• Gujarati News
  • Dvb original
  • From Persia To Sindh To Kutch, Modi Has Taken Him To Every Corner Of The World From His Special Fan, The White House.

રોગન કળા વિશે જાણો A TO Z:પર્શિયાથી સિંધ થઈ કચ્છ પહોંચી, મોદી તેના ખાસ ચાહક, વ્હાઈટ હાઉસથી લઈ દુનિયાના ખુણે ખુણે પહોંચાડી

15 દિવસ પહેલા

રિઝવાન ખત્રી. કચ્છના એ યુવા કસબી જેમણે પર્શિયાથી સિંધના રસ્તે કચ્છ આવેલી કળાને છેક અમેરિકાના વ્હાઈટ હાઉસ સુધી પહોંચાડી છે. આ કળા એટલે રોગન કળા. દિવ્ય ભાસ્કર અખબારની કચ્છ આવૃત્તિના 15માં વર્ષ નિમિત્તે તેમણે દિવ્ય ભાસ્કર અખબારનું માસ્ક હેડ જ આ કળાથી બનાવી દીધું. આવો આ કળા વિશે વિસ્તૃત જાણકારી મેળવીએ.

વડા પ્રધાન મોદી આ કળાના ચાહક છે
ભાસ્કર માટે માસ્ક હેડ તૈયાર કરનારા રિઝવાન ખત્રીની રોગન કૃતિ જ વડા પ્રધાન મોદીએ તાજેતરમાં જાપાનના વડા પ્રધાનને ભેટમાં આપી હતી. આ પહેલાં મોદી અમેરિકા ગયા ત્યારે તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાને પણ આ જ કળાની ભેટ આપી હતી. એટલું જ નહીં યૂરોપ મુલાકાત વખતે ડેન્માર્કના રાણીને પણ આ જ રોગન કળાની કૃતિ ભેટ આપી ચૂક્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પણ વિદેશી મહેમાનોને આ કળાની કૃતિ અપાય છે. મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ખત્રી પરિવારને મળ્યા હતા, આ સમયથી આ કળા ખુબ જ ચર્ચામાં રહી છે.

ખત્રી પરિવારે 8મી પેઢીએ કળા જીવંત રાખી
કચ્છની વાત કરવામાં આવે તો 60 વર્ષ પૂર્વે કુલ 4 પરિવારમાં રોગન કળા હતી. જેમાં નિરોણા ગામમાં બે પરિવાર છે. ભુજના ખાવડામાં એક અને ભચાઉ તાલુકાના ચોબારી ગામનો એક પરિવાર રોગન કલા ધરાવતો હતો. આજે નિરાણાના બે પરિવારમાં જ આ કસબ હયાત છે. આ પરિવારની મહિલાઓ પણ આ કળા શીખી રહી છે.

રિઝવાન સહિત પરિવારને અનેક એવોર્ડ મળ્યા
રોગન કળા માટે વર્ષ 2016માં રાજ્ય સરકારે રિઝવાનને શ્રેષ્ઠ યુવા કારીગરનો એવોર્ડ આપ્યો હતો. જ્યારે 2017માં ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર સન્માન અને 2021માં કમલાદેવી પુરસ્કાર એનાયત થયો હતો. આ જ પરિવારના એક સભ્યને પદ્મશ્રી સહિત 19 જેટલા રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ મળી ચૂક્યા છે.

રોગન એ શું છે?
રોગન આર્ટ એક પરંપરાગત કાપડ પર કંડારવામાં આવતી ચિત્ર કળા છે. જેનો ઘણા વર્ષોથી કચ્છમાં લોકો ઉપયોગ કરતા આવ્યા છે. તેમજ આજે પણ અનેક પડકારો ઝીલ્યા બાદ રોગન કળા પોતાનું અસ્તિત્વ ટકાવવાની સાથે વિકાસની પાંખે સવાર થઈ છે. રાજાશાહી વખતે અમુક જ્ઞાતિની મહિલાઓ રોગન કસબના પહેરવેશ પહેરતી હતી અને ત્યારબાદ ઘર સજાવટ માટે તેનો ઉપયોગ થતો હતો. જ્યારે આજે રોગન આર્ટના વસ્ત્રો અને કૃતિઓ દેશ વિદેશમાં લોકો ખરીદતા થયા છે.

રોગન કેવી રીતે બને છે?
રોગન એક ઘટ સ્વરૂપે કાપડ પર ચિત્ર ઉપસાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવતા કલર છે. આ કલર બનાવવા માટે સૌ પ્રથમ દિવેલ (એરંડિયું) તેલને એક પાત્રમાં ગરમ કરી બાદમાં ઠંડુ કરવામાં આવે છે. જે પ્રક્રિયા બે દિવસ સુધી દિવસ દરમિયાન સતત કરતા રહેવી પડે છે. જેના ત્રીજા દિવસે તે જેલી ફોમ તરીકે અસ્તિત્વમાં આવે છે. તેમાં ખાસ પ્રકારના 6 જેટલા કલરવાળા સ્ટોનને જમીનની લાદી પર ઘસીને તેનો ભુક્કો બનાવાય છે, જેને જેલી ફોર્મ સાથે મિશ્ર કરવામાં આવે છે અને બાદમાં ફરી પાણી ભરેલા ડબ્બામાં ઉમેરી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ વોટરપ્રુફ અને પ્રકાશપ્રુફ રોગન તૈયાર થાય છે.

આ કૃતિની કિંમત કેટલી હોય છે?
A4 સાઈઝમાં રોગન કળાનું કોઈ એક ચિત્ર કે કૃતિ બનાવતા અંદાજે 3થી 10 દિવસ લાગે છે. આવી એક કૃતિ રૂ. 2 હજારથી 10 હજાર સુધીમાં વેચાય છે. સાઈઝ જેમ મોટી તેમ આ કળાની કિંમત પણ વધે છે.