તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Does Owaisi's Strong Entry In Gujarat Benefit BJP Or Congress? Who Will Benefit From The Exclusion Of AM From KHAM Votebank, Who Will Suffer?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્લેષણ:ઓવૈસીની ગુજરાતમાં દમદાર એન્ટ્રીથી ભાજપને ફાળ પડે છે કે કોંગ્રેસને? KHAM વોટબેન્કમાંથી AMની બાદબાકી કોને ફળશે, કોને નડશે?

23 દિવસ પહેલાલેખક: ધૈવત ત્રિવેદી
 • કૉપી લિંક
 • ગુજરાતમાં મુસ્લિમોની વસતિના પ્રમાણમાં વિધાનસભા, લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ નથી એ મુદ્દો આ વોટબેન્કને ખેડવવામાં ઓવૈસીને સહાયભૂત થશે
 • ભરૂચ-નર્મદાની 8 જેટલી વિધાનસભા બેઠકો પર આદિવાસી-મુસ્લિમ સમુદાયનું સંખ્યાત્મક પ્રભુત્વ હાલ તો ભાજપ-કોંગ્રેસ બંનેનું ટેન્શન વધારી શકે છે
 • 2017માં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી 47 પૈકી 25 વિધાનસભા બેઠક કોંગ્રેસને મળી હતી, જેમાં 12 બેઠક પર માર્જિન 3000થી ઓછું હતું

ગુજરાત વિધાનસભાની 2022માં આવનારી ચૂંટણી પહેલાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની સેમિ-ફાઈનલનો તખતો ઘડાઈ ચૂક્યો છે. ગુજરાતમાં પરંપરાગત હરીફ ગણાતા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે વધુ બે પક્ષો આમઆદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મેજલિસ-એ-ઈત્તિહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM)એ પણ ઝુકાવ્યું છે. ઓવૈસીએ મધ્ય-દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મજબૂત પકડ ધરાવતા છોટુભાઈ વસાવાની ભારત ટ્રાઈબલ પાર્ટી (BTP) સાથે જોડાણ કર્યું છે.

આ બે પક્ષોનું જોડાણ કોંગ્રેસ સમર્થક ગણાતી આદિવાસી અને મુસ્લિમ વોટબેન્કમાં ફાચર મારવામાં નિર્ણાયક બની શકે છે. માધવસિંહે KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) થિયરી દ્વારા બનાવેલી કોંગ્રેસની અડીખમ વોટબેન્ક ભાજપના જુવાળ સામે વેરવિખેર થઈ ચૂકી છે, ત્યારે KHAMમાંથી AMની બાદબાકી કોંગ્રેસનો રહ્યોસહ્યો જનાધાર પણ છીનવી શકે છે, એથી ભાજપ છાવણી હાલ ગેલમાં હોઈ શકે, પરંતુ આ ગઠબંધન જો ટકી જાય તો ભવિષ્યમાં એ ભાજપની ચિંતા વધારનારું પણ બની શકે છે.

આવું છે ગુજરાતનું કાસ્ટ કમ્પોઝિશન
ગુજરાતમાં ઓબીસી સમાજની વસતિ સૌથી વધુ 42 ટકા જેટલી છે. એમાં ઠાકોર, કોળી જેવી જ્ઞાતિઓ પ્રભાવશાળી ગણાય છે. બીજા ક્રમે 14થી 15 ટકા સાથે આદિવાસી મતદારો છે, પરંતુ દક્ષિણ ગુજરાત, નર્મદા-ભરૂચ, ગોધરા અને સાબરકાંઠા વિસ્તાર પૂરતું તેમનું સંખ્યાત્મક પ્રભુત્વ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં આદિવાસી સમાજની કોઈ નોંધપાત્ર વસતિ નથી. ત્રીજા ક્રમે આશરે 13થી 15 ટકા સાથે પાટીદાર મતદારો છે, જે ગુજરાતમાં હંમેશાં પ્રભાવશાળી સમુદાય રહ્યો છે. પછીના ક્રમે આશરે 10 ટકા વસતિ સાથે મુસ્લિમ સમુદાય છે, પરંતુ ભાજપના ઉદય પછી ગુજરાતની રાજનીતિમાંથી મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ ક્રમશઃ ઘસાતું રહ્યું છે. અનુસૂચિત જાતિ 7-8% વસતિ ધરાવે છે અને દરેક રાજકીય પક્ષ એને નોંધપાત્ર વોટબેન્ક તરીકે સ્વીકારે છે. ક્ષત્રિય સમાજ 6 ટકા જેટલો છે, પરંતુ તેમાં ઓબીસીમાં સમાવિષ્ટ ક્ષત્રિયોને પણ ઉમેરવામાં આવે તો આ પ્રમાણ ખાસ્સું ઊંચું જાય છે. બ્રાહ્મણ, વાણિયા, લોહાણા, જૈન વ. 4થી 7 ટકામાં સ્થાન પામે છે અને આ સમુદાય મોટા ભાગે ભાજપની કમિટેડ વોટબેન્ક ગણાય છે.

