ભાસ્કર એક્સક્લૂસિવ'બ્રહ્મભટ્ટ તું ગમે તે કર, આને ફાંસી થવી જોઈએ':કૂવામાંથી બેરલ કાઢીને જોયું તો અંદર 21 ટુકડામાં માતા-દીકરીની કોહવાયેલી લાશ હતી, હાથ પર HB લખ્યું હતું

અમદાવાદ19 દિવસ પહેલાલેખક: સારથી એમ.સાગર

આજથી 10 વર્ષ પહેલાંનો આ બનાવ છે. તારીખ 12 ફેબ્રુઆરી 2013ના રોજ ભિલોડા તાલુકાના રામનગર ખાતે અશોકભાઈ પટેલ નામના યુવાન પોતાના ખેતરે જતા હતા. એ વખતે બાજુમાં આવેલા ખેતરના કૂવામાંથી દુર્ગંધ આવતાં અશોકભાઈ પટેલ ટ્રેક્ટર ઊભું રાખી જોવા ગયા. કૂવામાં ડોકિયું કર્યું તો પ્લાસ્ટિકનું મોટું બેરલ તરતું હતું, જેના પર લોહીના ડાઘા દેખાતા હતા. આ દૃશ્ય જોઈને અશોકભાઈ પટેલના પગ ધ્રૂજવા લાગ્યા. તેમણે તરત પોલીસને જાણ કરી.

આ ઘટનાનાં 10 વર્ષ બાદ એટલે બે દિવસ પહેલાં 8 જાન્યુઆરી, 2023ના રોજ આ કેસનો ચુકાદો આવ્યો. પરિણીતા અને પાંચ વર્ષની દીકરીની બર્બરતાભરી હત્યાના આ ચકચારી કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેસની સજા ફટકારી છે. પોલીસને આ કેસ ઉકેલવામાં નાકે દમ આવી ગયો હતો.

આ અંગે દિવ્ય ભાસ્કરે ડબલ મર્ડરની તપાસ કરીને આરોપીને સજા સુધી લઈ જનારા ત્યારના પીએસઆઇને હાલ પેટલાદ પોલીસ સ્ટેશનના પીઆઈ કેતન બ્રહ્મભટ્ટ સાથે વાત કરી હતી, એમાં સિલસિલાબંધ વિગતો બહાર આવી હતી. ફિલ્મની વાર્તાને પણ ટક્કર મારે એવા સનસનાટીભર્યા આ બનાવની વિગત તમને બેઘડી વિચારતા કરી દેશે....

આરોપી SRP જવાન અરવિંદ.
આરોપી SRP જવાન અરવિંદ.

લાશ મળ્યાનો મને મેસેજ આવ્યો
પીઆઇ બ્રહ્મભટ્ટ કહે છે, '12 ફેબ્રુઆરી 2013ના રોજ હું હિંમતનગર ખાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતો હતો. આ દરમિયાન ભિલોડા પોલીસ સ્ટેશનથી મેસેજ મળ્યો કે એક કૂવામાંથી વણઓળખાયેલી એક બાળકી અને એક સ્ત્રીની લાશો મળી આવી છે, જે ટુકડા કરેલી હાલતમાં છે. એ વખતે અમારા PI ડીપી ચૂડાસમા હતા, તેમણે મને સૂચના આપી કે ત્યાં જઇ લાશની ઓળખ કરી આરોપી પકડવામાં ભિલોડા પોલીસની મદદ કરો. ઘટના શંકરપુરા ગામમાં માંકડી ડેમની પાછળના ભાગમાં બની હતી.

પીઆઇ બ્રહ્મભટ્ટ કહે છે, હું ત્યાં પહોંચ્યો ત્યારે ભિલોડા પોલીસે કૂવામાંથી બેરલ બહાર કાઢ્યું. બેરલ ખોલતાં જ અરેરાટી છૂટી જાય એવો સીન સામે આવ્યો, કેમ કે અંદરથી માનવશરીરના 21 ટૂકડા નીકળ્યા. ત્યાં એટલી દુર્ગંધ આવતી હતી કે ઊભું પણ નહોતું રહેવાતું. મેં ભિલોડા પોલીસને લાશના 21 ટુકડા ગોઠવવામાં મદદ કરી, જેમાંથી હાથના એક ટુકડા પર HB લખેલું હતું.

