તરબૂચનું વાવેતર ભારતમાં દરેક પ્રદેશમાં થાય છે. તરબૂચ ખેડૂતો અને લોકો માટે આશીર્વાદસમાન છે, કારણ કે પાકા ફળો ઉનાળામાં પાણીની ગરજ સારે છે. તરબૂચમાં લોહતત્વ, પ્રોટિન સહિતના વિટામિન અને મિનરલ્સ હોય છે. શરીરને માટે ફાયદાકારક તરબૂચ ખેડૂતો માટે પણ લાભકારક સાબિત થઈ રહ્યાં છે. યોગ્ય માવજતથી તરબૂચની ખેતી ખેડૂતોને સારો એવો લાભ અપાવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાં તાલુકાના ગાજણવાવ ગામના ખેડૂતો 17 એકર જમીનમાં તરબૂચની સફળતાપૂર્વક ખેતી કરી છે. પરંપરાગત ખેતીની જગ્યાએ રોકડીયા પાક ગણાતા તરબૂચની ખેતીમાં રમેશભાઈ પટેલને લગભગ 90 દિવસમાં જ 40 લાખ રૂપિયાની આવક થઈ છે.
ત્રણ વર્ષ પહેલાં પ્રયોગ કરેલો
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતીની જગ્યાએ રોકડીયા પાકના વાવેતર તરફ વળ્યા છે. ત્યારે ધ્રાંગધ્રાં તાલુકાના ગાજણવાવના રમેશભાઈ પટેલ નામના પ્રગતિશીલ ખેડૂતે તરબૂચનું સફળ વાવેતર કર્યું છે. તેમણે તરબૂચનુ વાવેતર કરવાનો પ્રયોગ ત્રણેક વર્ષ પહેલા કર્યો હતો. જેમાં સફળતા મળતા ધીરે ધીરે તેમણે વાવેતરમાં વધારો કર્યો અને આ વર્ષે પોતાની 17 એકર જમીનમાં તરબૂચનુ ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી સફળતાપૂર્વક વાવેતર કર્યું છે.
ગરમ અને સુકુ હવામાન ફાયદાકારક
આ પાકને ગરમ અને સુકુ હવામાન વિશેષ માફક આવે છે. હીમથી આ પાકને ખુબ જ નુકસાન થાય છે. સામાન્ય રીતે 25-30 સે. તાપમાન જરૂરી છે. તરબૂચને પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપની જરૂરિયાત રહે છે. સૂર્યપ્રકાશના લીધે તરબૂચમાં શર્કરાનું પ્રમાણ વધે છે. પર્ણને લગતા રોગનું પ્રમાણ ઘટે છે. તરબૂચ ગરમીનો પાક છે. એટલે મકરસંક્રાંતિ પછી ઠંડી ઓછી થાય પછી તરબૂચની વાવણી કરવી. ડિસેમ્બર, જાન્યુઆરી મહિનાની આખર સુધીમાં તરબૂચ વાવણી કરવી જોઈએ. જેથી વાવણી કર્યા બાદ શરૂઆતમાં 50થી 55 દિવસ ગરમી મળવાથી છોડનો વાનસ્પતિક વિકાસ સારો થાય છે. પછી જો ઠંડી પડે તો પણ એના ફળના વિકાસ માટે કંઈ વાધો આવતો નથી.
જમીનની તૈયારી
તરબૂચની ખેતી દરેક પ્રકાની જમીનમાં કરી શકાય છે. ગોરાળુ જમીનમાં પણ સફળતાપૂર્વક આ પાક લઈ શકાય છે. જે જમીન નિતાર શક્તિ સારી હોય ત્યાં આ પાક થઈ શકે. આ પાક વેવેતર માટે જમીનને બરાબર ખેડી તૈયાર કરવી. ત્યારબાદ રોટાવેટરથી જમીનને બરાબર ખેડવી. જમીનની તૈયારી વખતે પાયાના ખાતરો જમીનમાં આપી બરાબર ભેળવી દેવા.
વેલાને કાપવા જોઈએ
તરબૂચ જેવા પાકમાં પીન્ચીંગ એટલે કે જયાર વેલા 2થી 3ફૂટના થાય ત્યારે અગ્રડુંખને કાંપી નાંખવી જોઈએ. જેથી બાજુઓમાં પ્રશાખાઓ ફુટે છે. નર પુષ્પોની સંખ્યા ઘટી માદા પુષ્પોની સંખ્યામાં વધારો થાય છે. વેલાવાળા પાકોમાં ભલામણ મુજબ વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરવો જોઈએ. જેથી નર પુષ્પોની સંખ્યા ઘટાડી માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરી શકાય તેમ ખેડૂતો જણાવે છે.
એકર દીઠ આવકમાં વધારો થયો
તરબૂચની માગ ઉનાળામાં ભારે રહે છે. જેથી ખેડૂતોને મોટાભાગના તરબૂચ સીધા વાડીઓથી જ વેચાઈ જવાની સાથે માર્કેટમાં પણ સારા એવા ભાવ મળી રહી છે. ખેતરમાં બેથી લઈને સાત કિલો સુધીનું તરબૂચનું ફળ પકાવવામાં ખેડૂતોને સફળતા મળી છે. જેથી એકર દીઠ આવકમાં પણ વધીને બેથી ત્રણ લાખ રૂપિયા સુધીની થઈ ગઈ છે. તરબૂચ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને અમદાવાદ તેમજ ધાંગધ્રાં સહિતની બજારોમાં સારી એવી કિંમતે વેચાતુ હોવાથી ખેડૂતોને કમાણી પણ સારી થાય છે.
અન્ય ખેડૂતો પણ તરબૂચ પકવવા લાગ્યા
રમેશભાઈ પટેલની તરબૂચની સફળ ખેતી જોઈને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી છે. વળી રાજ્ય સરકારથી લઈને સામાજિક સંસ્થાઓ દ્વારા અવારનવાર શિબિર ગોઠવવામાં આવતી હોવાથી ખેડૂતોને પૂરતાં પ્રમાણમાં માર્ગદર્શન પણ મળી રહે છે. ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામમાં જ અગાઉ રમેશભાઈ સહિતના ખેડૂતોએ જે તરબૂચની સફળ ખેતી કરી તેને જોઈને આજે એક જ ગામમાંથી અન્ય 12થી 15 જેટલા અન્ય ખેડૂતોને પણ હવે તરબૂચની ખેતી તરફ વળ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.