• Gujarati News
  • Dvb original
  • Even Those Who Have No Connection With Foreign Countries Started Getting Omicron, 20% Such Cases In Maharashtra, Fear Of 14 Lakh Cases Daily

ભાસ્કર એક્સપ્લેનર:જેમને વિદેશો સાથે નાતો નથી તેમને પણ થવા લાગ્યો ઓમિક્રોન, મહારાષ્ટ્રમાં 20% આવા કેસ, રોજ 14 લાખ કેસોનો ડર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના નવા વેરિએન્ટની અસર વધુ ઘેરી બનવા લાગી છે. બ્રિટનના ડેઈલી નવા કેસો 90 હજાર સુધી પહોંચવાની સાથે જ આ નવા વેરિએન્ટના કેસ ભારતમાં પણ પગ ફેલાવવા લાગ્યા છે. દેશના 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં 100થી વધુ ઓમિક્રોન કેસ મળી ચૂક્યા છે. દેશમાં ઓમિક્રોનના કેટલાક એવા પણ કેસો પણ મળ્યા છે, જેમનો ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેના પછી એ ચર્ચા શરૂ થઈ છે કે શું ઓમિક્રોનનો કમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ચૂક્યો છે? આ દરમિયાન નીતિ આયોગે ચેતવણી જારી કરીને કહ્યું છે કે જો બ્રિટનની જેમ જ ભારતમાં કેસો વધ્યા તો અહીં દરરોજ કોરોનાના 13-14 લાખ કેસો આવી શકે છે.

ચાલો જાણીએ કે શું દેશમાં થઈ રહ્યો છે ઓમિક્રોનનો કમ્યુનિટી સ્પ્રેડ? ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે દેશ માટે કેટલી છે ડરામણી સ્થિતિ? કઈ બાબતો વધારી રહી છે દેશની ચિંતા?...

ભારતમાં કઈ રીતે ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન?
દેશમાં 2 ડિસેમ્બરે કર્ણાટકમાં એકસાથે બે લોકોમાં ઓમિક્રોન હોવાને સમર્થન મળ્યું. 20 દિવસથી પણ ઓછા સમયમાં જ ઓમિક્રોન દેશના 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને તેના સંક્રમિતોની સંખ્યા પણ 100ને પાર થઈ ગઈ છે. દેશમાં મળેલા ઓમિક્રોનના મોટાભાગના સંક્રમિતોનો ટ્રાવેલ હિસ્ટ્રી રહેલો છે કે પછી તેઓ વિદેશથી આવનારા લોકોનાં સંપર્કમાં આવવાના કારણે સંક્રમિત થયા છે. પરંતુ કેટલાક એવા પણ કેસો સામે આવ્યા છે, જેમાં લોકોના ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી અને આ જ ચિંતાનું મુખ્ય કારણ છે કે દેશમાં ઓમિક્રોન ફેલાઈ ચૂક્યો છે.

ભારતમાં ક્યાં-કેટલો ફેલાયો ઓમિક્રોન?
ઓમિક્રોન અત્યાર સુધી ભારતના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેના સૌથી વધુ સંક્રમિતો મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં મળ્યા છે. જ્યાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા દસના આંકડાને પાર કરી ચૂકી છે.

ભારતના જે 12 રાજ્યોમાં ઓમિક્રોનના કેસો સામે આવ્યા છે, તેમાં મહારાષ્ટ્ર (40), દિલ્હી (22), રાજસ્થાન (17), કર્ણાટક(8), તેલંગણા(8), ગુજરાત(5), કેરળ (7), ઉત્તરપ્રદેશ (2), આંધ્રપ્રદેશ (1), ચંડીગઢ (1), તમિલનાડુ (1) અને પશ્ચિમ બંગાળ (10) કેસ સામેલ છે.

