• Gujarati News
  • Dvb original
  • Farmers Fed Up With Not Getting Compensation, Took Away Everything Including Chairs, Computers From Gandhinagar Secretariat

ભાસ્કર એક્સક્લૂસિવખેડૂતોએ મૂર્ખ બનાવતા અધિકારીઓને 'પરચો' બતાવ્યો:35 વર્ષ સુધી વળતર ન મળતાં ખેડૂતો કંટાળ્યા, ગાંધીનગર સચિવાલયમાંથી ખુરસી, કોમ્પ્યુટર સહિત બધું ઉપાડી ગયા

ગાંધીનગર2 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
  • રેઢિયાળ સરકારી તંત્રનું ઉત્તમ ઉદાહરણ
  • ખેડૂતો બોલ્યા: માનસિક રીતે ત્રાસી ગયા, કોર્ટે કહ્યું : મિલકત જપ્ત કરો

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સચિવાલયમાં શનિવારે સાંજે ચારેક વાગ્યાની આસપાસ સરદાર સરોવર નર્મદા નિગમની કચેરીમાં એકાએક દોડધામ મચી ગઈ. સરદાર સરોવર નિગમના પાંચમા માળે આવેલી લેન્ડ શાખામાં આવેલા કેટલાક ખેડૂતો શાખામાં રહેલી જંગમ મિલકત, જેવી કે ખુરશી, કોમ્પ્યુટર, મોનિટર, પ્રિન્ટર, સીપીયુ સહિતની મત્તા ઉઠાવીને લઈ જવા લાગતાં ઊહાપોહ મચ્યો હતો. આ ખેડૂતોને કચેરી કર્મચારીઓએ પૂછ્યું કે કેમ સામાન લઈ જાઓ છો? તો ખેડૂતોએ કહ્યું, અમારું વળતર આપવામાં આવ્યું નથી, એટલે કોર્ટે સામાન જપ્ત કરવા માટે હુકમ કર્યો છે. આ વાત સાંભળતાં જ સરદાર સરોવર નિગમ સહિત સચિવાલયમાં વાયુવેગે વાત પ્રસરતાં દોડધામ મચી ગઈ હતી.

અમે ઓફિસનો સામાન લઈ જઈએ છીએ: દામોદર પટેલ, ખેડૂત
વડોદરાના અભોળ ગામના ખેડૂત દામોદર પટેલ દિવ્ય ભાસ્કર સામે પોતાની હૈયાવરાળ ઠાલવતાં કહે છે કે અત્યારસુધી અમે વળતર માટે બહુ રઝળ્યા, પણ ના મળ્યું, એટલે કોર્ટ વોરંટ લઈને બે વખત વળતર લેવા આવ્યા, પરંતુ બંને વખતે નિગમે રૂપિયા આપ્યા નથી, એટલે અમે ત્રીજી વખત આવ્યા છીએ. 1986થી 225 રૂપિયા બાકી હતા. આજે તેમની ઓફિસનો સામાન લઈ જઈએ છીએ.

વર્ષ 1988માં રકમ ના આપી તો કોર્ટે સામાન જપ્ત કરવાનું કહ્યું: ખેડૂતોના વકીલ
કોર્ટના જપ્તી વોરંટ સાથે આવેલા વકીલ આર. ડી. પરમારે સમગ્ર બાબતનો દિવ્ય ભાસ્કર સમક્ષ ફોડ પાડતાં જણાવ્યું હતું કે વડોદરાના અભોળ ગામની જમીન વર્ષ 1988માં સંપાદિત કરાઈ હતી. જમીનનું વળતર પ્રતિ આરે આપવામાં આવ્યું હતું. જિલ્લા અદાલતે આ વળતરમાં વધારો કરી 1725 કર્યા અને બાદમાં હાઈકોર્ટે એમાં 100 રૂપિયાનો ઘટાડો કરી 1625 રૂપિયા વળતર આપવા હુકમ કર્યો હતો. સંપાદન ખાતાએ રૂ. 1400 ભર્યા અને 225 આપ્યા નથી એટલે કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.

