ભાસ્કર એક્સક્લૂઝિવ:ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાશે, દિગ્ગજ નેતા વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટી જોઇન કરી શકે છે

ગાંધીનગર3 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
  • દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં વિપુલ ચૌધરીના સંકેત
  • વિપુલ ચૌધરીના સંભવિત રાજકીય પગલાથી ઉત્તર ગુજરાતની 20થી વધુ સીટોને અસર થઈ શકે

ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રમાં દૂધસાગર ડેરીના ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવી શકે એવી સંભાવના છે. દૂધસાગર ડેરીના પૂર્વ ડાયરેક્ટર વિપુલ ચૌધરીએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલાં જ ડેરીની પેટાચૂંટણી યોજવા માટે સ્પષ્ટ ચીમકી આપી છે. જો વિધાનસભા ચૂંટણી અગાઉ ડેરીની પેટાચૂંટણી નહીં યોજાય તો આમ આદમી પાર્ટીનો હાથ પકડવાના સંકેત વિપુલ ચૌધરીએ આપ્યા છે.

દૂધસાગર ડેરીની 16 સીટ પૈકી 15 સીટ પર વર્ષ 2021માં ચૂંટણી યોજાઈ હતી, જ્યારે ઈત્તર મંડળીની બેઠકમાં આજદિન સુધી ચૂંટણી યોજાઈ નથી. કુલ 15 સીટોનાં પરિણામો જાહેર થયાં બાદ ખેરાલુ બેઠક પરના ડાયરેક્ટર માનસિંહ ચૌધરીનું કોરોનાકાળ દરમિયાન મૃત્યુ થતાં આ સીટ ખાલી પડી છે. આમ, ખેરાલુ અને ઈત્તર મંડળી એમ બંને ખાલી પડેલી સીટ પર વિધાનસભા ચૂંટણી અગાઉ તાત્કાલિક પેટાચૂંટણી નહીં યોજાય તો વિવિધ રાજકીય પાર્ટીના ચૂંટણીઢંઢેરાનું વિશ્લેષણ કર્યા બાદ રાજકીય નિર્ણય લેવાની વાત વિપુલ ચૌધરીએ કરી છે.

વિપુલ ચૌધરીની દિવ્ય ભાસ્કર સાથે થયેલી વાતચીત

સવાલ - વિરોધ કેમ કરો છો ?
જવાબ - અમૂલ અને સાગર મોડલ એ ગૌરવ લેવા જેવું મોડલ છે. મોંઘજીભાઇ કોઈનું ખૂન નહોતા કરવા ગયા તેમ છતાં તેમની પર ખૂનની કલમ લગાવી છે. દૂધસાગર ડેરી પરનું આ લાંછન છે. સહકારી સંસ્થા સાથે સંકળાયેલા લોકોએ આ વાતને વખોડવી જોઈએ. ખાનગી ડેરીવાળા પણ કોઈની સાથે સંકળાયેલા હોય એવી માનસિકતા જોવા મળી નથી.

સવાલ - અમૂલ મોડલ અપનાવવાથી શું ફાયદો થાય ?
જવાબ - અમદાવાદ અને મુંબઈ શહેરમાં બેસતું હાલનું ફેડરેશન એ દૂધસાગર ડેરીનું છે. દિલ્હીમાં બે ડેરી પણ બનાવાઈ છે. હું અધ્યક્ષ હતો ત્યારે 32 લાખ લિટર દૂધ વેચાતું હતું, જેમાં 50 ટકા ભાગ એટલે કે 16 લાખ લિટર દૂધ માનસાગર અને મોતી સાગર ડેરીમાંથી વેચતા હતા. આજે 10 લાખ લિટર દૂધ પણ દૂધસાગર ડેરીનું લેવાતું નથી. આ ફેડરેશનનું ઓરમાયું વર્તન છે. પાલનપુરથી રોજનું 10 લાખ લિટર દૂધ લેવાય છે, પણ 5 લાખ લિટર દૂધ દૂધસાગર ડેરીનું લેવાતું નથી. કેમ પાઉડર, બટરની ચોરી થાય છે ? પોલીસ પાણી વગરના મંત્રીના ઈશારે કામ કરે છે. લાઈવ ફૂટેજમાં બધું દેખાય છે છતાં કોઈની ધરપકડ નથી થતી.

