• Gujarati News
  • Dvb original
  • How Does CPR Work This Miracle? Find Out The Answer To Every Question In Your Mind From A Well known Cardiologist In Gujarat

ભાસ્કર એક્સક્લૂસિવ...અને બંધ પડેલું હૃદય ધબકવા લાગ્યું, VIDEO:CPRથી આ ચમત્કાર કેવી રીતે થાય છે? કાર્ડિયોલોજિસ્ટ પાસે જાણો દરેક સવાલના જવાબ

એક મહિનો પહેલાલેખક: કમલ પરમાર

થોડાં દિવસ પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પર એક આધેડ અચાનક છાતીમાં દુખાવો અને ગભરામણ થતાં જ તેઓ ત્યાં ને ત્યાં ઢળી પડ્યા હતા. આ ઘટના એરપોર્ટ પર હાજર CISFના જવાનના ધ્યાને આવતાં તેમણે તાત્કાલિક આ આધેડને CPR આપીને જીવ બચાવ્યો હતો. આવી જ ઘટના બેંગલુરુના IKEA સ્ટોરમાં આવેલા એક વ્યક્તિ સાથે બની. જેમાં ખરીદી માટે આવેલ વ્યક્તિ અચાનક ઢળી પડ્યા હતા. જે બાદ દુકાનદાર અને એક ડૉક્ટરે સમયસૂચકતા વાપરીને CPR આપી તેમનો જીવ બચાવ્યો હતો. આપણામાંના ઘણા લોકોને CPR વિશે ખબર હશે. કેટલાક લોકોએ તેના માટે તાલીમ પણ લીધી હશે. જોકે, મોટા ભાગના લોકો એવા છે જેમને CPR વિશે વધુ જાણકારી હોતી નથી. આવી સ્થિતિમાં આજે દિવ્ય ભાસ્કર આપને CPR અંગે A TO Z માહિતી આપી રહ્યું છે. આ અંગે દિવ્ય ભાસ્કરે HCGમાં છેલ્લાં 14 વર્ષથી કાર્યરત અને ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જય શાહ અને છેલ્લાં પાંચ વર્ષથી ઈમર્જન્સી ફિઝિશિયન તરીકે કાર્યરત ડૉ. સોનમ કૌશિકા સાથે ખાસ વાતચીત કરી હતી.

દિવ્ય ભાસ્કરઃ CPR એટલે શું?
ડૉ. જય શાહઃ CPRનું ફુલ ફોર્મ કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન છે. જો સાદી અને સરળ ભાષામાં એને સમજીએ તો કાર્ડિયો એટલે હૃદય, પલ્મોનરી એટલે લંગ્સ અને રિસુસિટેશન એટલે જ્યારે હૃદય કામ કરવાનું બંધ કરી દે ત્યારે લે મેન તરીકે એટલે કે સામાન્ય વ્યક્તિ તરીકે એ હૃદયને ધબકતું રાખવા માટે જે પ્રક્રિયા કરો અને તેનાથી જીવ બચી શકે એને CPR કહેવાય છે.

દિવ્ય ભાસ્કરઃ કેવા કિસ્સામાં CPR આપવાની જરૂરિયાત પડે છે?
ડૉ. જય શાહઃ સૌથી પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે CPRની જરૂર કેમ પડે છે. આ એવા લોકોને જરૂરી પડે છે, જેને હાર્ટ-એટેક આવી ચૂક્યો હોય અને હૃદયને સારું એવું નુકસાન થયું હોય, હૃદયના પમ્પિંગમાં ખૂબ જ નબળાઇ હોય છે. આ સાથે જ જો હૃદયના ધબકારા અનિયમિત રહેતા હોય અને કેટલીક વાર એ ધબકારા અચાનક વધી જતા હોય અથવા તો ખૂબ જ ઘટી જતા હોય આવા કિસ્સામાં મગજ સુધી લોહી ઓછું પહોંચે છે. જેના કારણે દર્દી ચક્કર ખાઈને પડી જાય છે. આ સમયે શરીરમાં કોઈ પણ અંગ કામ કરતું નથી જેના કારણે આવા કિસ્સામાં એ વ્યક્તિનું હૃદય ફરી ધબકતું કરવા માટે CPR આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કરઃ આસપાસના લોકોને કઈ રીતે ખબર પડે કે તે વ્યક્તિને CPRની જરૂર છે?
ડૉ. જય શાહઃ આ ઘટનામાં સૌથી પહેલું લક્ષણ છાતીમાં દુખાવો થવો પણ ખાસ એ વાત જાણી લેવી જોઈએ કે એ વ્યક્તિને છાતીના વચ્ચેના ભાગમાં થતો હોવો જોઈએ. બીજું લક્ષણ એ છે કે એ વ્યક્તિનું આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. ત્રીજું લક્ષણ એ છે કે, છાતીનો દુખાવો જડબા તરફ કે પછી પાછળના ભાગમાં થતો હોય અથવા તો ડાબા હાથના સરફેસ તરફ પણ એ દુખાવો મહેસૂસ થતો હોય. આ સાથે જ ચોથું લક્ષણ એ પણ છે કે દર્દીને ઊબકા કે ઊલટી થવાનો અહેસાસ થતો હોય અને ચક્કર ખાઈને કોઈ પણ જગ્યાએ પડી જાય. આવા કિસ્સામાં એ વ્યક્તિના પલ્સની ચકાસણી કરવી જરૂર છે. જો આ દરમિયાન પલ્સ ફિલ ન થતી હોય ત્યારે સામાન્ય વ્યક્તિએ સમજવું કે એ વ્યક્તિને CPRની જરૂરિયાત છે.

