તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Divyabhaskar, Positive Story Two Friends, One Hindu Second Muslim; When I Got A Job, Started A Tiffin Business From Home, After Three Years Own Three Restaurants

આજના પોઝિટિવ સમાચાર:અયોધ્યાના બે મિત્રો, એક હિન્દુ અને બીજો મુસ્લિમ; નોકરી ગઈ તો ટિફિન બિઝનેસ શરૂ કર્યો, આજે 3 રેસ્ટોરાંના માલિક

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
2 વર્ષ પહેલાં રોહિત અને સુલ્તાનની નોકરીમાં છટણી કરવામાં આવી હતી, ત્યાર પછી તેમણે ટિફિન સર્વિસ શરૂ કરી હતી.
  • ત્રણ ડઝન લોકોને રોજગાર આપ્યો, જેમાં ઘણા એવા છે જેઓ તેમની સાથે ટેલિકોમમાં જ કામ કરતા હતા અને બેરોજગાર થઈ ગયા
  • શરૂઆતમાં દસ લાખનું રોકાણ કર્યું, ત્યાર પછી લોન પણ લેવી પડી, ફર્નિચર-વીજળીનાં કામનું બિલ તો તેઓ અત્યારે પણ ચૂકવી રહ્યા છે

વાત ઓગસ્ટ 2018ની છે. અયોધ્યાના બે મિત્રોની. નામ સુલ્તાન અને રોહિત. આ વર્ષે જ્યારે ભારતની મોટી ટેલિકોમ કંપની વોડાફોન અને આઈડિયાનું મર્જર થયું ત્યારે ઘણા લોકોની નોકરી છૂટી ગઈ હતી. 12 વર્ષથી વોડાફોનમાં કામ કરતા સુલ્તાન ટોપ પર્ફોર્મર હતો. સુલ્તાનની સાથે કામ કરતો તેનો મિત્ર રોહિત પણ એ લિસ્ટમાં સામેલ થઈ ગયો, જેમને નોકરીમાંથી કાઢવાના હતા. બંને થોડા દિવસ તો એ જ વિચારતા રહ્યા કે હવે શું કરવું?

ત્યાર પછી તેમણે અયોધ્યામાં ઘરેથી ટિફિન બિઝનેસ શરૂ કર્યો અને બે વર્ષ પછી તો તેઓ ત્રણ રેસ્ટોરાંના માલિક થઈ ગયા હતા. સુલ્તાન અને રોહિતની હવે અયોધ્યા-ફૈઝાબાદમાં બે હજાર વર્ગફૂટમાં ત્રણ રેસ્ટોરાં છે. તેમણે ત્રણ ડઝન લોકોને રોજગારી આપી છે, જેમાંથી ઘણા લોકો એવા જ છે જેઓ તેમની સાથે ટેલિકોમ સેક્ટરમાં કામ કરતા હતા અને હવે બેરોજગાર થઈ ગયા છે.

બધી બચત ખર્ચ કરી અને લોન લેવી પડી
સુલ્તાન કહે છે, અમે અમારા ટિફિન સેન્ટરનું નામ 'ઘર જૈસા' રાખ્યું છે. શરૂઆત મુશ્કેલ હતી. અમે લોકોને મળીને તેમને સમજાવતા હતા, પછી અમને ઓર્ડર મળતા હતા. અમે અમારી બધી બચત આ કામમાં લગાવી દીધી હતી. શરૂઆતમાં રિસ્પોન્સ બહુ સારો ન મળ્યો, અમારી બચત ખતમ થઈ રહી હતી. ઘરનો મહિનાનો ખર્ચ પણ કાઢવાનો હતો. મિત્રો પાસેથી પણ મદદ લેવી પડી. બંને મિત્રોએ શરૂઆતમાં બિઝનેસમાં રૂ. 10 લાખનું રોકાણ કર્યું. ત્યાર પછી અમારે લોન પણ લેવી પડી. ફર્નિચર-વીજળીનું કામ મિત્રો પાસે કરાવ્યું, જેનું બિલ તો તેઓ હજી ધીમે ધીમે ભરી રહ્યા છે.

રોહિત અને સુલ્તાને ત્રણ ડઝન લોકોને રોજગારી આપી.
રોહિત અને સુલ્તાને ત્રણ ડઝન લોકોને રોજગારી આપી.

સુલ્તાન અને રોહિત બંને સારા પગારે કામ કરતા હતા. તેઓ કંપનીમાં મેનેજર લેવલ પર હતા. પોતાની કમાણી વિશે સુલ્તાન કહે છે, અમારો જેટલો પગાર હતો તેના કરતાં અમે વધારે કમાણી કરી રહ્યા છીએ, પરંતુ સાચી ખુશી એ વાતની છે કે અમે ત્રણ ડઝન લોકોને રોજગારી આપી, જેમનું કામ છૂટી ગયું હતું.