ખેતરમાલિકની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે તપાસ હાથ ધરી. શરૂમાં અમે ક્રાઇમ બ્રાન્ચવાળા કે ભિલોડા પોલીસ કોઈપણ લાશની ઓળખ કરી શક્યા નહીં. આખો બનાવ ચકચારી અને ગંભીર હોવાથી તત્કાલીન SP ચિરાગ કોરડિયાએ તપાસ LCBને સોંપી હતી. તપાસ મારી પાસે આવી. SP અને PI બંને મને સૂચના અને માર્ગદર્શન આપતા હતા.

તપાસ કરનાર તત્કાલીન PSI અને હાલ PI કેડી બ્રહ્મભટ્ટ.
તપાસ કરનાર તત્કાલીન PSI અને હાલ PI કેડી બ્રહ્મભટ્ટ.

લાશની ઓળખ કરવી મોટો પડકાર હતો
પીઆઇ બ્રહ્મભટ્ટ કહે છે, સૌથી મોટો પડકાર બોડીની ઓળખ કરવાનો હતો. જ્યાં સુધી ઓળખ ન થાય ત્યાં સુધી આરોપી મળવાનો જ નહોતો. ડેડબોડી ડીકમ્પોઝ થઈ ગઈ હતી, વાસ આવતી હતી. સાચવી શકાય એમ નહોતી. ફિંગરપ્રિન્ટ કે લોહીના સેમ્પલ મળતાં નહોતાં. ઘણી તકલીફો હતી. લાશના એક ટુકડામાં ડાબા હાથમાં કોતરાવેલું HB હજુ મારા મગજમાંથી નીકળતું નહોતું. અમે બેરલ, એમાંથી મળી આવેલાં કપડાં અને HB લખેલા હાથનો ફોટાની તસવીરો સાથેના 5 હજાર પેમ્ફલેટ છપાવ્યા, જેનાં આજુબાજુનાં ગામડાં, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, રિક્ષા- જીપવાળામાં વહેંચ્યાં. જાહેર સ્થળોએ પણ પેમ્ફલેટ ચોંટાડી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. એ વખતે ભિલોડા પોલીસ, SOG અને LCBની 10 ટીમ, જેમાં 40 જેટલા માણસો તપાસમાં જોડાયેલા હતા.

કયા એંગલ પર ફોકસ કર્યું?
સવાલ હતો કે આવું હિન કૃત્ય કોણ કરી શકે? જે રીઢો ગુનેગાર હોય, તુમાખીવાળો સ્વભાવ હોય અથવા પત્નીના ચારિત્ર્ય બાબતે શંકા હોય એવી કોઈ વ્યક્તિ આવી હત્યા કરી શકે. એ એંગલથી અમે આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા હતા. ઉપરાંત જેલમાંથી જામીન, પેરોલ પર છૂટીને આ ગુનો કર્યો હોય એ એંગલ પણ તપાસમાં લીધો. જેલોમાંથી પેરોલ પર છૂટેલા કેદીઓનાં લિસ્ટ મગાવી એ ખાતરી પણ કરી. આંગણવાડીઓમાં તપાસ કરી કે આવી કોઈ દીકરી મિસિંગ છે? સીઆઇડી ક્રાઇમના મિસિંગ લોકો પણ ફંફોળ્યા હતા.

લાશની ઓળખ ન થાય ત્યાં સુધી તમે હિંમતનગર ન આવતા
અમારા પીઆઇ અને હાલમાં DySP ચૂડાસમાએ અમને એવી સૂચના આપી હતી કે જ્યાં સુધી લાશની ઓળખ ન થાય ત્યાં સુધી તમારે હિંમતનગર આવવાનું નહીં. એ પછી લગભગ 8 દિવસ અમે હિંમતનગરમાં એન્ટર જ નહોતા થયા. નવમા દિવસે અમને એક લિન્ક મળી. જીપમાંથી કોઈ મુસાફરને પેમ્ફલેટ મળતાં તેમણે મૃતક મહિલાનાં બહેન સુધી એ પહોંચાડ્યું હતું, જેના આધારે દક્ષાબેન નામની મહિલા પોલીસ સ્ટેશન આવ્યાં અને કહ્યું કે આ લાશ મારી બહેન અને તેની દીકરીની છે. એ બંને છેલ્લા 8-10 દિવસથી મારા સંપર્કમાં નથી. તેમને કપડાં, ફોટો વગેરે બતાવતાં તેમણે કન્ફર્મ કર્યું કે આ ડેડબોડી મારી બહેન હસુમતી બાબુલાલ અને તેની પુત્રી બબુ ઉર્ફે ભારતીની છે.

