અધિકારીઓએ પત્નીઓને મોંઘી સાડી અપાવી:GTUના ભૂતપૂર્વ કુલપતિ તથા રજિસ્ટ્રારે ખરીદેલી સાડીઓ અંગે RTIમાં ઘટસ્ફોટ

અમદાવાદ5 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ

દર વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી તા.2જી ફ્રેબ્રુઆરીના રોજ યોજાવાનો છે. આ સમારંભમાં 48,881 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવનાર છે. આ પદવીદાન સમારંભમાં યુનિવર્સીટીના પદાધિકારીઓ સહિત ફેકલ્ટી, ડીનની અલગ ઓળખ માટે ડ્રેસકોડ આપવામાં આવતો હોય છે. તેમાં પુરુષોને કોટી કે કોટ તેમ જ મહિલાઓને સાડી આપવામાં આવતી હોય છે. પરંતુ આ ડ્રેસકોડ માત્ર પદવીદાન સમારંભમાં સીધી રીતે જોડાયેલા વ્યક્તિઓને આપવામાં આવતો હોય છે. પરંતુ સતત ચર્ચામાં રહેતી ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના પદાધિકારીઓમાં પણ ખાસ કરીને પૂર્વ કુલપતિ ડો. નવીન શેઠ અને રજિસ્ટ્રાર કે.એન. ખેરે તેમની ધર્મપત્નીઓને પણ મોંઘીદાટ સાડીઓ અપાવી હોવાની હકીકતનો તાજેતરમાં જ જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળની અરજીના જવાબમાં પર્દાફાશ થવા પામ્યો છે.

વર્ષ 2022ના 11મા પદવીદાન સમારોહમાં સ્ટાફ સાથે જીટીયુના પૂર્વ કુલપતિ ડો. નવીન શેઠ અને રજિસ્ટ્રાર કે.એન. ખેર.
વર્ષ 2022ના 11મા પદવીદાન સમારોહમાં સ્ટાફ સાથે જીટીયુના પૂર્વ કુલપતિ ડો. નવીન શેઠ અને રજિસ્ટ્રાર કે.એન. ખેર.

હવે જોવાનું એ રહે છે કે આ વર્ષના યોજાનારા પદવીદાન સમારંભમાં પણ આવી જ કોઇ નીતિ અખત્યાર કરવામાં આવી હશે કે નહીં તે તો સમય જ કહેશે. પરંતુ આ હકીકતનો પર્દાફાશ થતાં ખુદ કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકરણમાં સાડીની કિંમત સામાન્ય છે. પરંતુ સિસ્ટમ સામે સવાલ છે. સરકારના તમામ વિભાગોમાં પણ સરકારી નાણાંનો ઉપયોગ માત્ર ને માત્ર સરકારી કામ અર્થે જ કરવાનો હોય છે. તેમાં કોઈ ઉચાપત કે ગેરકાનૂની વ્યવહાર સામે આવે તો રિકવરી, બદલી અને સસ્પેન્ડ કરવા સુધીની સજાની જોગવાઈ છે. હવે જોવાનું એ રહ્યું કે યુનિવર્સિટીના વર્તમાન સત્તાધીશ કાનજીભાઇ ખેર અને પૂર્વ કુલપતિ નવીનભાઇ શેઠ પાસેથી કુલ મળીને 5400 રૂપિયાની રિકવરી કરે છે કે નહીં?

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી ( જીટીયુ )માં વર્ષ 2022ના 11મા પદવીદાન સમારોહમાં દરેક સ્ટાફને ડ્રેસકોડના ભાગરૂપે કોટી અને સાડી આપવામાં આવી હતી. પુરુષ કર્મચારીઓ માટે કુલ 3,07,676 રૂપિયાની કિંમતની કોટીઓ ખરીદવામાં આવી હતી. જ્યારે મહિલા કર્મચારીઓ માટે કુલ 1,50,000ની સાડીઓ ખરીદવામાં આવી હતી. A,B,C એમ ત્રણ કેટેગરીમાં કોટી અને સાડી નક્કી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ કેટેગરીમાં બોર્ડ મેમ્બર, ડાયરેક્ટર અને તમામ મહેમાનોને A કેટેગરીમાં સમાવેશ કરાયો હતો. જ્યારે B કેટેગરીમાં તમામ‌ કાયમી અધિકારીઓ અને 40 હજારથી ઉપરનો પગાર ધરાવતા કર્મચારીઓનો સમાવેશ થયો હતો. બાકીના તમામને C ગ્રેડની કોટી અને સાડી આપવામાં આવી હતી.

