ભારતમાં છેલ્લા એક-બે વર્ષથી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચર્ચાનો વિષય બન્યો છે. પેટ્રોલના વધતાં ભાવની વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આપતી સબસિડી અને નવી ટેકનોલોજીમાં સતત અપગ્રેડેશનના કારણે ભારતમાં EVનું વેચાણ સતત વધી રહ્યું છે. ભારતના પરિવહન મંત્રાલયના આંકડા સૂચવે છે કે દેશના રસ્તાઓ પર અત્યારે 10 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ ફરી રહ્યા છે. ખાસ કરીને કોરોના આવ્યા બાદથી EVની નોંધણીમાં 2021માં 160%નો ઉછાળો આવ્યો છે.
ડિસેમ્બર 2021માં લોકસભામાં પૂછયેલા એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે 12 ડિસેમ્બર 2021ની સ્થિતિએ દેશમાં 27.34 કરોડ વાહનો છે જેમાંથી 8.77 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ છે. પરિવહન વિભાગના આંકડા મુજબ 2 ફેબ્રુઆરી 2022 સુધીમાં દેશમાં 28.24 કરોડ વાહનો છે અને તેમાંથી 10 લાખ EV છે.
ઈ-વ્હીકલ માટે ગ્રાહકોનું માઈન્ડસેટ બદલાયું છે
જોય ઈ-બાઇક બનાવતી વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CFO સ્નેહા સૌચેએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, સરકાર એગ્રેસીવલી EVને પ્રોત્સાહિત કરી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સબસિડી તેમજ છેલ્લા બે વર્ષથી પેટ્રોલના ભાવ સતત વધ્યા છે. આ બધાના કારણે ઈ-વ્હીકલ માટે ગ્રાહકોનું માઈન્ડસેટ બદલાયું છે જે વેચાણના આંકડામાં સ્પષ્ટ દેખાય છે. ખાસ કરીને યંગ કન્ઝ્યુમરને ધ્યાનમાં રાખીને ઉત્પાદકો નવા મોડેલ લોન્ચ કરી રહ્યા છે. આ ઉપરાંત ખર્ચની દ્રષ્ટિએ પણ પેટ્રોલની સરખામણીએ EVમાં પ્રતિ કિલોમીટર અંદાજે 10 ગણો ઓછો ખર્ચ આવે છે.
દેશમાં ફરતા કુલ EVમાંથી 25% એકલા ઉત્તર પ્રદેશમાં
ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટના આંકડા મુજબ દેશમાં 10 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાંથી 2.58 લાખ EV તો એકલા ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા છે. આ સિવાય દિલ્હીમાં 1.26 લાખ અને 72,000 ઈ-વ્હીકલ સાથે કર્ણાટક ત્રીજા ક્રમે છે. વર્ષ 2020માં ભારતમાં 1.19 લાખ EV રજિસ્ટર્ડ થયા હતા તેની સામે 2021માં નોંધણી 160% વધીને 3.11 લાખ પર પહોંચી છે અને 2022માં 2 ફેબ્રુઆરી સુધીમાં જ 50,537 ઇલેક્ટ્રિક વાહનો નોંધાય છે.
નવા મોડેલ્સથી યુવાઓમાં આકર્ષણ વધ્યું છે
સોસાયટી ઓફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું કે, ઇલેક્ટ્રિક વ્હીકલમાં ખાસ કરીને 2-વ્હીલરમાં ઘણા નવા મોડેલ્સ લોન્ચ થયા છે જેના કારણે 2021માં તેનું વેચાણ પણ ઘણું વધ્યું હતું. યુવાનોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે આકર્ષણ વધ્યું છે તે જોતાં આવતા સમયમાં પણ વેચાણનો ગ્રોથ ઘણો સારો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.