તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયાકિનારો છે, આમ છતાં નારિયેળના ઉત્પાદનમાં ગુજરાત ઘણું જ પાછળ છે. ભારતમાં દર વર્ષે 2100-2200 કરોડ નંગ નારિયેળનું ઉત્પાદન થાય છે, એની સામે ગુજરાતમાં માત્ર 25-26 કરોડ નંગનું જ ઉત્પાદન છે. આ હિસાબે દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતની હિસ્સેદારી માત્ર 1% જેટલી જ છે. આ અંગે દિવ્યભાસ્કર સાથે વાત કરતાં નારિયેળીના ખેડૂતો તેમજ જાણકારોએ જણાવ્યું હતું કે કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ જેવાં રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મીઠા પાણીની સમસ્યા વધુ છે. આ સાથે જ રાજ્યમાં જમીનની ખારાશ વધી છે, જેને કારણે ઉત્પાદકતા અને ક્વોલિટીને ઘણી અસર થઈ છે. આ બધાં કારણોથી ગુજરાત કોકોનટ પ્રોડકશનમાં ઘણું જ પાછળ છે.
વર્ષ | ભારત | ગુજરાત | ગુજરાતનો હિસ્સો |
2010-11 | 1694.3 | 40.91 | 2.41% |
2011-12 | 2335.12 | 21.78 | 1% |
2012-13 | 2268 | 22.18 | 1% |
2013-14 | 2166.52 | 20.3 | 1% |
2014-15 | 2044 | 21.17 | 1.03% |
2015-16 | 2216.75 | 21.51 | 1% |
2016-17 | 2079 | 23.21 | 1.11% |
2017-18 | 2380 | 24.8 | 1% |
2018-19 | 2138.4 | 22.22 | 1.03% |
2019-20 | 2130 | 26.54 | 1.24% |
*ઉત્પાદનના આંકડા કરોડ નંગમાં
સંદર્ભ: ગુજરાત હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ અને કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ
રાજ્ય સરકાર પણ કોઈ રસ લઈ રહી નથી
આ અંગે ગુજરાતના હોર્ટિકલ્ચર વિભાગના એક ઉચ્ચ અધિકારી સાથે દિવ્યભાસ્કરે વાત કરી તો જાણવા મળ્યું કે રાજ્યમાં નારિયેળની ખેતીને પ્રોત્સાહન મળે એ માટે સરકાર કોઈ ખાસ પગલાં લેતી જ નથી. અધિકારીએ જણાવ્યું હતું કે માત્ર 1% શેર હોય એના માટે શું પ્રોત્સાહન આપવું. ખેડૂતોએ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રોત્સાહક યોજના કે પ્રોગ્રામ ચલાવવામાં આવતા નથી, જેનાથી કોકોનટ ફાર્મિંગને પ્રોત્સાહન મળે.
લાંબા સમયથી કોઈ નવી વેરાઇટી વિકસી ન હતી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક વિનુભાઈ આહીરે જણાવ્યું હતું કે નારિયેળની ખેતી માટે દરિયાઈ વિસ્તારનું હવામાન વધુ અનુકૂળ હોય છે, પરંતુ ગુજરાતમાં જમીનની ખારાશ વધી રહી છે અને સાથે જ ખેતી માટે મીઠું પાણી ઓછું છે, એને કારણે નારિયેળની ખેતી ઘણી જ ઓછી છે. આ સાથે જ વીતેલાં ઘણાં વર્ષો સુધી કોઈ નવી વેરાઇટી વિકસાવવામાં આવી ન હતી, જેને લીધે ખેડૂતો પણ જૂની વેરાઇટીના નારિયેળ ઉગાવતા હતા. આમાં ફળ આવતાં લગભગ 3-4 વર્ષનો સમય લાગતો હતો. જોકે યુનિવર્સિટીએ એક DxT જાત વિકસાવી હતી, જે 2 વર્ષમાં જ ફળ આપે છે. આને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં પ્રોડક્શન થોડું વધ્યું છે. અમુક વિસ્તારોમાં કેનાલ નેટવર્ક શરૂ થયું છે જેનાથી પાણીનો પ્રશ્ન હલ થઈ રહ્યો છે.