મૃતક હસુમતીબેન અને દીકરી ભારતી.
મૃતક હસુમતીબેન અને દીકરી ભારતી.

આરોપીને દબોચી લીધો, પણ...
ડેડબોડી આઇડેન્ટિફાઇ કર્યા બાદ પૂછપૂછરમાં દક્ષાબેને કહ્યું હતું કે મારી બહેન હસુમતીબેન અને તેના પતિ અરવિંદ વચ્ચે એકાદ મહિનાથી ઝઘડો ચાલતો હતો. આ માહિતીના આધારે અમારી પ્રથમ શંકા પતિ અરવિંદ તરફ જ ગઈ. એની તપાસ કરી તો રજા પૂરી થવા છતાં નોકરીએ પર હાજર નહોતા થયો. દીકરી ગાંધીનગર ખાતે કેમ્પસમાં ભણતી હતી. એ પણ સ્કૂલે નહોતી આવતી. એના મોબાઈલ સ્વિચ ઓફ હતા. શંકા દૃઢ બનતી ગઈ. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને અમે અરવિંદને શોધી લીધો.

આરોપીને તોડવામાં નાકે દમ આવી ગયો
પૂછપરછ કરી, પણ મૃતક મહિલાનો પતિ અરવિંદ કંઈ બોલવા તૈયાર નહોતો. એવું જ કહ્યા કરતો કે 'મને ખબર નથી'. 'તે તેના પિયર ગઈ છે.' 'મારી જાણમાં કશું નથી.' મૂળ તે SRPમાં ASI અને પોલીસનો માણસ હતો એટલે પોલીસની ટ્રિક અને ટેક્નિકથી વાકેફ હતો. સાઇકોલોજિકલી તેમને તોડી પાડવામાં ઘણી મહેનત કરવી પડી. તે માનસિક રીતે ઘણો મજબૂત હતો. મને બરોબર યાદ છે કે ત્રણ દિવસની સતત મહેનત બાદ તે થોડો ઢીલો પડ્યો અને પોતાનો ગુનો કબૂલી લીધો.

કેવી રીતે આપ્યો હતો ઘટનાને અંજામ?
હસુમતીબેન અને અરવિંદ બંનેના આ બીજા લગ્ન હતાં. અરવિંદની પહેલી પત્ની પરિવાર સાથે વાંકાનેર છાપરા ખાતે રહેતી હતી. તેને ત્રણ સંતાન હતાં,. જે આર્મી અને પોલીસમાં તથા મિકેનિકલ એન્જિનિયર થયેલા હતા. જ્યારે હસુમતીબેન ગાંધીનગર ખાતે તેમની સાથે રહેતાં હતાં. તેમની વચ્ચે નક્કી થયેલું કે પહેલી પત્ની ગાંધીનગર નહીં આવે અને બીજી પત્ની વાંકાનેર છાપરા નહીં જાય. એ દરમિયાન અરવિંદની પહેલી પત્નીથી થયેલા દીકરાના લગ્ન હતા, જેમાં આવવા માટે હસુમતીબેને જીદ પકડી. એને લઈને બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો, જે તેમને મોત તરફ લઈ ગયો.

તત્કાલી પીઆઇ અને હાલ ડીવાયએસપી ડીપી ચૂડાસમા.
તત્કાલી પીઆઇ અને હાલ ડીવાયએસપી ડીપી ચૂડાસમા.