જે-તે સમયે વળતરની રૂ. 225ની રકમ આજે રૂ. 68 લાખ 92 હજાર 924
35 વર્ષ અગાઉ સરકારે જમીન સંપાદન કરી હતી, જેની રકમ જો જે-તે સમયે જ ચૂકવી દેવામાં આવી હોત તો જે-તે સમયની 225 જેટલી રકમ આજે લાખોમાં ના પહોચી હોત. જમીન સંપાદન કાયદાની જોગવાઈ મુજબ વર્ષ પ્રમાણે વળતરની ગણતરી કરવામાં આવે છે. 35 વર્ષ અગાઉ જે રકમ રૂપિયા 225 હતી, તેના વળતર સહિતની ગણતરીને આધારે આજે આ રકમ કુલ રૂપિયા 68 લાખ 92 હજાર 924 સુધી પહોંચી છે.

બહુ માનસિક ત્રાસ મળ્યો : આશાભાઈ ચૌહાણ, ખેડૂત
અભોળ ગામના ખેડૂત આશાભાઈ ચૌહાણે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, 20 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે, પણ અમારું વળતર જ અમને આપતા નહોતા. અમારી જમીન નહેરમાં ગઈ એટલે અમારે વળતર તો લેવાનું જ હતું. વળતર આપ્યું નથી એટલે અમે કોર્ટનો જપ્તી વોરંટ લઈને આવ્યા છે અને જપ્તી કરીએ છીએ. 68 લાખ રૂપિયા બાકી હતા.

શું છે સમગ્ર કિસ્સો?
વડોદરાના પાદરા તાલુકાના અભોળ ગામના ખેડૂતોએ વર્ષ 1987માં પોતાની જમીન સંપાદિત કરવા માટે મંજૂરી આપી હતી. જમીન સંપાદન ખાતા તથા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જે-તે સમયે અભોળ ગામના લોકોની જમીન સંપાદિત કરી અને નર્મદા કેનાલ બનાવવાનું આયોજન હતું. જમીન સંપાદિત કરી અને કેનાલ બનાવ્યા બાદ સરકાર દ્વારા આ ખેડૂતોને વર્ષ 1990માં વળતર ચૂકવવા માટે હુકમ બહાર પાડવામાં આવ્યા.

વર્ષ 1990ની 25 જુલાઈ અને 30 જુલાઈના રોજ વળતર હુકમ બહાર પાડી પ્રતિ આરે પિયત જમીનના રૂપિયા 225 અને બિનપિયત જમીનના પ્રતિ આરે રૂપિયા 150 આપવાનું નક્કી કરાયું હતું. જોકે અપૂરતી વળતર રકમ હોવાને કારણે ગામના ખેડૂતો દ્વારા વડોદરા સાતમા એડિશનલ સિનિયર સિવિલ જજ સમક્ષ લેન્ડ રેફરન્સ કેસ નં. 738/1992, 739/1992, 742/1992 - 744/1992થી કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સરકાર દ્વારા સંપાદિત જમીનનું નજીવું વળતર ચૂકવવાનો મુદ્દો રજૂ કરાયો હતો.

વળતરની રકમ વધારે લાગતાં કોર્ટના હુકમને સરદાર સરોવર નિગમે હાઈકોર્ટમાં પડકાર્યો
કેસ અંગે ચાલી રહેલી સુનાવણીમાં કોર્ટ દ્વારા તારીખ 5-5-2001ના રોજ અંતિમ ઓર્ડર કરવામાં આવ્યો, જેમાં પ્રતિ વારે 225 રૂપિયાને બદલે 1725 રૂપિયા પિયત જમીનના, જ્યારે બિનપિયત જમીનના 1300 રૂપિયા નક્કી કરીને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો. હુકમનાં બે વર્ષ બાદ, એટલે કે વર્ષ 2003માં સરદાર સરોવર નિગમને વળતરની રકમ વધારે હોવાનું જણાવી હાઇકોર્ટમાં અપીલ કરીને વળતરની રકમ વધારે હોવાનું ઠેરવી કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.

