• Gujarati News
 • Dvb original
 • Exclusive Reports Of Divyabhaskar Know Everything About Zydus Corona Vaccine Which Is Being Developed At Gujarat

સુપર એક્સક્લૂઝિવ:સમગ્ર વિશ્વની નજર છે એ ઝાયડસની 'ગુજરાતની વેક્સિન' વિશે સૌપ્રથમ વખત રિસર્ચ એનાલિસિસ, 130 કરોડની જનતા માટે 300 વૈજ્ઞાનિકો દિવસ-રાત તપ કરે છે

અમદાવાદ2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઝાયડસની વેક્સિન ઝાયકોવ-ડી પરીક્ષણના બે તબક્કામાંથી પસાર થઈ ચૂકી છે, વાર્ષિક 12 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે
 • કોવિડની મહામારી ઓળખાયા પછી ગત ફેબ્રુઆરીથી જ ઝાયડસે વેક્સિન નિર્માણની જટિલ પ્રક્રિયા આરંભી દીધી હતી

ધૈવત ત્રિવેદી, વિમુક્ત દવે: ગત 28 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં જ્યાં કોરોના વેક્સિન બની રહી છે એ ઝાયડસ બાયોટેકની મુલાકાત લીધી ત્યારથી દેશ અને દુનિયામાં ચર્ચાઈ રહેલી કોરોના વેક્સિનમાં ઝાયડસ નિર્મિત ઝાયકોવ-ડી (Zycov-D)નું નામ પણ મોખરે આવી ગયું છે. અમદાવાદ નજીક ચાંગોદર ખાતે ઝાયડસના વેક્સિન રિસર્ચ સેન્ટરમાં બની રહેલી વેક્સિન કઈ રીતે તૈયાર થાય છે એની ફોર્મ્યુલા અને પદ્ધતિ શું છે, કેવા વાતાવરણમાં કેટલા વૈજ્ઞાનિકો રસી બનાવવાના આ ભગીરથ પ્રયાસમાં કાર્યરત છે એ અંગે દિવ્ય ભાસ્કરે ઝાયડસ પાસેથી સત્તાવાર વિગતો મેળવી હતી. ગુજરાતમાં બની રહેલી આ એકમાત્ર કોરોના વેક્સિન અંગેનો સૌપ્રથમ વિગતવાર અહેવાલ પ્રસ્તુત છે...

ઝાયડસે કઈ રીતે શરૂઆત કરી?
વેક્સિન નિર્માણક્ષેત્રે ગુજરાતની અગ્રણી ફાર્મા કંપની તરીકે ઝાયડસનો અનુભવ બહોળો છે અને એ વૈશ્વિક સ્તરે નામના ધરાવે છે. અગાઉ સ્વાઈન ફ્લૂ, ધનુર, હિપેટાઈટિસ બી, રુબેલા જેવા ઘાતક રોગોની રસી ઝાયડસે સફળતાપૂર્વક બનાવી છે, એટલે જ ગત વર્ષે ડિસેમ્બર એન્ડમાં કોરોના વાઇરસ ઓળખાયો અને થોડા સમયમાં વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ કોરોનાને મહામારી જાહેર કરી એ પછી તરત ઝાયડસે કોરોનાના મારણ તરીકે રસી બનાવવા અંગે સઘન વિચારણા કરવા માંડી હતી.
ઝાયડસના ચેરમેન પંકજ પટેલ અને એમ.ડી. શર્વિલ પટેલના માર્ગદર્શન હેઠળ કંપનીએ સૌપ્રથમ 3 મુદ્દા પર ફોકસ કર્યું.
1. રસી બનાવવા માટે ફોર્મ્યુલા, ટેક્નોલોજી અને ઉપકરણોથી માંડીને દરેક સ્તરે લેટેસ્ટ અને વૈશ્વિક ધોરણો અપનાવવામાં આવે.
2. રસીની પડતર ઓછામાં ઓછી થવી જોઈએ, જેથી બહુ જ કિફાયતી દરે એને બજારમાં મૂકી શકાય અને મહત્તમ લોકોને સુરક્ષાક્વચ મળી શકે.
3. રસી સાચવવાની પ્રક્રિયા અને ટ્રાન્સપોર્ટેશન ભારતના વાતાવરણને એકદમ અનુકૂળ હોય એની કાળજી લેવામાં આવે.
એ પછી વિવિધ મંજૂરીઓ, માહિતીઓના સહયોગ માટેની પ્રક્રિયા શરૂ થઈ, જેમાં ઝાયડસે ડ્રગ્ઝ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI), વિજ્ઞાન મંત્રાલય અંતર્ગતના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી (DBT), ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સહિતની વિવિધ સરકારી સંસ્થાઓ, સંશોધન અને પ્રમાણિત સંસ્થાઓ સાથે સંકલન કર્યું.

