• Gujarati News
 • Dvb original
 • Despite Weak Economy, Over Daily 86000 New Investors Enters In Stock Market During Second Wave Of Corona

કહેરમાં લહેર:કોરોનાના હાહાકાર વચ્ચે પણ શેરબજાર તરફ રોકાણકારોની દોડ, રોજના 86,000થી વધુ નવા ઇન્વેસ્ટર્સ આવ્યા

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: વિમુક્ત દવે
 • બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ઇન્વેસ્ટર્સની સંખ્યા 7.11 કરોડથી વધુ
 • એપ્રિલ-જૂનમાં ગુજરાતમાં દૈનિક 4,973 નવા રોકાણકારો ઉમેરાયા
 • અઢી માહિનામાં BSE માર્કેટ કેપમાં રૂ. 22 લાખ કરોડનો વધારો થયો

આ વર્ષે એપ્રિલ અને મે મહિના દરમિયાન કોરોનાની બીજી લહેરે ગુજરાત સહિત દેશભરમાં કાળો કેર વર્તાવ્યો હતો. ધંધા-રોજગારને ભારે અસર થઈ હતી અને લોકોની આવક પણ ઘટી હતી. આમ છતાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર રોકાણકારોની સંખ્યા 5 એપ્રિલથી 18 જૂન વચ્ચે 10% વધીને 7.11 કરોડ પર પહોચી ગઈ છે. આ 74 દિવસ દરમિયાન ભારતમાં શેરબજારમાં રોજના 86,000થી વધુ નવા રોકાણકારોનો ઉમેરો થયો છે. નબળી ઈકોનોમી વચ્ચે ઈન્વેસ્ટર્સની સંખ્યા વધવાનાં કારણો અંગે દિવ્ય ભાસ્કરે માર્કેટ સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરી આ અંગેનાં કારણો જાણ્યાં.

શેરબજાર પર લોકોનો વિશ્વાસ વધ્યો
લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટસ એન્ડ સ્ટોક બ્રોકિંગના ગુજરાત હેડ વિરલ મહેતાએ જણાવ્યું હતું કે વર્તમાન સંજોગોમાં ઈન્વેસ્ટર્સનો વિશ્વાસ શેરબજાર પર વધ્યો છે. વીતેલા એક વર્ષમાં અથવા તો કોરોના આવ્યો ત્યારથી જોઈએ તો શેરબજારમાં મોટે ભાગે તેજીનો માહોલ રહ્યો છે. ટ્રેડિશનલી જે લોકો ફિક્સ ડિપોઝિટ કે પછી એસેટમાં રોકાણ કરતા હતા તેઓ પણ હવે શેરબજાર તરફ વળ્યા છે. આનું કારણ એ છે કે રોકાણકારોને સ્ટોક માર્કેટમાંથી સારું અને ઊંચું વળતર મળ્યું છે. FD કે એસેટ ક્લાસ ઈન્વેસ્ટમેન્ટ સામે શેરબજારમાં રિટર્ન વધુ છે, જેનાથી રોકાણકારો આકર્ષાયા છે. લોકોને પોતાની બચત અહીં પાર્ક કરવી સલામત લાગે છે. આવનારા સમયમાં રોકાણકારોની સંખ્યામાં હજી વધુ વધારો થશે.

એપ્રિલથી અત્યારસુધીમાં 64 લાખ રોકાણકારો વધ્યા
BSEના આંકડા મુજબ, 5 એપ્રિલના રોજ 6.47 કરોડ ઈન્વેસ્ટર્સ રજિસ્ટર્ડ થયા હતા, એની સામે 18 જૂનના દિવસે રોકાણકારોની સંખ્યા 7.11 કરોડ હતી, એટલે કે આ સમયગાળા દરમિયાન 64 લાખ નવા રોકાણકારોનો ઉમેરો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં શેરબજારમાં રોજના 43,000થી વધુ નવા રોકાણકારો આવ્યા હતા. એની સરખામણીએ 2021-22માં 86,000થી વધુ નવા ઈન્વેસ્ટર્સ આવ્યા છે.

માર્કેટમાં ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી ફેરફારો થયા છે
મારવાડી શેર્સ એન્ડ ફાઇનન્સ લિમિટેડના વેલ્થ અને એડવાઈઝરીના વાઇસ-પ્રેસિડેન્ટ અને હેડ અરુણ કુમાર સિંઘે જણાવ્યું હતું કે સ્ટોક માર્કેટમાં કંપલાયન્સ, ઓપરેશન સહિતની બાબતોમાં ઘણા ફેરફાર આવ્યા છે અને એને કારણે ડિમેટ તેમજ ટ્રેડિંગ અકાઉન્ટ ખોલાવવું સરળ અને ઝડપી બન્યું છે. આ ઉપરાંત માર્કેટમાં છેલ્લા એક વર્ષમાં જે રીતની તેજી આવી છે એનાથી ઘણા લોકો ટ્રેન્ડ ચૂકી ન જવાય તેવી લાગણીને કારણે શેરબજારમાં આવી રહ્યા છે. મીડિયા અને કમ્યુનિકેશનને કારણે રોકાણકારોમાં ઘણી જાગરૂકતા આવી છે.

માર્કેટમાં રોકાણકારો વધવાનાં આ છે મુખ્ય કારણો...

