તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Did The Delhi Government Demand Four Times More Oxygen Than It Needed In The Second Wave? Understand In Point 3 Why This Claim Is Not The Absolute Truth

ઓક્સિજન ઓડિટ રિપોર્ટ પર અનેક સવાલો:શું દિલ્હી સરકારે બીજી લહેરમાં જરૂર કરતાં ચાર ગણા વધુ ઓક્સિજનની માગ કરી? 3 મુદ્દામાં સમજો આ દાવો સંપૂર્ણ સત્ય શા માટે નથી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિટીએ પોતે રિપોર્ટમાં કબૂલ્યું છે કે હોસ્પિટલોએ જ ખોટો ડેટા આપ્યો છે, દિલ્હી સરકારે નહીં
  • રિપોર્ટમાં દિલ્હી સરકારની ફોર્મ્યુલાને વધારી-ચઢાવીને જણાવવામાં આવી છે

કોરોનાની બીજી લહેર દરમિયાન દિલ્હી સરકારે તેની જરૂરિયાત કરતાં ચાર ગણા વધુ ઓક્સિજનની માગ કરી હતી. આ સમાચાર છેલ્લા બે દિવસથી હેડલાઇન્સમાં છે. ઓક્સિજન ઓડિટ માટે સુપ્રીમ કોર્ટે મે મહિનામાં એક કમિટીની રચના કરી હતી, જેના અહેવાલના આધારે આ દાવો કરવામાં આવી રહ્યો છે. 163 પાનાંના વચગાળાના રિપોર્ટને કેન્દ્રીય કુટુંબ કલ્યાણ મંત્રાલયે 22 જૂનના રોજ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો.

આ રિપોર્ટમાં દિલ્હી સરકારની ખામીઓ પર પ્રકાશ પાડતાં ઘણા દાવા કરવામાં આવ્યા છે. આ પછી ભાજપ અને કોંગ્રેસ કેજરીવાલ સરકારને ઘેરી રહ્યા છે. જ્યારે સીએમ કેજરીવાલ કહે છે કે જ્યારે તમે ચૂંટણી રેલી કરી રહ્યા હતા ત્યારે હું આખી રાત જાગીને ઓક્સિજનની વ્યવસ્થા કરી રહ્યો હતો.

સૌપ્રથમ અમે તમને આ ઓડિટ રિપોર્ટની વિશેષ બાબતો જણાવી રહ્યા છીએ. આ પછી અમે ત્રણ મુદ્દામાં જણાવીશું કે જરૂર કરતાં ચાર ગણા ઓક્સિજનની માગના દાવામાં પૂર્ણ સત્ય કેમ નથી?

પાંચ લોકોની પેનલમાંથી 2 લોકોએ રિપોર્ટ સામે ઉઠાવ્યા સવાલ
આ ઓડિટ કમિટીની અધ્યક્ષતા એઈમ્સના ડિરેક્ટર અને રાષ્ટ્રીય કોવિડ ટાસ્કફોર્સના વડા રણદીપ ગુલેરિયા કરી રહ્યા હતા. તેમના સિવાય આ ટીમમાં વધુ 4 સભ્યો હતા. દિલ્હી સરકારના પ્રિન્સિપલ હોમ સેક્રેટરી ભૂપેન્દ્ર ભલ્લા, મેક્સ હેલ્થ કેરના ડાયરેક્ટર ડો.સંદીપ બુદ્ધિરાજા, કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ સુબોધ યાદવ, પેટ્રોલિયમ અને ઓક્સિજન સપ્લાય સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના સંજય સિંઘ છે.

ઓડિટ રિપોર્ટના ઘણા પાસાઓ પર કમિટીમાં સામેલ ભલ્લા અને બુદ્ધિરાજાએ અસંમતી જણાવી હતી. ભલ્લાના કહેવા પ્રમાણે, 'આ રિપોર્ટ કોઈપણ બદલાવ વિના, કોઈપણ સભ્ય વિના તેને ફરીથી શેર કર્યો અને કોઈ સત્તાવાર મંજૂરી વિના જ ભારત સરકારને મોકલ્યો. આ તમામ વાંધા રિપોર્ટના અંતે ઉમેરવામાં આવ્યા હતા. આ કમનસીબ અને અસ્વીકાર્ય છે.

ઓક્સિજન ઓડિટ પેનલ દ્વારા તૈયાર કરેલા વચગાળાના રિપોર્ટમાં આ ત્રણ બાબત પર સવાલો ઊભા થઈ રહ્યા છે....

1. કોવિડ-19ની બે મોટી હોસ્પિટલો સામેલ નથી
સમિતિમાં દિલ્હીની 183 હોસ્પિટલના ઓક્સિજનની આવશ્યકતાના ડેટા સામેલ હતા, પરંતુ તેમાં દિલ્હીની બે સૌથી મોટી કોવિડ-19 હોસ્પિટલો સામેલ નથી. પ્રથમ GTB હોસ્પિટલ અને બીજી LNJP હોસ્પિટલ. આ બંને જગ્યાએ કોરોના દર્દીઓ માટે 500થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય પાટનગરમાં ઘણી કોવિડ હોસ્પિટલો ચાલતી હતી, જેમના ડેટા આ રિપોર્ટમાં સમાવેશ કરાયા નથી.

