પોરબંદરનાં એ માડીનો રસપ્રદ કિસ્સો:1995ની ચૂંટણીમાં 'ભરોહા'ની વાતથી લઈને મોરબીની દુર્ઘટના સુધી, 27 વર્ષની સત્તામાં ચૂંટણી ટાણે જ પુલ તૂટતાં સરકાર પરનો ભરોસો પણ તૂટ્યો

એક મહિનો પહેલા
  • હિન્દુત્વની લેબોરેટરી ગણાતા આ રાજ્યમાં સંઘ-વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપે હિન્દુત્વના નામે સત્તા મેળવી

મોરબી હજી મગજમાંથી નીકળતું નથી, નીકળે એમ નથી અને આમ તો કાઢવું પણ શું કામ જોઈએ? ગણતરીના કલાકોમાં હવે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થવાની છે ત્યારે એક નાનકડી વાત તમને કરવાની છે.

27 વર્ષ પહેલાંનો એ કિસ્સો
એ વખતે માર્ચ 1995માં હું પોરબંદર-કુતિયાણાની વિધાનસભા બેઠકનું રિપોર્ટિંગ કરતો હતો. ગુજરાતના રાજકારણમાં ધીરે ધીરે ઘસાતી જતી કોન્ગ્રેસની સત્તા જવાની હતી. સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ માટે હિન્દુત્વની લેબોરેટરી બનેલા ગુજરાતમાં રામમંદિરના મુદ્દે એક લહેર આવી ગઈ હતી અને આ લહેર પર સવાર ભાજપનો સૂર્યોદય થવાની તૈયારી હતી. પોરબંદર વિધાનસભાનાં અંતરિયાળ ગામડાંમાં હું મતદાનની સાંજે ફરતો હતો. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી; 80 વર્ષની આસપાસનાં એક માજીને મેં પૂછ્યું કે માડી, કોને વોટ આપ્યો? માડીએ કહ્યું, એ તો ના કેવાય ગગા. મેં ફરી પૂછ્યું, કમળને કે પંજાને? માડીએ માથે ઓઢેલું સરખું કરતાં કહ્યું, એ તો કમળને જ, પણ હજી મને ભરોહો નથી પડતો.

27 વર્ષથી જનતાનો ભાજપ પર ભરોસો
1995ની ચૂંટણી પરિણામમાં ભાજપનો ભવ્ય વિજય થયો અને કેશુભાઈને ગામઠી ચહેરા પર લોકોએ ભરોસો મૂકીને પહેલીવાર BJPને 121 બેઠક જિતાડી. એ પછી ભાજપ પાછું વળીને જોયું નથી. 27 વર્ષ સુધી ગુજરાતની જનતાએ ભાજપ પર અડીખમ ભરોસો રાખ્યો છે.

મોરબી દુર્ઘટનાઃ પુલ જ નહીં, સિસ્ટમ પરથી ભરોસો તૂટ્યો
રવિવારની 30મી ઓક્ટોબરની સાંજે મચ્છુ નદીના સામા કાંઠે સૂર્યાસ્ત થતો હતો ત્યારે ઝૂલતો પુલ તૂટ્યો અને 135 લોકો મૃત્યુ પામ્યા ત્યારે સિસ્ટમ પર ભરોસો પણ તૂટ્યો. નરેન્દ્રભાઈ ભાજપ પરના ભરોસાની ઓટ ઓછી કરવા ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે.

આ ચૂંટણીમાં મતદારો કોના પર ભરોસો કરશે?
હવે ચૂંટણીની રણશિંગું ફૂંકાય એટલી વાર છે. ગુજરાતમાં ગયા વખતે કોન્ગ્રેસે પાટીદાર આંદોલનના જોરે 77 બેઠક મેળવી હતી. ચૂંટણીનું રણશિંગુ ફૂંકાય એ પહેલાં આ વખતે પ્રચારની એક પેટર્ન જોવા મળી રહી છે. ભાજપ સભાઓમાં વ્યસ્ત છે, કોન્ગ્રેસ ખાટલા બેઠકો કરીને ચૂપચાપ લોકોના મનને કળી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં મારો ચલાવી રહી છે. ત્રણેય રાજકીય પક્ષ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની કામગીરી કરી રહી છે, પણ ગુજરાતની પ્રજાની સેન્સ કળવી આ વખતે સૌથી મુશ્કેલ છે. બસ, હવે રાહ છે માત્ર ચૂંટણીપંચની એલાનની.

હવેથી દરરોજ ગેમ ઓફ ગુજરાત 2022
આગામી દોઢ મહિનો ગુજરાતમાં ચૂંટણીની ચહલપહલ રહેવાની છે. દરેક રાજકીય પક્ષ તમને લલચાવશે, સમજાવશે, પણ મતદાર તરીકે અડગ રહેજો અને તમારો મક્કમ મત આપજો. હવેથી દરરોજ મળીશું વીડિયો માધ્યમથી અને તમને જણાવીશું ચૂંટણીની ચોપાટની આંટીઘૂંટી. ટિકિટ મળવાથી માંડીને કપાવાની કહાની, પક્ષોની રણનીતિ, ઉમેદવારોનાં રૂસણાં-મનામણાંની અંદરની વાત અને હા, એમાં હશે એક ચૂંટણીકથાનો કિસ્સો. જોતા રહો દિવ્ય ભાસ્કર એપ પર ગેમ ઓફ ગુજરાત 2022.

અન્ય સમાચારો પણ છે...