ટિફિન સર્વિસથી અનુભવ લઈને સુલ્તાન અને રોહિતે 'ઘર જૈસા' નામથી તેમની પહેલી રેસ્ટોરાં શરૂ કરી. એ ફૈઝાબાદની નાકા રોડ પર માત્ર 80 સ્ક્વેર ફૂટની એક દુકાનમાં શરૂ કરવામાં આવી હતી. અહીં આસપાસ કોઈપણ રેસ્ટોરાં નહોતી. સુલ્તાન કહે છે, આ વિસ્તાર ટ્રાન્સપોર્ટ માટે ઓળખાય છે. અહીં માત્ર ટ્રકો ઊભી રહે છે. અમારે અમારી ઓળખ બનાવવામાં બહુ મહેનત કરવી પડી હતી. તેણે કહ્યું, અમે સર્વિસ ઈન્ડસ્ટ્રીઝમાંથી આવ્યા હતા, એટલે અમને ખબર હતી કે સારી સર્વિસ આપો તો બિઝનેસ વધારી શકાય છે. તેથી અમે મોટા ભાગની મહેનત સર્વિસ અને બ્રાન્ડિંગ પર કરી.

સોશિયલ મીડિયા પર પણ બ્રાન્ડિંગ કર્યું
રોહિત તેના બિઝનેસની સફળતાનું શ્રેય સોશિયલ મીડિયાને આપે છે. તેઓ કહે છે, અમે ક્રિયેટિવ રીતે સોશિયલ મીડિયા પર અમારી રેસ્ટોરાંને પ્રમોટ કરવાની સ્ટ્રેટેજી બનાવી હતી, અમે અમારા મિત્રો પાસે પોસ્ટ કરાવી. જ્યારે લોકો અમને ઓળખવા લાગ્યા ત્યારે ગ્રાહકો પણ આવવા લાગ્યા. સોશિયલ મીડિયાથી બ્રાન્ડ પ્રમોશન વિશે સુલ્તાન કહે છે, અમે અમારું ફેસબુક પેજ બનાવ્યું હતું. મિત્રોને રિક્વેસ્ટ કરીને અમારી રેસિપી શેર કરાવી. ગૂગલ બિઝનેસ પર અમારી બ્રાન્ડ રજિસ્ટર્ડ કરાવી. ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી. એનાથી અમારી રેસ્ટોરાં સોશિયલ મીડિયા પર લોકોને દેખાવા લાગી.

રોહિત અને સુલ્તાને ચાર લોકો સાથે બિઝનેસની શરૂઆત કરી, એમાંથી બે લોકો એ હતા જે તેમની સાથે જ નોકરી કરતા હતા અને તેમની છટણી કરાઈ હતી.
રોહિત અને સુલ્તાને ચાર લોકો સાથે બિઝનેસની શરૂઆત કરી, એમાંથી બે લોકો એ હતા જે તેમની સાથે જ નોકરી કરતા હતા અને તેમની છટણી કરાઈ હતી.

સુલ્તાન અને રોહિતની શુદ્ધ શાકાહારી રેસ્ટોરાં ખોલવાનું પણ એક ખાસ કારણ હતું. તેઓ કહે છે, અમે જોયું છે કે લોકો નોન-વેજ ખૂબ શોખથી ખાય છે અને એ ખાવા માટે ઘરની બહાર જાય છે, પરંતુ લોકો નોન-વેજ રોજ નથી ખાતા અને બધા લોકો પણ નોન-વેજ નથી ખાતા હોતા. ત્યારે અમે નક્કી કર્યું કે અમે વેજ ખાવાનું જ પીરસીશું.

યુટ્યૂબથી રેસિપી શીખી, નવા પ્રયોગો કર્યા
તેઓ કહે છે, દિલ્હી અને પંજાબમાં સોયાચાપ ખૂબ ફેમસ છે, પરંતુ અમારા અયોધ્યામાં કોઈ સોયાચાપ નથી વેચતા. અમે સોયાચાપને મોઘલાઈ ટેસ્ટ આપવાનો પ્રયોગ કર્યો. આ ફ્યુઝન ફૂડ લોકોને પસંદ આવ્યું. અમે આઠ રાજ્યના ફૂડ અલગ અલગ રીતે રજૂ કર્યાં. સુલ્તાન અને રોહિત બંનેને ફૂડ ઈન્ડસ્ટ્રીનો કોઈ અનુભવ નહોતો. આ કમજોરી જ તેમની સૌથી મોટી તાકાત બની. તેમણે આ ઈન્ડસ્ટ્રીને સમજવા માટે ખૂબ રિસર્ચ કર્યું. તેમણે કહ્યું કે અમે યુટ્યૂબમાંથી રેસિપી જોઈ, એને ટ્રાય કરી અને એમાં અમારા પ્રમાણેના થોડા ફેરફાર કર્યા, જે લોકોને ખૂબ પસંદ આવ્યા. શરૂઆતમાં અમે ચાર લોકોને કામ પર રાખ્યા. એમાંથી બે લોકો અમારી કંપનીના જ હતા, જેમને પણ છૂટા કરવામાં આવ્યા હતા. તેમને સારું બ્રાન્ડિંગ કરતાં આવડતું હતું. તેથી તેઓ રેસ્ટોરાંમાં કામ કરવાની સાથે અમારું બ્રાન્ડિંગ પણ કરતા હતા. એનાથી પણ અમને ઓળખ મેળવવામાં મદદ મળી.

