તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Doctor Vs Pharmacist Situation In Gujarat. Pharmacists Claims, Doctor Prescribes Specific Brand Medicine, Which Is More Costly. Government Should Look Into This Matter Pharmacy Council. Where As Medical Association Says, They Prescribe Medicine As Per Their Experience & Result Of Medicine

આમને-સામને:ફાર્મસિસ્ટ કહે છે કે ડોક્ટર્સ ચોક્કસ બ્રાંડના નામે દવા લખે છે; ડોક્ટર્સ અનુભવ અને પરિણામના આધારે મેડિસિન સૂચવે છે: IMA

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • ઘણીવાર બ્રાન્ડેડ દવા ન મળવાથી ખરીદનારને ભટકવાનો વારો આવે છે: ફાર્માસિસ્ટ
  • બ્રાન્ડની સરખામણીએ જેનરિક દવામાં ધાર્યુ પરિણામ નથી મળતું: ડોક્ટર્સ

કોરોનાના કહેર વચ્ચે ડોકટરોના બ્રાન્ડેડ દવા તરફના વલણ સામે ફાર્માસીસ્ટોમાં નારાજગી જોવા મળી રહી છે. ફાર્માસિસ્ટ વર્સિસ ડોક્ટરની સ્થિતી ઉભી થઇ છે. રાજ્યના ફાર્મસી કાઉન્સિલે હાલના સમયમાં ડોકટરોની સારવારમાં બ્રાન્ડેડ દવાના આગ્રહ સામે અણગમો વ્યક્ત કર્યો છે. જેની સામે મેડિકલ એસોસિએશનનું કહેવુ છે કે ડોક્ટર્સ તેના અનુભવ અને દવાના પરિણામોની ખરાઈ કરાયેલી હોવાથી બ્રાન્ડનો આગ્રહ રાખે છે. આ સાથે જ ડોક્ટર્સનું કહેવું છે કે, જેનરિક દવામાં ધાર્યુ પરિણામ મળતું નથી.

બ્રાન્ડેડ અને જેનરિક બંને દવા સરખી હોય છે: ફાર્મસી કાઉન્સિલ
ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન મોન્ટુ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા કહ્યુ કે, કેટલાક તબીબો દવાની નોંધ લખતી વખતે બ્રાન્ડેડ દવાનું નામ લખે છે, જે યોગ્ય નથી.આમ થવાથી દવા ખરીદનાર ગેરમાર્ગે દોરાય છે અને ખરીદનાર દવા માટે ભટકે છે. અંતે દવા ન મળવાથી અછત હોવાની ફરિયાદો આવે છે. જોકે હકીકતમાં ડોક્ટરોએ દવાના મોલેક્યુલ એટલે કે તે રોગની દવાનું જેનરિક નામ લખવું આવશ્યક છે. કાઉન્સિલના જણાવ્યા અનુસાર લોકોએ જેનરિક દવા પર પણ આધાર રાખવો જોઇએ,કેમ કે બ્રાન્ડેડ દવા અને જેનરિક દવામાં ઇનગ્રિડિયન્સ એક સરખુ જ હોય છે, બંન્ને દવા બનાવવાની પરવાનગી અધિકૃત સંસ્થા મારફતે આપવામાં આવે છે. દવાની ગુણવત્તામાં જો કચાશ લાગે તો વિભાગમાં ફરિયાદ પણ કરી શકે છે. ઉપરાંત જેનરિક બ્રાન્ડેડની સરખામણીએ સસ્તી પણ પડે છે.

નવરંગપુરા વિસ્તારની કેમિસ્ટની દુકાન
નવરંગપુરા વિસ્તારની કેમિસ્ટની દુકાન

ડોક્ટર્સ અનુભવ અને પરિણામના આધારે બ્રાન્ડેડ દવા સૂચવે છે: IMA
ફાર્મસી કાઉન્સિલના દાવા અંગે ગુજરાત મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. દેવેન્દ્ર પટેલનું કહેવું છે કે, ડોકટરો પોતાની ફરજ નિષ્ઠાથી બજાવે છે. રહી વાત ચોક્કસ બ્રાન્ડની દવા લખવાની તો, ડોક્ટર્સ પોતાના અનુભવ અને તે બ્રાન્ડની દવાના પરિણામ, અસરના આધારે દર્દી માટે દવા લખતા હોય છે. સાથે-સાથે ઘણીવાર બ્રાન્ડેડની સરખામણીએ જેનરિક દવામાં ધાર્યુ પરિણામ નથી મળતું, જેથી તેઓ બ્રાન્ડની દવા લખવાનો આગ્રહ રાખે છે. લોભામણી ઓફર કે અન્ય બાબતોથી દૂર રહેવા માટે અમે પણ સૂચના આપતા હોઇએ છીએ.