સવાલ - પેટાચૂંટણીનો મુદ્દો શું છે ?
જવાબ -કોઈપણ સંસ્થામાં નિયામક મંડળની રચના થાય પછી હોદ્દેદારોની વરણી થાય. 16 પૈકી 15 બેઠકની ચૂંટણી કરી. અમે જેલમાં હતા એટલે સવાલ કરનારું કોઈ નહોતું. એક વ્યક્તિ મૃત્યુ પામી છે. 14 બેઠકની ચૂંટણી થવી જોઈએ.

સવાલ - પેટાચૂંટણીની કેવી વિસંગતતા છે ?
જવાબ - આ લોકોને ચૂંટણી કરવી નથી. લોકશાહીનું ખંડન અને દમન થાય છે. દૂધસાગર ડેરીની બંને બેઠકોની ચૂંટણી થાય. સરકાર આ માળખાને પ્રોત્સાહન આપે એ મૂળ વિષય હોવો જોઈએ.

સવાલ - પેટાચૂંટણી નહીં થવા દેવા માટેનાં કારણો કયાં હોઈ શકે છે ?
જવાબ - ઈર્ષા હશે, દૂધ બાબતની અત્યારસુધી વાત થતી હતી, હવે આંકડામાં વાત થવા લાગી. દૂધ સાગર ડેરી એટલે 5-6 હજાર કરોડની ડેરી. અમૂલ ફેડરેશન એટલે 50 હજાર કરોડનું ફેડરેશન. જેમને સહકારી પ્રવૃત્તિ કે પશુપાલન સાથે લેવા-દેવા ના હોય એવા લોકોને પણ આજે આગેવાની કરવી છે એટલે આ સ્થિતિનું નિર્માણ થયું છે.

સવાલ - 2022 વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આપમાં જોડાશો કે ભાજપ સાથે જ રહેશો ?
જવાબ - દૂધસાગર ડેરીની ચૂંટણી લડવાની છે. દોહનારીઓના આગેવાન થવાનું છે એટલે કોઈપણ પક્ષના લેબલની જરૂર મને નથી.

સવાલ - અનેક પાર્ટી તમને બોલાવે છે
જવાબ - હાલ ભાજપમાં છું. અમને મેન્ડેટ આપે છે કે નહીં એ જોઈએ. તેમને નિર્ણય કરવા દઈએ.

સવાલ - જો પાર્ટી મેન્ડેટ નહીં આપે તો?
જવાબ - કેમ નહીં આપે ? પૂછીશું. મારાથી સિનિયર કોણ છે. એમ હોત તો અમૂલ ફેડરેશનનો અધ્યક્ષ કેમ બનાવ્યો.

સવાલ - ઋષિકેશ પટેલ આપને પસંદ નથી કરતા
જવાબ - એ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે એ ગામના પણ નથી. વ્યક્તિઓ આવશે અને જશે, પણ વ્યવસ્થાની ચર્ચા થાય છે, કેમ કે એ રહેવાની છે. રિમોટ જ્યાં હોય ત્યાં લોકશાહી રાખવી છે કે તાનાશાહી રાખવી છે? મનસ્વીપણું કર્યે જ રાખવું છે? હિંસક રીતે આગળ વધવું છે? એ વિવિધ પ્રશ્નો ઉજાગર કરવાના છે. સંઘર્ષ ચાલુ રાખવાનો છે.

