5G ફોન લેવાય કે નહીં ?:4G ફોન બદલવાની ઉતાવળ કરાય નહીં, 5G ફોન ખરીદતાં પહેલાં આટલી વાત જાણી લો; તમારા માટે ખરેખર 5G જરૂરી છે ?

8 મહિનો પહેલાલેખક: યશપાલ બક્ષી
  • એક વર્ષ પહેલાં 5G ફોન લોન્ચ થયા ત્યારે ફીચર ઓછા આવતા હતા
  • હવે 20 હજારથી લઈ 1.25 લાખ સુધીના ફોન મળે છે
  • અત્યારે લેટેસ્ટ ફોન મોડલ સાથે કંપનીઓ ચાર્જર વાયર આપે છે, પણ એડેપ્ટર નથી આપતી

5G...5G...5G... બહુ સંભળાયું છે અને હજુ પણ સંભળાય છે. આવતા મહિને 26 જુલાઈએ 5G સ્પેક્ટ્રમની હરાજી થશે અને ભારતનાં 13 શહેરમાં પ્રાથમિક તબક્કે 5G શરૂ થશે. આ શહેરોમાં સફળતા મળે પછી બીજાં શહેરોમાં પણ 5G નેટવર્ક મળતું થઈ જશે. ભારતનાં આ 13 શહેરમાં ગુજરાતનાં ત્રણ શહેર છે. અમદાવાદ, ગાંધીનગર અને જામનગર. 5Gને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે છતાં આવનારો સમય 5Gનો જ છે, એમ માનીને લોકોનો પ્રવાહ 5G ફોન ખરીદવા તરફ ધસી રહ્યો છે, પણ શું અત્યારે ઉતાવળે 5G ફોન લેવાય ? શું 5Gના પ્લાન સસ્તા હશે ? 4Gની કોઈ વેલ્યુ જ નહીં રહે ? આ અને આવા ઘણા સવાલો તમારા મનમાં થતા હશે, એના જવાબ આપવાનો અહીં પ્રયાસ કરાયો છે.

5G શું છે અને એ ક્યારથી શરૂ થશે ?
5G એ ઈન્ટરનેટની સ્પીડ માટેની નવી ઓળખ છે. જેમ જેમ નવી ટેકનોલોજી આવતી જાય તેમ તેમ ઓળખ બદલાતી જાય, જેમ કે પહેલાં 2G આવ્યું, પછી સારી ઈન્ટરનેટ સ્પીડ સાથે 3G આવ્યું અને પછી અત્યારે જે મોટા ભાગના લોકો વાપરે છે એ 4G નેટવર્ક આવ્યું. હવે એનાથી આગળ 5Gનું નેટવર્ક આવી રહ્યું છે. 5G એટલે ફિફ્થ જનરેશન. આ ઇન્ટરનેટ સ્પીડ માટેની ઓળખ છે. અત્યારે આપણે જે 4G ઇન્ટરનેટ વાપરીએ છીએ એનાથી દસ ગણી સ્પીડ 5Gમાં હશે. અત્યારે ફુલ એચ.ડી.માં 2GBની મૂવી ડાઉનલોડ કરતાં 15-20 મિનિટ જેટલો સમય થાય છે, 5Gમાં આ જ મૂવી 25 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે. તળપદી ભાષામાં કહીએ તો નેટ 'ઘાયોઘા' હાલશે.
ભારત સરકારનો ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ આ માટેના ફ્રિકવન્સી બેન્ડ અને લાઇસન્સ આપશે અને એની હરાજી થશે. વોડાફોન-આઈડિયા, જિયો, એરટેલ અને કેટલીક ટેલિકોમ કંપનીઓ ભાગ લઈ 5Gના હક્ક ખરીદી લેશે અને આ કંપની 5Gના નવાં સિમકાર્ડ બહાર પાડશે. આ સિમકાર્ડ 5G ફોનમાં જ ચાલશે. તમારી પાસે 4G ફોન હોય તો એમાં 5G સીમ નહીં ચાલે, પણ 5G ફોન હશે એ તેમાં 4G સિમકાર્ડ ચાલશે.

5G શરૂ થશે તો તમને શું ફાયદો થવાનો છે?
5G ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ઘણાબધા ફેરફાર દેખાશે અને અલગ જ દુનિયાનો અનુભવ થશે. આનાથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. જે કામ અત્યારે ધીમેધીમે થાય છે એ વધારે ઝડપથી થશે. માનો કે તમે વર્ક ફ્રોમ હોમ કરો છો અને એક મોટી સાઇઝની ફાઈલ મોકલતાં એટેચ કરતાં તમને 20 મિનિટનો સમય લાગે છે, એ માત્ર 15 સેકન્ડમાં એટેચ થઈ જશે. એટલું ઝડપથી આ નેટવર્ક કામ કરશે કે આંખના પલકારામાં બધું કામ થઈ જશે. માણસોના વિચારો કરતાં પણ તેજ 5Gનું નેટવર્ક રહેશે. કોઈને વીડિયો ફાઈલ મોકલવી હોય તો પણ કહેવું પડે કે બહુ વાર લાગશે... ફાઈલ મોટી છે, પણ 5Gમાં એવું નહીં થાય. ગમે તેવી મોટી ફાઈલ હશે તોપણ પળવારમાં અપલોડ અને ડાઉનલોડ થઈ જશે.
20 હજારથી લઈ 1.25 લાખ રૂપિયા સુધીના 5G ફોન
5G ફોન આમ તો એક વર્ષથી માર્કેટમાં મળતા થયા છે, પણ છેલ્લા ચાર મહિનામાં એની ડિમાન્ડ વધી છે. છેલ્લા બે મહિનામાં તો 30 ટકાનો ઉછાળો આવ્યો છે. મોબાઈલ શોરૂમના વેપારીઓએ જણાવ્યું હતું કે 20 હજારથી લઈ 1.25 લાખ રૂપિયા સુધીના 5G ફોન આવે છે. 20 હજારથી નીચેની કિંમતમાં પણ ફોન છે, પણ એમાં ફીચર્સ વધારે નથી. માનો કે તમે અત્યારે 4G મોબાઈલ ફોન વાપરો છો અને અતિમહત્ત્વનાં કામ અટકતાં હોય કે વાર લાગતી હોય તો 5G ફોન લેવાય. બીજું, તમને છ મહિને, વર્ષે ફોન બદલવાની ટેવ હોય તો હમણાં 5G ન લેવાય. ચારેક વર્ષ સુધી ફોન વાપરવો હોય તો જ 5G ફોન લેવાય. તમામ કંપનીઓએ અત્યારે અલગ અલગ 5G ફોનનાં મોડલ લોન્ચ કર્યાં છે. દરેકની ખાસિચતો અલગ છે.

હવે ચાર્જર અને હેન્ડસ ફ્રી પિન નહીં
20-25 હજાર રૂપિચાના 5G ફોનમાં બે નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે, જેમાં ચાર્જિંગ કેબલ સાથે આવે, પણ એડેપ્ટર સાથે નથી આવતું. એ અલગથી લેવું પડે. બીજું. મોબાઇલમાં હેન્ડસ ફ્રી માટે જે મોટી જગ્યા આપવામાં આવે એ પિન ભરાવવાની જગ્યા જ નથી અપાતી. હવે લોકો ફોનને બ્લૂ ટૂથ હેન્ડ્સ ફ્રી સાથે કનેક્ટ કરીને વાપરતા થયા છે, એટલે કંપનીઓએ પિનની જગ્યા આપવાનું પણ બંધ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...