ભાસ્કર એક્સક્લૂઝિવ:રાજ્યમાં પ્રથમ વાર ગુજરાત યુનિ. ઓનલાઈન કોર્સિસમાં ડિગ્રી આપશે, 10 પોસ્ટ ગ્રેજ્યુએટ સહિત 13 કોર્સિસ શરૂ કરશે

અમદાવાદ18 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • ગુજરાત યુનિવર્સિટીની હરણફાળ: કુલ 13 કોર્સિસ શરૂ કરશે
  • 50 જેટલાં જુદા જુદા વિષયો રહેશે, જુલાઇથી પ્રવેશ કાર્યવાહીનો આરંભ

ગુજરાત યુનિવર્સિટી માત્ર પરીક્ષા અને પરિણામ જાહેર કરવાથી માંડીને કોલેજોને મંજૂરી આપવાની જ વર્ષોથી કામગીરી કરતી હતી. તેમાંય વળી યુનિવર્સિટી રાજકીય અખાડો બની ગયો હતો. તેવા સમયે ગુજરાત યુનિવર્સિટીની છાપ સુધારવાથી માંડીને તેને રાષ્ટ્રીય કક્ષાએ પહોચાડવા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ ભારે જહેમત ઉઠાવી હતી. પરિણામ સ્વરૂપે ગુજરાત યુનિવર્સિટીએ નેશનલ ઈન્સ્ટીટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા અપાયેલા પ્રથમ 100 રેન્કિંગમાં 43મો ક્રમ મેળવ્યો છે આટલું જ નહીં પરંતુ રાજ્યમાં પ્રથમ વાર ગુજરાત યુનિવર્સિટીમાં સંપૂર્ણપણે ઓનલાઇન કોર્સિસમાં ડિગ્રી આપશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું છે હતું, 'યુનિવર્સિટીમાં ઓનલાઇન પ્રવેશ, કન્ટેન્ટ ડિલિવરીથી લઇને પરીક્ષા તેમ જ કોન્વોકેશન પણ ઓનલાઇન જ થશે. નેશનલ ઇન્સ્ટીટયૂશનલ રેન્કીંગ ફ્રેમવર્ક ( NIRF ) દ્રારા અપાયેલા પ્રથમ 100 રેન્કીંગમાં ગુજરાત યુનિવર્સિટી 43મા ક્રમે હોવાથી ઓનલાઇન કોર્સિસ શરૂ કરવાની UGC તરફથી આપોઆપ મંજૂરી મળી ગઇ છે. અન્ડર ગ્રેજ્યુએટ -3 અને પોસ્ટ ગ્રેજ્યુએટના 10 કોર્સ મળીને કુલ 13 કોર્સ શરૂ કરાશે, જેમાં 50 જેટલાં જુદા જુદા વિષયો રહેશે અને જેમાં વિદ્યાર્થી અભ્યાસ કરી શકશે.

કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ કહ્યું કે, આ ઓનલાઇન કોર્સ હોવાથી બેઠકની સંખ્યા સિમિત કરાઇ નથી. વિશ્વના કોઇપણ વિદ્યાર્થી ગમે તેટલી સંખ્યામાં પ્રવેશ મેળવી શકશે, જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. આ કોર્સ માટેના નોર્મ્સ જેમ કે ફીના ધોરણોથી માંડીને કોર્સ સ્ટ્રકચર, ફેકલ્ટી, ક્રેડિટસ કેટલી વગેરે બાબતો તૈયાર કરીને જૂનના અંત સુધીમાં યુનિવર્સીટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જુલાઇથી પ્રવેશ કાર્યવાહીનો આરંભ થશે અને ઓગસ્ટ- સપ્ટેમ્બરથી અભ્યાસક્રમ શરુ કરાશે.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અભ્યાસક્રમો અંતર્ગત 15થી વધારે વિદેશી યુનિવર્સિટીમાં Dual ડિગ્રી, Joint degree, Student એન્ડ ફેકલ્ટી એક્સચેન્જથી લઈને ટ્રેનિંગ અને capaciry બિલ્ડિંગના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે

ડ્યૂઅલ ડિગ્રી અને જોઇન્ટ ડિગ્રીનો કોન્સેપ્ટ લવાશે
ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડૉ. હિંમાશુ પંડયાએ જણાવ્યુ હતું કે એક કે વધારે યુનિવર્સિટીમાં અભ્યાસ તેમજ યુનિવર્સિટીમાં ડ્યૂઅલ ડિગ્રી અને જોઇન્ટ ડિગ્રીનો કોન્સેપ્ટ લાવશે. નવી એજ્યુકેશન પોલીસીમાં યુનિવર્સિટીઓમાં ડયૂઅલ ડિગ્રી અને જોઇન્ટ ડિગ્રી કોર્સ શરૂ કરાશે, જેમાં વિદ્યાર્થી એક જ યુનિવર્સિટીમાં બે કોર્સમાં ફોર્મ ભરી શકશે. બંને કોર્સનો પ્રવેશ મેળવ્યો હશે અને તે બંને કોર્સના સમય જુદા જુદા હશે તો તે બંને કોર્સ સાથે કરી શકશે, જેમાં 40 ટકા સિલેબસ ઓનલાઇન ભણાવી શકશે અને 50 ટકા કોર્સ ઓફલાઇન રહેશે.

ગુજરાત યુનિવર્સિટીનું સર્ટીફીકેટ વિદેશમાં માન્ય રહેશે
ગુજરાત યુનિવર્સિટી વિદેશની ચાર ઇન્સ્ટીટ્યૂટ સાથે પાર્ટનર યુનિવર્સિટી છે. અહીંયા બે સેમેસ્ટર ભણીને વિદ્યાર્થી ત્યાં બીજા સેમેસ્ટર ભણી શકશે. ગુજરાત યુનિવર્સિટીનું સર્ટીફીકેટ વિદેશની યુનિવર્સિટીઓમાં માન્ય રહેશે. ત્યાંની યુનિવર્સિટીઓ પણ આ જ રીતે કરી શકશે. વિદેશની ફેકલ્ટી પણ અહીંયા આવીને ભણાવશે.

અન્ય સમાચારો પણ છે...