માધવસિંહની KHAM થિયરી કેમ અભૂતપૂર્વ હતી?
એંશીના દાયકામાં માધવસિંહ સોલંકીએ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ વોટબેન્કને ધ્યાનમાં રાખીને KHAM થિયરી અમલમાં મૂકી હતી. અહીં એ પણ નોંધવું જોઈએ કે ત્યારે ક્ષત્રિય સમાજમાં OBCનું પેટાવિભાજન થયું ન હોવાથી ક્ષત્રિય સમાજની વસતિની ટકાવારી આશરે 14 ટકા જેટલી હતી. એ હિસાબે આ ચાર સમુદાયની કુલ 48 ટકાની વોટબેન્ક કોંગ્રેસની તરફેણમાં લાવીને માધવસિંહે ગુજરાત વિધાનસભાની 149 બેઠકો અંકે કરી હતી, જે આજે પણ અતૂટ વિક્રમ છે. KHAM થિયરીને લીધે ગુજરાતની રાજનીતિમાંથી પાટીદારોને પોતાનો એકડો નીકળી જતો હોવાનું અનુભવાયું. પરિણામ એ આવ્યું કે અનામતવિરોધી આંદોલનને પગલે પાટીદારોની આગેવાની હેઠળની સવર્ણોની વોટબેન્ક ભાજપના સમર્થનમાં ગઈ અને એ રીતે ગુજરાતની રાજનીતિમાં ભાજપનો ઉદય થયો, જે આજે ગુજરાતમાં અપરાજય મનાય છે.

મુસ્લિમોનું પ્રતિનિધિત્વ સતત ઘટ્યું

 • ગુજરાતમાં મુસ્લિમોની વસતિ 10 ટકા જેટલી છે. સંખ્યાના હિસાબે જોઈએ તો ગુજરાત વિધાનસભામાં પણ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ 15થી 18 બેઠકો જેટલું હોવું જોઈએ, પરંતુ ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં કદી એટલા મુસ્લિમો ધારાસભ્ય બન્યા નથી.
 • માધવસિંહે જેમાં વિક્રમજનક બેઠકો મેળવી હતી એ 1985ની ચૂંટણીમાં 9 મુસ્લિમો વિધાનસભામાં પ્રવેશ્યા હતા. વિધાનસભામાં મુસ્લિમોના પ્રતિનિધિત્વનો એ સૌથી ઊંચો આંકડો છે.
 • ભાજપે 1995માં માંગરોળ (સૌરાષ્ટ્ર) બેઠક પરથી શહેનાઝ બાબીને ટિકિટ આપી હતી અને તેઓ પરાજિત થયાં હતાં. એ પછી છેલ્લાં 25 વર્ષથી ભાજપે એકપણ મુસ્લિમને ટિકિટ આપી નથી.
 • સામા પક્ષે કોંગ્રસે ટિકિટ આપી હોવા છતાં મુસ્લિમ ઉમેદવારોની વિધાનસભામાં સંખ્યા સતત ઘટતી રહી છે.
 • 2002માં 3, 2007માં 5, 2012માં 2 અને 2017માં 3 મુસ્લિમો વિધાનસભામાં પ્રવેશવામાં સફળ નીવડ્યા હતા.
 • લોકસભામાં તો મુસ્લિમોનું પ્રતિનિધિત્વ વિધાનસભાથી પણ કમજોર રહ્યું છે. છેલ્લે 1984માં ભરૂચ બેઠક પરથી અહમદ પટેલ લોકસભામાં ચૂંટાયા હતા. એ પછી આજ સુધી ગુજરાતની 26 પૈકી એકપણ બેઠક પર મુસ્લિમ ઉમેદવાર જીત્યા નથી.

