• Gujarati News
 • Dvb original
 • 12 Pass Gujarati Driven Jabaru Margum, Enjoy Delicious Food Along With The Fun Of Adventure In The Courtyard Of Ahmedabad

ભાસ્કર એક્સક્લૂસિવ160 ફૂટ ઊંચાઈએ હવામાં ઝૂલતી રેસ્ટોરાં:12 પાસ ગુજરાતીએ ચલાવ્યું જબરું ભેજું, અમદાવાદમાં એડવેન્ચર સાથે ચટાકેદાર ભોજનની મજા માણો

અમદાવાદ14 દિવસ પહેલાલેખક: કમલ પરમાર
 • કૉપી લિંક

દૂર ક્ષિતિજે આથમતો સૂરજ, ઢળતી સાંજે ઠંડા પવનના સુસવાટા, 160 ફૂટની ઊંચાઈએ ઝૂલતું ડાઈનિંગ ટેબલ અને આંખો સામે ઝળહળતું આખું શહેર. આ અદ્ભુત અનુભવ, નયનરમ્ય નજરાણું કોઈ વિદેશી શહેરનું નથી. પરંતુ અમદાવાદના આંગણે એક નવા જ કોન્સેપ્ટ સાથે ખૂલેલી રેસ્ટોરાંની સગી આંખે થયેલી અનુભૂતિ છે.

12મું પાસ રાજેશભાઈ કંઈક નવું લાવ્યા!
લગભગ સવા બસ્સો ફૂટ ઊંચી પતંગ હોટેલ વર્ષોથી અમદાવાદની ઓળખ સમાન છે. 90 મિનિટમાં 360 ડિગ્રી ફરતી હોટેલમાં અનેક લોકો સ્વાદિષ્ટ ભોજનની મોજ માણી ચૂક્યા છે. કાંકરિયામાં તરતી નાવમાં ચટપટા નાસ્તાની મજા, ભરચક રસ્તા પર ચાલતી બસમાં ફૂડ ઓન વ્હીલની લહાવો અમદાવાદીઓ વર્ષોથી લઈ રહ્યા છે. પરંતુ હવે અમદાવાદના આંગણે હવામાં લટકતી એક રેસ્ટોરાં ખૂલી છે. ખરેખર, આ રેસ્ટોરાંમાં એક વિશાળ ડાઈનિંગ ટેબલ ક્રેનની મદદથી હવામાં 160 ફૂટની ઊંચાઈએ લટકે છે. જ્યાં લોકો અમદાવાદનો 360 ડિગ્રીનો વ્યૂ જોતા-જોતા, સલામતી સાથે ટેસ્ટી ફૂડની જિયાફત ઉડાવી શકે છે. ગુજરાતમાં પહેલીવાર આવી અનોખી રેસ્ટોરાં ખોલવાનો વિચાર માત્ર 12મું ધોરણ પાસ રાજેશ કાલાવડિયાના મગજની ઊપજ છે.

અનોખી રેસ્ટોરાંનો વિચાર કેવી રીતે આવ્યો?
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા રાજેશ કાલાવડિયાએ જણાવ્યું કે, 'હું વર્ષોથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે જોડાયેલો હતો. અમે વિવિધ પેકેજ આપીને લોકોને દુબઈ, સિંગાપુર, મલેશિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં પ્રવાસ માટે લઈ જતા હતા. એટલે પ્રવાસીઓની સાથે મારે પણ ઘણીવાર વિદેશ જવાનું થતું હતું. એ સમયે ભારતના લોકોને વિદેશમાં હવામાં લટકતી રેસ્ટોરાં ખૂબ આકર્ષતી હતી. વિદેશોમાં આ કોન્સેપ્ટ હેઠળ છેલ્લાં 18 વર્ષથી રેસ્ટોરાં ચાલે છે. મારી જાણકારી મુજબ દુનિયાના 35 દેશોમાં આ પ્રકારની રેસ્ટોરાં છે. એટલે અમને વિચાર આવ્યો કે ભારતમાં પણ આવી રેસ્ટોરાં શરૂ કરવી જોઈએ. લોકોને તેનો લહાવો લેવાનો ગમશે.'

