મુશ્કેલી:ગુજરાત સહિત દેશમાં 20 લાખ લોકોને રોજગારી આપતા ફાઉન્ડ્રી ઉદ્યોગે ઉત્પાદન ક્ષમતા 50% જેવી ઘટાડી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાચા માલના ભાવમાં વધારો અને મોંઘું ટ્રાન્સપોર્ટેશન મુખ્ય કારણો

ફાઉન્ડ્રી ઉદ્યોગને ઓટોમોબાઇલ અને એન્જિનિયરિંગને લગતી તમામ ઇન્ડસ્ટ્રીઝની માતા તરીકે ઓળખવામાં આવે છે. કોરોના આવ્યા બાદ દેશ અને દુનિયામાં જે બદલાવ આવ્યા તેની સામે ટક્કર ઝીલવામાં દેશના ફાઉન્ડ્રી ઉદ્યોગને ભારે મુશ્કેલી આવી રહી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ફાઉન્ડ્રીમેન (IIF)ના જણાવ્યા પ્રમાણે આના કારણે ઘણા ફાઉન્ડ્રી એકમો અત્યારે 50% કેપેસિટી સાથે ચાલી રહ્યા છે.

કાચામાલના ભાવમાં 9 મહિનામાં 50% વધારો
IIFના પ્રેસિડેન્ટ દેવેન્દ્ર જૈને કહ્યું કે, પિગ આયર્ન, કેમિકલ્સ, સેન્ડ સહિતના રો-મટીરિયલ્સના ભાવમાં છેલ્લા 9 મહિના દરમિયાન 50%થી વધુનો વધારો થયો છે. ચીનથી સપ્લાય અનિયમિત છે અને સાથે જ રશિયા અને યુક્રેન યુદ્ધના પગલે દુનિયાભરમાં સ્ટીલની અછત ઊભી થઈ છે. આ બધા કારણોસર ભારતનો ફાઉન્ડ્રી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. રાજકોટ કોઠાપુર અને બેલગામ જેવા ફાઉન્ડ્રીના મુખ્ય કેન્દ્રો પર મોટાભાગના યુનિટ્સ 50% કે તેનાથી પણ ઓછી કેપેસિટી સાથે ચાલી રહ્યા છે. અમારા ઉદ્યોગમાં 90-95% એકમો MSME છે અને તેમના માટે આ સ્થિતિમાં ટકવું મુશ્કેલ બની રહ્યું છે.

રો-મટીરિયલ્સમાં ભાવ વધારો

મટિરિયલમાર્ચ 2021ફેબ્રુઆરી 2022
મેલ્ટીંગ સ્ટીલ સ્ક્રેપ3848.5
પિગ આયર્ન44.551.5
લેમ કોક30.547
એલ્યુમિનિયમ ઇંગોટ180265

ભાવ રૂ. પ્રતિ કિલો
સંદર્ભ: IIF

ક્લાઈન્ટ નવો ભાવ વધારો આપવા તૈયાર નથી
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનમાં ફાઉન્ડ્રી ક્લસ્ટર ચેરમેન બ્રિજેશ દૂધગરાએ જણાવ્યું કે, કોરોના આવ્યા બાદથી અત્યાર સુધીમાં ફાઉન્ડ્રી માટે વપરાતા રો-મટીરિયલ્સના ભાવ 150-200% જેવા વધી ગયા છે. તેની સામે અમારા ક્લાઇન્ટ્સ ભાવ વધારવા તૈયાર નથી. મટીરિયલ્સના ભાવ રોજ રોજ ફરે છે એવી સ્થિતિ ચાલી રહી છે. આ હાલતમાં નાના યુનિટ્સ પૂરી ક્ષમતા સાથે ચાલતા નથી. માંરૂ પોતાની ફાઉન્ડ્રી 20-25% ઉપર ચાલી રહી છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન માત્ર 1 વાર ભાવ વધારો કર્યો હતો અને તે પણ જરૂર કરતાં ઘણો ઓછો છે. અત્યારે મોટાભાગના ફાઉન્ડ્રી ઉદ્યોગકારો નહીં નફો-નહીં નુકસાન એવી રીતે કામ કરી રહ્યા છે.

રાજકોટની એક ફાઉન્ડ્રી (ફાઇલ ફોટો).
રાજકોટની એક ફાઉન્ડ્રી (ફાઇલ ફોટો).

