વીતેલું એક વર્ષ કોવિડને લીધે ઘણું જ ખરાબ રહ્યું હતું અને એને કારણે સ્ટોક માર્કેટમાં પણ ભારે ઊથલપાથલ જોવા મળી છે. ગૌતમ અદાણીના જૂથની શેરબજારમાં લિસ્ટેડ 6 કંપનીએ છેલ્લા 1 વર્ષ દરમિયાન રોકાણકારોને તગડો નફો રળી આપ્યો છે. માર્ચ-2020ની તુલનામાં માર્ચ-2021માં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં 182થી 728% સુધીનો ભાવવધારો જોવા મળ્યો છે. ખાસ કરીને એનર્જી સેક્ટર સાથે સંકડાયેલી કંપનીઓ અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસમાં 320-728% જેટલો સુધારો થયો છે.
દિવ્યભાસ્કરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પરથી અદાણી ગ્રુપની 6 કંપની- અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી ગ્રીન, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ અને અદાણી પોર્ટ એન્ડ સેઝના માર્ચ 2020થી લઈને આજસુધીના મંથલી એવરેજ ભાવનું એનાલિસિસ કર્યું અને એના આધારે માર્કેટ એક્સપર્ટ સાથે વાત કરી અને એનાં કારણો જાણ્યાં હતાં.
અદાણીની કંપનીઓમાં વિદેશી રોકાણકારોનો રસ વધ્યો
તોરીન વેલ્થ મેનેજમેન્ટના પાર્ટનર અને પ્રમોટર જિજ્ઞેશ માધવાણીએ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપની કંપનીઓમાં વિદેશી રોકાણકારો (FII), મ્યુચ્યુઅલ ફંડ (MF) અને ઈન્શ્યોરન્સ કંપનીઓનો રસ વધ્યો છે અને એને કારણે ગ્રુપની તમામ કંપનીઓમાં સારું વળતર મળ્યું છે. કોરોનામાં ઈકોનોમીની સ્થિતિ કથળી હતી, પણ એનાથી વિપરીત અદાણી ગ્રુપનું પર્ફોર્મન્સ ઘણું જ સારું રહ્યું છે.
આગળ પણ સુધારો ચાલુ રહી શકે છે
જિજ્ઞેશ માધવાણીએ કહ્યું હતું કે માર્કેટ પ્રોજેક્શન પર ચાલે છે અને અદાણી ગ્રુપના પ્રોજેક્શન આવનારાં ત્રણ-ચાર વર્ષ માટે ઘણા જ મજબૂત દેખાઈ રહ્યા છે. FII, MF અને ઈન્શ્યોરન્સ સેક્ટર આ વાત સમજે છે અને તેથી તેમના તરફથી બહોળા પ્રમાણમાં રોકાણ આવ્યું છે અને હજુ પણ આવશે. આને કારણે આવનારા સમયમાં પણ અદાણી ગ્રુપની કંપનીઓમાં સુધારો જોવા મળી શકે છે.
સરકારની નજીક હોવાનો ફાયદો થઈ રહ્યો છે
રાહુલ ગાંધીએ બજેટસત્રમાં સરકાર પર એવો આક્ષેપ મૂક્યો હતો કે 'હમ દો હમારે દો'ના નારા સાથે સરકાર ચાર લોકો જ ચલાવે છે અને આમાં હમારે દો એટલે અંબાણી અને અદાણી. મુંબઈના એક માર્કેટ એનલિસ્ટે આ વાતનું સમર્થન કરતાં નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે અદાણી સરકારની વધુ નજીક છે અને એનો ફાયદો પણ તેને થઈ રહ્યો છે. પોલિસી લેવલે અને સરકારના અમુક નિર્ણયોથી અદાણી ગ્રુપની કંપનીઓને ફાયદો થાય છે અને એની અસર સ્ટોક્સના ભાવ પર પણ જોવા મળી રહી છે.
અદાણીએ ભવિષ્યમાં વધનારા સેક્ટર્સમાં રોકાણ કર્યું છે
માર્કેટ એનાલિસ્ટ નિખિલ ભટ્ટે જણાવ્યું હતું કે અદાણીએ વીતેલાં વર્ષો દરમિયાન એવા સેક્ટરમાં રોકાણ કર્યું છે જેનો તેને અત્યારે ફાયદો થઈ રહ્યો છે. પોર્ટ, પાવર, રિન્યુએબલ એનર્જી અને ગેસ એવાં સેક્ટર્સ છે જે કન્ઝ્યુમરને સીધી કે આડકતરી રીતે સ્પર્શે છે. આમાં અદાણી અત્યારે માર્કેટ લીડર કહી શકાય અને એને કારણે તેમ રોકાણ પણ વધ્યું છે.
રોકાણકારોએ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કર્યું છે
નિખિલ ભટ્ટે કહ્યું હતું કે સેક્ટરવાઇઝ તેજી-મંદી આવે છે. અદાણી ગ્રીન, અદાણી પાવર અને અદાણી ટ્રાન્સમિશન જેવી કંપનીઓ ઓછી જાણીતી હોવાથી જે-તે સમયે રોકાણકારોએ લોંગટર્મ માટે રોકાણ કર્યું છે. ઈન્વેસ્ટર્સને એનો ફાયદો અત્યારે થઈ રહ્યો છે. અત્યારસુધીમાં અદાણી ગ્રુપની કંપનીમાં ટ્રેડર્સનું રોકાણ ઓછું હતું, પરંતુ હવે જે રીતે ભાવ વધ્યા છે, ખાસ કરીને જૂન-જુલાઇ 2020 પછી જે મૂવમેન્ટ આવી છે એનાથી ટ્રેડર્સ પણ રોકાણ કરી રહ્યા છે; એ જોતાં એમાં સ્પેક્યુલેશન વધવાની સંભાવના છે.
(Disclaimer: દિવ્યભાસ્કર કોઈ સ્ટોકને પ્રમોટ કે રિકમેન્ડ નથી કરતું. આ ફક્ત એક રિસર્ચ સ્ટોરી છે).
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.