ત્રણ વર્ષ સુધી માત્ર રિસર્ચ કર્યું
રાજેશ કાલાવડિયાએ ભારતમાં આવી અનોખી રેસ્ટોરાં શરૂ કરવાનો વિચાર સૌથી પહેલાં વર્ષ 2015માં આવ્યો હતો. ત્યાર બાદ ટેક્નોલોજી, બજેટ, સ્થળની પસંદગી, સલામતીના સ્ટાન્ડર્ડ વગેરે બાબતે ઘણા સમય સુધી રિસર્ચ કર્યું. આ પ્રક્રિયામાં કુલ ત્રણ વર્ષનો સમય લાગી ગયો અને અંતે વર્ષ 2018માં સૌથી પહેલાં બેંગાલુરુમાં આવી રેસ્ટોરાં શરૂ કરી હતી. હવે અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર થલતેજ-શિલજ રોડ નજીક સ્કાય ડાઇનિંગ નામથી આ રેસ્ટોરાં શરૂ કરવામાં આવી છે.

હવામાં એક ક્રેનના સહારે લટકતા ડાઈનિંગ ટેબલ પર ભોજન લેવું, એમાં ખૂબ રોમાંચ અનુભવાય. પરંતુ આવા નવા કોન્સેપ્ટમાં સૌથી મોટો મુદ્દો તો તેમાં બેસેલા લોકોની સલામતીનો હોય છે. દિવ્ય ભાસ્કરે આ અંગે કરેલા સવાલના જવાબમાં રાજેશભાઈએ જણાવ્યું, 'આ પ્રોજેક્ટને ભારતમાં શરૂ કરવા માટે અમને ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. જેનું મુખ્ય કારણ સલામતીનો જ હતું.'

હવામાં લટકીને ભોજન લેવામાં આપણી સલામતીનું શું?
આ કોન્સેપ્ટ માટે સૌથી પહેલાં રાઈડની પરવાનગી માટે સર્ટિફિકેટ લેવું પડે છે. તેના માટે સરકારે નક્કી કરેલા એન્જિનિયર ડિઝાઈન તેમજ તમામ પાર્ટ્સની ચકાસણી કરે છે. ત્યાર બાદ સર્ટિફિકેટ આપે છે. જેટલી જગ્યાએ વેલ્ડિંગ કરવામાં આવ્યું છે, તેનું ટેસ્ટિંગ થાય છે. રાઈડમાં લાગેલ રોપ(દોરડા)નું પણ અલગથી ટેસ્ટિંગ થાય છે. રાજેશ કાલાવડિયાએ દાવો કર્યો કે 'જર્મનીમાં નક્કી થયેલી ગાઈડલાઈન પર ખરું ઊતરે એવું મટિરિયલ આ રાઈડમાં વાપરવામાં આવ્યું છે. વિદેશમાં આવી રેસ્ટોરાં માટે 120થી 150 ટનની ક્રેન ઉપયોગમાં લેવાય છે. જેના મારફતે આખું સેટ-એપ 120 ફૂટની ઊંચાઈએ લઈ જવામાં આવે છે. પરંતુ અમે આ પ્રોજેક્ટમાં 250 ટનની ક્ષમતા ધરાવતી જર્મન મેડ ક્રેનનો ઉપયોગ કર્યો છે, જેના મારફતે અમે અહિંયાં 160 ફૂટની ઊંચાઈ સુધી લઈ જઈએ છીએ. આ ઉપરાંત લોકલ ઓથોરિટીની પરવાનગી લેવી પડે. ત્યાર બાદ ટ્રેડ લાઈસન્સ, ફૂડ લાઈસન્સની પણ જરૂર પડે.'

રાઈડની સુરક્ષા મુદ્દે રાજેશ કાલાવડિયાએ આપેલી જાણકારી મુજબ,

 • આ રાઈડમાં 4 લેયરમાં સલામતીની વ્યવસ્થા છે.
 • 22 લોકો સહિત રાઈડનું 8 ટન વજન થાય, જેની સામે ક્રેનની ક્ષમતા 250 ટનની છે.
 • સલામતીના ધોરણે ચારથી પાંચ ગણાં મજબૂત સાધનો વાપર્યાં છે.
 • ચારેય તરફ ખુરશી-ટેબલ હોય, વચ્ચે 25 બાય 5 ફૂટની જગ્યા હોય છે, જેમાં સ્ટાફ સુરક્ષા બેલ્ટ સાથે હરીફરી શકે છે.
 • જો ક્રેનના રોપમાં કાંઈ ખામી આવે તો ક્રેનને સપોર્ટ કરતા મુખ્ય પાર્ટ (બુમ)ને એક બાદ એક અંદર લઈને આખા ડાઈનિંગ ટેબલને સલામતી સાથે નીચે ઉતારી શકાય છે.