ઓવૈસી ફેક્ટર કોંગ્રેસ માટે ભયજનક
ગુજરાતના ચૂંટણીકારણમાં અસદુદ્દીન ઓવૈસીના AIMIMની હાજરી માત્રથી કોંગ્રેસના પેટમાં ફફડાટના ગૂંચળાં વળતાં હોય તો નવાઈ નથી, કારણ કે મુસ્લિમ મતદારો માટે અત્યારસુધી કોંગ્રેસ સિવાય કશી આશા હોતી નથી અને કોંગ્રેસનું કમજોર નેતૃત્વ સત્તા મેળવવામાં તો નિષ્ફળ રહે જ છે, અસરકારક વિપક્ષ પણ સાબિત થઈ શકતું નથી. એ સંજોગોમાં ફાયરબ્રાન્ડ અને વિવાદાસ્પદ વિધાનો કરીને આક્રમક રૂખ અપનાવવા માટે જાણીતા ઓવૈસીની ગુજરાતમાં હાજરી કોંગ્રેસની મુસ્લિમ વોટબેન્કમાં મોટી ફાચર મારી શકે છે. ઓવૈસીએ ગુજરાતમાં છોટુભાઈ વસાવાની BTP સાથે ચૂંટણીજોડાણ કર્યું એ પણ વ્યૂહાત્મક રીતે ભાજપ કરતાંય વધુ તો કોંગ્રેસ માટે નુકસાનકારક મનાય છે.

મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠક કેટલી?
ગુજરાતના 3 જિલ્લા કચ્છ, ભરૂચ અને અમદાવાદ એવાં છે, જ્યાં મુસ્લિમ વસતિ નોંધપાત્ર છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 47 બેઠકો એવી છે, જ્યાં મુસ્લિમ મતદારોનું પ્રમાણ 10થી 30 ટકા અને કેટલીક બેઠક પર એથી પણ વધારે છે. સ્વાભાવિક રીતે જ આ બેઠકો પર મુસ્લિમ મતદારો ચૂંટણી પરિણામમાં નિર્ણાયક બની શકે છે. ઓવૈસીની પાર્ટી આ બેઠકો પર નજર જમાવીને બેઠી છે. હવે મુસ્લિમ મતદારોની ટકાવારીના હિસાબે બેઠકોની સંખ્યા અને ગત ચૂંટણીનાં પરિણામો જોઈએ.

10-15% મુસ્લિમ મતદારો
આવી કુલ 26 બેઠકો છે, જેમાં નરોડા, નિકોલ, ધોળકા જેવી બેઠકોનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં આ 26 પૈકી 15 બેઠક ભાજપના ફાળે ગઈ હતી, જ્યારે 11 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.
15-20% મુસ્લિમ મતદારો
આવી કુલ 11 બેઠકો છે, જેમાં જામનગર, ગીર-સોમનાથ અને દ્વારકા જેવી સૌરાષ્ટ્રની બેઠકો પણ સામેલ છે. આ 11 પૈકી ભાજપને 7 અને કોંગ્રેસને 4 બેઠક મળી હતી.
20-25% મુસ્લિમ મતદારો
આવી કુલ 7 બેઠક છે, જેમાં વાંકાનેર, સિદ્ધપુર બેઠકો સામેલ છે. આ 7 પૈકી ભાજપને 2 અને કોંગ્રેસને 5 બેઠક મળી હતી.
30%થી વધુ
મુસ્લિમ મતદારોનું ઊંચું પ્રમાણ ધરાવતી કુલ 6 બેઠકો છે, જેમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા, ભુજ, વાગરા, સુરત ઈસ્ટ વ. સામેલ છે. ગત ચૂંટણીમાં આ 6 પૈકી ભાજપ-કોંગ્રેસ બંનેને 3-3 મળી હતી.

