તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • GSEB Ready For Gujcet Exam, Awaiting Government Order, Next Admission Procedure Can Be Done On These Options

વિદ્યાર્થીઓની મૂંઝવણ:ગુજકેટની પરીક્ષા માટે GSEB તૈયાર, સરકારના આદેશની રાહ; આ વિકલ્પો પર થઇ શકે છે આગામી પ્રવેશ કાર્યવાહી

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • જો JEE-NEET પરીક્ષાની લેવાય તો, ગુજકેટ પરીક્ષા પણ લેવાવી જોઇએ
  • વિદ્યાર્થીઓએ ગુજકેટની તૈયારીઓ ચાલુ રાખવી જોઇએ, જેથી પરીક્ષામાં મુશ્કેલી ન સર્જાય

કોરોનાને કારણે આ વર્ષે પરીક્ષા વગર જ ધોરણ 12ની માર્કશીટ બનવાની છે અને તેના લીધે આગળના અભ્યાસને લઈને વિદ્યાર્થીઓમાં ભારે મૂંઝવણ છે. ટેકનિકલ અને એન્જીનિયરીંગમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા યોજાશે કે કેમ? તે પણ હજુ નક્કી નથી અને પરીક્ષા યોજાશે તો તેમાં એડમિશન માટે ક્યાં પ્રકારની ફોર્મ્યુલાની સંભાવનાઓ રહેલી છે? આવા અનેક સવાલો વિદ્યાર્થીઓએ અને વાલીઓના મનમાં રહેલા છે. આ અંગે દિવ્યભાસ્કરે ટેકનિકલ અને એન્જિનિયરિંગ શિક્ષણના નિષ્ણાતો સાથે વાત કરી અને જાણવા પ્રયાસ કર્યો કે, આવી સ્થિતિમાં ટેકનિકલ તેમજ એન્જીનિયરીંગમાં પ્રવેશ પ્રક્રિયા કેવી હોવી જોઈએ અને તેનો આધાર કેવો હોવો જોઈએ? જાણો શું કહે છે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી સાથે સંકળાયેલ કોલેજોના શિક્ષણવિદો​​​​

બોર્ડ પરીક્ષા લેવા તૈયાર, સરકારની મંજૂરીની રાહ
દિવ્ય ભાસ્કરે ગુજકેટ પરીક્ષાના આયોજન અંગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ચેરમેને એ.જે શાહ સાથે વાત કરી, જેમાં તેમણે જણાવ્યુ કે ગુજકેટની પરીક્ષા માટે બોર્ડ તૈયાર છે. પરંતુ રાજ્ય સરકાર તરફથી સૂચના મળ્યા બાદ આગળની કાર્યવાહી કરશે. એવી પણ શક્યતાઓ છે કે રાજ્ય સરકાર આગામી કેબિનેટ બેઠકમાં પરીક્ષા અંગે નિર્ણય લેવાઇ શકે છે.
એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ત્રણ વિકલ્પો

  • ધો. 12ની માર્કશીટના આધારે પ્રવેશ: હાલના તબક્કે શિક્ષણ વિભાગ પાસે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે સૌથી સરળ રસ્તો મેરિટ બેઝ પ્રમોશનના આધારે તૈયાર થયેલ માર્કશીટ છે. કોવિડની સ્થિતીને જોતા જો એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે ગુજકેટ ન લેવાય તો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે અગાઉના ધોરણના માર્કના આધારે તૈયાર થયેલ પરિણામને આધાર રાખીને આગળની પ્રવેશ કાર્યવાહી થઇ શકે છે. જોકે શિક્ષણવિદો જો આમ થાય તો હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન થવાની ભીંતી સેવી રહ્યાં છે.
  • ધોરણ 12ના 60 %, ગુજકેટના 40 % વેઇટેજ આધાર: બીજી એક શક્યતા એ પણ છે, કે જો ગુજકેટની પરીક્ષા લેવાય છે, તો અત્યાર સુધી ચાલતી આવતી પ્રક્રિયા પ્રમાણે જ ધોરણ 12 પછી પ્રવેશ કાર્યવાહી હાથ ધરાવી જોઇએ. ધોરણ 12 પછી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે બોર્ડ પરીક્ષાના 60 ટકા અને ગુજકેટની પરીક્ષાના 40 ટકાને ધ્યાને લેવાતા હોય છે. જેના આધારે રાજ્યની એન્જિનિયિરંગ કોલેજમાં પ્રવેશ માટે પ્રક્રિયા થતી હોય છે. હાલના તબક્કે જાણકારો અનુસાર આ વિકલ્પની શક્યાતો વધુ જણાઇ રહી છે.
  • 60 % ગુજકેટ, ધોરણ 12ના 40 % વેઇટેજનો આધાર: શિક્ષણ વિભાગ પાસે એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ત્રીજો વિકલ્પ એ છે કે ધોરણ 12 અને ગુજકેટ પરીક્ષાના ગુણભારને બદલવામાં આવે. ગુજકેટની પરીક્ષા લેવામાં આવે તો, આ વર્ષ માટે તેના 60 ટકા ગણવામાં આવે. એટલે કે ધોરણ 12ના 60ના બદલે 40 ટકા અને ગુજકેટના 40 ટકાના સ્થાને 60 ટકા પરિણામના આધારે મેરિટ તૈયાર થવુ જોઇએ. બોર્ડ પરીક્ષા નથી લેવાઇ, આ સ્થિતીમાં ગુજકેટના પરિણામને વધુ વેઇટેજ આપવુ જોઇએ.

ગુજકેટ એસેસમેન્ટને 60% વેઇટેજ મળવુ જોઇએ
રાજ્યની સૌથી મોટી ટેકનિકલ અને એન્જિનિયરીંગ યુનિવર્સિટી GTUના કુલપતિ નવીન શેઠના જણાવ્યા અનુસાર બોર્ડની પરીક્ષા નથી લેવાઇ, જેથી કોલેજમાં પ્રવેશ માટે ગુજકેટનો માપદંડ હોવો જરૂરી છે. ગુજકેટની પરીક્ષા લેવાવી જોઇએ જેથી યોગ્યતા વાળા વિદ્યાર્થીઓને મેરિટમાં અન્યાય ન થાય અને પ્રવેશ કાર્યવાહી સરળ બને. સાથે-સાથે આ વર્ષે પ્રવેશ માટે પરીક્ષામાં ગુજકેટ એસેસમેન્ટનું વેઇટેજ 60% અને ધો. 12ની માર્કશીટનું વેઇટેજ 40% કરી નાખવું જોઈએ. સામાન્ય રીતે દર વર્ષે રાજ્યની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે ધો. 12ના 60% અને ગુજકેટના 40% પરિણામના આધારે પ્રવેશ કાર્યવાહી થતી હોય છે.

માત્ર ગુજકેટથી જ પ્રવેશ મળવો જોઇએ- MN પટેલ
GTU અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને હાલ વડોદરાની પારુલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ એમ.એન પટેલે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યુ કે ચાલુ વર્ષે સારી અને પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ પડકારજનક રહેવાનો છે. આ સ્થિતિમાં ધો. 12 પછી રાજ્યની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે ગુજકેટનું આયોજન થવુ જરૂરી છે. ગુજકેટના પરિણામના આધારે જ પ્રવેશ કાર્યવાહી થવી જોઇએ, જેથી મેરિટવાળા વિદ્યાર્થીઓને નુકશાન ન થાય અને વિદ્યાાર્થીઓનું ભવિષ્ય ન બગડે. તેમનું એ પણ કહેવુ છે કે ભૂતકાળમાં ગુજકેટના આધારે જ પ્રવેશ આપવામાં આવતો હતો, જેથી આ વર્ષે જો પ્રવેશ માટે ગુજકેટના પરિણામને ધ્યાને લેવાવું જોઇએ.

વહેલી તકે ગુજકેટ અંગે સ્પષ્ટતા થવી જરૂરી
એલ જે યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ મનીષ શાહનું કહેવું છે કે હાલના તબક્કે વિદ્યાર્થીઓએ ગુજકેટ પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખવી જોઈએ. જો આ પરીક્ષા સફળતાપૂર્વક લેવાય તો રાજ્યની એન્જિનિયરિંગ કોલેજમાં તેના પરિણામના આધારે પ્રવેશ કાર્યવાહી થવી જોઇએ. જેથી યોગ્યતાના આધારે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મળી શકે. સાથે જ સરકારે પણ ગુજકેટની પરીક્ષા અંગે ઝડપથી નિર્ણય અંગેની જાહેરાત કરવી જોઈએ જેથી પ્રવેશ કાર્યવાહીમાં વિલંબ ન થાય અને શૈક્ષણિક કાર્ય શરૂ થઇ શકે.

પરીક્ષા યોજાય તે જરૂરી, પરંતુ વિદ્યાર્થીઓના આરોગ્ય પણ મહત્વનુ
અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીના એકિઝકયુટિવ ડિરેક્ટર જનક ખાંડવાલાનું કહેવું છે કે હાલના કોવિડની સ્થિતીમાં ગુજકેટ પરીક્ષા યોજાશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. પરીક્ષાની સાથે હાલ કોલેજના સમયમાં વિદ્યાર્થીઓના આરોગ્યને પણ ચિંતા ખૂબ જરૂરી બની છે. પરંતુ જો સ્થિતી સારી રહે અને ગુજકેટ લેવાય તો પ્રવેશ કાર્યવાહીમાં સ્કૉલર વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય. બાકી તો રાજ્યમાં દર વર્ષે એન્જીનીયરીંગ કોલેજની બેઠકો ખાલી રહેતી હોય છે. ચાલુ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષામાં એ ગ્રુપમાં 53197 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેની સામે હાલ રાજ્યમાં 64087 બેઠક ઉપલબ્ધ છે.

JEE-NEET લેવાઇ શકે તો ગુજકેટ કેમ નહિ !
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની આર.એચ કાપડીયા સ્કૂલના સંચાલક રૂપક કાપડિયાના કહેવા પ્રમાણે મેડિકલ માટે NEET અને દેશની IIT-NITમાં પ્રવેશ માટે JEE પરીક્ષા યોજવાની હોય તો ગુજરાતમાં પ્રવેશ માટેની ગુજકેટ પરીક્ષા કેમ ન યોજાય ! બોર્ડ પરીક્ષા લેવાઇ નથી, જેના કારણે ગુજકેટના આધારે પ્રવેશ આપવામાં આવે તો વિદ્યાર્થીઓની અધિકૃતતા પણ જળવાઈ રહેશે. પરંતુ જો માત્ર ધોરણ 12ની મેરીટ બેઝ પ્રમોશન વાળી માર્કશીટના આધારે પ્રવેશ મેળવશે તો કારકિર્દીમાં ઘણા પડકારોનો સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...