ટ્રાવેલ હિસ્ટ્રી વિના લોકો પણ મળ્યા ઓમિક્રોન પોઝિટિવ

  • ભારતમાં ઓમિક્રોનના કેટલાક એવા કેસો સામે આવ્યા છે, જેમનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેનાથી એ ચિંતા વધી ગઈ છે કે શું ઓમિક્રોન દેશમાં મોટાપાયે ફેલાઈ ગયો છે એટલે કે ઓમિક્રોનનું કમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ચૂક્યો છે? એટલે કે વિદેશયાત્રા પર ન જનારા લોકોમાં પણ જો ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે તો આ સ્થાનિક સ્તરે પણ કોરોનાના આ નવા વેરિએન્ટને ફેલાવા તરફ સંકેત આપે છે.
  • દેશમાં ઓમિક્રોનના સૌપ્રથમ સામે આવેલા બે કેસોમાંથી એક 46 વર્ષીય ડોક્ટર હતા, જેમનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જ નહોતો. આ ડોક્ટર અત્યારે સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.
  • હાલમાં જ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 એવા કેસો સામે આવ્યા છે, જેનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જ રહ્યો નથી. આ 8 સંક્રમિતોમાં 2 લોકોએ દિલ્હી અને બેંગલુરુની યાત્રા કરી હતી અને માત્ર 1 જ એવો હતો જેને વેક્સિન લાગી નહોતી. આ સાથએ આ આઠમાંથી 5 લોકો અસિમ્પ્ટમેટિક (લક્ષણહીન) હતા અને 3માં માઈલ્ડ લક્ષણો હતા.
  • આ ઉપરાંત હાલમાં જ ગુજરાતના મહેસાણાની એક 43 વર્ષીય મહિલા પણ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું, જેમનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

શું ભારતમાં શરૂ થઈ ગયો છે ઓમિક્રોનનો કમ્યુનિટી સ્પ્રેડ?
ભારતમાં ટ્રાવેલ હિસ્ટ્રી વગર એટલે કે વિદેશ નહી ગયેલા લોકોના પણ ઓમિક્રોનથી સંક્રમિત થયા પછી તેના કમ્યુનિટી સ્પ્રેડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જ સવાલ જ્યારે અમે મહામારી વિશેષજ્ઞ ડોક્ટર ચંદ્રકાંત લહરિયાને પૂછ્યો તો તેમણે કહ્યું, “ભારતમાં ઓમિક્રોનના કમ્યુનિટી સ્પ્રેડની વાત સાચી નથી. સરકારે બીજી લહેર દરમિયાન ડેલ્ટાના કારણે પણ કમ્યુનિટી સ્પ્રેડની વાત અધિકૃત રીતે ક્યારેય કહી નહોતી.”

દેશમાં ઓમિક્રોનના અન્ય કેસો મળવાની આશંકા અંગે ડો. લહરિયાએ કહ્યું, “હા, ઓમિક્રોનના કેસ અન્ય અનેક રાજ્યોમાંથી પણ મળી શકે છે અને આવનારા દિવસોમાં અન્ય મામલાઓ પણ સામે આવી શકે છે.”

ડો. લહરિયાએ કહ્યું, “દેશમાં જિનોમ સિક્વન્સિંગના વધવાથી જ ઓમિક્રોનના કેસ જલદી ડિટેક્ટ થઈ રહ્યા છે.”

ઓમિક્રોનના કમ્યુનિટી સ્પ્રેડના જોખમ અંગે ભારતમાં જિનોમ સિક્વન્સિંગના કન્સોર્ટિયમ INSACOGએ કહ્યું છે કે જેમ જેમ દેશમાં ઓમિક્રોનના અન્ય કેસો સામે આવશે, ત્યારે કમ્યુનિટી સ્પ્રેડ અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે પરંતુ અત્યારે એમ કહેવું ઘણું મુશ્કેલ છે કે દેશમાં ઓમિક્રોનનો કમ્યુનિટી સ્પ્રેડ થઈ રહ્યો છે કે નહીં.

ઓમિક્રોનના કમ્યુનિટી સ્પ્રેડ અંગે INSACOG કહે છે કે તે ટ્રાવેલ હિસ્ટ્રી વિના ઓમિક્રોનથી સંક્રમિત થવાના કેસો પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.

ઓમિક્રોનનો કમ્યુનિટી સ્પ્રેડ રોકવા માટે શું છે જરૂરી?

એક્સપર્ટ્સના અનુસાર,

  • એ વિસ્તારોમાં આકરી દેખરેખ સાથે જ મોટાપાયે ટેસ્ટિંગ કરવાની જરૂર છે, જ્યાં લોકો ટ્રાવેલ હિસ્ટ્રી વિના ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યા છે.
  • જ્યાં ક્લસ્ટરમાં કોવિડ-19 કેસો સામે આવી રહ્યા છે, એ વિસ્તારોમાં કડક દેખરેખની જરૂર છે.
  • હાલમાં જ દેશમાં કર્ણાટક અને તેલંગણા જેવા કેટલાક રાજ્યોમાં ક્યાંકને ક્યાંક ક્લસ્ટરમાં એટલે કે એક જ સ્થળે મોટી સંખ્યામાં કોરોના કેસ સામે આવ્યા છે.