ઓવૈસી કોને નડશે, કોને ફળશે?
મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી કુલ 47 બેઠકો પૈકી કોંગ્રેસને 25 બેઠકો મળી હતી, પરંતુ એ પૈકી 12 બેઠકો પર માર્જિન ત્રણ હજાર મતથી પણ ઓછું હતું. આવી દરેક બેઠકો પર AIMIMની હાજરી કોંગ્રેસ માટે ભયજનક બને એ નિશ્ચિત છે. ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પર મુસ્લિમોનું પ્રમાણ 30 ટકાથી પણ વધુ છે, પરંતુ આ બેઠક ભાજપના ફાળે ગઈ હતી. અહીં રસપ્રદ સ્થિતિ એ હતી કે ભાજપના ઉમેદવાર અરુણસિંહ જાડેજા 2628 મતોથી જીત્યા હતા અને 2807 મતો નોટાના ખાતે પડ્યા હતા. આવી બેઠકો પર મુસ્લિમ મતદારો જો કોંગ્રેસ અને AIMIM વચ્ચે વહેંચાઈ જાય તો ભાજપની જીત આસાન બની જવાની છે. એ જોતાં ગુજરાતમાં ઓવૈસી ફેક્ટર કોંગ્રેસને જ નડવાનું છે અને ભરચક નડવાનું છે.

અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને ઈકો-સેન્સિટિવ ઝોનના મુદ્દે ભારોભાર નારાજગી પ્રવર્તે છે.
અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને ઈકો-સેન્સિટિવ ઝોનના મુદ્દે ભારોભાર નારાજગી પ્રવર્તે છે.

ભાજપને આજે ફાયદો, આવતીકાલે પડકાર
ગુજરાતમાં આદિવાસી સમુદાયની વસતિ 15 ટકા જેટલી છે અને વિધાનસભાની લગભગ 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, સુરત, ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જનજાતિની વસતિ પ્રભાવશાળી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા અને પંચમહાલ જ્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા મુખ્ય છે. વર્ષ 2017માં 27 બેઠક પૈકી 15 બેઠકો પર કોંગ્રેસને સફળતા મળી હતી. ભાજપને 9 જ્યારે BTPને 1 તેમજ મોરવાહડફની બેઠક પર અપક્ષને જીત મળી હતી. રસપ્રદ બાબત એ છે કે BTPએ AIMIM જેવી મુસ્લિમતરફી પાર્ટી સાથે ચૂંટણીજોડાણ કર્યું છે. જ્યાં BTPનો મજબૂત જનાધાર છે એ ભરૂચ-નર્મદા જિલ્લામાં મુસ્લિમ વસતિ નોંધપાત્ર છે. જંબુસર-આમોદ, વાગરા, ડેડિયાપાડા-સાગબારા, અંકલેશ્વર અને ભરૂચ બેઠકો પર મુસ્લિમ અને આદિવાસી વોટબેન્કનો સરવાળો 35થી 50 ટકા જેટલો થઈ શકે છે. આ વિસ્તારની 7થી 10 બેઠકો પર BTP-AIMIM ગઠબંધન ભાજપ અને કોંગ્રેસ બંનેને ભારે પડી શકે છે અથવા તો કોંગ્રેસ સાથેનો આપસી ટકરાવને લીધે ભાજપને ફાયદો કરાવી શકે છે.

એકંદરે ઓવૈસી અને છોટુભાઈ વસાવાએ હાથ મિલાવ્યા છે; એ હાલના તબક્કે ભાજપ માટે રાહતના સમાચાર ગણી શકાય, પરંતુ આવનારા સમયમાં આ ગઠબંધન જો ટકી રહે તો ભાજપ માટે પડકાર પણ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો