• Gujarati News
  • Dvb original
  • Dhrangadhra's Manisha Fell Into A Borewell In Her Sleep, Listen To One Thing About Those 7 Hours Before Death

માથે ઝળૂંબતાં મોતના એ 7 કલાક, VIDEO:'ઊંઘમાં ચાલવાની ટેવને કારણે હું બોરવેલમાં પડી ગઈ હતી', ધ્રાંગધ્રામાં થયેલા એ ચમત્કારની ખુદ મનીષાએ જ એક-એક વાત કરી

8 દિવસ પહેલાલેખક: કિશન પ્રજાપતિ

ધ્રાગંધ્રાના ગાજણવાવમાં ગત 29 તારીખે વહેલી સવારે 4 વાગ્યે બોરમાં પડેલી 12 વર્ષની મનીષાને 7 કલાક બાદ આર્મી અને આરોગ્યની ટીમે સવારે 11.30 વાગ્યે દિલધડક રેસ્ક્યૂ કરીને બચાવી લીધી હતી. જે બાદ દિવ્ય ભાસ્કરની ટીમ ગાજણવાવ પહોંચી હતી. જ્યાં ભોગ બનનાર મનીષા, ફર્સ્ટ પર્સન રમેશભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ પટેલ તથા રેસ્ક્યૂ અને સારવાર કરનાર નર્સ જલ્પા અમરેલિયાએ આખી ઘટના અંગે વિગતવાર વાત કરી હતી. જે અહીં અમે એમના શબ્દશઃ રજૂ કરી રહ્યા છીએ.

7 કલાક મોત સામે લડ્યા બાદ મનીષા નાયકા.
7 કલાક મોત સામે લડ્યા બાદ મનીષા નાયકા.

''હું ઉંઘમાં ચાલતાં-ચાલતાં બોરમાં પડી ગઈ''
12 વર્ષની મનીષાએ આ ઘટના અંગે વાત કરતાં દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, '' વહેલી સવારે હું ઉંઘમાં ચાલતાં-ચાલતાં અચાનક બોરમાં પડી ગઈ હતી. આ પછી મેં બુમ પાડી પણ બહાર કોઈને સંભળાઈ નહીં. એકાદ- બે કલાક બાદ મારા પપ્પા મને શોધતાં-શોધતાં આવ્યા અને મેં ફરી બુમ પાડી. મારા પપ્પાએ બોરમાં બત્તી(ટોર્ચ) કરતાં હું દેખાઈએ. મને પહેલાં તો મારા પપ્પાએ દોરડાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ હું નીકળી શકી નહીં. મને 7 કલાક સુધી બોરમાં ખૂબ જ ગરમી થતી હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી અને મને એવું લાગતું હતું કે, હવે હું જીવશ નહીં, પણ આર્મી અને આરોગ્યની ટીમે મને બહાર કાઢી લીધી અને હું જીવી ગઈ.''

ઘટનાની જાણ થતાં જ સૌથી પહેલાં બોર પાસે પહોંચનારા ફર્સ્ટ પર્સન રમેશભાઈ પટેલ.
ઘટનાની જાણ થતાં જ સૌથી પહેલાં બોર પાસે પહોંચનારા ફર્સ્ટ પર્સન રમેશભાઈ પટેલ.

''આરોગ્યની ટીમને જાણ કરું ત્યાં તો, મનીષાએ ફરી બૂમ પાડી અને 70 ફૂટ ઉંડે જતી રહી''
રમેશભાઈ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, '' આ ઘટના જે ખેતરમાં થઈ એની બરાબર સામે જ મારું ખેતર છે. હું ખેતરમાં વહેલી સવારથી જ હાજર હતો. અચાનક મને અનિરુદ્ધભાઈનો ફોન આવ્યો કે, તેમના ખેતરમાં કામ કરતાં અર્જુનભાઈની છોકરી બોરમાં પડી ગઈ છે. એટલે હું મારા ખેતરમાંથી દોડીને સીધો બોર પાસે આવ્યો. આ દરમિયાન મનીષાના મમ્મી-પપ્પા તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરતાં હતા. હું પહોંચ્યો ત્યારે મનીષા 35 ફૂટે ફસાયેલી હતી. હું જ્યાં સુધી પંચાયતના સભ્યો અને આરોગ્ય વિભાગની ટીમને ફોન કરું ત્યાં તો, મનીષાએ ફરી બૂમ પાડી અને તે 70 ફૂટ ઉંડે જતી રહી. આ પછી મનીષાને ગૂંગણામણ થતાં તેણે બોલવાનું પણ બંધ કરી દીધું હતું. લગભગ આઠ વાગ્યે સૌથી પહેલાં આરોગ્યનો સ્ટાફ દોડી આવ્યો હતો. આમ મનીષા બોરમાં પડી ત્યારથી અને આરોગ્યની ટીમ પહોંચી ત્યાં સુધી અંદાજે ચાર-પાંચ કલાકનો સમય થઈ ગયો હતો. આ પછી અંદાજે બે-ત્રણ કલાકની મહેનતે મનીષાને હેમખેમ બહાર નીકળી અને એને નવું જીવન મળતાં ત્યાં હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.''.