ખારશને કારણે ક્વોલિટી નબળી પડી છે
છેલ્લાં 30 વર્ષથી નારિયેળની ખેતી કરતા કોડીનારના ખેડૂત જીવાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારમાં જમીન ખારાશવાળી બની છે. બીજી તરફ, જમીનનું પાણી પણ ખારું થઈ રહ્યું છે; એને લીધે ક્વોલિટીને ખરાબ અસર થઈ છે. નારિયેળની સાઈઝ નાની થઈ ગઈ છે અને પાણીનો ટેસ્ટ પણ બદલાઈ ગયો છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી આ બાબતે કોઈ કાર્યવાહી થઈ રહી નથી.
આવતાં 10 વર્ષમાં ગુજરાતનું ઉત્પાદન બમણું કરવાની યોજના
કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડના ચીફ કોકોનટ ડેવલપમેન્ટ ઓફિસર સારદિન્દુ દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોકોનટનું ઉત્પાદન ટ્રેડિશનલી ઓછું રહ્યું છે, પણ હવે અમે રાજ્યમાં ઉત્પાદન વધે એના માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. અમારા પ્રયત્નો છે કે ગુજરાતનું નારિયેળનું ઉત્પાદન આગામી 10 વર્ષમાં અત્યારે છે એના કરતાં બમણું થઈ જાય. લોકોનો ટેસ્ટ બદલાયો છે, કાર્બોહાઇડ્રેડ ડ્રિંક પીવાને બદલે હવે લોકો નેચરલ પીણાં તરફ વળી રહ્યા છે. આ ટ્રેન્ડ ગુજરાતમાં પણ છે અને એને કારણે નારિયેળની માગ વધી રહી છે, જે ખેતી માટે એંકરેજિંગ સાબિત થશે.
વર્ષ | ઉત્પાદન |
2005-06 | 12.71 |
2006-07 | 13.53 |
2007-08 | 15.36 |
2008-09 | 15.74 |
2009-10 | 17.24 |
2010-11 | 40.91 |
2011-12 | 21.78 |
2012-13 | 22.18 |
2013-14 | 20.3 |
2014-15 | 21.17 |
2015-16 | 21.51 |
2016-17 | 23.21 |
2017-18 | 24.8 |
2018-19 | 22.22 |
2019-20 | 26.54 |
*ઉત્પાદનના આંકડા કરોડ નંગમાં
સંદર્ભ: ગુજરાત હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ
નાળિયેરને સંલગ્ન ઉદ્યોગોનો અભાવ
સૂકા નારિયેળના ગુજરાતની સૌથી મોટી માર્કેટ મહુવાના વેપારી હસુભાઈ દોશી જણાવ્યું હતું કે કેરળની જેમ ગુજરાતમાં નારિયેળને સંલગ્ન ઉદ્યોગો આવેલા નથી. કેરળ તેમજ અન્ય રાજ્યોમાં છે, જેને લીધે ખેડૂતોને આવક વધુ થાય છે. ગુજરાતમાં આમ ન હોવાથી ખેડૂતોની આવક મર્યાદિત હોય છે, સાથે જ વરસાદ પર પણ ઘણો આધાર છે. એક વર્ષ નબળું જાય તો ભાવ ઘટી જાય છે અને નુકસાની પણ મોટી આવે છે. જો ગુજરાતમાં આવા ઉદ્યોગો આવે તો ખેડૂતોને પણ ફાયદો થશે.
અનેક રજૂઆતો છતાં કોઈ સચોટ પગલાં નહીં
છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં નારિયેળીની ખેતીને પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને અવારનવાર રજૂઆત કરનાર સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ જણાવ્યું કે, અમે અને અમારા જેવી અન્ય સંસ્થાઓ વર્ષોથી કેન્દ્ર અને રાજ્યના કૃષિ વિભાગ તેમજ તેમની નેતાગીરીને રજૂઆત કરતા આવ્યા છીએ. માંગરોળ ખાતે આ અંગે સેન્ટર શરૂ કરવાનું નક્કી હતું પરંતુ કોઈ ને કોઈ કારણોસર કામગીરી આગળ વધતી નથી. જો નારિયેળીના વાવેતર અને ઉત્પાદન અને તેને આનુષંગિક વ્યવસાયો ઉપર ધ્યાન આપવામાં આવે તો આવતા 10 વર્ષમાં 1 લાખ કરોડનો વ્યવસાય વિકસાવી શકાય તેમ છે. રાજ્ય સરકાર જો આ બાબત કેન્દ્ર સરકારમાં રજુઆત કરે તો આની સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થશે તેમજ ગુજરાત માટે ખૂબ મોટી સિદ્ધિ કહેવાશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.