેકાબૂ થવા લાગી ત્યારે એક ક્ષણ માટે લાગ્યું કે છોકરાને વધુ માર પડશે. માથું મુંડ્યા પછી છોકરાને છોડી દેવામાં આવ્યો. બધાએ વિચાર્યું કે મામલો થાળે પડી જશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો તો એટલો વાયરલ થયો કે રાત્રે પોલીસ આવી ગઈ.

'આસ્થા માએ વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો'
ક્રાઈમ સીન પર લોકો સાથે વાત કર્યા પછી હું કેસના પાંચ આરોપીઓના ઘરે પહોંચ્યો. ઘટનાસ્થળની નજીક રહેતા શાહરુખના પરિવારના સભ્યો મીડિયા સાથે વાત કરતા ગભરાઈ ગયા હતા. જવાબ મળ્યો, 'શાહરુખ બહાર ગયો છે, તમે અમને પૂછો, તમારે જે પૂછવું હોય.'

શાહરુખના ભાઈ સદ્દામ કહે છે કે 'શાહરુખ માત્ર 15 વર્ષનો છે. અશોક વાટિકામાં જ એક સલૂનમાં કામ કરે છે. બપોરના 3 વાગ્યાની આસપાસ ડેરીના માલિક પંડિતજીએ એક છોકરાને પકડી લીધો અને ચોરીની આશંકાથી માર મારવા લાગ્યા. આ દરમિયાન આસ્થા મા ત્યાં પહોંચી ગયા. જો તે સમજદાર હોત તો છોકરાને પોલીસ પાસે પકડાવત, તેમણે મામલો ધાર્મિક બનાવી દીધો.

બાકીના આરોપી સલમાન, વાજિદ, જયકિશન અને અનિલ પણ ગરિમા ગાર્ડનની આસપાસના વિસ્તારોમાં રહે છે. જ્યારે હું સલમાનના ઘરે પહોંચ્યો તો કોઈએ દરવાજો ન ખોલ્યો. આરોપી અનિલ કુમાર કરિયાણાની દુકાન ચલાવે છે. દુકાન પર તેની પત્ની મળી.

તેમણે કહ્યું કે તે જામીન પર મુક્ત થયા છે, તે વાત નહીં કરી શકે. બાકીના આરોપીઓના પરિવારજનો પણ ડરી ગયા છે, તેઓએ પણ વાત કરવાની ના પાડી દીધી. બધાએ કહ્યું કે આરોપીઓ ઘરે નથી, ક્યાંક કામથી બહાર ગયા છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા પાંચેય આરોપીઓને વીડિયોની મદદથી પોલીસે ઓળખીને તેમની ધરપકડ કરી હતી.
પોલીસ કસ્ટડીમાં રહેલા પાંચેય આરોપીઓને વીડિયોની મદદથી પોલીસે ઓળખીને તેમની ધરપકડ કરી હતી.

'આસ્થા માએ સોશિયલ મીડિયા પર લાઇક્સ માટે મુદ્દાને અતિશયોક્તિ કરી છે'
આ ઘટનાને નજીકથી નિહાળનાર એક વડીલ કહે છે, 'જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે હું તે છોકરાની ખૂબ નજીક ઊભો હતો. ટોળાએ તેને માર માર્યા બાદ થોડી જ વારમાં તેને છોડી દીધો હતો. આ વાત આ ગલીથી બીજી ગલી સુધી પણ પહોંચવાની નહોતી, પરંતુ જ્યારે આસ્થા મા આવી ત્યારે તેણે સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા માટે વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. જ્યારે ખબર પડી કે છોકરાનું નામ શાહરુખ છે, તો આસ્થા માએ જોરથી બોલવાનું શરૂ કર્યું. જેના કારણે ભીડ કાબૂ બહાર ગઈ હતી.

