ગતિશીલ સરકારની ગોકળગતિ:ડિજિટલ યુગમાં 72 કલાક પછી પણ અમદાવાદથી એક પત્ર 84 કિમી દૂર પહોંચી નથી શક્યો, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખતરનાક રમત

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • દેત્રોજના ગમાનપુરા ગામની પ્રાથમિક શાળાના ધો.6થી 8ના વર્ગ પુનઃ ચાલુ કરવાનો અમદાવાદથી નીકળેલો ઓર્ડર ક્યારે પહોંચશે?
  • આખું ગામ કામ-ધંધો છોડી ઓર્ડરની રાહ જોઈ રહ્યું છે, વિદ્યાર્થીઓ પૂછે છે- ક્યારે શરૂ થશે અમારી સ્કૂલ?

અમદાવાદથી અંદાજે 80 કિલોમીટર દૂર આવેલા દેત્રોજ તાલુકાના ગમાનપુરા ગામની પ્રાથમિક શાળાના ધો.6થી 8ના વર્ગ પુનઃ ચાલુ કરવા માટે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર. વ્યાસે 4થી જુલાઇના રોજ નિર્ણય કરી દીધો છે. આ નિર્ણયનો પત્ર ફરતો પણ થઈ ગયો છે. આ પત્ર ગ્રામજનો તેમ જ મીડિયા સુધી સોશિયલ મીડિયા મારફત પહોંચી ગયો છે, પરંતુ વિધિવત રીતે આ પત્ર હજુ ગમાનપુરા પ્રાથમિક શાળામાં પહોંચ્યો નથી. આમ, ગમાનપુરા પ્રાથમિક શાળામાં જ ધો.6થી 8ના વર્ગો ચાલુ કરવાનો પત્ર અમદાવાદ-સાણંદની કઈ કચેરી વચ્ચે અટવાયો છે એ ઉકેલ માગતા કોયડા સમાન બન્યું છે. પરિણામસ્વરુપે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટવાયું છે.

સામાન્ય રીતે નિર્ણયના અભાવે કામગીરી અટવાતી હોય છે, પરંતુ આ કિસ્સામાં નિર્ણય થઈ ગયો હોવા છતાં એની એકમાત્ર જાણ શાળાના કર્તાહર્તા સુધી નહીં પહોંચવાને કારણે શાળાનું શિક્ષણકાર્ય અટવાયું છે, જેને કારણે પત્રની કાગડોળે રાહ જોઈને બેઠેલાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠયો છે. ત્યારે સરકારી કાર્યક્રમમાં તંત્ર વ્યસ્ત હોવાને કારણે પત્ર નહીં પહોંચ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મુદ્દાને કારણે અંદાજે દસેક દિવસથી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકી ગયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

અમદાવાદ જિલ્લા ડીપીઓ 4 જુલાઈએ શાળામાં વર્ગ શરૂ કરવાની મંજૂરી આપતો ઓર્ડર કર્યો હતો તેની કોપી. આ ઓર્ડર તારીખ 7 જુલાઈ સુધી હજી ગમાનપુરા પહોંચ્યો નથી.
અમદાવાદ જિલ્લા ડીપીઓ 4 જુલાઈએ શાળામાં વર્ગ શરૂ કરવાની મંજૂરી આપતો ઓર્ડર કર્યો હતો તેની કોપી. આ ઓર્ડર તારીખ 7 જુલાઈ સુધી હજી ગમાનપુરા પહોંચ્યો નથી.

ગમાનપુરાના ગ્રામજનો દ્રારા થઇ રહેલા વિરોધને પગલે દિવ્ય ભાસ્કરની ટીમે દેત્રોજ તાલુકાથી માંડીને ગમાનપુરા ગામ તેમ જ લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લઈને સમગ્ર સ્થિતિનો ચિતાર રજૂ કરતો ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. બીજા દિવસે એટલે કે 30મી જૂનના રોજ ગ્રામજનો દ્વારા શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના પૂતળાનું દહન કર્યું હતું. રવિવારે 3જી જુલાઇના રોજ શિક્ષણમંત્રીનું બેસણું રાખવાનું વિચારી રહ્યા હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલને પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું અને ગમાનપુરા ગામમાં રવિવારે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઇન્ચાર્જ ડીપીઓ અને અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી આર.આર. વ્યાસ ગામમાં પહોંચી ગયા હતા, જયાં ગ્રામજનો સાથે ચર્ચા કર્યા બાદ ગમાનપુરા પ્રાથમિક શાળા ચાલુ રાખવા તથા વિદ્યાર્થીઓેને ભણાવવા માટે શિક્ષકો મૂકવાની ડીપીઓએ ગ્રામજનોને બાંયધરી આપી હતી. જોકે જ્યાં સુધી લેખિતમાં હુક્મ ના થાય ત્યાં સુધી ગ્રામજનોએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું હતું.

