એક્સક્લૂઝિવ:'ડ્રગ્સે મને સાવ બરબાદ કરી નાખ્યો, 5-5 દિવસ સૂતો નહીં, મોં પણ ત્રાસું થઈ ગયું', સાંભળો અમદાવાદના સલમાનની આપવીતી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત

'ચાર વર્ષમાં ડ્રગ્સે મારી જિંદગી સાવ બરબાદ કરી નાખી છે. મારું મોં ત્રાસું થઈ ગયું અને શરીર સાવ સાઠિકાં જેવું. હું એ હદે ડ્રગ્સ એડિક્ટ થઈ ગયો હતો કે, પાંચ-પાંચ દિવસ ઊંઘતો નહીં. ડ્રગ્સના રવાડે ચઢ્યા બાદ મારે મોબાઈલ, ઘરવખરી, કિંમતી વસ્તુઓ અને ત્રણ-ત્રણ ગાડીઓ વેચવી પડી, હું ક્યાયનો રહ્યો નથી'. આ શબ્દો છે અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતા સલમાનના. (નામ બદલ્યું છે). ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા સલમાને દિવ્ય ભાસ્કર રિપોર્ટર ચેતન પુરોહિત સાથે ખાસ વાતચીત કરી. આ વાતચીત દરમિયાન સલમાને ડ્રગ્સના કારોબાર, ડ્રગ્સ ડીલર, ડ્રગ્સના કૉડવર્ડ અને ડ્રગ્સ એડિક્ટ બન્યા બાદ પોતાની આપવીતી સહિતની અનેક ચોંકાવનારી વાતો કરી.

અમદાવાદના કોટ વિસ્તારમાં રહે છે સલમાન
24 વર્ષીય સલમાન વિધવા માતાનો એકનો એક દીકરો છે. નાનપણમાં જ તેણે પિતાની છત્રછાયા ગુમાવી હોવાથી પરિવારની જવાબદારી વર્ષોથી માતા પર હતી. નાનાં-મોટાં કામ કરીને માતાએ ભાઈ-બહેનને મોટાં કર્યાં હતાં. ચાર વર્ષ પહેલાં સુધી પરિવારમાં બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું.

20 વર્ષની ઉંમરે ડ્રગ્સના રવાડે ચઢી ગયો
પરિવારને આર્થિક રીતે મદદ કરવા સલમાન નોકરી શોધતો હતો એ સમયે કોઈ ડ્રગ્સ ડીલર સાથે તેનો સંપર્ક થયો હતો. આ ડીલરે એ હદે તેનું બ્રેઈન વોશ કર્યું કે, તેને MD ડ્રગ્સ ખરીદવા માટે મજબૂર કરી દીધો.

'ડ્રગ્સ એક જ વખતમાં એડિક્ટ કરી દે છે'
સલમાન કહે છે કે, ડ્રગ્સ વસ્તુ જ એવી છે કે, એક વખત નશો કરો એટલે ખતમ. પછી તેની ચુંગાલમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. એક વખત ડ્રગ્સ લીધા બાદ કોઈપણ વ્યક્તિ બીજી વખત લઈને જ રહે છે, અને ધીરેધીરે તે ખબર ના પડતાં એડિક્ટ થઈ જાય છે. એડિક્ટની દુનિયા સાવ જૂદી જ હોયછે, પછી તે ગમે તે ભોગે ડ્રગ્સ લઈને જ રહે છે.

'અમદાવાદમાં છોકરીઓ પણ બહુ ડ્રગ્સ લે છે'
ડ્રગ્સની દુનિયાની વાત કરતાં કરતાં સલમાન ચોંકાવનારા ઘટસ્ફોટ કરે છે. સલમાન કહે છે કે, છોકરાઓ જ નહીં ડ્રગ્સ લેનાર છોકરીઓનું પ્રમાણ પણ એટલું જ છે. અમદાવાદ શહેરમાં પણ છોકરીઓ ખુબ જ ડ્રગ્સ લે છે. તે કહે છે કે, સી. જી. રોડ અને એસ.જી. હાઈવે આ બે વિસ્તાર એના માટે કુખ્યાત છે. અહીં છોકરીઓ બિન્દાસ્ત ડ્રગ્સ ખરીદે છે. આ વિસ્તારોમાં ફરતી ઘણી છોકરીઓ ડ્રગ્સ એડિક્ટ થઈ ચૂકી છે.

'એ લોકો ગમે તેમ કરીને વશ કરી લે છે'
સલમાનના મતે ડ્રગ્સ અને નશાની દુનિયા સાવ અલગ જ છે. ડ્રગ્સ વેચનારા હાઈ પ્રોફાઈલ જિંદગી જીવે છે. એ લોકો ગમે તે રીતે તમને વશમાં કરી લે છે. નાની-મોટી લાલચ આપી સામાન્ય વ્યક્તિનું બ્રેઈન વોશ કરી નાખે છે. આવા લોકો એના ટાર્ગેટની શોધમાં જ હોય છે. એક વખત કોઈ વ્યક્તિ તેના સંપર્કમાં આવે એટલે ગમે તે ભોગે તેને ડ્રગ્સ આપીને જ રહે છે.

