એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યુ:બલવિન્દર સંધુએ કબિર ખાનને ફોન કરીને કહ્યું, સંદીપ પાટીલના રોલ માટે તેના દીકરા ચિરાગને લઈ શકાય; ને 83 ફિલ્મમાં પિતાનું કેરેક્ટર પુત્રે ભજવ્યું!

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: દિનેશ સિંધવ

હાલમાં જ રિલિઝ થયેલી હિન્દી ફિલ્મ 83 જોઈને ભારતીય ક્રિકેટ ટીમે જીતેલા 1983ના વિશ્વકપની યાદ તાજી થઈ ગઈ. કબીર ખાનની આ ફિલ્મમાં રણવીર સિંહ સહિતના કલાકારોએ શાનદાર અભિનય કર્યો છે. પૂર્વ ક્રિકેટર સંદિપ પાટીલનો રોલ નિભાવનાર ચિરાગ પાટીલ રિયલ લાઈફમાં સંદિપ પાટીલના પુત્ર છે. દિવ્ય ભાસ્કરે ચિરાગ અને સંદિપ પાટીલનો એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યુ કર્યો છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન ઘણી અજાણી વાતો પહેલીવાર સામે આવી છે. જેમ કે ચિરાગ પાટીલ ઓડિશનમાં ચોથા જ બોલ પર બોલ્ડ થઈ જવા છતાં સંદિપ પાટીલનો રોલ કેમ મળ્યો હતો. તો સંદિપ પાટીલે પણ એક અજાણી વાત શેર કરતા કહ્યું કે ઈંગલેન્ડમાં વસતા કેટલાક ગુજરાતી મિત્રો વિશ્વકપ દરમ્યાન પોતાના ઘરેથી ભોજન લઈને આવતા અને ટીમને ખવડાવતા હતા. આ ઉપરાંત ચિરાગ પાટીલે પણ પહેલીવાર કહ્યું કે પોતાના નાના અરવિંદ દિવેકર એક ગુજરાતી બોલે એવું જ ગુજરાતી બોલી શકે છે.

ફિલ્મ 83માં સંદિપ પાટીલનો રોલ કેવી રીતે મળ્યો?

ચિરાગ પાટીલે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેઓને ફિલ્મ 83માં પોતાના જ પિતા સંદિપ પાટીલનો રોલ મળશે. કેમ કે ચિરાગ પાટીલે ફિલ્મમાં રોલ કર્યો તે પહેલાં ક્રિકેટ રમતા આવડતું નહોંતુ. વાત એમ બની હતી કે ચિરાગને જ્યારે પહેલીવાર સ્કૂલમાં ક્રિકેટ રમતા જોઈને સંદિપ પાટીલે કહ્યું હતું કે ‘બેટા, તું ભારતીય ક્રિકેટ ટીમ માટે નહીં રમી શકે, માટે બીજુ કોઈ ગમતું કામ કરજે.’ આથી ચિરાગે ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું અને પછી આગળ જતા એક્ટર બને છે. આ કારણોથી જ ચિરાગે ઓડિશને માટે સામેથી એપ્રોચ નહોંતો કર્યો. જોકે એક દિવસ પૂર્વ ક્રિકેટર બલવિંદર સંધુ પોતાના ઘરે મરાઠી ફિલ્મ ‘વજનદાર’ જોતા હતા . જેમાં તેઓએ ચિરાગ પાટીલને એક્ટિંગ કરતાં જોયો. આથી તેમણે ફિલ્મના દિગ્દર્શક કબીરખાનને ફોન કરીને કહ્યું હતું કે સંદિપ પાટીલના રોલ માટે ચિરાગ પાટીલનું ઓડિશન લેવું જોઈએ.

પૂર્વ ક્રિકેટર બલવિંદર સંધુની ફાઈલ તસ્વીર
પૂર્વ ક્રિકેટર બલવિંદર સંધુની ફાઈલ તસ્વીર

ઓડિશનમાં ચોથા જ બોલ પર બોલ્ડ થવા છતા રોલ મળ્યો

બલવિંદર સંધુ પણ 1983નો વિશ્વકપ જીતનાર કપિલની ટીમનો જ ભાગ હતા. આથી કબીરખાને બલવિંદર સંધુને જ ફિલ્મનું શૂટિંગ કરતા પહેલાં રણવીર સિંહ સહિતના એકટર્સને ક્રિકેટર બનાવવાનું કામ સોંપ્યું હતું. જેથી બલવિંદર સંધુની વાત માની કબીરખાને ઓડિશન માટે ચિરાગ પાટીલને મોકો આપ્યો હતો. ચિરાગ જ્યારે ઓડિશન માટે પહોંચ્યો હતો ત્યારે સ્ક્રિપ્ટના બદલે બેટ પકડાવવામાં આવ્યું તે ડરી જાય છે. કેમ કે ક્યારેય ક્રિકેટ રમ્યો ન હોવાથી મનમાં ડર હતો કે ઓડિશન સારું રહેશે નહીં. ચિરાગનો ડર સાચો પડ્યો અને ચોથા જ બોલ પર ચિરાગ બોલ્ડ થઈ જાય છે. જો કે ઓડિશનના 2 મહિના બાદ અચાનક કબીરખાન ફોન કરીને ચિરાગને પોતાની ઓફિસે મળવા બોલાવે છે. ચિરાગના આશ્ચર્ય વચ્ચે તેઓ સંદિપ પાટીલનો રોલ ઓફર કરે છે. ચિરાગને આ રોલ એટલા માટે મળે છે કેમ કે સંદિપ પાટીલ અને ચિરાગ પાટીલની બેટિંગ સ્ટાઈલ મેચ થતી હતી. આ ઉપરાંત ચિરાગની ચાલ પણ સંદિપ પાટીલને મળતી આવતી હતી.

સંદિપ પાટીલ અને ચિરાગ પાટીલની બેટિંગ કરતી વેળાની તસ્વીર
સંદિપ પાટીલ અને ચિરાગ પાટીલની બેટિંગ કરતી વેળાની તસ્વીર

ચિરાગ પાટીલમાંથી સંદિપ પાટીલ બનવું કઠીન હતું

ફિલ્મ 83માં રોલ મળ્યા બાદ ચિરાગ પાટીલ માટે મોટો પડકાર એ હતો કે 30 વર્ષની ઊંમરે પ્રોફેશનલ ક્રિકેટર જેવું ક્રિકેટ રમવાનું હતું. આથી ક્રિકેટની પ્રેક્ટિસ દરમ્ચાન ઘણી વખત ઈજાનો પણ સામનો કરવો પડ્યો હતો. સંદિપ પાટીલના રોલને ન્યાય આપવા ચિરાગ મેદાન પર લેપટોપ સાથે લઈ જતો હતો. સંદિપ પાટીલની જૂની વીડિયો ક્લિપ વારંવાર પ્લે કરી કલાકો સુધી એક જ બેટિંગ સ્ટાઈલની પ્રેક્ટીસ કરી હતી. 8 મહિના સુધી ક્રિકેટ રમવાની સખત પ્રેક્ટિસ કરવી પડી હતી.

સ્વ. યશપાલ શર્માની ફાઈલ તસ્વીર
સ્વ. યશપાલ શર્માની ફાઈલ તસ્વીર

ગુજરાતી મિત્રોના ઘરેથી આવતું ભોજન બધાં આરોગતા

સંદિપ પાટીલ સાથેની વાતચીતમાં તેમણે ગુજરાતી મિત્રોને યાદ કર્યા હતા. તેઓએ કહ્યું ઈંગલેન્ડમાં રમતી વખતે ભારતીય ટીમને ખાવા-પીવાની મોટી તકલીફ હતી. આ સમયે તેઓનાગુજરાતી મિત્રો વિનુ વડગામા, સ્વ. પ્રવિણ પટેલ અને સ્વ. કનક ખીમજી કામ આવ્યા હતા. કેમકે આ મિત્રો પોતાના ઘરેથી ખાવાનું લાવી ભારતીય ક્રિકેટ ટીમને ખવડાવતા હતા. ખાસ કરીને શ્રીકાંત અને સ્વ.યશપાલ શર્મા શાકાહારી જ ભોજન લેતા હતા. આથી ગુજરાતીઓના ઘરેથી આવતું શાકાહારી ભોજન આ બંને ખેલાડીઓ માટે ખૂબ કામ આવતું હતું. ક્રિકેટ રમવા જરૂરી શારિરીક ક્ષમતા માટે સારું અને પુરતું ભોજન જરૂરી હતું. આથી સંદિપ પાટીલ આજે પણ આ ગુજરાતી મિત્રોને આભાર માનવાનું ચૂકતા નથી. આ ઉપરાંત સંદિપ પાટીલે લત્તા મંગેશકરને પણ યાદ કર્યા હતા. કેમકે લત્તાજી પણ લોર્ડસના મેદાનને અડીને આવેલા એમના લોર્ડસ વ્યૂ એપાર્ટમેન્ટમાં ખેલાડીઓને બોલાવી પોતાના હાથે રસોઈ બનાવી જમાડતા હતા.

ફિલ્મ 83નું પોસ્ટર
ફિલ્મ 83નું પોસ્ટર

ચિરાગ પાટીલના નાના કડકડાટ ગુજરાતી બોલી શકે છે

ચિરાગ પાટીલે પણ પહેલીવાર જાહેર કહ્યું છે કે પોતાના નાના કડકડાટ ગુજરાતી બોલે છે. ચિરાગના નાના અરવિંદ દિવેકર એક સમયે મુંબઈના ટોપ ટેન ઉદ્યોગપતિઓમાં ગણના પામતા હતા. આથી તેઓને ધીરુભાઈ અંબાણી સાથે ઘર જેવા સંબંધ હતા. આમ ધીરુભાઈ સાથેની મિત્રતાના કારણે ચિરાગ પાટીલના નાના ગુજરાતી બોલતા શીખી ગયા હતા.

સંદિપ પાટીલના રોલમાં ચિરાગ પાટીલ
સંદિપ પાટીલના રોલમાં ચિરાગ પાટીલ

ફિલ્મ 83ના કારણે ક્રિકેટર બનવાનું સપનું પુરુ થયું

ફિલ્મ 83ના કારણે ચિરાગ પાટીલનું ક્રિકેટર બનવાનું અધુરું સપનું પુરું થયું છે. આ ઉપરાંત આજની નવી પેઢી પણ તે સમયની ટીમના ખેલાડીઓ વિશે જાણતી થઈ છે. જે લોકોએ ફિલ્મ જોઈ છે તે લોકો જાણતા હશે કે જ્યારે પણ ભારતીય ટીમના બેટ્સમેનો પીચ પર ટકી ન શકતા ત્યારે યશપાલ શર્મા એક એવા ખેલાડી હતા કે તેઓ સારું પ્રદર્શન કરી મેચને જીતાડવામાં મહત્વનું યોગદાન આપતા હતા. આથી કહી શકાય કે ગુજરાતીઓના ઘરમાં બનેલું ભોજન ખાઈને ભારતીય ક્રિક્ટ ટીમ 1983નો વિશ્વકપ જીતી શકી હતી!

અન્ય સમાચારો પણ છે...