ભાસ્કર એક્સક્લૂસિવસાબરમતી ટ્રેન S-6,S-7 કોચમાં કેટલાના મોત?:રેલવે કહે છે 58 મૃતક, જ્યારે ગુજરાત સરકારે 52 મૃતકના પરિવારજનોને સહાય ચૂકવી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • સાબરમતી ટ્રેનકાંડમાં મૃતકોની યાદીમાં ભારે વિસંગતતા

આજથી 20 વર્ષ પહેલાં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-6 અને એસ-7 ડબ્બાને સળગાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં 59 જણ મૃત્યુ પામ્યા હતા, તો 48 જણાને ઇજા થઈ હોવાની હકીકત ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જણાવવામાં આવી હતી છતાં હજુ કેટલાક લોકોને મૃત્યુ કે ઇજાગ્રસ્તની સહાય ચૂકવાઇ નહીં હોવાની ફરિયાદ છે. તે પૈકી અમદાવાદના ચૌરસિયા પરિવારને હજુ સહાય ચૂકવવાની બાકી હોવાનો સ્વીકાર તાજેતરમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી તરફથી કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સહાયની રકમ ચૂકવાઈ નથી.

આ પરિવારના અરવિંદકુમાર ચૌરસિયાએ સતત 20 વર્ષ સુધી લડત ચલાવી હતી. આ લડત દરમિયાન તેમણે સરકારમાં લેખિત, મૌખિક રજૂઆતથી માંડીને જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ અરજી કરી હતી. આ અરજીમાં રેલવે તથા ગુજરાત સરકાર તરફથી મૃતકોની યાદી આપવામાં આવી હતી. જ્યારે એકમાત્ર રેલવે વિભાગે ઇજાગ્રસ્તોની યાદી પણ આપી હતી, જેમાં માત્ર 7 જણ ઘાયલ હોવાનું જણાવ્યું છે, જ્યારે 58 મૃતકોની યાદી આપી હતી. એની સામે ગુજરાતના 9 જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલી મૃતકોની યાદીમાં 46 નામ જ છે. એટલું જ નહીં, રેલવે વિભાગે આપેલી મૃતકોની યાદીમાં દર્શાવેલાં 58 નામ પૈકી 19 જણનાં નામો રાજ્યના જિલ્લા કલેકટર કચેરીઓ દ્વારા આપવામાં આવેલી મૃતકોની યાદીમાં ક્યાંય દેખાતાં નથી. એ જ રીતે ગુજરાત સરકારની મૃતકોની યાદીમાં જણાવેલાં 9 નામ રેલવે વિભાગની યાદીમાં નથી, જ્યારે બે નામમાં ફેરફાર જણાતાં મૂંઝવણ ઊભી થાય છે. નવાઈ અને આશ્ચર્યની વાત તો એ છે કે એક જ દુર્ઘટનામાં લોકો મૃત્યુ પામ્યા છે અને બંને વિભાગ સરકારી હોવા છતાં બંનેની વિગતોમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. એનાથી બંને વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સ્પષ્ટ નજરે પડે છે.

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અરવિંદકુમાર ચૌરસિયાએ પોતાના પરિવારના ત્રણ ઇજાગ્રસ્ત તથા પોતાના ભાણિયાના મૃત્યુની સહાય ગુજરાત સરકાર તરફથી ચૂકવવામાં ન આવતાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં 11 માર્ચ 2020ના રોજ આર.ટી.આઇ. કરી હતી, જેમાં ગોધરા રેલવેકાંડમાં મરણ પામનારા પીડિતના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવી છે કે કેમ, કેટલા લોકોને સહાય ચૂકવવામાં આવી, સહાય ચૂકવવાની કામગીરી કયા વિભાગને સોંપવામાં આવી છે અને એ વિભાગને કેટલા સમયમાં કાર્ય પૂર્ણ કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું તેમ જ કેટલી વખત, કયારે ક્યારે કેટલી રકમની સહાય જાહેર કરવામાં આવી હતી વગેરે મળીને કુલ 10 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ અરજી મહેસૂલ વિભાગ તેમ જ ગૃહ વિભાગને તબદિલ કરવામાં આવી હતી છતાં વિભાગો તરફથી કોઈ જ વિગતો આપવામાં આવી ન હતી, જેથી અરજદાર અરવિંદકુમારે અપીલ કરી હતી, જેમાં ગૃહ વિભાગે જવાબ આપ્યો હતો કે ગુહ વિભાગની સ્પેશિયલ ટીમને માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોવાથી જાહેર માહિતી અધિકારીએ જવાબ નહીં આપવાનો જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે. એમાં ફેરફારની જરૂર નથી, આથી નારાજ થયેલા અરજદારે અરવિંદકુમારે ગુજરાત રાજય માહિતી આયોગમાં અપીલ કરી હતી. આ અપીલ પરની સુનાવણી બાદ રાજ્ય મુખ્ય માહિતી કમિશનર ડી.પી. ઠાકરે વિવાદીને વિનામૂલ્યે 15 દિવસમાં માહિતી પૂરી પાડવા મહેસૂલ વિભાગને હુક્મ કર્યો હતો. આ હુક્મને પગલે ગુજરાતના 9 જિલ્લા અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા, આણંદ, સાબરકાંઠા, ભરૂચ અને મહેસાણા કલેકટર કચેરી દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી.