તમામ વિગતો, જરૂરિયાતો પૂરી થયા બાદ વેક્સિનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી. એ માટે અગાઉ રસીનિર્માણ પ્રક્રિયાનો અનુભવ પણ કામે લાગ્યો. આ તમામ પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ થયા પછી ફેબ્રુઆરી મહિનાથી ઝાયડસે વેક્સિન બનાવવાની કામગીરી શરૂ કરી અને એની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી.

શા માટે આ 'ગુજરાતની વેક્સિન' પર સૌની નજર છે?

 • રસીનિર્માણના આરંભથી જ ઝાયડસે એની અસરકારકતા ઉપરાંત કિંમત અને ખાસ તો સાચવણી, ટ્રાન્સપોર્ટેશનની સરળતા પર વિશેષ ધ્યાન આપ્યું હતું.
 • પરિણામે, ઝાયકોવ-ડી બ્રાન્ડ નેમ ધરાવતી આ રસી 30 ડીગ્રી જેટલા તાપમાને પણ 3 મહિના સુધી અસરકારક રહે છે. 2થી 8 ડીગ્રી તાપમાન પર સ્ટોર કરવામાં આવે તો એની અસરકારતાનો સમયગાળો વધુ લંબાવી શકાય છે.
 • સાચવણી, જાળવણી ભારતીય હવામાનને અનુરૂપ હોવાથી દેશભરમાં ક્યાંય પણ એનું ટ્રાન્સપોર્ટેશન આસાન રીતે થઈ શકે છે.

ગુજરાતમાં બની રહેલી આ વેક્સિનની શી વિશેષતા છે?

 • ઝાયડસના 1400 જેટલા વૈજ્ઞાનિકો, સંશોધકો વેક્સિન મેકિંગની પ્રોસેસ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે, જે પૈકી 300 વૈજ્ઞાનિકો છેલ્લા 10 મહિનાથી કોરોના મહામારીનું મારણ શોધવા માટે રાત-દિવસ એક કરીને મહેનત કરી રહ્યા છે. પોતાના ઘર-પરિવાર કરતાં પણ વધુ મહત્ત્વ આ કામને આપીને આ વૈજ્ઞાનિકોએ અંગત જિંદગી કરતાં પણ આપતકાલીન ફરજને વધુ વહાલી ગણી છે. એનું જ પરિણામ છે કે 10 મહિનાના ગાળામાં રસીનિર્માણ શક્ય બન્યું છે.
 • ગુજરાતમાં બની રહેલી આ વેક્સિન એ ભારતભરની સૌપ્રથમ DNA આધારિત કોરોના વેક્સિન છે.
ફક્ત સરળ સમજૂતી માટે આ સ્ટેપ્સ અહીં દર્શાવ્યા છે. વાસ્તવિક પ્રક્રિયા અનેકગણી વધુ જટિલ હોય છે.
ફક્ત સરળ સમજૂતી માટે આ સ્ટેપ્સ અહીં દર્શાવ્યા છે. વાસ્તવિક પ્રક્રિયા અનેકગણી વધુ જટિલ હોય છે.

શું છે વેક્સિનની ફોર્મ્યુલા?

