ભાસ્કર એક્સક્લૂસિવસરકારની 'છટકબારી':લઠ્ઠાકાંડને કેમિકલકાંડમાં ખપાવવાનું ફુલ પ્રૂફ પ્લાનિંગ, સારવાર લઈ રહેલા 97 લોકોને 'ભોગ બનનાર’ તરીકે દર્શાવાશે

ગાંધીનગર11 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે
  • તમામ સારવાર લેનારા લોકોને સાક્ષી બનાવાશે

બરવાળા ખાતે બનેલા કથિત લઠ્ઠાકાંડ સરકાર દ્વારા કેમિકલકાંડમાં પરિણમે એ માટે પૂરતા પ્રયાસો કરાઈ રહ્યા છે. 57 લોકોનાં આ ઘટનામાં મોત નીપજ્યાં છે, ત્યારે પોલીસ દ્વારા નોંધાયેલા ગુનામાં હત્યા, કાવતરા સહિતની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

કથિત લઠ્ઠાકાંડમાં હાલ 97 લોકો સારવાર હેઠળ છે. અમદાવાદ, ભાવનગરની હોસ્પિટલમાં આ તમામ લોકો દાખલ છે. હાલ તમામ લોકોને સ્વસ્થ કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. આ તમામ લોકો સ્વસ્થ થયા બાદ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર તરીકે તમામને દર્શાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

તમામ લોકોને સ્વસ્થ કરવા એ પ્રાથમિક આવશ્યકતા:ગૃહ રાજ્યમંત્રી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગત રોજ યોજેલી પત્રકાર પરિષદ દરમિયાન દિવ્ય ભાસ્કરના સવાલમાં જવાબ આપ્યો હતો કે તમામ લોકોને સારવાર આપવી એ પ્રાથમિકતા છે. લોકોનો જીવ બચાવવો એ અમારો પ્રાથમિક ધર્મ છે એમ જણાવતાં હર્ષ સંઘવી વધુમાં કહ્યું હતું કે એક વખત તમામની સારવાર થઈ જાય પછી બીજી કાર્યવાહી તરફ આગળ વધવામાં આવશે.

લઠ્ઠાકાંડ અત્યાર સુધીમાં 57થી વધુ લોકોને ભરખી ગયો છે. હજુ પણ મૃતકોના પરિવારજનોના આંસુ સુકાયા નથી.
લઠ્ઠાકાંડ અત્યાર સુધીમાં 57થી વધુ લોકોને ભરખી ગયો છે. હજુ પણ મૃતકોના પરિવારજનોના આંસુ સુકાયા નથી.

કેમ સારવાર લેનારા લોકો સામે ગુનો નહીં નોંધાય ?
ગૃહ વિભાગના મતે જે લોકો સારવાર લઈ રહ્યા છે તે તમામ લોકો મિથાઈલ આલ્કોહોલ પીવા માગતા નહોતા. આ તમામ લોકોને એવો પણ ખ્યાલ નહોતો કે જે દ્રવ્ય તેમને આપવામાં આવ્યું છે એનાથી તેમનો જીવ પણ જઈ શકે એમ છે.

સારવાર લેનારા લોકોને કાયદો ભોગ બનનાર તરીકે જુએ છે
ગૃહ વિભાગના નિષ્ણાત અધિકારીઓના મતે આ ઝેરી પદાર્થ 97 લોકોને છેતરીને આપવામાં આવ્યો છે. આ તમામ લોકોને કાયદો ભોગ બનનાર તરીકે જોતો હોવાને કારણે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી નહીં કરવામાં આવે, કેમ કે તેમની સાથે એક પ્રકારની છેતરપિંડી થઈ છે.

સારવાર લેનારા તમામ લોકોનાં પોલીસ નિવેદન લેવાની કાર્યવાહી કરશે. આ નિવેદનમાં વિવિધ પાસા મુજબ પૂછપરછ કરવામાં આવશે

કયા પાસા અંગે પૂછપરછ થશે ?

  • ઝેરી દ્રવ્યનું કઈ જગ્યાએ સેવન કર્યું ?
  • ઝેરી દ્રવ્ય ક્યારે લીધું ?
  • ઝેરી દ્રવ્ય કેટલી માત્રામાં લીધું ?
  • ઝેરી દ્રવ્ય ખરીદવા માટે કેટલા રૂપિયા આપ્યા ?
લઠ્ઠાકાંડમાં પોલીસે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને અનેક આરોપીની ધરપકડ કરી હતી.
લઠ્ઠાકાંડમાં પોલીસે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને અનેક આરોપીની ધરપકડ કરી હતી.

સરકાર દ્વારા ભોગ બનનારા તમામ લોકોના પુન: સ્થાપનના પ્રયાસ કરાશે
સારવાર લેનારા તમામ લોકો સ્વસ્થ થયા બાદ ફરીથી નશીલા પદાર્થના રવાડે ના ચડે એ માટે સરકાર દ્વારા તમામના વ્યસનમુક્તિ માટેના પ્રયાસ કરાશે. આ પ્રયાસ બાદ તમામ લોકોનું પુન: સ્થાપન કરી અને યોગ્ય રીતે જીવન જીવી શકે એ માટે સરકાર પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...