તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશાનું કિરણ:આ ચાર કારણોથી અમેરિકાને મળી માસ્કમાંથી મુક્તિ, 114 દિવસમાં થયેલું કામ રંગ લાવ્યું

2 મહિનો પહેલા

આખરે 15 મહિના બાદ અમેરિકાને માસ્કમાંથી મુક્તિ મળી છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે, CDCની ગાઈડલાઈન બાદ પ્રેસિડેન્ટ જો બાઈડેને સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જેમણે વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે તેમણે હવે માસ્ક પહેરવાની કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જરૂર નથી. આ લોકોએ ઈન્ડોર, આઉટડોર, ભીડભાડવાળી જગ્યાએ કે સ્પોર્ટ્સ ઈવેન્ટમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર નથી.

જો કે, હૉસ્પિટલ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને મુસાફરી વખતે માસ્ક પહોરવો પડશે. આ ઉપરાંત જેલ અને હોમલેસ શેલ્ટરમાં પણ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આ ઉપરાંત સંઘપ્રદેશ, આદિવાસી ક્ષેત્ર, કેટલાક લોકલ બિઝનેસ અને વર્કપ્લેસ પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ અનિવાર્ય છે.

પણ સવાલ એ છે કે, અમેરિકાએ આવો નિર્ણય કેમ કર્યો?. આ માટેના મુખ્ય ચાર કારણ છે. 1)કોરોનાના કેસમાં સતત ઘટાડો 2)મૃત્યુના પ્રમાણમાં ઘટાડો, 3) હૉસ્પિટલમાં દાખલ થનાર દર્દીની સંખ્યા અને અગ્રેસિવ વેક્સિનેશન.

અમેરિકાના 37 રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જાન્યુઆરીમાં એક દિવસમાં અહીં હાઈએસ્ટ 3 લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. જે આજે 34-35 હજાર થઈ ગયા છે. એટલે કે, ચાર મહિનામાં તેમાં 88 ટકાનો ઘટાડો થયો છે. વળી જાન્યુઆરીમાં એક દિવસમાં સૌથી વધુ 4,400 લોકોનાં મોત થતા હતા તે આંકડો આજે લગભગ 600નો થઈ ગયો છે. એટલે કે, પિક કરતાં મૃત્યુઆંક પણ 86 ટકા ઘટી ગયો છે. એટલું જ નહીં પૉઝિટિવિટી રેટ પણ 4 ટકાથી નીચે આવી ગયો છે.

જો કે કોરોના સામે લડવાનું અમેરિકાનું સૌથી મોટું હથિયાર વેક્સિન છે. વેક્સિનેશન શરૂ થયાના 114 દિવસમાં અહીં જે કામ થયું છે તેવું ભાગ્યે જ કોઈ દેશમાં થયું છે. વસતીની દૃષ્ટિએ જોઈએ તો અમેરિકાની કુલ વસતી અંદાજે 33 કરોડ છે. જે પૈકી 16 કરોડ એટલે કે, 47 ટકા વસતીએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. જ્યારે 12 કરોડ એટલે કે, 36 ટકા નાગરિકોએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. એટલું જ નહીં 12થી 15 વર્ષની વયજૂથ માટે પણ વેક્સિનનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે.

અહીં કુલ ત્રણ વેક્સિનને મંજૂરી મળી છે. જેમાં ફાઈઝર, મોડર્ના અને જ્હોનસન એન્ડ જ્હોનસનની જેનસેનનો સમાવેશ થાય છે. આ ત્રણેય વેક્સિનની પહેલા ડોઝની એફિકસી અંદાજે 75થી 80 ટકા છે. જ્યારે બીજા ડોઝ પછીની એફિકસી 94થી 95 ટકા છે. એફિકસની સામે આ ત્રણેય કંપનીઓ એક દિવસમાં 20 લાખથી વધુ ડોઝ પણ બનાવી રહી છે.

મહત્ત્વનું છે કે, અત્યાર સુધીમાં અમેરિકામાં 3.36 કરોડ કેસ નોંધાયા છે. એટલે કે, અંદાજે 10 ટકા લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, અને મોતનો આંકડો પણ લગભગ 6 લાખ થઈ ગયો છે. આવી ભયાનક સ્થિતિ છતાં અમેરિકા માસ્ક મુક્ત થઈ ગયું તેનું સૌથી મોટું કારણ અગ્રેસિવ વેક્સિનેશન પ્રોગ્રામ છે.

અન્ય સમાચારો પણ છે...