ઓમિક્રોન શા માટે લાવી શકે છે ભારત માટે ભયાનક સ્થિતિ?
ઓમિક્રોનનું જોખમ દેશ માટે કેટલું મોટું છે, તેનો અંદાજ એનાથી જ લગાવી શકાય છે કે નીતિ આયોગે આ અંગે ચેતવણી જારી કરીને કહ્યું છે કે જો દેશમાં ઓમિક્રોનનો બ્રિટન અને ફ્રાંસ જેવો ફેલાવો થયો તો દરરોજ 13-14 લાખ કોરોના કેસ સામે આવી શકે છે.

નીતિ આયોગના સભ્ય વી કે પૉલે ઓમિક્રોનના જોખમ અંગે ચેતવણી આપતા કહ્યું, “જો આપણે બ્રિટનમાં ફેલાવાનો વ્યાપ જોઈએ અને ભારતમાં પણ આવો જ પ્રકોપ રહે તો વસતીના હિસાબે દરરોજ 14 લાખ કોરોના કેસ સામે આવશે. ફ્રાંસમાં 65 હજાર કેસ સામે આવી રહ્યા છે. જો ભારતમાં પણ ફ્રાંસ જેવો જ ફેલાવો થાય તો દરરોજ 13 લાખ કેસો આવશે.”

નીતિ આયોગની આ ચેતવણી અગાઉ આઈઆઈટી-કાનપુરે ઓમિક્રોનના કારણે દેશમાં જાન્યુઆરી 2022માં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે એવું થવા પર ફેબ્રુઆરીમાં દોઢ લાખ ડેઈલી કોવિડ કેસની ત્રીજી લહેરની પીક આવી શકે છે. હવે નીતિ આયોગે ચેતવણીમાં ડેઈલી કોવિડ કેસોમાં 14 લાખ કેસોની આશંકા વ્યક્ત કરી તે દેશ માટે ડરામણી છે.

ભારતમાં અડધાથી ઓછી વસતી ફુલી વેક્સિનેટેડ
ભારતમાં ઓમિક્રોન ફેલાવાનું જોખમ એટલા માટે પણ વધુ છે કેમકે દેશની અડધાથી પણ ઓછી વસતી ફુલી વેક્સિનેટેડ છે. ભારતમાં અત્યાર સુધીમાં 60 ટકા લોકો (84 કરોડ)ને કોરોના વેક્સિનનો એક ડોઝ અને લગભગ 40 ટકા વસતી (54 કરોડ)ને કોરોના વેક્સિનના બંને ડોઝ લાગ્યા છે. એવામાં ઓમિક્રોન જેવા કોરોનાના વેરિએન્ટના ભારતની વસતીના એ એક મોટા હિસ્સામાં ઝડપથી ફેલાવાનું જોખમ છે જેમણે અત્યાર સુધી વેક્સિન લાગી જ નથી.

આ સાથે જ હોંગકોંગના રિસર્ચર્સના અનુસાર, ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટાની તુલનામાં 70 ગણો વધુ ઝડપથી ફેલાવામાં સક્ષમ છે. એવામાં ભારતમાં જો તેનો કમ્યુનિટી સ્પ્રેડ શરૂ થયો તો પરિણામો ભયાનક હોઈ શકે છે.

જ્યારે, અનેક રિપોર્ટ્સમાં હાલની વેક્સિન ઓમિક્રોન વિરુદ્ધ અસરવિહિન રહેવાની કે ઓછી અસરકારક રહેવાની આશંકા વ્યક્ત કરાઈ છે. તેનો અર્થ એ છે કે ભારતમાં માત્ર અનવેક્સિનેટેડ લોકોમાં જ નહીં પણ એક ડોઝ મેળવી લેનારા અને એટલે સુધી કે ફુલી વેક્સિનેટેડ લોકોમાં પણ ઓમિક્રોન ફેલાવાનું જોખમ છે. ઓમિક્રોનને લઈને આ જ વાત ભારતની ચિંતા વધારી રહી છે.