દિવ્ય ભાસ્કરઃ શું કોરોનાના કારણે CPR આપવાના કિસ્સામાં વધારો થયો છે?
ડૉ. જય શાહઃ કોરોના પછી એક સત્ય બહાર આવ્યું છે કે, અનમાસિંગ ઓફ ડાયબિટીસ, બ્લડપ્રેશર અને હાર્ટ ડિસીઝ એનો મતલબ એ છે કે ઘણા દર્દીઓમાં આ બધા જ રોગ સાયલન્ટી પડ્યા હતા પરંતુ એવા વ્યક્તિઓને કોરોના આવ્યા પછી એક અથવા બીજી રીતે આવા રોગો સામે આવ્યા છે. એમાં પણ સૌથી વધુ પ્રમાણ અમે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હાર્ટ ડિસીઝનું જોયું છે. કોરોના પછી હાર્ટ ડિસીઝમાં પણ બે પ્રકાર જોવા મળ્યા છે. જેમાં પહેલા પ્રકારની વાત કરીએ તો જે હૃદયની નળીઓમાં કોલોસ્ટરોલનું જે થર આવે એ ફાટવાથી હાર્ટ-એટેક આવે છે. બીજો પ્રકાર એવો છે જેમાં હૃદયના સ્નાયુઓ નબળા પડી જાય છે જેને કાર્ડિયોમાયોપેથી કહેવાય છે. જેમાં હૃદયના સ્નાયુઓ નબળા પડે અને હૃદયની નળીઓ સારી રહે છે.

HCGમાં છેલ્લાં પાંચ વર્ષથી ઈમર્જન્સી ફિઝિશિયન તરીકે કાર્યરત ડૉ. સોનમ કૌશિકાએ દિવ્ય ભાસ્કરના વાચકો માટે CPR કઈ રીતે આપવો જોઈએ તેનું સ્ટેપ ટુ સ્ટેપ ડેમોન્સ્ટ્રેશન આપ્યું.

દિવ્ય ભાસ્કરઃ CPR આપવાની પ્રોસેસ શું છે?
ડૉ. સોનમ કૌશિકાઃ સૌથી પહેલાં તો એ વ્યક્તિના બંને ખભા અને ગાલ પર થપડાટ મારીને તેમનો રિસ્પોન્સ ચેક કરવો જરૂરી છે. જો એ વ્યક્તિ રિસ્પોન્સ ન આપે તો બે આંગળીને તેના નાક પાસે જઈને તેમના બ્રીધિંગ ચેક કરવા જોઈએ જો એમાં પણ ખબર ન પડે તો ગળા પાસે આંગળી રાખીને એ વ્યક્તિની પલ્સ ચેક કરવી જરૂરી છે. જો પલ્સ પણ ફિલ ન થાય તો જરાય સમય બગાડ્યા વગર તેની છાતીના મધ્યભાગમાં 30 વખત બંને હાથને લોક કરીને દબાણ આપવું જોઈએ.જ્યારે 2 વાર રેસ્ક્યુ બ્રેથ આપવું જોઈએ. પરંતુ એ સમયે દર્દીને ખાસ સેફ જગ્યાએ લઈ જઈને CPR આપવો જરૂરી છે.

દિવ્ય ભાસ્કરઃ ક્યાં સુધી CPR આપવું જોઈએ?
ડૉ. સોનમ કૌશિકાઃ જ્યાં સુધી એ સ્થળ પર 108 ન આવી જાય અથવા તો કોઈ ડૉક્ટર ન આવે ત્યાં સુધી CPRની પ્રોસેસ ચાલુ રાખવી જરૂરી છે અથવા તો જ્યાં સુધી એ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ન આપે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ. જેથી એ વ્યક્તિનો જીવ બચાવી શકાય.