સવાલ - આમ આદમી પાર્ટી સંઘર્ષ કરે છે
જવાબ - આપ બે રાજ્યમાં છે. અમૂલ અને સાગર મોડલ કેટલું સમજી શકે છે ? ચૂંટણી મેનિફેસ્ટોમાં અમૂલ અને સાગર તથા સહકારી ડેરી બાબતે અમારું ઉત્તરદાયિત્વ નિભાવવાને લગતાં કામ કરવાનાં છે.

સવાલ - આમ આદમી પાર્ટી જો ઉત્તરદાયિત્વ નિભાવે તો ?
જવાબ - ચૂંટણીઢંઢેરો જોઈશું. પ્રધાનમંત્રી અને સહકારમંત્રી પણ અમારા જિલ્લાના છે. તેઓ પોતે રસ લે અને સહકારી પ્રવૃત્તિમાં સહભાગી થાય.

સવાલ - આમ આદમી પાર્ટી અંગે શો વિચાર છે ?
જવાબ - આમ આદમી પાર્ટીમાં આકર્ષણ છે. સૌની પાર્ટી છે. પાર્ટીમાં હકારાત્મકતા ખૂબ છે. ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીના કોણ આગેવાન છે એ ખ્યાલ નથી, તેમ છતાં 20 ટકા મત મળ્યા.

સવાલ - આમ આદમી પાર્ટી વિપુલ ચૌધરીને આકર્ષશે ?
જવાબ - અત્યારે કહેવું વહેલું છે, જે પાર્ટીમાં હોઉં એ પાર્ટી ન્યાય આપશે.

સવાલ - પાર્ટીએ અત્યારસુધી તો ન્યાય આપ્યો નથી
જવાબ - આશાવાદી છું

સવાલ - કોની પાસે આશા છે ?
જવાબ - પ્રધાનમંત્રી પાસે આશા છે, સહકારમંત્રી પાસે આશા છે. દિલ્હી નેતૃત્વ પાસે આશા છે. રાજ્યની સરકાર શું કરે છે એ સૌકોઈને ખ્યાલ છે.

સવાલ - ગુજરાતમાં પણ સહકારમંત્રી છે
જવાબ - સહકારમંત્રીઓ પોતે ખાનગી ડેરી કરે છે. અમૂલ ફેડરેશનનો ખાનગી ડેરીનો કોન્ટ્રેક્ટ પોતે કરે છે. સહકારિતાની ભાવના જ ના હોય તેમની સાથે શું ચર્ચા કરવાની.

વિપુલ ચૌધરી કેમ કરે છે વિરોધ ?
વિપુલ ચૌધરીનો આક્ષેપ છે કે તારીખ 5 જાન્યુઆરી 2021ના રોજ યોજાયેલી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં તેમની સામે ખોટા કેસો કરીને વિપુલ ચૌધરી સહિતના લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. બીજી તરફ ગેરકાયદે રીતે અશોક ચૌધરી જીતી ગયા છે. તેમની પર ખોટા આરોપ લગાવાયા છે. આખીયે આ ઘટનામાં ભાજપના એવા નેતા, જેમને સહકારી પ્રવૃત્તિ કે પશુપાલન સાથે એવા લોકોને પણ આજે આગેવાની કરવી છે એટલે જ દૂધસાગર ડેરીની અધોગતિ શરૂ થઈ છે.

સાધારણ સભા દરમિયાન જ હિંસક ઘટના બની
દૂધસાગર ડેરી ખાતે યોજાઈ રહેલી સાધારણ સભામાં હાજરી આપવા ગયેલા મોંઘજી ચૌધરી તથા તેમની સાથે રહેલા અન્ય લોકો સાથે બનેલી હિંસક ઘટનાને પગલે વાતાવરણ તંગ બની ગયું છે. જે મામલે આજ રોજ ગાંધીનગર ખાતે વિપુલ ચૌધરી દ્વારા રેલી કરી અને આવેદનપત્ર આપી સમગ્ર ઘટનામાં હુમલાખોરોને તાત્કાલિક ઝડપી પાડવા તેમજ મોંઘજી ચૌધરી સહિતના લોકો સામે ગુનો દાખલ કરી લગાવાયેલી કલમો ખોટી હોવાથી તેને દૂર કરવા માટે આવેદનપત્ર પણ અપાયું હતું.