એક્સપોર્ટ વધતાં સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝને માલ મળતો નથી
ઈન્ડીયન ફાઉન્ડ્રી કોંગ્રેસની ઓર્ગેનાઈઝીંગ કમિટીના ચેરમેન સુબોધ પંચાલે જણાવ્યું કે, પેટ્રોલ, ડીઝલ અને CNG ગેસ સહિતના ઈંધણના ભાવ ઘણા વધ્યા છે. આના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે. બીજી તરફ ઘરેલુ પિગ આયર્ન ઉત્પાદકો પોતાનો માલ એક્સપોર્ટ વધારે કરે છે તેના લીધે સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝને પૂરતો માલ મળતો નથી. IIFએ આ બાબત સરકારના ધ્યાને મૂકી છે અને અમને અપેક્ષા છે કે તેના ઉપર યોગ્ય નિર્ણય લેવાશે.

ફાઉન્ડ્રી ઉદ્યોગ 20 લાખ લોકોને રોજગારી આપે છે
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ફાઉન્ડ્રીમેનના જણાવ્યા પ્રમાણે દેશભરમાં 7000થી વધુ ફાઉન્ડ્રી એકમો આવેલા છે જેમાંથી 3000 યુનિટ્સ ગુજરાતમાં છે. આ ઉદ્યોગ 5 લાખ લોકોને સીધી અને 15 લાખ લોકોને પરોક્ષ રીતે રોજગારી આપે છે. ભારતનો ફાઉન્ડ્રી ઉદ્યોગ વાર્ષિક 10 મિલિયન ટનના ઉત્પાદન સાથે વિશ્વનાં બીજો ક્રમ ધરાવે છે. તે ઓટોમોબાઈલ, ટ્રેકટર્સ, પાવર ટ્રેઈન, રેલવેઝ, ઉર્જા અને એન્જીનીયરીંગ ઉદ્યોગની માંગ પૂરી પાડે છે. ફાઉન્ડ્રી ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર અંદાજે રૂ. 1.22 લાખ કરોડ છે જેમાંથી આશરે રૂ. 25,000 કરોડની નિકાસ કરવામાં આવે છે.

70મી ઈન્ડીયન ફાઉન્ડ્રી કોંગ્રેસની માહિત આપતા ઓર્ગેનાઈઝીંગ કમિટીના ચેરમેન સુબોધ પંચાલ અને IIFના પ્રેસિડેન્ટ દેવેન્દ્ર જૈન (જમણે).
70મી ઈન્ડીયન ફાઉન્ડ્રી કોંગ્રેસની માહિત આપતા ઓર્ગેનાઈઝીંગ કમિટીના ચેરમેન સુબોધ પંચાલ અને IIFના પ્રેસિડેન્ટ દેવેન્દ્ર જૈન (જમણે).

ગાંધીનગરમાં ઈન્ડીયન ફાઉન્ડ્રી કોંગ્રેસ અને આઇફેક્સ યોજાશે
IIF દ્વારા 70મી ઈન્ડીયન ફાઉન્ડ્રી કોંગ્રેસ અને 18મા ઈન્ટરનેશનલ એકઝિબિશન ઓન ફાઉન્ડ્રી ટેકનોલોજી, ઈક્વિપમેન્ટસ, સપ્લાઈઝ અને સર્વિસિસ (IFEX), કાસ્ટ ઈન્ડીયા એક્સપોનુ ગાંધીનગરમાં 17થી 19 એપ્રિલ દરમ્યાન આયોજન કરવામાં આવ્યુ છે. આ સમારંભમાં ફાઉન્ડ્રી ઉદ્યોગના ભારતના અને વિદેશના અગ્રણીઓ, પોલિસી મેકર્સ, બિઝનેસ લીડર્સ, ઈનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને એકબીજાની નિકટ લાવશે અને ફાઉન્ડ્રી મેનેજમેન્ટ અંગેના વિચારો અને અનુભવો તેમજ ઉત્તમ પ્રણાલીઓના આદાન પ્રદાનનુ અનોખુ પ્લેટફોર્મ બની રહેશે. વિવિધ ઉદ્યોગોના દેશ-વિદેશના અગ્રણી કાસ્ટીંગ બાયર્સ પણ આ 3 દિવસના સમારંભમાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...