જેમના ખેતરના બોરમાં મનીષા પડી ગઈ હતી એ ખેતરના માલિક અનિરુદ્ધભાઈ પટેલ.
જેમના ખેતરના બોરમાં મનીષા પડી ગઈ હતી એ ખેતરના માલિક અનિરુદ્ધભાઈ પટેલ.

''અમે દોરડાંથી મનીષાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ના મળી''
અનિરુદ્ધભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ''મારા ખેતરમાં કામ કરતાં અર્જુનનો મને વહેલી સવારે ફોન આવ્યો કે, એમની દીકરી મનીષા બોરમાં પડી ગઈ છે. આ પછી મેં રમેશભાઈને ફોન કર્યો. રમેશભાઈનું ખેતર મારી વાડી સામે જ છે. સૌ પહેલાં રમેશભાઈ ત્યાં પહોંચી ગયા અને થોડીકવારમાં હું પણ પહોંચી ગયો. જે બાદ અમે ઉપસરપંચ અને આરોગ્યની ટીમને ફોન કર્યો. પહેલાં તો અમે જાતે મનીષાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ અસફળ રહ્યાં. આ પછી આરોગ્યની ટીમ આવી ગઈ અને તેમણે મનીષાનો સૌપહેલાં પાઇપ દ્વારા ઓક્સિજન આપ્યો અને બહાર કાઢવાના પ્રયત્ન શરૂ કરી દીધા. જોકે, સતત એક કલાક સુધી પ્રયત્ન કર્યા પણ મનીષાને બહાર ના કાઢી શકતાં આર્મીની ટીમ આવી અને અંદાજે 11.30 વાગ્યે બહાર કાઢી હતી.''

મનીષાને બોરમાંથી બહાર કાઢનાર અને સારવાર કરનાર નર્સ જલ્પા અમરેલિયા.
મનીષાને બોરમાંથી બહાર કાઢનાર અને સારવાર કરનાર નર્સ જલ્પા અમરેલિયા.

''4 ટ્રાયમાં ફેઇલ થઈ, 5મી ટ્રાયમાં મનીષાને બહાર કાઢી''
મનીષાને બોરમાંથી બહાર કાઢનાર અને તેની સારવાર કરનારા 25 વર્ષીય ગાજણવાવના FHW જલ્પા અમરેલિયાએ જણાવ્યું કે, '' આ ઘટનાની જ્યાં સુધી અમને જાણ થઈ ત્યાં સુધી લગભગ 4 કલાકનો સમય થઈ ગયો હતો. મને સવારે 8 વાગ્યે અમારા સ્ટાફમાંથી ફોન આવ્યો હતો કે, ગાજણવાવમાં એક છોકરી બોરમાં પડી ગઈ છે. હું ફટાફટ હોસ્પિટલે આવી અને ત્યાંથી ઓક્સિજનની વ્યવસ્થા કરીને ઘટના સ્થળે પહોંચી. બોર પાસે પહેલાંથી જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. મેં પહેલાં તો ત્રણ-ચાર ટ્રાય કરીને મનીષાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ તેના હાથમાંથી દોરડું છુટી જતાં એમાં સફળતા મળી નહીં. બોરમાં અસહ્ય ગરમી હોવાને લીધે તેની શ્વાસોશ્વાસની ક્રિયા સાવ ધીમી હતી અને તેનું માથું પણ નીચેની તરફ હતું. આ પછી મેં તરત જ મનીષાને ઓક્સિજન આપ્યો એટલે તેને બોલવાનું શરૂ કર્યું હતું. આ પછી મનીષાએ પાણી મગ્યું હતું. આ દરમિયાન આર્મીના જવાનો આવી ગયા અને એમણે મનીષાને બહાર કાઢવાના પ્રયત્ન શરૂ કરી દીધા હતા.''

બોરમાંથી બહાર કાઢતાં આર્મીના જવાનો અને સારવાર હેઠળ મનીષાની તસવીર.
બોરમાંથી બહાર કાઢતાં આર્મીના જવાનો અને સારવાર હેઠળ મનીષાની તસવીર.

''મનીષાને બહાર કાઢી ત્યારે એના શ્વાસ સાવ ધીમા અને શરીર ઠંડુ હતું''
નર્સ જલ્પા અરમેલિયાએ વધુમાં જણાવ્યું કે, ''બોરમાં ફસાયેલી મનીષા બંગડી-બંગડી બોલતી હતી. આ સાંભળી મને એવું લાગ્યું કે, તેની બંગડી ફસાઈ ગઈ હશે. આ પછી આર્મીની ટીમે એક બંગડી ગાંઠ થાય એવું દોરડું બનાવીને અંદર નાંખ્યું જેમાં મનીષાનો હાથ ફસાઈ જાય તો તેને ખેંચીને બહાર કાઢી શકાય. જોકે, આ પ્રયત્ન અમે પાંચથી છવાર કર્યો પણ સફળતા મળી નહીં. ફરીથી અમે એ રીતે જ દોરડું અંદર નાંખ્યું અને મનીષાએ તેના હાથમાં તે દોરડું ફસાઈ જતાં તેને આર્મીના જવાનોએ બહાર ખેંચી લીધી. મનીષાને બોરમાંથી બહાર કાઢી ત્યારે તેનું શરીર એકદમ ઠંડુ થઈ ગયું હતું. તેનું ઓક્સિજન લેવલ પણ ખૂબ જ ઓછું હતું. આમ, એને ચાલું એમ્બ્યુલન્સે ટ્રીટમેન્ટ આપતાં આપતાં અમે હોસ્પિટલ લઈ આવ્યા હતાં. અત્યારે મનીષાના હાથમાં ફ્રેક્ચર થયું છે અને તેને રુટીન ચેકઅપ માટે અમે બોલાવતા રહીએ છીએ.''

મનીષાના પિતા અર્જુનભાઈ અને હોસ્પિટલમાં સારવાર હેઠળ તેમની દીકરી.
મનીષાના પિતા અર્જુનભાઈ અને હોસ્પિટલમાં સારવાર હેઠળ તેમની દીકરી.

''મને આશા જ નહોતી કે મારી દીકરી જીવશે''
મનીષાના પિતા અર્જુનભાઈએ દિવ્ય ભાસ્કરને વાત કરતાં કહ્યું કે, ''હું સવારે છ વાગ્યે ઉઠ્યો ત્યારે મારી દીકરી ખાટલામાં નહોતી. આ જોઈ મેં તેને શોધવાનું શરૂ કર્યું. મારી દીકરીકની ધીમી બૂમ સંભળાતા હું બોર પાસે ગયો અને ત્યાં બત્તી કરતાં તે દેખાઈ. મેં તરત જ અમારા ખેતર માલિક અનિરુદ્ધભાઈને ફોન કર્યો અને તેમણે સામેના ખેતર માલિક રમેશભાઈને અહીં મોકલ્યા. અમે મનીષાને બહાર કાઢવાના પ્રયત્ન કર્યા પણ તેને બોરમાંથી કાઢી શક્યા નહીં. મારી દીકરી સાત કલાક સુધી 70 ફૂટ ઊંડે બોરમાં હતી અને મને આશા જ નહોતી કે મારી દીકરી બોરની બહાર જીવતી નીકળશે, પણ મારી દીકરીને આર્મી અને આરોગ્યની ટીમે જીવતી બહાર કાઢતા હું ખૂબ જ ખુશ થયો મારી દીકરીનો બીજો જન્મ થયો એટલી ખુશી થઈ. અત્યારે મારી દીકરીને ફ્રેક્ચર થયું છે અને સારું છે.''

ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે.
35 વર્ષના અર્જુનભાઈ મૂળ ઘોઘંબાના ગમાણી ગામના છે. તેઓ પત્ની અને 4 બાળકો સાથે ધ્રાંગધ્રાના ગાજણવાવમાં છેલ્લાં બે વર્ષથી ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે અર્જુનભાઈની મોટી દીકરી બોરમાં પડી ત્યારે આખો પરિવાર સૂતો હતો. વહેલી સવારે જાગ્યા બાદ અર્જુનભાઈ તેમની દીકરીને શોધી રહ્યા હતાં. આ દરમિયાન બૂમનો અવાજ આવતાં અર્જુનભાઈએ બોરમાં ટોર્ચ કરી જોતાં આ ઘટનાની જાણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...