દરમિયાન ગ્રામજનોને જાણવા મળ્યું હતું કે અમદાવાદ જિલ્લા ડીપીઓ આર. આર. વ્યાસે 4થી જુલાઇના રોજ ગમાનપુર પ્રાથમિક શાળામાં ધો. 6,7 અને 8 ચાલુ રાખવા તથા આ વિદ્યાર્થીઓ ભણાવવા માટે શિક્ષકને મોકલવાની સૂચના જારી કરતો પત્ર લખ્યો હતો. નવાઇની વાત એ છે કે આ પત્ર 6ઠ્ઠી જુલાઇની રાત સુધી ગ્રામજનો કે શાળાના કર્તાહર્તા સુધી પહોંચ્યો નહોતો, જેને કારણે પત્રની કાગડોળે રાહ જોઈ રહેલાં ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે.

ગામના લોકો કામ-ધંધો છોડી ઓર્ડર મળે તેની રાહ જોઈ રહ્યા છે.
ગામના લોકો કામ-ધંધો છોડી ઓર્ડર મળે તેની રાહ જોઈ રહ્યા છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગમાનપુરા પ્રાથમિક શાળામાં જ ધો. 6, 7, અને 8ના વર્ગો ચાલુ રાખવાનો પત્ર અમદાવાદના પાલડીથી અંદાજે 22 કિલોમીટર દૂર આવેલા સાણંદ ખાતેની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચી ગયો હોવાની માહિતી આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી છે. જો આ હકીકતને સાચી માની લેવામાં આવે તો સાણંદથી દેત્રોજનું અંતર ગૂગલના નકશા પ્રમાણે 43 કિલોમીટર છે અને સાણંદથી કડી થઈને દેત્રોજ જવાનું અંતર 52.9 કિલોમીટર દર્શાવે છે. આ અંતર 1 કલાક 14 મિનિટમાં કાપી શકાય એવું પણ જણાવ્યું છે. દેત્રોજથી ગમાનપુરા ગામનું અંતર 10 કિલોમીટર છે. જો અમદાવાદની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં જ આ પત્ર પડી રહ્યો હોય તો અમદાવાદથી દેત્રોજ વચ્ચે 74 કિલોમીટર (વાયા સાણંદ) અને ત્યાંથી ગમાનપુરા ગામનું અંતર 10 કિલોમીટર ગણીએ તો અંદાજે 84 કિલોમીટર જેટલું થતું હશે. નવાઇ અને આશ્ચર્ય પમાડે એ વાત છે કે આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં 72 કલાક પછી પણ તંત્રનો પત્ર 84 કિલોમીટરનું અંતર કાપી શક્યો નથી, જેને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડી રહ્યું છે.

ગામની સ્કૂલનું આ તાળું પણ ઓર્ડર મળવાની રાહમાં છે.
ગામની સ્કૂલનું આ તાળું પણ ઓર્ડર મળવાની રાહમાં છે.

એકાદ-બે દિવસમાં શાળાએ પત્ર પહોંચી જશે - આર. આર. વ્યાસ- ડીપીઓ, અમદાવાદ જિલ્લો
અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી તથા ઇન્ચાર્જ અમદાવાદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી આર. આર. વ્યાસે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે સરકારી કાર્યક્રમમાં રોકાયેલા હોવાથી એકાદ-બે દિવસમાં પત્ર પહોંચી જશે. હું વાત કરી લઉં છું. ક્યાં અટક્યું છે, જોવડાવી લઉં છું અને સંકલન કરી લઉં છું. જ્યારે આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિકુંજ પટેલ, જેઓ સાણંદ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી છે અને તેમની પાસે દેત્રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ છે. તેમનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો.