પી.એન. ક્રિએશનના નામે પર્ચેઝ ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેનું રૂપિયા 27,000નું બિલ રજિસ્ટાર જીટીયુના નામે રજૂ કરવામાં આવ્યું હતું.
પી.એન. ક્રિએશનના નામે પર્ચેઝ ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેનું રૂપિયા 27,000નું બિલ રજિસ્ટાર જીટીયુના નામે રજૂ કરવામાં આવ્યું હતું.

કુલપતિ ડો. નવીન શેઠનાં ધર્મપત્ની જયશ્રીબેન શેઠ અને રજિસ્ટ્રાર કે.એન. ખેરનાં ધર્મપત્ની સમજુબેન ખેરને હોદ્દાની રૂએ જીટીયુમાં કોઈ પણ પદ પર કાર્યરત નહીં હોવા છતાં તેમને એ ગ્રેડની સાડીઓ આપવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ 40,000 પગારદાર કર્મચારીઓને પણ B ગ્રેડની સાડી સત્તાધીશો દ્વારા ફાળવવામાં આવી હતી. ત્યારે ભૂતપૂર્વ કુલપતિ નવીન શેઠ અને કુલસચિવ કાનજી ખેર બંન્નેએ તેમની ધર્મપત્નીઓ પ્રત્યેની કૂણી લાગણી અને માંગણીને માન આપીને કે પછી કોઇ હોદ્દાની રૂએ સાડી પહેરાવી એ તપાસનો વિષય છે.

આરટીઆઇમાં મળેલ માહિતી મુજબ 10 મહિલાઓને કે જેને A કેટેગરીમાં સમાવવામાં આવેલ છે તેમને માટે તારીખ 23-11-2021ના રોજ પી.એન. ક્રિએશનના નામે પર્ચેઝ ઓર્ડર આપવામાં આવ્યો છે. જેનું રૂપિયા 27,000નું બિલ રજિસ્ટાર જીટીયુના નામે રજૂ કરાયેલ છે. A કેટેગરીમાં ફાળવવામાં આવેલી સાડીમાં વીસી મેડમ અને રજિસ્ટાર મેડમના નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હોદ્દાની રૂએ જીટીયુના કર્મચારી હોય અથવા પદવીદાન સમારોહમાં હાજર મહેમાનો માટે જ સાડી કે કોટી ફાળવવામાં આવતી હોય છે. પરંતુ આરટીઆઇમાં મળેલ જવાબ અનુસાર, કુલપતિ અને કુલસચિવની ધર્મપત્નીઓને પણ જીટીયુની ડ્રેસકોડ કમિટી દ્વારા સાડી ફાળવીને વહાલા થવાની નીતિ અપનાવી છે.

A કેટેગરીમાં ફાળવવામાં આવેલી સાડીમાં વીસી મેડમ અને રજિસ્ટાર મેડમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
A કેટેગરીમાં ફાળવવામાં આવેલી સાડીમાં વીસી મેડમ અને રજિસ્ટાર મેડમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કોઈ પણ કર્મચારીઓને સરકારનાં નાણાંનો ખોટો વ્યય કરતાં રોકવા ‌માટે સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવતાં હોય છે. પરંતુ આ કિસ્સામાં તો વાડ જ ચીભડાં ગળે છે. આવી દલા તરવાડીવાળી સામે શું સરકારમાંથી કે જીટીયુના અન્ય સત્તાધીશો કોઈ રોક લગાવી શકતા નથી? જયશ્રીબેન શેઠ અને સમજુબેન ખેરને સાડી પહેરાવી હોય ત્યારે આ બિલના ચુકવણા સમયે કુલસચિવ સિવાયના સત્તાધીશો નિયમોનુસાર ચકાસણી કરે છે કે આંખ આડા કાન કરે છે? તેમની કાર્યનિષ્ઠા સામે પણ પ્રશ્નો ઊભા થાય છે.