ગાંધીનગરના સરકારી ક્વાર્ટરમાં ખેલાયો ખૂની ખેલ
અરવિંદે પૂછપરછમાં કબૂલ્યું કે 7મી તારીખે તેમનો મોટો ઝઘડો થયો હતો. ત્યારે અરવિંદે બેકફૂટ પર જઇ થોડું કોમ્પ્રોમાઇઝ કર્યું, પણ બીજા દિવસે 8 તારીખે બપોરે હસુમતીબેન ગાંધીનગર સેક્ટર 30 ખાતે સરકારી મકાનમાં સૂતાં હતાં. એ સમયે તેમના ગળા પર છરી ફેરવીને તેને જીવતા રહેંસી નાખ્યાં હતાં. લાશના નિકાલ કરવા માટે તેમના ટુકડા કર્યા. એ દરમિયાન તેમની પેરેલાઇઝ્ડ દીકરી ભારતી એ બધું જોઈ ગઈ, એટલે તેને પણ મારી નાખી. પછી બંનેની લાશના કુલ 21 ટૂકડા કર્યા. એને પ્લાસ્ટિકના બેરલમાં ભરી એના પર કપડાં-ચાદર, સ્વેટર વગેરે ભરી દીધા. અરવિંદે પાડોશીઓને 'પોતાનું પ્રમોશન આવે છે અને દીકરાના લગ્ન છે એટલે સામાન લઈ જવાનો છે' એવું કહ્યું. અરવિંદ અન્ય સામાન સાથે બેરલ પણ ગાંધીનગરથી પોતાના ભિલોડા ખાતેના ઘરે લઈ ગયો. રાત્રે બધો સામાન ઉતારીને બેરલ બહાર આંગણમાં મૂકી રાખ્યો. બાદમાં 9 ફેબ્રુઆરીએ વહેલી સવારે 3 મિત્રની મદદથી ડેમની નજીક આવેલા કૂવામાં નિકાલ કરી દીધો.

આરોપીના ચહેરા પર પસ્તાવો નહોતો
પૂછપરછ દરમિયાન અને એ પછી પણ 2-3 વખત જેલ વિઝિટમાં, કોર્ટમાં મળ્યો ત્યારે પણ પસ્તાવો કે દુઋખની લાગણી નહોતી. તે માનસિક અને શારીરિક બંને રીતે અતિશય મજબૂત હતો. મિત્રો સામે પણ ફરિયાદ દાખલ કરી એરેસ્ટ કર્યા હતા. 4થી 6 મહિના જેલવાસ તેમણે ભોગવ્યો હતો. તેમનો રોલ પોતાની જાણ બહાર અથવા જાણથી પુરાવાના નાશ પૂરતો હતો, પરંતુ પોલીસને જાણ નહોતી કરી. તેમને શંકાનો લાભ આપી કોર્ટે છોડી દીધા.

જ્યારે તપાસમાં મોટો ટ્વિસ્ટ આવ્યો
આ કેસમાં પણ એક વખત જબ્બર ટ્વિસ્ટ આવ્યો હતો. અમે લાશની ઓળખ માટે પ્રયત્નો કરતા હતા. એ દરમિયાન એક વૃદ્ધે કહ્યું કે 'આ દીકરી મારી છે, પણ નાની બાળકી કોની છે એ મને ખબર નથી.' વૃદ્ધ બહુ જ કોન્ફિડન્સથી વાત કરતા હતા. અમે વિચાર્યું કે દીકરી કદાચ કોઈ બીજાની હશે. યુવતીની લાશ તેમને આપી દઈએ. એ અંગે અધિકારીઓ સાથે ચર્ચા થઈ. લાશ તેમને આપવાનું પણ નક્કી થઈ ગયું. એ દરમિયાન વૃદ્ધ વાત કરતા હતા એ જ યુવતી એક દિવસ પોલીસ સ્ટેશન આવીને ઊભી રહી ગઈ અને કહ્યું કે 'મારા ઘરમાં કંકાસ થયો હતો એટલે હું નીકળી ગઈ.' એ યુવતી થોડી પણ લેટ પડી હોત તો મૃતદેહ અપાઈ ગયો હોત. તેના અગ્નિસંસ્કાર પણ થઈ ગયા હોત અને પિકચર કંઈક અલગ હોત.

તત્કાલી એસપી અને હાલ રેન્જ આઇજી ચિરાગ કોરડિયા.
તત્કાલી એસપી અને હાલ રેન્જ આઇજી ચિરાગ કોરડિયા.