પડકારેલા કેસમાં હાઈકોર્ટે વળતરની રકમમાં 100 રૂપિયા ઘટાડ્યા
હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં પ્રથમ અપીલમાં તારીખ 23-6-2003ના રોજ હાઇકોર્ટે હુકમ કરતાં કહ્યું હતું કે પિયત જમીનનું વળતર રૂપિયા 1625 ચૂકવવું. આમ, નીચલી કોર્ટે આપેલા વળતર હુકમમાં રૂપિયા 100નો ઘટાડો કરી અન્ય હુકમ વડોદરા કોર્ટે આપ્યા મુજબ જ રાખ્યો હતો.

હાઇકોર્ટના હુકમ છતાં મૂળ 225 રૂપિયા વળતરની ચુકવણી જ બાકી રાખી
સૌપ્રથમ નક્કી થયા મુજબ જે 225 રૂપિયાનું વળતર હતું એ રકમને બાદ કરતાં સંપાદન ખાતા દ્વારા હાઇકોર્ટના હુકમ મુજબ કુલ 1625 રૂપિયા રકમ પૈકી પ્રતિ વારે રૂપિયા 1400 વડોદરા કોર્ટમાં તારીખ 29-4-2005ના રોજ જમા કરાવી દીધા, જ્યારે બાકીના પ્રતિ આરે રૂપિયા 225ની રકમની ચુકવણી બાકી રાખવામાં આવી.

બાકી 225 રૂપિયાની મૂળ રકમ અંગે વડોદરા કોર્ટમાં દરખાસ્ત કરાઈ
સંપાદન ખાતાએ કરેલી ચુકવણી દરમિયાન અનેક ખેડૂતોએ સમાધાન કરી લીધું તો અનેક ખેડૂતોએ કેસ પરત ખેંચી લીધો. જોકે 27 જેટલા ખેડૂતો એવા હતા કે જેમણે બાકી રહેલી રૂપિયા 225ની રકમ અંગે વડોદરા કોર્ટમાં ફરીથી દરખાસ્ત કરી હતી, જેની સુનાવણી દરમિયાન વર્ષ 2019ના ઓક્ટોબર માસમાં કોર્ટે ગાંધીનગર સ્થિત સરદાર સરોવર નિગમની જમીન શાખાની જંગમ મિલકત જપ્ત કરવા વોરંટ ઈસ્યુ કર્યો હતો. વોરંટને આધારે ખેડૂતો તારીખ 20 જાન્યુઆરી, 2020ના રોજ નિગમ કચેરીએ પહોંચ્યા, પરંતુ તત્કાલીન જનરલ મેનેજર વી. કે. અજમેરાએ 10 દિવસની અંદર જ તમામ વળતર રકમ ચૂકવી દેવાશે એવી લેખિત બાંયધરી આપતાં તમામ ખેડૂતો પરત ફર્યા હતા.

કોર્ટના હુકમ સામે વાંધો ઉઠાવી સરદાર સરોવર નિગમે રિવ્યૂ પિટિશન દાખલ કરી
ખેડૂતોએ 10 દિવસની મુદતનો સરકારી અધિકારીઓએ દુરુપયોગ કરી એની મુદત અગાઉ કોર્ટના હુકમમાં વાંધો હોવાનું બહાનું રજૂ કરીને હુકમ પર સ્ટે લાવવા માટે વડોદરા કોર્ટમાં રિવ્યૂ અરજી કરી હતી. કોર્ટ દ્વારા આ અન્વયે 30 દિવસ બાદ સુનાવણી હાથ ધરી અને રિવ્યૂ પિટિશન નામંજૂર કરી હુકમ યથાવત્ રાખવા સૂચના આપી હતી.

ખેડૂતોના વકીલ આર. ડી. પરમાર.
ખેડૂતોના વકીલ આર. ડી. પરમાર.

..અને કોર્ટે હુકમ કર્યો કે મિલકત જપ્ત કરો
વડોદરા કોર્ટ દ્વારા અપાયેલી સૂચના બાદ અરજદારોએ કોર્ટ સમક્ષ પોતાનો મત રજૂ કર્યો હતો કે અગાઉ અપાયેલો જપ્તી વોરંટ અમલમાં જ છે તો એ હુકમ તેમને ફરીથી આપવામાં આવે, જેથી એ જ અરજીના આધારે ગત રોજ વડોદરા પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટ દ્વારા હુકમ બજવણી કરીને સ્થાવર મિલકત જપ્ત કરવા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...