પશુઓના દાણમાં કૌભાંડ થયાનો વિપુલ ચૌધરી પર લાગ્યો છે આરોપ
વર્ષ 2013માં મહારાષ્ટ્રમાં દુષ્કાળ સમયે વિનામૂલ્યે સાગરદાણ મોકલી મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ (દૂધસાગર ડેરી)ને રૂ.22.50 કરોડનું નુકસાન પહોંચાડવા મામલે વિપુલ ચૌધરીને દોષી ઠેરવતાં રાજ્ય રજિસ્ટ્રારે રૂપિયા 9 કરોડ દૂધસાગર ડેરીમાં ઓક્ટોબર-2019 સુધીમાં જમા કરાવવા હુકમ કર્યો હતો. આ ચૂકવણા માટે સંઘના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથે મેળાપીપણું કરી ગેરકાયદે કર્મચારીઓને વધારાનું બમણું બોનસ આપી એમડી બક્ષીએ કર્મચારીઓને દબાણ કરાવી તેમના એકાઉન્ટના સહીવાળા કોરા ચેક અંગત અધિકારીઓ અને કર્મચારીઓના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. જોકે ભાંડો ફૂટતાં આખરે બોનસના રૂપિયા પાછા અધિકારીઓ, કર્મચારીઓના એકાઉન્ટમાં જમા કરાવી તેટલી જ રકમની રોકડ પરત લઇ કેટલાક કર્મચારીઓ, અધિકારીઓના નામે જૈનમ ઇન્ડ્રસ્ટ્રિયલ પેટ્રો કંપનીના શેરોમાં રોકાણ કરાવ્યું હતું. જોકે બાદમાં વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના એકાઉન્ટમાં રૂ. 9,00,10, 651.20 જમા કરાવ્યા હતા.

રૂ. 280 કરોડના 4 પાઉડર પ્લાન્ટ સામે પૂર્વ શાસકોએ બાંયો ચડાવી છે
દૂધસાગર ડેરીમાં વર્ષો જૂના 4 પાઉડર પ્લાન્ટ કાર્યરત હોવા છતાં વર્તમાન શાસકો દ્વારા રૂ.280 કરોડના ખર્ચે નવો પાઉડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કરાતાં પૂર્વ શાસકોએ આ નિર્ણય સામે બાંયો ચઢાવી છે. તેમનો દાવો છે કે સૌથી વધુ દૂધની આવક થાય તોપણ પાઉડર બનાવવા માટે હયાત 4 પ્લાન્ટની ક્ષમતા પૂરતી છે, આથી નવા પ્લાન્ટ પાછળ આટલો મોટો ખોટો ખર્ચ કરી દૂધ ઉત્પાદકોના પરસેવાના પૈસા વેડફવા ન જોઇએ અને નવો પાઉડર પ્લાન્ટ બનાવવાનો રદ કરતો ઠરાવ કરવો જોઇએ એવી માગ પૂર્વ ચેરમેન મોંઘજીભાઇ ચૌધરીએ કરી છે.

કોણ છે વિપુલ ચૌધરી?
વર્ષ 1995માં ભાજપની કેશુભાઈની સરકાર સામે બળવા બાદ શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં વિપુલ ચૌધરી ગૃહમંત્રી અને વાહનવ્યવહારમંત્રી બન્યા હતા. જોકે બાદમાં શંકરસિંહ વાઘેલા સાથે મતભેદો ઊભા થતાં તેમનો સાથ છોડી દીધો હતો અને ફરીથી ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જોકે સમય જતાં બંને પદ પણ ગુમાવવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...