તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Discussions On Reliance's Successor Intensified After Anant Got The Responsibility Of 2 New Companies; Mukesh Learned A Lesson From His Quarrel With His Brother?

ભાસ્કર ઇનડેપ્થ:અનંતને 2 નવી કંપનીની જવાબદારી મળ્યા બાદ રિલાયન્સના ઉત્તરાધિકારી પર ચર્ચા વેગવંતી; મુકેશે પોતાના ભાઈ સાથેના ઝઘડાથી પાઠ શીખ્યો?

10 દિવસ પહેલા
  • 26 વર્ષના અનંત અંબાણીને હાલમાં જ બે નવી સોલર કંપનીનો ડિરેક્ટર બનાવાયો છે
  • 2020માં અનંત રિલાયન્સ જિયોના બોર્ડમાં સામેલ થયો, જેમાં ઈશા અને આકાશ પહેલેથી જ હતાં

મુકેશ અંબાણીનો સૌથી નાનો પુત્ર ચર્ચામાં છે. 26 વર્ષના અનંત અંબાણીને નવી જવાબદારી મળી છે. 5 જુલાઈએ તેની રિલાયન્સ ન્યૂ એનર્જી અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જીના ડિરેક્ટરપદે નિમણૂક કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં તેને રિલાયન્સ ઓઇલ ટુ કેમિકલનો ડિરેકટર બનાવવામાં આવ્યો હતો. તે જિયો પ્લેટફોર્મ્સના બોર્ડમાં એડિશનલ ડિરેક્ટર પણ છે.

પિતાના બિઝનેસમાં પહેલેથી જ અનેક જવાબદારીઓ સંભાળી રહેલા અનંતની નવી જવાબદારીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ઈન્વેસ્ટર્સમાં મુકેશ અંબાણીના ઉત્તરાધિકારીને લઈને ચર્ચા વેગવંતી બની છે. આ ચર્ચા એટલા માટે પણ મોટી છે, કારણ કે મુકેશ અંબાણીનાં ત્રણ સંતાન છે અને અંબાણી પરિવારમાં બિઝનેસની વહેંચણીનો ઇતિહાસ કડવો રહ્યો છે.

ધીરુભાઈએ વસિયત લખી ન હતી તો મુકેશ-અનિલ વચ્ચે થઈ હતી ખેંચતાણ
મુકેશ અંબાણી 1981માં અને 1983માં અનિલ અંબાણી રિલાયન્સ સાથે જોડાયા હતા. ધીરુભાઇ અંબાણીનું જુલાઈ 2002માં અવસાન થયું હતું. તેઓ વસિયત લખીને ગયા ન હતા. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને અનિલ અંબાણી મેનેજિંગ ડિરેક્ટર બન્યા. નવેમ્બર 2004માં મુકેશ અને અનિલનો ઝઘડો સામે આવ્યો. પરિવારમાં ચાલી રહેલા આ વિવાદને કારણે ધીરુભાઇ અંબાણીની પત્ની કોકિલાબેન પણ પરેશાન હતાં.

જૂન 2005માં બંનેની વચ્ચે સંપત્તિની વહેંચણી થઈ હતી, પરંતુ કયા ભાઈને કઈ કંપની લશે? એનો નિર્ણય 2006 સુધી ચાલ્યો. આ ભાગલામાં ICICI બેન્કના તત્કાલીન ચેરમેન વીકે કામતને પણ દરમિયાનગીરી કરવી પડી હતી.

ભાગલા પાડ્યા બાદ મુકેશ અંબાણીના ભાગમાં પેટ્રોકેમિકલ બિઝનેસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પ. લિમિટેડ, રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ જેવી કંપનીઓ આવી. નાના ભાઈએ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ બનાવ્યું. એમાં આરકોમ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ એનર્જી, રિલાયન્સ નેચરલ રિસોર્સીઝ જેવી કંપનીઓ હતી. ત્યારથી મુકેશ અંબાણીનો બિઝનેસ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે, પરંતુ અનિલ અંબાણીને ભાગ્યએ સાથ ન આપ્યો.

ભવિષ્યમાં મુકેશ અંબાણીનાં સંતાનોને પણ આવી સ્થિતિનો સામનો કરવો ન પડે એટલા માટે માત્ર 26 વર્ષના અનંત અંબાણીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. ઈશા અને આકાશ 2014થી જ રિલાયન્સમાં કામ કરી રહ્યા છે અને કંપનીની અનેક ઇવેન્ટની આગેવાની કરી રહ્યાં છે.

આકાશ-ઈશા પહેલેથી જ સામેલ છે, અનંતને નવી જવાબદારીઓ

1. આકાશ અંબાણી: 2014માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડીગ્રી મેળવી હતી. એ પછી તે પારિવારિક બિઝનેસમાં જોડાયો. જિયો પ્લેટફોર્મ્સ, જિયો લિમિટેડ, સાવન મીડિયા, જિયો ઇન્ફોકોમ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે.

2. ઈશા અંબાણી: યેલ અને સ્ટેનફોર્ડથી અભ્યાસ કર્યો છે. 2015માં ફેમિલી બિઝનેસમાં જોડાઈ. જિયો પ્લેટફોર્મ્સ, જિયો લિમિટેડ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે. ઇશાના લગ્ન ડિસેમ્બર 2018માં ઉદ્યોગપતિ અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા હતા.