પહેલી રેસ્ટોરાં સરસ ચાલવા લાગી. પછી રોહિત અને સુલ્તાને તેમના એમ્બિશન અને અનુભવના આધારે બીજી બે રેસ્ટોરાં ખોલી. સુલ્તાને કહ્યું, અમે એવી જગ્યા બનાવવાનો પ્રયત્ન કર્યો, જ્યાં લોકોને આવીને સમય પસાર કરવાનું સારું લાગે. અમે અહીં સેલ્ફી ઝોન પણ બનાવ્યો અને લોકોને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું પ્રોત્સાહન આપ્યું.

સુલ્તાન અને રોહિતની જોડીથી બનેલી રેસ્ટોરાં ખૂબ સારી ચાલવા લાગી હતી, પરંતુ લોકડાઉન આવી ગયું. તેમણે કહ્યું- એ અમારી સામે ખૂબ મુશ્કેલ સમય હતો. અનલોક વન આવ્યું તો અમને પેકિંગ અને ડિલિવરીની મંજૂરી મળી ગઈ. ધીમે ધીમે બિઝનેસ પાટા પર આવવા લાગ્યો અને હવે અમે પહેલાંની સ્થિતિમાં આવી ગયા છીએ.

બેરોજગારોને કામ મળ્યું એની ખુશી
રોહિતે જણાવે છે, અમારી ત્રણ રેસ્ટોરાંમાં અંદાજે 3 ડઝન લોકો કામ કરે છે. એમાંથી ઘણા એવા છે જે અમારી જૂની કંપનીમાં કામ કરતા હતા અને બેરોજગાર થઈ ગયા હતા. મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો. હું સવારે દસ વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી કામ કરું છું. માંડ પાંચ-છ કલાક ઊંઘું છું, પરંતુ થાકતો નથી, મને મજા આવે છે.

તેમણે તેમની નવી રેસ્ટોરાંમાં સેલ્ફી ઝોન પણ બનાવ્યો જેથી લોકો સોશિયલ મીડિયા પર તેમની તસવીર શેર કરી શકે.
તેમણે તેમની નવી રેસ્ટોરાંમાં સેલ્ફી ઝોન પણ બનાવ્યો જેથી લોકો સોશિયલ મીડિયા પર તેમની તસવીર શેર કરી શકે.

હિન્દુ-મુસ્લિમ મિત્ર સાથે હોવાથી લોકો આશ્ચર્યચકિત
સુલ્તાન અને રોહિતના ધર્મ વિશે પણ ઘણીવાર લોકો સવાલ કરે છે. લોકોને સારું પણ લાગે છે કે એક હિન્દુ અને એક મુસ્લિમ મિત્ર સાથે મળીને કામ કરે છે. રોહિત કહે છે, ઘણીવાર લોકો અમારી પાર્ટનરશિપથી આશ્ચર્યચકિત થાય છે, પરંતુ સાચી વાત એ છે કે અયોધ્યા ફૈઝાબાદ એકતાનું શહેર છે. જ્યારે લોકોને અમારું નામ ખબર પડે છે ત્યારે એ લોકોને સારું લાગે છે. ઘણા લોકો એવું પણ પૂછે છે કે અમે સાથે કેવી રીતે છીએ.

સુલ્તાન કહે છે, અમારી વચ્ચે વિશ્વાસ અને પ્રેમ છે. આ જ અસલી ધર્મ છે. જ્ઞાતિ-ધર્મથી વધુ છે માણસાઈ. અમારી રેસ્ટોરાંમાં કર્મચારીઓને પ્રાર્થના કરવા માટે એક નાનું મંદિર પણ છે. અમે એકબીજાના ધર્મનું સન્માન કરીએ છીએ.

સુલ્તાન અને રોહિત હવે તેમના બિઝનેસને અયોધ્યા બહાર ડેવલપ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ ફ્રેન્ચાઈઝી મોડલના આધારે રેસ્ટોરાં શરૂ કરવા માગે છે. તેઓ કહે છે, અમે અમારી સફળતાને બીજા સાથે શેર કરવા માગીએ છીએ અને લોકોને રોજગારી આપવા માગીએ છીએ. એ માટે હવે અમે અયોધ્યાથી બહાર નીકળવાનું આયોજન કરી રહ્યા છીએ.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો