ગુજરાતીઓ ધંધો કરવા માટે દેશ દુનિયામાં જાણીતા છે. ગુજરાતીઓના લોહીમાં ધંધો વહે છે તેવી એક ઓળખ ઉભી થઈ છે. કોઈ પણ ધંધાને નાનો ન ગણતા ગુજરાતીઓ પોતાની કુનેહથી સફળતા પ્રાપ્ત કરતાં હોય છે. ત્યારે વડોદરાના ચારેક યુવકોએ ભેગા મળીને ચા વેચવાના કાફેનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે. સામાન્ય રીતે ચા વેચવાનો ધંધો નાનો ગણાય છે. પરંતુ આ યુવકોએ શરૂ કરેલા ચા વેચવાના સ્ટાર્ટઅપની એવી રીતે ડિઝાઈન તૈયાર કરી છે કે, જેથી પર્યાવરણને થતુ નૂકસાન પણ અટકી શકે અને કંઈક અનોખુ પણ બની શકે. પોતાના કાફેમાં ચા નાસ્તો કરવા આવનાર માટે ઈન્ડોર રમતના સાધનોથી લઈને બેઠક વ્યવસ્થા પણ અલગ રીતે કરી છે. સાથે જ ચા પ્લાસ્કિટ, કાચ કે પેપરના કપમાં આપવાની જગ્યાએ ખાઈ શકાય તેવા બિસ્કિટ કપમાં આપવામાં આવી રહી છે. જે ગ્રાહકોને પણ પસંદ આવી રહ્યું છે. આત્મવિશ્વાસ સાથે સ્ટાર્ટઅપ શરૂ કરનાર ચારેય એન્જિનિયર હાલ મહિને 50 હજાર રૂપિયાની કમાણી પણ કરી રહ્યાં છે.
નોકરીના બદલે સ્ટાર્ટઅપ શરૂ કર્યું
વડોદરામાં રહેતા રૂકમિલ શાહ, આર્શ દેસાઈ, ઋત્વિક પટણી અને હેનીલ શાહ વિવિધ ક્ષેત્રમાં એન્જિનિયર થયેલા છે. આ ચાર યુવાનો પોતાના એન્જિનિયર ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની બદલે સમા-સાવલી રોડ ઉપર ચાયર કાફે નામથી ચા વેચવાની શરૂઆત કરી છે. નોંધનીય બાબત એ છે કે, વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં ચા કાચના કાચના કપમાં અથવા પ્લાસ્ટિક તેમજ કાગળના કપમાં આપવામાં આવે છે. જ્યારે આ યુવાનો દ્વારા ચા બિસ્કિટ બનતા મટિરિયલમાંથી બનાવેલા કપમાં આપવામાં આવે છે. ચા પીધા બાદ કપ બિસ્કિટની જેમ ખાઈ શકાય છે. જે આ કાફેમાં વેચાતી ચાની વિશેષતા છે.
બિસ્કિટ કપમાં ચા આપવાનું નક્કી કર્યું
ચા કાફે શરૂ કરનાર આ ચાર યુવાનો રૂકમિલ શાહ, આર્શ દેસાઈ, ઋત્વિક પટણી અને હેનીલ શાહે જણાવ્યું હતું કે, અમે છેલ્લા કેટલાક સમયથી સ્ટર્ટઅપ કરવાનું વિચારતા હતા. કંઈ ખાણી પીણીની વસ્તુઓની ડિમાન્ડ છે. તેનું રિસર્ચ કરતા હતા. જેમાં અમને ચાની કાફે શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. અમારે ચાની કાફે સામાન્ય રીતે હોટેલો, રેસ્ટોરન્ટોમાં મળતી ચાની જેમ વેચવી ન હતી. અમારે તેમાં કંઈ નવીનતા લાવવી હતી. જેમાં અમને બિસ્કિટ મટિરીયલમાંથી બનતા કપમાં ચા આપવાનું નક્કી કર્યું હતું.
બિસ્કિટ કપમાં ચા આપતી પ્રથમ કાફે
ગુજરાતમાં એકમાત્ર વડોદરા શહેરમાં બિસ્કિટ મટિયરિલમાંથી બનતા કપમાં ચા આપવાની અમારી કાફેએ શરૂઆત કરી છે. દેશમાં સાઉથમાં બિસ્કિટ મટિરિયલમાંથી બનતા કપમાં ચા વેચવાની કાફે ચાલે છે. જે બાદ વડોદરામાં અમારી પ્રથમ કાફે છે. આ ટી કાફેની શરૂઆત બે માસ પહેલા કરવામાં આવી છે. અમારા કોન્સેપ્ટને સારો આવકાર આવકાર મળી રહ્યો છે. ચા પીધા બાદ બિસ્કિટ ખાવાના આ કોન્સેપ્ટને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
યુવાનો સામાજિક પ્રવૃતિઓ પણ કરે છે
એન્જિનિયર થયેલા યુવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી શરૂઆતથી બિઝનેસ કરવાની ઈચ્છા હતી. જેમાં અમને બિસ્કિટ મટીરીલમાંથી બનતા ચાના કપમાં ચા વેચવાનો કોન્સેપ્ટ લાગતા અમે સમા-સાવલી રોડ ઉપર ચાયર્સ કાફે નામથી શરૂઆત કરી છે. આજે અમે દર મહિને બે લાખ રૂપિયાની ચા વેચીને અમે ચારેય મિત્રો 40થી 50 હજાર રૂપિયાની કમાણી કરી રહ્યા છીએ. આ કમાણીમાંથી અમારા ચાના વ્યવસાયને આગળ ધપાવવાની સાથો-સાથ અમારા બરોડા યૂથ ફેડરેશનના નેજા હેઠળ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે.
કોરોના કાળમાં 600 પરિવારોને અનાજની કીટ આપી
બરોડા યૂથ ફેડરેશનમાં 60 જેટલા યુવાનો છે. આ તમામ યુવાનો પોતાના પોકેટ મનીમાંથી થતી બચતમાંથી સામાજિક સેવાનું કાર્ય કરી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન અમારી સંસ્થા દ્વારા 600 જેટલા ગરીબ પરિવારોને અનાજની કીટ આપી હતી. આ ઉપરાંત માસ્ક, હેગ્લોઝ, સાબુ સહિત વિવિધ ચીજવસ્તુઓની કીટ બનાવીને વિતરણ કર્યું હતું. હાલ શરૂ થયેલા ઉનાળાની ઋતુમાં અમારી સંસ્થા દ્વારા છાસનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અવાર નવાર અમારી સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, ઉત્તરાયણના તહેવારમાં ઇજા પામતા પક્ષીઓની સારવાર જેવા કાર્યો પણ કરવામાં આવે છે.
સ્ટાર્ટઅપને દેશભરમાં ફેલાવવા માગે છે
યુવકોએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા ચાના આ કોન્સેપ્ટને દેશના તમામ શહેરો સુધી પહોંચતા કરીને અમારા વ્યવસાયની ઊંચાઇ પર લઇ જવાનો અમારો નિર્ધાર છે. અમારા કાફેમાં ચાની ચૂસકી મારવા આવતા ગ્રાહકો ચા પીતા પીતા કેરમ, ચેસ, ઉનો જેવી રમતનો પણ આનંદ લઈ શકે છે. અમોને વિશ્વાસ છે કે અમારો આ ચાનો કોન્સેપ્ટ આવનારા દિવસોમાં આગવી ઓળખ ઊભી કરશે અને અમારી ફ્રેન્ચાઇઝ માટે લોકો આગળ આવશે.
ગ્રાહકો પ્રયાસને સરાહનીય ગણાવે છે
ચા પીવા આવતા ગ્રાહકોએ જણાવ્યું હતું કે, સરસ ઇનોવેશન કર્યું છે, વડોદરામાં પહેલી વખત અહીં બિસ્કિટના કપમાં ચા પીધી છે. જેને કારણે પર્યાવરણને બચાવવાનો પ્રયાસ સરાહનીય છે. સાથે ચા પીધા બાદ બિસ્કિટ પણ ખાઈ જવાના હોવાથી એક પ્રકારે હળવો નાસ્તો ચા પીવાની સાથે થઈ જતો હોય તેવો અહેસાસ થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.