 • કોઈપણ વેક્સિનમાં વાઇરસના DNA સ્થાપિત કરવા માટે એક માધ્યમની જરૂર પડે. એ માધ્યમ તરીકે માનવશરીર માટે બિનહાનિકારક બેક્ટેરિયાના DNAનો ઉપયોગ થાય છે.
 • બેક્ટેરિયાના DNA પ્લાઝ્મીડ કહેવાય છે, આથી જ આ વેક્સિન DNA પ્લાઝ્મીડ બેઝ્ડ કહેવાય છે.
 • પ્લાઝ્મીડના DNA તોડીને તેમાં કોરોના વાઇરસના DNA સ્થાપિત કરવામાં આવે છે.
 • એક સાદા વાક્યમાં કહી દેવાયેલી આ સમગ્ર પ્રક્રિયા લેબોરેટરીમાં અનેક જટિલ પ્રયોગોમાંથી પસાર થતી હોય છે અને એમાં બેહદ ચોક્સાઈ આવશ્યક હોય છે.
 • કોરોનાનાં વાઇરસ રંગસૂત્રોમાં ભેળવેલા બિનહાનિકારક બેક્ટેરિયાના પ્લાઝ્મીડ માનવ શરીરમાં સ્થાપિત કરવા એટલે જ રસી આપવી કે રસી લેવી.
 • આ પ્લાઝ્મીડ માનવશરીરમાં દાખલ થયા પછી જે-તે રોગ સામે પ્રતિકાર શક્તિ ઊભી કરી દે છે.
ચાંગોદર સ્થિત આ બિલ્ડિંગમાં 300 વૈજ્ઞાનિકો 10 મહિનાથી દિવસ-રાત જોયા વગર વેક્સિન નિર્માણમાં લાગેલા છે.
ચાંગોદર સ્થિત આ બિલ્ડિંગમાં 300 વૈજ્ઞાનિકો 10 મહિનાથી દિવસ-રાત જોયા વગર વેક્સિન નિર્માણમાં લાગેલા છે.

જાણો ઝાયડસ વિશે
ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માટે ઝાયડસ નવું નામ નથી અને જ્યારથી કોરોનાની વેક્સિન બનાવવામાં કંપની સક્રિય બની છે ત્યારથી લોકમુખે પણ ઝાયડસનું નામ ચડી ગયું છે. કંપનીની શરૂઆત 1952માં સ્વ. રમણભાઈ બી. પટેલે કરી હતી અને ત્યાર બાદ તેનું સુકાન પંકજભાઈ પટેલે સાંભળ્યું છે. વર્ષ 1995માં કંપનીનું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું અને ઝાયડસ ગ્રુપની ફ્લેગશિપ હેઠળ તેનું નામ કેડિલા હેલ્થકેર કરવામાં આવ્યું. એ સમયે કંપનીની રેવન્યુ રૂ. 250 કરોડ હતી, જે આજે રૂ. 15,000 કરોડ જેટલી છે.

 • ભારતની ચોથી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની
 • ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, હિમાચલ પ્રદેશ અને સિક્કિમમાં ઉત્પાદન એકમો
 • અમેરિકા, યુરોપ, લેટીન અમેરિકા, સાઉથ આફ્રિકા સહિત વિશ્વના 25થી વધુ દેશોમાં બિઝનેસ
 • કોરોનાના ઇલાજમાં વપરાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ) અને રેમડેસેવિરનું ઉત્પાદન પણ કરે છે
 • ચાલુ વર્ષ દરમિયાન લિસ્ટેડ કંપની કેડિલા હેલ્થકેરનો શેર 50% અને ઝાયડસ વેલનેસનો શેર 30% વધ્યો છે
 • કંપની એનિમલ હેલ્થકેર સાથે પણ સંકળાયેલી છે.
રમણલાલ પટેલે શરૂ કરેલી કંપની આજે પંકજ પટેલ અને શર્વિલ પટેલના માર્ગદર્શન હેઠળ વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે
રમણલાલ પટેલે શરૂ કરેલી કંપની આજે પંકજ પટેલ અને શર્વિલ પટેલના માર્ગદર્શન હેઠળ વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે
અન્ય સમાચારો પણ છે...