'એકાદ વખત મફતમાં ડ્રગ્સ આપ્યું પછી મનફાવે એમ નચાવતાં'
સલમાન કહે છે કે, વશમાં કર્યા બાદ ડીલર તેના ટાર્ગેટને છોડતાં નથી. ક્યારેક રુપિયા ન આપે તો એકાદ વખત મફત પણ આપે છે. વશમાં લીધા બાદ તે તેની પાસે તમામ ગંદા કામ પણ કરાવે છે અને ક્યારેક ડ્રગ્સની ડિલીવરી પણ કરાવે છે. આ બધામાંથી પોતે પસાર થયો હોવાનુ તે કબૂલે છે.

'4 વર્ષમાં ડ્રગ્સે જિંદગી બરબાદ કરી નાખી'
સલમાન કહે છે કે, નશાના એ ચાર વર્ષે તેની જિંદગી ઝેર કરી નાખી છે. આજે તે ક્યાંયનો રહ્યો નથી. એક સમય એવો આવ્યો કે તે ડ્રગ્સ વગર રહી શકતો ન હતો. આ દુનિયામાં પગ મૂક્યા પછી તે ચાર દિવસ, પાંચ દિવસ ઊંઘતો નહીં. ડ્રગ્સે તેના શરીરના એ હાલ કર્યા કે, મોઢાનો શેપ બદલી નાખ્યો એટલું જ નહીં શરીર પર પતાવી દીધું. શારીરિક, આર્થિક અને સામાજિક રીતે ડ્રગ્સે તેને સાવ બરબાદ કરી નાખ્યો છે.

'ડ્રગ્સ માટે 3-3 ગાડીઓ વેચી નાખી'
ડ્રગ્સના રવાડે ચઢ્યો ત્યારે સલમાન કંઈ કમાતો પણ ન હતો. ડ્રગ્સ ખરીદવા માટે તે ઘરની એક-એક વસ્તુઓ વેચવા લાગ્યો. ડ્રગ્સ માટે તેણે પોતાના મોબાઈલ ફોન, ઘરવખરી, અન્ય કિંમતી વસ્તુઓ પણ વેચી નાખી છે. એટલું જ નહીં ત્રણ-ત્રણ ગાડીઓ પણ વેચી નાખી છે. ડ્રગ્સનો નશો તેના પર એટલો સવાર થઈ ગયો હતો કે, તેની પાસે કંઈ બચ્યું નહીં.

'એક નહીં બે-બે વખત એડિક્ટ થઈ ગયો'
એક સમય એવો આવ્યો કે દીકરો ડ્રગ્સ લેતો હોવાની માતાને જાણ થઈ. વિધવા મા અને એકની એક બહેને તેને ઘણી વખત સમજાવ્યો પણ સલમાન માન્યો નહીં. જો કે ત્યાં સુધીમાં ઘણું મોડું પણ થઈ ચૂક્યું હતું. આખરે પરિવારની આજીજીથી સલમાન ટ્રીટમેન્ટ માટે તૈયાર થયો. પ્રોપર મેડિકેશન માટે તેને સુરત મોકલ્યો. જ્યાં ત્રણ મહિના તે રિહેબ સેન્ટરમાં રહ્યો, અને ડ્રગ્સની ચુંગાલમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો. પણ જેવું ડૉક્ટરે કહ્યું હતું એવું જ થયું. સલમાન ફરી અમદાવાદ આવ્યો અને ફરી એ લોકોના સંપર્કમાં આવતાં બીજી વખત ડ્રગ્સ એડિક્ટ થઈ ગયો.

'શાદી નજીક આવી અને ડ્રગ્સની લત છૂટી'
કુદરતનો આ સંકેત હતો. હું સાવ પાયમાલ થઈ ગયો હતો. શાદી નજીક આવી ત્યારે એવો વિચાર આવ્યો કે પત્નીનું શું થશે? આ જ વિચારે મને હચમચાવી નાખ્યો. આખરે મેં નક્કી કર્યું કે, હવે તો નહીં જ. બસ, આ જ વિચારે તેને મજબૂત બનાવ્યો અને ના ખબર પડતાં તે ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત થઈ ગયો.

સલમાન આજે સીટ કવરની સિલાઈનું કામ કરે છે
છેલ્લા એક વર્ષથી સલમાને ડ્રગ્સની સામે જોયું પણ નહીં. આ જે તે ભૂતકાળના દિવસોની કલ્પના પણ કરી શકતો નથી. ધીમેધીમે તેની ગાડી પાટા પર ચઢી ગઈ છે. પરિવારની જવાબદારી પણ સંભાળી લીધી છે. અમદાવાદના જ કોટ વિસ્તારમાં તે સીટ કવર સિવવાનું કામ કરી રહ્યો છે અને એક સામાન્ય જિંદગી જીવી રહ્યો છે.

'ડ્રગ્સથી દૂર રહેજો નહીં તો બરબાદ થઈ જશો'
સલમાન એટલું જ કહે છે ડ્રગ્સથી દૂર રહેજો નહીં તો બરબાદ થઈ જશો. પોતાના જેવા કોઈના હાલ ના થાય એ માટે સલમાન સૌને ચેતવે છે. તે એટલું જ કહે છે કે, જિંદગી ખુબ જ મહત્ત્વની છે, પરિવાર મહત્ત્વનો છે, એને સાચવો, સંભાળો અને આનંદથી રહો.

અન્ય સમાચારો પણ છે...