 • ખાતું ખોલાવવામાં સરળતા: આજે ડિમેટ અને ટ્રેડિંગ અકાઉન્ટ ખોળવું એકદમ સરળ છે. ટેક્નોલોજીની મદદથી આના માટે ઓનલાઈન એપ્લિકેશન તેમજ e-KYC જેવાં કામો એક દિવસમાં થઈ શકે છે.
 • વિકલ્પોની ઉપલબ્ધતા: માર્કેટમાં ફિન્ટેક કંપનીઓના આગમનથી રોકાણકારને તેની પસંદગીઓ અને સમજણને આધારે સ્ટોક માર્કેટમાં પ્રવેશ કરવા માટે એક કરતાં વધુ વિકલ્પો મળી રહે છે.
 • પરવડે તેવી ફી: ફાઈનાન્શિયલ માર્કેટમાં સ્પર્ધા વધી હોવાથી ગ્રાહકોને ખૂબ જ ઓછી ફીમાં ઘણીબધી સર્વિસીઝ મળી રહે છે. કંપનીઓ તેમના ગ્રાહકોને ડિસ્કાઉન્ટ બ્રોકરેજ, ફ્રિલ અકાઉન્ટ, નીચા મેઈન્ટેનન્સ સહિતના લાભ આપી રહી છે.
 • પસંદ માટેનાં ઘણાં ઉત્પાદનો: વીતેલા સમયગાળા દરમિયાન સ્ટોક માર્કેટમાં અથવા તો રોકાણકારો માટે ઘણાં ટૂલ્સ અને ઉત્પાદનો આવ્યાં છે. ગ્રાહકો પોતાના જોખમ લેવાની ક્ષમતા અને સમયના આધારે એની પસંદગી કરી સરળતાથી ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે.
 • TINA ઇફેક્ટ: વ્યાજદરમાં સતત ઘટાડો અને ટ્રેડિશનલ એસેટ કેટેગરીમાં પણ બહુ ખાસ વળતર ન હોવાથી રોકાણકારોમાં ઇક્વિટી સિવાય "બીજો કોઈ વિકલ્પ નથી (There Is No Alternative-TINA) એવી માન્યતા દૃઢ બની છે.
 • FOMO ઇફેક્ટ: પાછલા એક-દોઢ વર્ષમાં શેરબજારમાં અલગ અલગ કંપનીઓ અને સેક્ટર્સે 40-100% જેવું વળતર આપ્યું છે. આવી સ્થિતિમાં રોકાણકારોમાં આ લાભને લઈને કંઈક ગુમાવવાની ભાવના (Fear of Missing Out - FOMO) આવે છે. આને કારણે ઘણા નવા ઈન્વેસ્ટર્સ સ્ટોક માર્કેટમાં પ્રવેશ્યા છે.
 • જાગરૂકતા: સેબી અને રિઝર્વ બેન્ક સહિતની એજન્સીઓ ઇક્વિટીમાં રોકાણને લઈને રહેલી ગેરસમજો દૂર કરવા માટે લાંબા સમયથી વિવિધ પ્રોગ્રામ ચલાવે છે. આ બધાને લીધે રોકાણકારોમાં ઈન્વેસ્ટમેન્ટ બાબતે ઘણી અવેરનેસ આવી છે. આ સાથે જ રોકાણકારના હિતનું રક્ષણ કરતા નિયમો બન્યા છે.
 • સમયની ઉપલબ્ધતા: કોવિડના સમયમાં ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને આનાથી કર્મચારીઓના સમયનો ઘણો બચાવ થાય છે. ફાજલ સમયમાં રોકાણ દ્વારા ભવિષ્ય માટે અર્થપૂર્ણ બચત કરવાની સાથે ઘણા લોકો ઇક્વિટી ટ્રેડિંગ તેમજ રોકાણ પર હાથ અજમાવી રહ્યા છે.
 • સરળ સંચાલન: નવી જનરેશન ટેકનૉલોજી સ્વીકારવાની બાબતમાં ઘણી જ ઝડપી છે અને પોતાની રીતે અકાઉન્ટ ઓપરેટ કરવા માગે છે. આ બધામાં માટે વેબ આધારિત એપ્લિકેશન, મોબાઇલ એપ્લિકેશન્સ વગેરેએ ગ્રાહકો માટે માર્કેટ રિલેટેડ સંચાલનને સરળ બનાવી દીધું છે. આ ઉપરાંત પરવડે તેવા ઇન્ટરનેટને કારણે નાનાં શહેરોમાંથી યુવાનો સ્ટોક માર્કેટમાં આવી રહ્યા છે.

ગુજરાતમાં 3.68 લાખ રોકાણકારો વધ્યા
BSEના આંકડા મુજબ, 5 એપ્રિલ અને 18 જૂન વચ્ચે શેરબજારમાં આવનારાઓની સંખ્યા 83.16 લાખથી વધીને 86.84 લાખ પર પહોંચી છે. આ સમય દરમિયાન ગુજરાતમાં 3.68 લાખ નવા રોકાણકારો ઉમેરાયા છે. આંકડા બતાવે છે કે દેશમાં રોકાણકારોની સંખ્યાના મામલે ગુજરાત બીજા ક્રમે છે. 1.52 કરોડ રોકાણકારો સાથે મહારાષ્ટ્ર પહેલા સ્થાને છે. મહારાષ્ટ્રમાં 12 લાખ નવા ઈન્વેસ્ટર્સ વધ્યા છે.

BSEનું માર્કેટ કેપ 11% જેવું વધ્યું

કોરોનાની બીજી લહેરે અર્થતંત્રને ડામાડોળ કરી નાખ્યું હતું અને ધંધા-રોજગારને ભારે અસર થઈ હતી. આમ છતાં એપ્રિલ-જૂન વચ્ચેના સમયમાં BSEનું માર્કેટ કેપ રૂ. 22 લાખ કરોડ જેવું વધ્યું હતું. 5 એપ્રિલના રોજ માર્કેટ કેપ રૂ. 205 લાખ કરોડ હતું, જે 18 જૂનના દિવસે રૂ. 227 લાખ કરોડના સ્તરે પહોચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...