દિવ્ય ભાસ્કરઃ જો ખોટી રીતે CPR અપાય તો શું થાય?
ડૉ. સોનમ કૌશિકાઃ કેટલીક વાર લોકો દર્દીનું સારું કરવા જાય છે પરંતુ સારું થવાની જગ્યાએ દર્દી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જો ખોટી રીતે CPR અપાય તો દર્દીને બીજી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક કિસ્સામાં દર્દીનો જીવ બચવાની જગ્યાએ જઈ શકે છે. એટલા માટે CPR તેની છાતીના યોગ્ય ભાગમાં જ આપવો જોઈએ.

દિવ્ય ભાસ્કરઃ CPR આપતી વખતે કેટલું દબાણ આપવું જોઈએ?
ડૉ. સોનમ કૌશિકાઃ જ્યારે કોઈ વ્યક્તિને CPR આપીએ ત્યારે 2 ઈંચ અથવા તો 5 સેન્ટિમીટરની ડેપ્થ મેન્ટેન થવી જોઈએ જો આ રીતે CPR આપવામાં આવે તો તેને ઈફેક્ટિલ CPR કહેવાય છે. જે પણ વ્યક્તિ CPR આપતો હોય તેણે ખાસ ઘ્યાનમાં રાખવું જોઈએ કે એક મિનિટમાં 100થી વધુ વખત CPR આપવો જોઈએ.

દિવ્ય ભાસ્કરઃ બાળકોને કઈ રીતે CPR આપવો જોઈએ?
ડૉ. જય શાહઃ એડલ્ટને જે રીતે CPR આપવામાં આવે છે એ રીતે બાળકોમાં CPR નથી અપાતો. કારણ કે બાળકોનું જે હાડકું હોય છે એ બહુ જ ઈલાસ્ટિક હોય છે. જેના કારણે જો એડલ્ટની જેમ હથેળીથી દબાણ આપવામાં આવે તો તેને ઈન્જરી પણ પહોંચી શકે છે. એટલે બાળકોને હાથની બે આંગળીઓ વડે કે પછી બંને હાથના અંગૂઠા વડે પ્રેશર આપીને CPR આપવો જોઈએ.

દિવ્ય ભાસ્કરઃ લોકોમાં CPR અંગે કેટલી જાગૃતિ છે?
ડૉ. સોનમ કૌશિકાઃ આમ તો આ અંગે લોકોમાં મિશ્ર પ્રતિસાદ છે. કેટલાક લોકો જાણે છે અને કેટલાક લોકો નથી પણ જાણતા. પરંતુ કેટલીક વાર એવું બને છે કે જે લોકો આ અંગે જાણે છે એ લોકો પણ CPR આપતા ડરે છે. જેના કારણે 10 લોકોએ માત્ર 4 લોકોના જ જીવ બચે છે જ્યારે બાકીના લોકો હોસ્પિટલ સુધી પહોંચે એ પહેલાં જ તેમનું મૃત્યુ થઈ જાય છે.

હવે નજર કરીએ તાજેતરમાં જ બનેલા એ કિસ્સાઓ પર જેમાં કઈ રીતે CPR બન્યું નવજીવનનું માધ્યમ

કિસ્સોઃ 1

CISF જવાન દેવદૂત બન્યા
થોડા દિવસો પહેલાં જ અમદાવાદના એરપોર્ટ ઉપર એક કિસ્સો બન્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર એક આધેડ આવ્યા હતા. જ્યાં તેમને અચાનક છાતીમાં દુખાવો અને ગભરામણ થતાં જ તેઓ ત્યાં ને ત્યાં ઢળી પડ્યા હતા. આ ઘટના એરપોર્ટ પર હાજર CISFના જવાનના ધ્યાને આવતાં તેમણે તાત્કાલિક આ આધેડને CPR આપીને જીવ બચાવ્યો હતો. જે બાદ ઉપસ્થિત સૌ કોઈએ જવાનના આ સરાહનીય પ્રયાસને બિરદાવ્યો હતો.

કિસ્સોઃ 2

CPR આપ્યોને 10 મિનિટમાં વ્યક્તિ ભાનમાં આવ્યાં
બેંગલુરુમાં પણ આવી જ એક ઘટના બની હતી. બેંગલુરુના IKEA સ્ટોરમાં આવેલી એક વ્યક્તિ અચાનક ઢળી પડી હતી. જે બાદ દુકાનદાર અને એક ડૉક્ટરે સમયસૂચકતા વાપરીને તેમનો જીવ બચાવી લીધો. ડોક્ટરે સમયસર વ્યક્તિને કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન એટલે કે CPR આપ્યો હતો. લગભગ 10 મિનિટ બાદ એ વ્યક્તિ અચાનક ભાનમાં આવતા તેનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ડોક્ટરના પુત્રએ સોશિયલ મીડિયામાં શેર કરતાં ખૂબ જ વાઈરલ થયો હતો.

(ગ્રાફિક્સઃ- સોએબ મન્સુરી)

અન્ય સમાચારો પણ છે...