ડોકટરોને ચોક્કસ બ્રાન્ડની દવા લખવા લોભામણી ઓફર થાય છે
ફાર્માસીસ્ટોનું કહેવુ છે કે ઘણીવાર ફાર્મા કંપનીઓ કેટલાક ડોક્ટર્સને તેમની કંપનીની ચોક્કસ દવા લખવા માટે આગ્રહ કરતાં હોવાની વાતો સાંભળવા મળતી હોય છે. ભૂતકાળમાં પણ કેટલીકવાર એવા કિસ્સા સામે આવ્યા છે, કેટલીક ફાર્મા કંપનીઓ મિટીંગના નામે અન્ય દેશમાં જવા માટે ટ્રીપ ઓફર કરવામાં આવે છે. તો ક્યાંક ​નિયત કરાયેલ કમિશન પણ અપાતુ હોવાની વાતો પણ સામે આવી છે. જેથી કરી કેટલાક તબીબો કોઇ ચોક્કસ બ્રાન્ડની દવા લખવાનો આગ્રહ રાખતા હોય છે. જેને લઇને કાઉન્સિલે માગ કરી છે કે, રાજ્ય સરકારે હાલની પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં લેવા જોઈએ અને ડોક્ટર્સ જે તે રોગની દવાનું મોલેક્યુલ લખે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્ય ડો. મેહુલ શાહ
ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્ય ડો. મેહુલ શાહ

ફરિયાદ મળે તો કાઉન્સિલ કાર્યવાહી કરે છે: મેડિકલ કાઉન્સિલ
આ બાબતે ગુજરાત મેડકલ કાઉન્સિલના સભ્ય ડો. મેહુલ શાહનું કહેવુ છે કે, દર્દીઓ તરફથી જો આ પ્રકારે કોઇ ફરિયાદ આવે તો કાઉન્સિલ તે બાબતને ગંભીરતાથી લેતું હોય છે. કોઇ અરજદાર જો ફરિયાદ સંબધિત આધાર-પૂરાવા રજૂ કરે, તેને ધ્યાને લઇ, તપાસ કરી કાઉન્સિલના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. જોકે આજસુધી આ બાબતે કોઈ ફરિયાદ મળી નથી.

દવાના બ્રાન્ડે નામ લખવાથી લોકો ગેરમાર્ગે દોરાય છે: ફાર્મસિસ્ટ

ગુજરાત ફાર્મસી કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે કેટલાક ડોક્ટર્સ બ્રાન્ડેડ દવાઓ લખતા હોય છે, જે મોંઘી હોય છે. સાદી ભાષામાં સમજીએ તો પેરાસીટામોલ તાવની દવા છે, પરંતુ ડોક્ટરો બ્રાન્ડની દવા લખે છે, જેમકે ડોલો-600. વિટામીન-સીની દવા, કે જેમાં ડોકટરો ચોક્કસ બ્રાન્ડ જ લખે છે, જેમ કે લિમસી. આ સિવાય એઝિથ્રોમાઇસિન એ પણ ગળાના દુખાવાની દવા છે, જે માટે ડોકટર બ્રાન્ડના નામની જ દવા લખે છે, જેમ કે એઝિપ્રો. હાલ જેમ રેમડેસિવીર ઇન્જેકશન તેના મોલિક્યુલના નામથી જ ઓળખા છે, તેમ અન્ય દવામાં આ પ્રેક્ટિસ હોવી જોઇએ.

દર્દી માટે દવાની નોંધ કરી રહેલ ડો. પ્રગનેશ વછરાજાની
દર્દી માટે દવાની નોંધ કરી રહેલ ડો. પ્રગનેશ વછરાજાની

ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શનમાં દવાનું કન્ટેન્ટ લખે જ છે: ફિઝીશ્યન એસોસિએશન
અમદાવાદ ફિઝીશ્યન એસોસિએશનના સેક્રેટરી પ્રજ્ઞેશ વછરાજાનીએ જણાવ્યું કે, ડોક્ટર્સ જે દવા લખે છે, તેની નીચે કન્ટેન્ટ લખતા જ હોય છે. એવુ પણ નથી કે બધી જ બ્રાન્ડેડ દવા મોંઘી હોય છે. ઘણી દવા જેનરિક જેટલી જ સસ્તી હોય છે. જોકે જેનરિક દવાનું ક્વોટીલી સ્ટેન્ડર્ડ મેઇનેટેન થવું જોઇએ, તો આ દવા લખવામાં ડોકટરોને કોઇ વાંધો ન હોઇ શકે.

અન્ય સમાચારો પણ છે...