3. અનંત અંબાણી: અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. રિલાયન્સ ન્યૂ એનર્જી, રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી, રિલાયન્સ O2C,જિયો પ્લેટફોર્મ્સના બોર્ડમાં સામેલ છે.

ફ્યુચર પ્લાન્સ: 5G રોલઆઉટ, ઓનલાઇન રિટેલ અને ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત

જુલાઇ 2020માં રિલાયન્સની AGM એટલે કે શેર હોલ્ડર્સની વાર્ષિક બેઠકમાં અંબાણી અને તેનાં સંતાન ઈશા અને આકાશે ફ્યુચર પ્લાનની એક ઝલક આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 2021-22માં 5G વાયરલેસ નેટવર્ક અને એક વીડિયો સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ લાવશે. એમાં નેટફ્લિક્સ ડિઝની પ્લસ હોટસ્ટાર, અમેઝન પ્રાઇમ વીડિયો અને ટીવી ચેનલોને એક જ છતની નીચે લાવવામાં આવશે.

જૂન 2021માં યોજાયેલી AGMમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ આગામી ત્રણ વર્ષમાં તેના ઇ-કોમર્સ વેન્ચર JioMart માં એક કરોડથી વધુ મર્ચેન્ટ પાર્ટનર્સને જોડવાની યોજના ધરાવે છે. અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ વેલ્યુ ચેઇન ભાગીદારી અને ભાવિ ટેક્નોલૉજી પર 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

ગ્રીન એનર્જી સેકટરમાં રિલાયન્સ 75 હજાર કરોડ રુપિયાનું રોકાણ કરશે. આગામી 10 વર્ષમાં કંપની 100 ગીગા વોટ સોલર એનર્જીના પ્રોડકશનનો ટાર્ગેટ રાખીને ચાલી રહી છે. આ માટે ગુજરાતના જામનગરમાં ધીરુભાઈ ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સની શરૂઆત કરવામાં આવશે.

'ધ બિલિનેયર રાજ: એ જર્ની થ્રુ ઈન્ડિયાના ન્યૂ ગિલ્ડેડ એજ'ના લેખક જેમ્સ ક્રેબટ્રીના કહેવા પ્રમાણે, અંબાણીનો હવે સૌથી મોટો પડકાર એ છે કે નવાં રોકાણો પર વળતર મેળવવું. અંબાણી જે ઇન્ડસ્ટ્રીઝ પર ફોકસ કરી રહ્યા છે એ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સના વ્યવસાયની તુલનામાં તેઓ ખૂબ સરસ પ્રદર્શન કરી રહ્યા છે. અંબાણીની સામે 'Key Man' એટલે કે પ્રમુખ વ્યક્તિત્વનું જોખમ પણ છે, કારણ કે હવે તેમની ઉંમર પણ વધી રહી છે.

ફેમિલી કાઉન્સિલ નક્કી કરશે મુકેશનો ઉત્તરાધિકારી!
2020માં લાઈવ મિંટે પોતાના એક રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી દાવો કર્યો હતો કે મુકેશ અંબાણી એક ફેમિલી કાઉન્સિલ બનાવવા જઇ રહ્યા છે. રિપોર્ટ મુજબ, આ પગલું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઉત્તરાધિકારી નક્કી કરવા માટેનું છે. એમાં ત્રણેય સંતાનો સાથે પરિવારના વરિષ્ઠ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત મેન્ટર્સ અને સલાહકાર પણ હશે.

દાવો કરવામાં આવ્યો છે કે આગામી વર્ષના અંત સુધીમાં ઉત્તરાધિકારીની યોજના પર કામ કરવાની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ જશે. જોકે રિલાયન્સ ગ્રુપના પ્રવક્તાએ આ વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું હતું કે આ સંપૂર્ણપણે કલ્પના આધારિત છે.

અનિલ અંબાણીના બંને પુત્ર પણ સંભાળી રહ્યા છે ફેમિલી બિઝનેસ

અનમોલ (ડાબે) અને અંશુલ (જમણે) પોતાની માતા ટીના અંબાણી સાથે.
અનમોલ (ડાબે) અને અંશુલ (જમણે) પોતાની માતા ટીના અંબાણી સાથે.

મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીના બે પુત્ર છે. મોટા પુત્રનું નામ જય અનમોલ અને નાના પુત્રનું નામ જય અંશુલ છે. અનમોલે મુંબઈની જોન કેનન સ્કૂલથી પોતાના અભ્યાસની શરૂઆત કરી હતી અને બાદમાં આગળ અભ્યાસ માટે યુકે ગયો. ત્યાંની વારવિક બિઝનેસ સ્કૂલમાંથી ડીગ્રી મેળવી છે. તેને 2016માં રિલાયન્સ કેપિટલના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને રિલાયન્સ ઇન્ફ્રાનો ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો. જોકે 6 મહિનામાં જ તેણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

અનિલનો નાનો પુત્ર અંશુલે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. ભાઈની જેમ પોતે પણ રિલાયન્સ કેપિટલના બોર્ડમાં સામેલ છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ જલદી જ તે રિલાયન્સના ડિફેન્સ બિઝનેસમાં પોતાની ભૂમિકા નિભાવશે.