'બ્રહ્મભટ્ટ તું ગમે તે કર'
શરૂઆતથી જ આરોપીને ફાંસીની સજા થવી જોઈએ એવો આગ્રહ SP સરનો, તેમનો હતો. મને આજે પણ તેમના શબ્દો યાદ છે, 'બ્રહ્મભટ્ટ તું ગમે તે કર.' અને ચૂડાસમા સરને પણ કહેતા કે તમે ગમે તે કરો, પણ આને ફાંસી થવી જોઈએ. એનાથી નીચે કઈ થયું તો મને દુઃખ થશે. આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણવો.' અમે 20 પંચનામા કર્યા. કોર્ટ ટ્રાયલ દરમિયાન હોસ્ટાઇલ ન થાય એવાં મજબૂત પંચો રાખ્યાં. તપાસ દરમિયાન ચૂડાસમા સરે નાની નાની ઘણી વિગતોનું ધ્યાન રખાવ્યું હતું, જેથી ગુનાની તપાસમાં ઊણપને લઈને આરોપી શંકાનો લાભ લઈ નિર્દોષ ન છૂટે. એ હેમરિંગ કરીને સૂચનાઓ આપતા હતા. એ વખતે થતું કે સર આવું કેમ કરે છે?

પત્ની પણ કહેતી આટલી તૈયારી કરી હોત તો IPS બની ગયા હોત
આ કેસમાં રાત્રે 3-4 વાગ્યા સુધી જાગીને તૈયારી કરીને ગયો છું. ઘણી વખત મારાં પત્ની પણ કહી દેતાં કે છાનામાના સૂઈ જાઓ. આટલી તૈયારી કરી હોત તો IPS બની ગયા હોત. હું કહેતો કે આ IPS કરતાં પણ વધારે છે. કારણ કે આરોપી નિર્દોષ છૂટશે તો આત્માને ડંખશે.

કોર્ટમાં...
લગભગ બે મહિના પહેલાં જ મારી છેલ્લી મુદત હતી. બપોરે પોણાબાર વાગ્યે શરૂઆત થઈ. એ બે કલાક ચાલ્યું. અઢી વાગ્યે ફરી ચાલુ થયું તો છ વાગ્યા સુધી ચાલ્યું. ડિફેન્સ વકીલ ઘણા હોશિયાર હતા. એ મારા કરતાં પણ વધારે મહેનત કરીને આવ્યા હતા. નાની નાની વસ્તુઓમાં ક્રોસ વેરિફિકેશન કરીને એટલું બેકફૂટ પર લઈ જવા પ્રયત્ન કરતા હતા કે ન પૂછો વાત. ગુનો મેં કર્યો હોય અને આરોપી હું હોઉં એવું ફીલ થતું હતું. કોર્ટમાં વિટનેસ બોક્સમાં પરસેવો વળી ગયો હતો અને હાથરૂમાલ પાણીમાં ડબોળ્યો હોય એવો ભીનો થઈ ગયો હતો. સરકારી વકીલ અને ડિફેન્સ લોયર વારાફરતી બદલાયે રાખતા હતા. મેજિસ્ટ્રેટ બેઠેલા હોય એટલે એ દિવસે 5 કલાક હું જ ઊભો હતો.

મારી નોકરીને દોઢ-બે વર્ષ જ થયાં હતા
હું 2011માં સાબરકાંઠા પોલીસ સ્ટેશનમાં ફરજ પર આવ્યો અને વર્ષ 2013માં આ બનાવ બન્યો. મારી નોકરીનો સમય હાર્ડલી દોઢ-બે વર્ષનો હતો અને અનુભવ ઓછો હતો. એટલે મારા માટે એ મોટું ટાસ્ક હતું. ચૂડાસમા સર એકદમ અનુભવી હતા. તેમણે ઘણી મદદ કરેલી. રાઈટર મહેન્દ્રસિંહ અને વીરભદ્રસિંહે પણ ઘણી મદદ કરી હતી. બર્બરતાભરી હત્યા કરનાર ગુનેગારોને સજા અપાવી એનો મને આજ સંતોષ છે.

અન્ય સમાચારો પણ છે...