2. કમિટીએ સ્વીકાર્યું કે હોસ્પિટલોએ ખોટા ડેટા આપ્યા
કમિટીએ પોતે જ પોતાના રિપોર્ટમાં કબૂલ્યું છે કે હોસ્પિટલોએ જ ખોટો ડેટા આપ્યો છે, દિલ્હી સરકારે નહીં. ભૂપેન્દ્ર ભલ્લા કહે છે કે 12 મેએ 183 હોસ્પિટલોમાં 390 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ હતો. બાદમાં 214 હોસ્પિટલમાં આ વપરાશ વધીને 490 મેટ્રિક ટન થઈ ગયો. વાસ્તવિક વપરાશ તેથી પણ વધુ હોઈ શકે છે, કારણ કે એમાં ઘરે દર્દીઓને, કોરોના સિવાયની ઘણી હોસ્પિટલો અને ઘણી કોવિડ હોસ્પિટલોની ઓક્સિજન આવશ્યકતા સામેલ કરવામાં આવી નથી.

3. 1140 નહીં, 780 મેટ્રિક ટનની માગ કરવામાં આવી હતી
એપ્રિલ અને મેની શરૂઆતમાં બીજી લહેરના પીક દરમિયાન દિલ્હી સરકારે દરરોજ મહત્તમ 780 મેટ્રિક ટનની સત્તાવાર માગ કરી હતી. સત્તાવાર રીતે 1140 મેટ્રિક ટન ઓક્સિજનની માગ કરવામાં આવી જ નથી, જે ન્યૂઝ રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે. દિલ્હી સરકારનું કહેવું છે કે તેણે આઇસીએમઆરના માર્ગદર્શિકા અનુસાર, ઓક્સિજનની આવશ્યકતાની ગણતરી કરી છે. ડો. સંદીપ બુદ્ધિરાજા પ્રમાણે કમિટીએ દિલ્હીની વાસ્તવિક જરૂરિયાત ઘટાડીને ગણતરી કરી છે.

કેન્દ્ર અને રાજ્યએ બે અલગ અલગ ફોર્મ્યુલા લગાવી
રિપોર્ટને ઊંડાણપૂર્વક વાંચવાથી જાણવા મળે છે કે કેન્દ્ર અને દિલ્હી સરકારે ઓક્સિજનની જરૂરિયાત માટે બે જુદી જુદી ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે. કેન્દ્રની ફોર્મ્યુલા અનુસાર માનવામાં આવે છે કે 50% નોન ICU બેડ ઓક્સિજનનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે દિલ્હી સરકારની ફોર્મ્યુલામાં તમામ બિન- ICU બેડ ઓક્સિજનનો ઉપયોગ કરી રહ્યા છે.

20 મેથી 21 મે દરમિયાન પેનલની બેઠકમાં આ બંને ફોર્મ્યુલાની ચર્ચા કરવામાં આવી હતી. કમિટીએ દિલ્હી સરકારની ફોર્મ્યુલાને વધારી-ચઢાવી ગણી છે. જોકે કમિટીમાં હાજર ભલ્લા કહે છે કે કેન્દ્રની ફોર્મ્યુલા ખોટી છે, કેમ કે હોસ્પિટલોમાં દાખલ થયેલા મોટા ભાગના કોવિડ દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય જ છે. શંકાઓને ફક્ત ગ્રાઉન્ડ ઓડિટ દ્વારા જ દૂર કરી શકાય છે જે હજી કરવાનું બાકી છે.

બે પેનલિસ્ટ, ભૂપેન્દ્ર ભલ્લા અને મેક્સ હેલ્થ કેરના ડિરેક્ટર ડો સંદીપ બુદ્ધિરાજા 18 મે 2021ના રોજ મીટિંગમાં હાજર રહ્યા ન હતા.
બે પેનલિસ્ટ, ભૂપેન્દ્ર ભલ્લા અને મેક્સ હેલ્થ કેરના ડિરેક્ટર ડો સંદીપ બુદ્ધિરાજા 18 મે 2021ના રોજ મીટિંગમાં હાજર રહ્યા ન હતા.

ભાજપના આરોપ અને કેજરીવાલનો જવાબ
ભાજપના દિલ્હી મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંબિત પાત્રાએ કેજરીવાલ પર ઓક્સિજનને લઈને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે દિલ્હીના સીએમએ જુઠ્ઠું બોલીને 12 રાજ્યને અસર પહોંચાડી છે.

આરોપો અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું, 'મારો ગુનો- હું મારા 2 કરોડ લોકોના શ્વાસ માટે લડ્યો, જ્યારે તમે ચૂંટણી રેલી કરી રહ્યા હતા ત્યારે હું આખી રાત જાગીને ઓક્સિજન માટેની વ્યવસ્થા કરી રહ્યો હતો. લોકોને ઓક્સિજન અપાવવા માટે હું લડ્યો, વિનંતી કરી. ઓક્સિજનના અભાવે લોકોએ તેમના પ્રિયજનો ગુમાવ્યા છે. તેમને જૂઠું ન કહો. તેમને ખૂબ ખરાબ લાગી રહ્યું છે.'

આ દરમિયાન AIIMSના વડા ડો.રણદીપ ગુલેરિયાએ વિવાદને શાંત કરવાના પ્રયાસ કર્યા હતા. NDTVના અનુસાર તેમણે કહ્યું હતું કે ફાઇનલ રિપોર્ટ હજી આવ્યો નથી. તેથી એ કહેવું ખૂબ જ ઉતાવળભર્યું હશે કે બીજી લહેરના પીક દરમિયાન દિલ્હીએ ઓક્સિજનની આવશ્યક માગમાં ચાર ગણો વધારો કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ મામલો હજી સુપ્રીમ કોર્ટમાં છે, તેથી આપણે નિર્ણય માટે રાહ જોવી જ જોઇએ.