દેશમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 2 લાખ 34 હજારને પાર કરી ગયો છે. ગુજરાતમાં પણ રોજેરોજના કેસ લગભગ 10 હજાર થઈ ચૂક્યા છે. દરેકને એવો સવાલ થાય છે કે, અચાનક આવું કેમ થઈ ગયું? આ વિકટ સ્થિતિમાં એવો સવાલ થાય કે, કોરોનાની બીજી લહેર અચાનક ખતરનાક કેમ બની ગઈ?
એક્સપર્ટના મતે આ માટે કોરોનાનો વેરિઅન્ટ B.1.617 જવાબદાર હોય શકે છે.
કારણ કે, આ વેરિઅન્ટમાં એક નહીં પણ બે મ્યુટેશન છે. બે પૈકી એક મ્યુટેશન છે E482Q અને બીજું છે L452R. આ બન્ને મ્યુટેશન વાઇરસના સ્પાઈક પ્રોટિનમાં જોવા મળ્યા છે. સ્પાઈક પ્રોટિનની મદદથી વાઇરસ હ્યુમન સેલમાં ચિપકી જાય છે. અને ત્યારબાદ શરીરના વિવિધ અંગો પર એટેક કરે છે.
ભારતમાં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં આ વેરિઅન્ટ જોવા મળ્યો હતો.
5 ઓક્ટોબર 2020ના રોજ ભારતીય વૈજ્ઞાનિકે આ વેરિઅન્ટને સૌથી પહેલાં મહારાષ્ટ્રમાં ટ્રેસ કર્યો હતો. સોમવારે આ વેરિઅન્ટ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ડિટેઈલ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. WHOના વૈજ્ઞાનિકોએ પણ આ વેરિઅન્ટ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
પણ આ વેરિઅન્ટ ઘાતક બનવાનું કારણ મ્યુટેશન છે. આ મ્યુટેશન એટલે શું તે સમજીએ
મ્યુટેશન એટલે વાઇરસનું બંધારણ અથવા તો સ્વરૂપ. ઈવોલ્યુશનરી બાયોલોજી મુજબ કોઈપણ વાઇરસ સમયની સાથે સ્વરૂપ બદલે છે. કેટલાક મ્યુટેશન વાઇરસને નબળો પાડે છે, તો કેટલાક તેને ખુબ જ શક્તિશાળી બનાવે છે. વાઈરસ શક્તિશાળી બને તો સંક્રમણ ઝડપથી ફેલાય છે અને માણસ પર તેનો પ્રભાવ વધુ ખતરનાક બને છે.
જો કે, ડબલ મ્યુટેંટ ફેલાવાના પણ ચોક્કસ કારણ છે
એક્સપર્ટના મતે સૌથી મહત્ત્વનું કારણ છે, લોકોની બેદરકારી. બીજું છે ઓછું વેન્ટીલેશન, એટલે કે, ખુલી હવામાં વાઇરસ ઓછો ફેલાય અને બંધ રૂમમાં વધુ. ડબલ મ્યુટેશન માટે ત્રીજું એક કારણ UK સ્ટ્રેન પણ હોય શકે છે. જો કે હજુ સુધી તેને સત્તાવાર સમર્થન મળ્યું નથી.
હવે સમજીએ કે, આ વેરિઅન્ટ કઈ દેશ-દુનિયામાં કઈ રીતે ભરડો લઈ રહ્યો છે.
વેબસાઈટ ટ્રેકર ‘આઉટબ્રેક ડોટ ઈન્ફો’ મુજબ જાન્યુઆરીમાં ભારતના સેમ્પલ સિક્વન્સમાં આ વેરિઅન્ટ નામ માત્રનો જ હતો. પરંતુ એપ્રિલ સુધીમાં 52 ટકા કેસમાં આ વેરિઅન્ટ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રની કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ જિનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અનુરાગ અગ્રવાલના મતે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સેમ્પલ સિક્વન્સમાં આ વેરિઅન્ટની ટકાવારી 61 ટકા સુધી છે.
અત્યાર સુધીમાં દેશના દસ રાજ્યોમાં આ વેરિઅન્ટ જોવા મળ્યો છે.
જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં દેશભરમાં સૌથી વધુ કેસ આ વેરિઅન્ટના જ આવે તેવી શક્યતા છે.
ભારત જ નહીં દુનિયાના અનેક દેશોમાં પણ આ વેરિઅન્ટ પગપેસારો કરી ચૂક્યો છે.
આઉટબ્રેક. ઈન્ફોના રિપોર્ટ મુજબ આ વેરિઅન્ટ દસથી વધુ દેશોમાં પહોંચી ચુક્યો છે. જેમાં ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, જર્મની, સિંગાપુર, આયર્લેન્ડ અને નામિબિયા સહિતના દેશો સામેલ છે.
તમને એવો પણ સવાલ થતો હશે કે, કોરોનાના અન્ય વેરિઅન્ટની સામે આ વેરિઅન્ટ કેટલો ખતરનાક છે?
હાવર્ડ મેડિકલ સ્કૂલના પૂર્વ પ્રોફેસર વિલિયમ એ. હૈસલટાઈનને ફોર્બ્સમાં લખ્યું છે કે, B.1.617 વેરિઅન્ટમાં ખતરનાક વાઇરસના તમામ લક્ષણો છે. તેને ઓળખવા અને રોકવા અંગે પુરતા પ્રયાસ કરવા પડશે.
સૌથી મોટો સવાલ, શું આ બહુરૂપી વાઇરસથી વેક્સિનેશન પર કોઈ અસર થશે?
આ બધો જ દારોમદાર ‘ઈમ્યુન ઈસ્કેપ’ની ખાસિયત પર રહેલો છે. જ્યારે કોઈ વેક્સિન વાઇરસ પર અસર ન કરે તો તેને ‘ઈમ્યુન ઈસ્કેપ’ કહેવાય છે. વેક્સિનેશન અથવા સંક્રમિત થયા બાદ, શરીરમાં બનેલા એન્ટિબોડી ‘ઈમ્યુન ઈસ્કેપ’ની ખાસિયત વાળા વેરિઅન્ટ પર અસર કરતા નથી. જો B.1.617 વેરિઅન્ટમાં આ ખાસિયત હોય તો વેક્સિન પાછળની મહેનત વ્યર્થ સાબિત થઈ શકે છે. આ દિશામાં હાલ રિસર્ચ ચાલી રહ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.