વેલ્થ રેસ:સંપત્તિ સર્જનમાં મુકેશ અંબાણી ધીમા પડ્યા; ગૌતમ અદાણીની ગાડી પાંચમા ગિયરમાં, બંને વચ્ચે હવે માત્ર રૂ. 72,000 કરોડનું અંતર

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌતમ અદાણી પહેલીવાર મુકેશ અંબાણીની સૌથી નજીક પહોંચ્યા
  • અંબાણી વિશ્વના 12મા અને અદાણી 13મા સૌથી અમીર વ્યક્તિ બન્યા
  • બે દિવસમાં અંબાણીની નેટવર્થમાં રૂ. 55,000 કરોડથી પણ વધુનું ધોવાણ

ભારતના ધનકુબેરોમાં નંબર 1 પર પહોંચવાની રેસ જામી હોય એવો સિનારિયો ઊભો થયો છે. છેલ્લા એક વર્ષથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ગૌતમ અદાણી વચ્ચે પહેલા સ્થાન માટે રેસ જામી છે અને આમાં આજે 23 નવેમ્બરે ગૌતમ અદાણી પહેલીવાર મુકેશ અંબાણીની એકદમ નજીક પહોંચી ગયા છે. ફોર્બ્સના રિયલટાઇમ ડેટા મુજબ આ બંને વચ્ચે હવે માત્ર રૂ. 72,000 કરોડનો તફાવત બાકી રહ્યો છે. વર્તમાન સ્થિતિએ અદાણી ગ્રુપ જે રીતે આગળ વધી રહ્યું છે એને જોતાં આવનારા સમયમાં જ આ ગેપ દૂર થઈ જશે એવું જાણકારો માને છે.

8 મહિનામાં અદાણીની સંપત્તિ આશરે રૂ. 1.60 લાખ કરોડ વધી
6 એપ્રિલના રોજ ગૌતમ અદાણીની સંપત્તિ 4.9 અબજ ડોલર (આશરે રૂ. 36,000 કરોડ)થી પણ વધારેનો ગ્રોથ થયો હતો અને એ સમયે તેઓ વિશ્વના બિલિયોનેરની યાદીમાં પહેલીવાર 20મા ક્રમે પહોંચ્યા હતા. ગૌતમ અદાણીની નેટવર્થ એ સમયે અંદાજે રૂ. 4.5 લાખ કરોડ હતી, જ્યારે 23 નવેમ્બરે ગૌતમ અદાણીની સંપત્તિ રૂ. 6.09 લાખ કરોડ થઈ છે. આ રીતે માત્ર 8 મહિનામાં અદાણીની વેલ્થ અંદાજે રૂ. 1.60 લાખ કરોડ જેવી વધી છે.

બે દિવસમાં મુકેશ અંબાણીની વેલ્થ 55,791 કરોડ ઘટી
ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસથી મોટી ઊથલપાથલ થઈ રહી છે. સોમવારે સેન્સેક્સ 1170.12 પોઈન્ટ અને નિફ્ટી 348.25 પોઈન્ટ તૂટી હતી. જ્યારે આજે મંગળવારે પણ 700-800 પોઈન્ટની તેજી-મંદી જોવા મળી હતી. આના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં આ બે દિવસો દરમિયાન અંદાજે રૂ. 55,791 કરોડનું ધોવાણ થયું છે. પાછલા દોઢ મહિનામાં અંબાણીની સંપત્તિમાં આશરે રૂ. 76000 કરોડનો ઘટાડો થયો છે. 8 ઓક્ટોબરે મુકેશ અંબાણી પહેલીવાર ફોર્બ્સ બિલિયોનેર ઇન્ડેક્સમાં 100 બિલિયન ડોલર ક્લબમાં સામેલ થયા હતા, જ્યારે આજે 23 નવેમ્બરે તેમની વેલ્થ ઘટીને રૂ. 6.82 લાખ કરોડ થઈ છે.

2020નું વર્ષ અંબાણીના જ્યારે 2021માં અદાણી નામે
કોરોનાનો કહેર હોવા છતાં 2020ના વર્ષમાં મુકેશ અંબાણીના બિઝનેસમાં મોટો ગ્રોથ થયો હતો. રિલાયન્સે પોતાનો સ્ટેક વેચી અને નવું ઇન્વેસ્ટમેન્ટ લાવી લગભગ રૂ. 1.50 લાખ કરોડથી પણ વધારેનું ભંડોળ મેળવ્યું હતું. આ વર્ષે મુકેશ અંબાણીની સંપત્તિ 2019ની સરખામણીએ 78% જેટલી વધી હતી. એની સામે 2021નું વર્ષ ગૌતમ અદાણીના નામે રહ્યું છે. અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના ભાવ આસમાને પહોંચતાં ગૌતમ અદાણીની વેલ્થ 2020ની સરખામણીએ 335%નો વધારો થયો છે.

માર્કેટ કેપના મામલે અદાણીનો ગ્રોથ રિલાયન્સ કરતાં ઘણો વધુ
વર્ષ 2021ની શરૂઆત સુધી એવું કહેવાતું કે ભારતીય શેરબજારોનું ડ્રાઇવિંગ ફોર્સ રિલાયન્સ ગ્રુપ છે, પરંતુ માર્ચ બાદ પરિસ્થિતિ બદલાતી ગઈ અને આજે હવે અદાણી ગ્રુપ પણ સ્ટોક માર્કેટ માટે એટલું જ મહત્ત્વનું બન્યું છે જેટલું રિલાયન્સ છે. છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આશરે 660% જેવું વધી રૂ. 9.95 લાખ કરોડ પર પહોંચી ગયું છે. એની સામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 2020ની સરખામણીએ અત્યારે 114% જેટલું વધી રૂ. 15.13 લાખ કરોડ પર છે.