શું હતો વિવાદ ?
અમદાવાદથી લગભગ 80 કિલોમીટરના અંતરે આવેલા દેત્રોજ તાલુકાના ગમાનપુરા ગામમાં 1200ની વસતિ વસવાટ કરે છે. આ ગામમાં પટેલથી માંડીને રબારી સમાજ, ઠાકોર સમાજ, રાવળ સમાજ, અનુસૂચિત જાતિ, પ્રજાપતિ સમાજના લોકો રહે છે. ગ્રામજનો માટે ગામના પ્રવેશદ્વાર પાસે જ 1955માં ધો.1થી 8ની શાળા શરૂ કરવામાં આવી હતી. 20-11-2020ના રોજ સરકાર દ્વારા ધો. 6,7 અને 8ના વર્ગો બંધ કરવાની જાહેરાત કરી હતી. આ બાળકોને ગમાનપુરા ગામથી અંદાજે ત્રણસાડા ત્રણ કિલોમીટર દૂર આવેલા લક્ષ્મીપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ખસેડવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ ગ્રામજનોની રજૂઆત તથા કોરોનાને કારણે આ શાળા હમણાં સુધી ગમાનપુરામાં જ ચાલતી હતી. હાલમાં ગમાનપુરા પ્રાથમિક શાળામાં ધો.1થી 5માં 45 વિદ્યાર્થી તથા ધો.6થી 8માં 27 વિદ્યાર્થી નોંધાયેલા છે.

ગમાનપુરા પ્રાથમિક શાળામાં ધો. 6, 7 અને 8 વર્ગ બંધ કરાતા ગામ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.
ગમાનપુરા પ્રાથમિક શાળામાં ધો. 6, 7 અને 8 વર્ગ બંધ કરાતા ગામ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.

ધો. 6થી 8ના વર્ગમાં 27 વિદ્યાર્થી પૈકી 16 વિદ્યાર્થિની તથા 11 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં ધો.1થી 5માં 44 વિદ્યાર્થીઓ અને ધો.6થી 8માં 22 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. વળી, પાછા ગમાનપુરા પ્રાથમિક શાળાના ધો.6થી 8ના વર્ગને 30મી જૂનથી બંધ કરવાની તાજેતરમાં જ જાહેરાત કરવાની સાથે એનો કડકપણે અમલ કરવાની તાકીદ કરવામાં આવી હતી, જેનાથી અકળાઈ ઊઠેલાં ગ્રામજનોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીથી માંડીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપરાંત અનેક સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. એમ.એન. પટેલે લેખિતમાં 28મી જૂનના રોજ ગમાનપુરા પ્રાથમિક શાળા તથા લક્ષ્મીપુરા ( દેકાવાડા ) પ્રાથમિક શાળાના આચાર્યોને રૂબરૂમાં બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ કોઈ જ પરિણામ નહીં આવતાં આખરે કંટાળેલાં ગ્રામજનોએ શાળાના વિદ્યાર્થીઓ સાથે દેત્રોજ તાલુકામાં આક્રોશ રેલી કાઢી હતી, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત ગ્રામજનો જોડાયાં હતાં.

ગમાનપુરા ગામના લોકોએ દેત્રોજમાં રેલી કાઢીને અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.
ગમાનપુરા ગામના લોકોએ દેત્રોજમાં રેલી કાઢીને અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આ રેલી તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચી હતી. તાલુકા વિકાસ અધિકારીની ઓફિસની બહાર જ વાલીઓ, વિદ્યાર્થીઓ બેસી ગયા હતા. એક સમયે પોલીસ અને ગામના આગેવાનો તથા સામાજિક કાર્યકરો વચ્ચે નોકઝોક થઈ હતી, જોકે પાછળથી પોલીસ અધિકારી બી.એચ. ઝાલાએ દરમિયાનગીરી કરીને ગામના પ્રતિનિધિમંડળની તાલુકા વિકાસ અધિકારી ડી.જી. દેસાઇ સાથે મુલાકાત કરાવીને મામલો થાળે પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...