હા, હું પૈસા જમા કરાવી દઇશ- રજિસ્ટ્રાર કે.એન. ખેર...

દિવ્ય ભાસ્કર - જીટીયુનો પદવીદાન સમારંભ ક્યારે યોજાવાનો છે?
કે.એન. ખેર - ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજાશે.

દિવ્ય ભાસ્કર - કેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે?
કે.એન. ખેર - 48,881 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે.

દિવ્ય ભાસ્કર - આ પદવીદાન સમારંભમાં પદાધિકારીઓ તથા ફેકલ્ટી મેમ્બર અને ડીનને ડ્રેસકોડ આપવામાં આવે છે?
કે.એન. ખેર - હા આપીએ છીએ.

દિવ્ય ભાસ્કર - આ ડ્રેસકોડનો લાભ ફેમિલી મેમ્બરને આપી શકાય?
કે.એન. ખેર - ના, ના ફેમિલી મેમ્બરને કોઇને આપતા નથી.

દિવ્ય ભાસ્કર - 2022માં જીટીયુના યોજાયેલા પદવીદાન સમારંભમાં તત્કાલીન કુલપતિ ડો. શેઠ અને તમારાં ધર્મપત્નીને સાડી આપવામાં આવી હોવાનો આરટીઆઇમાં ઘટસ્ફોટ થયો છે. તો કેમ અપાઇ હતી?
કે.એન. ખેર - તેના પૈસા મેં જમા કરાવી દીધા છે.

દિવ્ય ભાસ્કર - તમે જમા કરાવી દીધા છે?
કે.એન. ખેર - આ વખતના કરાવવાના બાકી છે.

દિવ્ય ભાસ્કર - આ વખતના મતલબ?
કે.એન. ખેર - મારે બાકી છે, આ જે સાડી આપી છે તેના પૈસા જમા કરાવી દઇશ.

દિવ્ય ભાસ્કર - શેઠ સાહેબે જમા કરાવી દીધા?
કે.એન. ખેર - એ મારે પૂછવું પડશે.

દિવ્ય ભાસ્કર - તમે હવે આપણે જમા કરાવી દઇશું?
કે.એન. ખેર - હા.

પદાધિકારીઓના પરિવારને પણ ડ્રેસકોડ આપવાનો હોતો નથી - ઇન્ચાર્જ કુલપતિ પંકજરાય પટેલ

દિવ્ય ભાસ્કર - જીટીયુનો પદવીદાન સમારંભ કઇ તારીખે છે?
ઇન્ચાર્જ કુલપતિ - 2જી ફેબ્રુઆરી

દિવ્ય ભાસ્કર - પદવીદાન સમારંભમાં પદાધિકારીઓના પરિવારના સભ્યોને ડ્રેસકોડ આપી શકાય?
ઇન્ચાર્જ કુલપતિ - ના એવું તો કાંઇ કરતા નથી.

દિવ્ય ભાસ્કર - 2022ના યોજાયેલા પદવીદાન સમારંભમાં વી.સી. તથા રજિસ્ટ્રારે તેમનાં ધર્મપત્નીને સાડી આપી હતી, તેવું નિયમમાં ખરું કે તેમને પણ આપવી?
ઇન્ચાર્જ કુલપતિ - ના, એવું કાંઇ નથી.

દિવ્ય ભાસ્કર - જેમને અપાઇ હતી તેની રિકવરી કરવાના ખરા તમે?
ઇન્ચાર્જ કુલપતિ - ભૂતકાળમાં આગળ શું થયેલું છે તે મને ખબર નથી, કારણ કે હું ત્યારે તો એમ્પ્લોઇ જ હતો.

દિવ્ય ભાસ્કર - આ રીતે અપાઇ ગયું હતું તે અંગે આપણે રિકવરી કરવાના ખરા?
ઇન્ચાર્જ કુલપતિ - પહેલાં તપાસ કરવી પડે, પછી ખબર પડે.

અન્ય સમાચારો પણ છે...