'ગર્વથી હિન્દુત્વનું કામ કરું છું, પણ મારી અંદર પણ સોફ્ટ કોર્નર છે'
ટોળાને ઉશ્કેરવાના આરોપ પર મેં આસ્થા મા સાથે વાત કરી હતી. તે કહે છે, 'હું પહેલા ગરિમા ગાર્ડન વિસ્તારમાં રહેતી હતી. તે દિવસે વૃદ્ધોને મળવા અને હોળીની શુભેચ્છા પાઠવવા ગઈ. મેં જોયું કે લોકો એક સાથે એક છોકરાને મારતા હતા. જે લોકો છોકરાને મારતા હતા તેઓને હું ઓળખતી હતી, તેમાં હિન્દુ અને મુસ્લિમ બંને હતા. લોકોએ જણાવ્યું કે છોકરો ગલ્લામાં હાથ નાખીને પૈસા ઉપાડી રહ્યો હતો અને લોકોએ જોયું.

'મેં લોકોને તેના પેન્ટમાં કંઈ છે કે નહીં તેની તપાસ કરવા કહ્યું. જ્યારે તપાસ કરવામાં આવી તો છોકરાના પેન્ટમાં અસ્ત્રો હતો. હું ટોળાને કહેતી હતી કે તેને ન મારો. એ વાત સાચી છે કે હું હિન્દુત્વનું કામ કરું છું, પણ બાળકો માટે પણ મારા મનમાં સોફ્ટ કોર્નર છે. હું કોઈનું દુઃખ જોઈ શકતો નથી.'

આસ્થા મા પણ કહે છે કે છોકરાને મારવામાં કોઈ હિંદુ-મુસ્લિમ મુદ્દો નથી. પીડિત છોકરા શાહરુખનું સલમાન નામના છોકરાએ મુંડન કર્યું હતું. સલમાન નજીકમાં આવેલા સલૂનમાં કામ કરે છે. તે દુકાનમાંથી ટ્રીમર લાવ્યો અને છોકરાના માથા પર ફેરવી નાખ્યું. હું હિન્દુઓની વાત કરું છું તેથી મને ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પોલીસ આજદિન સુધી છોકરાને શોધી શકી નથી, આસ્થા માની પૂછપરછ કરવામાં આવી નથી
ACP સાહિબાબાદ ભાસ્કર વર્માએ જણાવ્યું કે, આ મામલામાં કેસ નોંધ્યા બાદ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગાઝિયાબાદ પોલીસના DCP દીક્ષા શર્માના જણાવ્યા અનુસાર, પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લોકોએ એક છોકરાને ચોરી માટે પકડ્યો અને પછી તેના વાળ કાપી નાખ્યા. આવું વીડિયોમાં પણ જોઈ શકાય છે.

પોલીસે તરત જ કાર્યવાહી કરતા વીડિયોમાં દેખાતા શાહરુખ સહિત ત્રણ છોકરાઓને કસ્ટડીમાં લીધા હતા. જેના વાળ કપાયા છે તેણે પોલીસ સ્ટેશનમાં કોઈ લેખિત ફરિયાદ આપી નથી. આ કિસ્સામાં, કોઈ ચોક્કસ ધર્મ અથવા સમુદાય સામે દ્વેષનો કોઈ કેસ સામે આવ્યો નથી.

સાધ્વી 'આસ્થા મા'એ આ ઘટના સાથે જોડાયેલા ત્રણ વીડિયો પોતાના ફેસબુક પર શેર કર્યા હતા. હંગામા બાદ સાધ્વીએ આ પોસ્ટ ડિલિટ કરી દીધી હતી. મળતી માહિતી મુજબ પોલીસે હજુ સુધી આસ્થા માની પૂછપરછ કરી નથી. તપાસમાં જાણવા મળ્યું છે કે આસ્થા મા ભૂપેન્દ્ર તોમર ઉર્ફે પિંકી ચૌધરીના ખૂબ નજીક ગણવામાં આવે છે, જેના પર 2021માં જંતર-મંતર નજીક મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવાનો આરોપ છે અને હિંદુ રક્ષા દળના પ્રમુખ છે.