રેલવે વિભાગની ઇજાગ્રસ્તની યાદી
ગુજરાત સરકાર દ્વારા 48 જણ ઇજાગ્રસ્ત હોવાનું કોર્ટમાં જણાવ્યું છે. જોકે આ યાદી અરજદારે માગી હતી, પણ આપવામાં આવી નથી. એની સામે રેલવે વિભાગે આરટીઆઇ અંતર્ગત આપેલી યાદીમાં ઇજાગ્રસ્ત 7 જણ હોવાનું જણાવ્યું છે. તેમનાં નામો નીચે મુજબ છેઃ

મૃતકનાં નામોમાં બે સરકારી વિભાગો વચ્ચે ભારે વિસંગતતા
અરજદાર અરવિંદકુમાર ચૌરસિયાએ રેલવે તેમ જ ગુજરાત સરકારમાં જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ સાબરમતી ટ્રેનમાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તોની યાદી તથા કેટલા લોકોને સહાય ચૂકવાઈ એની વિગતો માગી હતી. એમાં રેલવે વિભાગે 59 પૈકી 58 મૃતકના પરિવારને ચૂકવેલી સહાયની યાદી તથા ગુજરાતના 9 જિલ્લા કલેકટર કચેરી તરફથી જે મૃતકોના પરિવારને સહાય ચૂકવાઈ છે તેનાં નામો સાથે સહાયની કેટલી રકમ ચૂકવાઈ એ આપી હતી. આ બંને યાદીઓની ચકાસણી કરતાં રેલવેની યાદી મુજબ 19 મૃતકનાં નામો ગુજરાત સરકારની યાદીમાં દેખાયાં નથી. એ જ રીતે ગુજરાત સરકારના કલેકટર કચેરીઓ દ્વારા આપવામાં આવેલી મૃતકોની યાદીમાં રેલવે વિભાગની યાદી સાથે સરખાવતાં 7 નામ જણાતાં નથી, જ્યારે બે નામમાં થોડોક ફરક જણાતો હોવાથી મૂંઝવણ પેદા કરે છે. કદાચ સ્પેલિંગમાં ભૂલ હોઈ શકે એમ માની શકાય.

લોકાયુક્તે કહ્યું, 19 વર્ષ ઉપરનો સમય વીતી ગયો હોવાથી અરજી દફતરે કરી દીધી
અરજદાર અરવિંદકુમાર ચૌરસિયાએ લોકાયુક્તમાં પણ 11-7-2021ના રોજ અરજી કરી હતી કે ગોધરા રેલવેકાંડમાં સરકાર તરફથી સહાય જાહેર કરવામાં આવી હતી, પરંતુ મારા પરિવારના સભ્યોને 19 વર્ષ પછી પણ ભ્રષ્ટાચારનાં કારણસર હજુ સુધી કોઈ સહાય મળી નથી, જેથી આ અંગે કાર્યવાહી કરવા અરજ ગુજારી હતી. એના જવાબમાં લોકાયુક્ત કચેરી દ્વારા 24-12-2021ના રોજ અરજદારને જવાબ પાઠવ્યો હતો કે તમારી અરજી ગુજરાત લોકાયુક્ત એક્ટ 1986ની કલમ 2 ( 7 ) મુજબ જાહેર પદાધિકારીના દાયરામાં આવતી ન હોવાથી અને બનાવને 19 વર્ષ ઉપરનો સમય વીતી ગયો હોવાથી 13-10-2021ના રોજ દફતરે કરવામાં આવી છે.

સમગ્ર ઘટના અંગે તપાસ કરવી જોઈએ : અરવિંદકુમાર ચૌરસિયા
સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં લગાવેલી આગમાં ચાર વર્ષનું માસૂમ બાળક ગુમાવનારા અને પરિવારના ત્રણ સભ્ય ગંભીર રીતે ઇજા પામેલા ચૌરસિયા પરિવારના અરવિંદકુમાર ચૌરસિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે મારો પરિવાર વીસ વર્ષ પછી પણ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની જાહેર કરાયેલી સહાયથી વંચિત હોવાને કારણે મેં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં રજૂઆત તથા આરટીઆઇ કરી હતી. એમાં કેટલીક આશ્ચર્યજનક વિગતો પ્રાપ્ત થઈ હતી. રેલવે વિભાગ તરફથી મૃતકોની યાદી મોકલવામાં આવી હતી, જેમાં 58 મૃતકના પરિવારને સહાય ચૂકવવામાં આવી હોવાનું જણાવ્યું છે, જ્યારે ગુજરાત સરકાર 52 લોકોને સહાય ચૂકવવામાં આવી છે. એ જ રીતે ઘાયલોની યાદીમાં રેલવે 7 જણ અને ગુજરાત સરકાર 48 લોકોને ઘાયલ બતાવે છે, બંને સરકારી કચેરી છે.

આટલી બધી વિસંગતતા ખરા અર્થમાં આશ્ચર્યજનક પણ છે અને તપાસનો વિષય પણ છે, કારણ કે મને ખબર નથી પડતી, પણ કા તો રેલવે વિભાગ પાસે જે વિગતો છે એ ખોટું બતાવે છે અથવા તો ગુજરાત સરકાર ખોટું જણાવી રહી છે. બંને વિભાગની મૃતકો તથા ઘાયલોની બાબતમાં સમાનતા નથી. એવી જ રીતે જે સહાય ચૂકવવામાં આવી છે એ રેલવે વિભાગ તરફથી 58 લોકોને સહાય ચૂકવી તો ગુજરાત સરકારે 52 લોકોને જ કેમ ચૂકવી, જો ગુજરાત સરકાર કહેતી હોય કે તેમની પાસે બાકીના છ લોકોનાં નામ - સરનામાં નથી તો તેઓ રેલવે વિભાગનો સંપર્ક કરીને તે પરિવારોનાં નામ-સરનામાં મેળવીને સહાયની રકમ કેમ ચૂકવતા નથી. એનાથી સરકારની નીતિ, કામ કરવાની પદ્ધતિ સામે બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે, એની તપાસ થવી જોઈએ. બહુ મોટા ભ્રષ્ટાચારની સંભાવનાને નકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...