રેસ્ટોરાંમાં કેટલો ચાર્જ વસૂલવામાં આવે છે?
અમદાવાદમાં શરૂ થયેલી નવા કોન્સેપ્ટની રેસ્ટોરાં કમ એન્ડવેન્ચર રાઈડમાં એકસાથે ઓછામાં ઓછા 2 લોકો અને વધુમાં વધુ 22 લોકો બેસી શકે છે. અમદાવાદમાં સામાન્ય દિવસ અને વીક એન્ડનો ભાવ અલગ અલગ હોય છે. રેસ્ટોરાંના માલિકે સવારથી રાત સુધીમાં લન્ચ સેશન, મોકટેલ સેશન, સનસેટ સેશન, ડિનર સેશન વગેરે જેવા 9 સેશન નક્કી કર્યા છે. એટલે કે નિયત સમયે આ રાઈડ ઉપર જાય અને નીચે આવે છે. વિવિધ સેશન માટે પ્રતિ વ્યક્તિ 2 હજારથી 5 હજાર રૂપિયા સુધીનો ભાવ છે. જ્યારે પૂણે, મુંબઈ, બેંગલુરુમાં હાલ 8 હજાર રૂપિયાનો રેટ ચાલે છે.

વિવિધ સેશન અને તેનો સમય

 • મોકટેલ સેશન- 30 મિનિટ
 • સનસેટ સેશન- 45 મિનિટ
 • ડિનર અને લંચ સેશન- 1 કલાક

ક્રેનના સહારે લટકતા ડાઈનિંગ ટેબલ પર ફૂડ કેવી રીતે પિરસાય છે?
અમદાવાદમાં સ્કાય ડાઇનિંગની ફ્રેન્ચાઈઝી ક્લાઉડ લોન્જના પાર્ટનર્સ નિરવભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, અલ્કેશભાઈ પટેલ, અને અર્થ પટેલે લીધી છે. ફ્રેન્ચાઈઝી લેનાર મનીષભાઈ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 'અમે અમદાવાદના લોકોના ટેસ્ટને ધ્યાનમાં રાખીને ફૂડ નક્કી કર્યા છે, કેટલુંક ફૂડ તો ઉપર જ લાઈવ બનાવવામાં આવે છે. આ ઉપરાંત નીચેના કિચનમાં બનેલા ફૂડને 160 ફૂટની ઊંચાઈએ લઈ જઈને પીરસવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 6 કલાક સુધી એક સરખા તાપમાને ફૂડ રહી શકે તેવા અમારી પાસે બકેટ છે. આટલું જ નહીં, દરેક ફૂડ નક્કી કરેલા સમય મુજબ જ પિરસાય છે, જેથી ગ્રાહકો અનુકૂળ રીતે તેનો આનંદ લઈ શકે. તો અહીં આવતા અમદાવાદીઓની સેફ્ટી અંગે ડિરેક્ટર નીરવ પટેલે જણાવ્યું કે ૭ ટનનું વજન ઉચકવા ૨૫૦ ટનની કેપેસિટી ધરાવતી ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી અમદાવાદીઓ હવે સ્કાય ડાયનિંગ મજા માણી શકશે.

રેસ્ટોરાં શરૂ કરવાની તારીખ પાછી કેમ ઠેલાઈ?
અમદાવાદના આંગણે આ રેસ્ટોરાં શરૂ કરી દેવા માટેની સૌથી પહેલી તારીખ 26 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી. જે અમદાવાદની સ્થાપનાનો દિવસ હતો. પરંતુ સલામતી માટેના કેટલાક ટ્રાયલ બાકી હોવાના કારણે આ રેસ્ટોરાં 12 દિવસ મોડી શરૂ કરવામાં આવી. રાજેશ કાલાવડિયાએ આપેલી જાણકારી મુજબ રેસ્ટોરાં શરૂ થવાના એક અઠવાડિયા પહેલાં વિવિધ પ્રકારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રાહકોને બેસવા માટેની ખુરશીમાં પાણીના બેરલ ભરીને ક્રેનને અનેક વખત ઉપર અને નીચે લઈ જઈને ટેસ્ટિંગ કર્યું હતું. આ ઉપરાંત આ રેસ્ટોરાંમાં કામ કરતા ફૂડ અને સેફ્ટી સ્ટાફને એક મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ સ્થિતિને કાબૂમાં રાખી શકાય. હાલના સમયે પણ નીચે રહેલો સેફ્ટી સ્ટાફ તેમજ રાઈડમાં સવાર ફૂડ સ્ટાફ સતત વોકીટોકીથી સંપર્કમાં રહે છે.

અમદાવાદીઓએ નવો કોન્સેપ્ટને કેવો રિસ્પોન્સ આપ્યો?
અમદાવાદમાં મહિલા દિવસથી જ આ અનોખી રેસ્ટોરાં શરૂ થઈ ચૂકી છે. રેસ્ટોરાંના માલિક મનિષ પટેલે દિવ્ય ભાસ્કરને જાણકારી આપતાં કહ્યું, 'રેસ્ટોરાં શરૂ કર્યાને એક અઠવાડિયામાં જ 400થી વધુ લોકો આ લહાવો લઈ ચૂક્યા છે. જેમાં કેટલાક લોકોએ બર્થ ડે પાર્ટી માટે, રિંગ સેરેમની, તો કેટલાકે પોતાની પત્ની કે પ્રેમિકાને સરપ્રાઈઝ આપવા માટે અહીં બુકિંગ કરાવ્યું હતું. અમારે ત્યાં આવતા ગ્રાહકોને 24 કલાક પહેલાં બુકિંગ કરાવવું પડે છે. આ પાછળનું કારણ એટલું જ છે કે અમે સારું આયોજન કરીને તેમને સારામાં સારી ગુણવત્તાવાળું ભોજન પીરસી શકીએ.

પ્રપોઝ કરવા યુવતીએ આખી રાઈડ બુક કરી લીધી
રાજેશ કાલાવડિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં બેંગલુરુના સ્કાય ડાઈનિંગ સાથે જોડાયેલો એક કિસ્સો યાદ કરતા કહ્યું, 'બેંગલુરુમાં જ્યારે અમે રેસ્ટોરાં શરૂ કરી ત્યારે અમદાવાદની એક યુવતીને ચેન્નઈના યુવાનને પ્રપોઝ કરવું હતું. એક સીટના અમે 8 હજાર રૂપિયા ચાર્જ કરતા હતા. યુવતીએ તમામ 22 સીટ બુક કરી લીધી અને પછી માત્ર બે લોકો સાથે જ રાઈડને અમે ઉપર લઈ ગયા હતા. તેમના માટે આ સ્થળ અને એ ક્ષણ ખૂબ જ અવિસ્મરણિય બની ગયાં.'

અમદાવાદમાં શરૂ થયેલી આ પ્રકારની પ્રથમ એડવેન્ચર રેસ્ટોરાંમાં આવનાર લોકોમાં પણ અલગ જ ઉત્સાહ જોવા મળ્યો. બોપલથી આવેલા ડૉ.કૃપાલી ચુડાસમાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 'અત્યાર સુધી વિદેશમાં અને ભારતનાં કેટલાંક શહેરોમાં ચાલતી આવી રેસ્ટોરાં વિશે માત્ર સાંભળ્યું હતું. પણ જ્યારે એ માહિતી મળી કે આવી રેસ્ટોરાં અમદાવાદમાં મળી છે એટલે અમે અગાઉથી બુકિંગ કરાવ્યું હતું જેથી અમે અહીં આવ્યાં છે. અત્યાર સુધી અવનવી રેસ્ટોરન્ટમાં મેં મુલાકાત કરી છે પણ આટલી ઊંચાઈએ આ પ્રકારનું ભોજન પહેલીવાર કર્યું છે એટલે ખૂબ જ મજા આવી.'

ડૉ.શીખાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 'સોશિયલ મીડિયામાંથી મને એડવેન્ચર વિથ ફૂડવાળી સ્કાય ડાઇનિંગ વિશે માહિતી મળી એટલે મેં તેમની વેબસાઈટ ઉપર જઈને બધી જ ડિટેઇલ જોઈ અને એ પછી તેનું બુકિંગ કરીને અહીં આવી છું. જ્યારે અહીંના ફોટોઝ જોયા ત્યારે જેટલો ઉત્સાહ હતો એના કરતાં વધુ ઉત્સાહ અહીં આવીને જાત અનુભવ કર્યોને એમાં આવ્યો છે. આમ તો ખાવા-પીવાના શોખીન હોવાના કારણે અમદાવાદની અવનવી રેસ્ટોરન્ટમાં મેં ભોજન લીધું છે પણ આ પ્રકારની રેસ્ટોરામાં ભોજન લેવાનો અનુભવ જ કંઈક અલગ હતો.'

ગોવામાં સ્કાય ડાઈનિંગ 20 દિવસમાં બંધ થઈ ગઈ
બેંગલુરુમાં સ્કાય ડાઈનિંગનો કોન્સેપ્ટ શરૂ તો થયા બાદ ગોવાની સરકારે પણ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો હતો. રાજેશ કાલાવડિયાએ જણાવ્યું કે, 'અમે ગોવા ટુરિઝમ સાથે કરાર કરીને પાર્ટનરશિપમાં રેસ્ટોરાં શરૂ કરી હતી. ગોવા સરકારે અમને સિંગલ વિન્ડો પરમિશન આપી હતી. પરંતુ માત્ર 20 જ દિવસમાં અમારો આઘાતજનક પરિસ્થિતિથી સામનો થયો. કોરોનાના કારણે સરકારે લોકડાઉન જાહેર કર્યું, જેની મોટી અસર હોટેલ-રેસ્ટોરાંના બિઝનેસને પડી. અમારે મજબૂર થઈને કોરોનાના કારણે ગોવાનો આખો પ્રોજેક્ટ બંધ કરી દેવો પડ્યો હતો.'

કોરોના બાદ બિઝનેસની રણનીતિ બદલી
દેશમાં કોરોનાના કેસ ઓછા થયા બાદ ફરી એકવાર વિવિધ ક્ષેત્રે તેજી આવવા લાગી. પરંતુ લાખો રૂપિયાનું રોકાણ કરવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ રાજેશ કાલાવડિયાએ હિમ્મત ન હારી અને એક નવા જ પ્રકારના બિઝનેસ મોડલ સાથે ફરીથી માર્કેટમાં ઊતરવાનો નિર્ણય લીધો. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતે તેમણે કહ્યું, 'અમે નવેસરથી એક ફ્રેન્ચાઈઝી મોડલ અપનાવ્યું. આ મોડલ અંતર્ગત અમે પૂણેમાં સ્કાય ડાઈનિંગ રેસ્ટોરાં શરૂ કરી, જેને હવે સફળતાપૂર્વક એક વર્ષ પૂરું થવા આવ્યું છે. ત્યાર બાદ અમે મુંબઈમાં એક પાર્ટીને ફ્રેન્ચાઈઝી આપી, જેને 6 મહિનાનો સમય થયો છે. હવે અમદાવાદમાં પાંચ લોકોની ટીમ છે, જેમને ફ્રેન્ચાઈઝી આપી છે. આ લોકોને રેસ્ટોરાં ક્ષેત્રનો સારો એવો અનુભવ છે. અમારો વધુ એક પ્રોજેક્ટ ઉદેપુરમાં કાર્યરત થશે. લગભગ આવનારા 15 દિવસમાં ત્યાં પણ આવી રેસ્ટોરાં શરૂ થઈ જશે. એટલે કે જ્યાં ટૂરિસ્ટ વધારે આવી રહ્યા છે, એવાં સ્થળો પર સ્કાય ડાઈનિંગ રેસ્ટોરાં શરૂ કરવાનું અમારું આયોજન છે.'

ગુજરાતમાં અન્ય કયાં સ્થળે સ્કાય ડાઈનિંગ શરૂ થશે?
ચોમાસુ પૂર્ણ થયા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સ્કાય ડાઈનિંગ કરવાનું આયોજન છે. આ ઉપરાંત સુરતમાં પણ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. રાજેશભાઈએ કહ્યું, અમે ગુજરાતમાં માત્ર ત્રણ જ ફ્રેન્ચાઈઝી આપવાના છીએ. એટલે અઢીસો કિલોમીટર વિસ્તારમાં માત્ર એક જ પ્રોજેક્ટ હશે. જો અન્ય રાજ્યોની વાત કરીએ તો જયપુર, ઈન્દૌર, ભુવનેશ્વરમાં પણ સ્કાય ડાઈનિંગ શરૂ કરવા માટે વાતચીત ચાલી રહી છે.

(ગ્રાફિક્સ-સોએબ મન્સુરી)

અન્ય સમાચારો પણ છે...