નોટબંધી. નામ સાંભળતા જ ઘણા લોકો ધ્રૂજી ઉઠે છે. મિત્રો! માત્ર આ શબ્દ જ ઘણુંબધું યાદ અપાવે છે. અંતે છ વર્ષ પછી સુપ્રીમ કોર્ટે નોટબંધીના સરકારના નિર્ણયને યોગ્ય ઠેરાવ્યો છે. દેશની અલગ-અલગ કોર્ટમાં નોટબંધી વિરુદ્ધ 58 અરજી દાખલ કરવામાં આવી હતી. તમામને ભેગી કરી સુપ્રીમમાં તેના પર સુનાવણી કરવામાં આવી.
અરજદારોએ કહ્યું હતું કે, સરકાર કોઈ એક ચોક્કસ સિરીઝની નોટ બંધ કરી શકે છે, પરંતુ આ પ્રકારને 500 અને 1000ની નોટ બંધ નથી કરી શકતી. સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓને ફગાવી દીધી છે.
પાંચમાંથી મહિલા જજ આ નિર્ણય સાથે સહમત ન થયા. તેમનું કહેવું હતું કે નોટબંધી સંસદમાં બિલ લાવીને થવી જોઈતી હતી, વટહુકમ દ્વારા નહીં. ત્યારે કાયદાકીય રીતે સહમત થાત. આ દલીલ વિશે કહી શકાય કે તે યોગ્ય નથી કારણ કે જો સંસદમાં ચર્ચા થઈ હોત તો મામલો લીક થઈ ગયો હોત અને પછી જે હેતુથી નોટબંધી કરવામાં આવી હતી તેનો કોઈ અર્થ રહેતો નથી.
જોકે મહિલા જજે એ પણ કહ્યું કે કે શું હેતું પૂર્ણ થયો? જો નોટબંધી માત્ર કાળાં નાણાંને ખતમ કરવા માટે કરવામાં આવી હતી, તો તમે પાંચસો અને હજારની નોટો બંધ કરીને બે હજારની નોટ બહાર પાડી. કાળું નાણું ક્યાં સામે આવ્યું?
બાકીના ચાર જજનો તર્ક હતો કે રિઝર્વ બેંકની ગવર્નિંગ બોડી ભલામણ કરે, તો સરકાર નોટબંધી કરી શકે. આ પ્રક્રિયા સરકારે સંપૂર્ણ પણે અપનાવી, આથી નોટબંધી ગેરકાયદેસર નથી. આ ચાર ન્યાયાધીશોએ તે પણ નિશ્ચિતપણે કહ્યું હતું કે હેતુ પૂરો થયો કે નહીં, અમે તેમાં જવા માગતા નથી કારણ કે તે અરજીઓનો વિષય નથી.
કુલ મળીને સવાલ તો હજુ પણ છે કે કાળુનાણું ખતમ કરવાનો હેતુ હતો, તો 500 અને 1000ની નોટ બંધ કરીને 2000ની નોટ બહાર કેમ પાડી? કારણ કે કાળુનાણું ખતમ કરવા મોટી નોટ બંધ કરવાની રહે છે, જેથી તેનો સંગ્રહ ન થઈ શકે. અહિંયા તો નાની નોટ બંધ કરીને મોટી નોટ બહાર પાડવામાં આવી.
બહાર પાડી પણ હવે તે ક્યાં છે? બે હજાર રૂપિયાની નોટ થોડા દિવસો સુધી બજારમાં જોવા મળી હતી, પછી અચાનક ગાયબ થઈ ગઈ. સરકાર દલીલ કરે છે કે તેનું પ્રિન્ટિંગ ઓછું થઈ ગયું છે, પણ જે માર્કેટમાં આવી, તેને કબાટ કે લોકરમાં દબાવીને લોકો બેઠા છે! તેના વિશે શું?
જ્યારે આપણે બેંકમાં જઈએ છીએ ત્યારે ત્યાં કોઈ આપણને બે હજાર રૂપિયાની નોટ આપતું નથી. મોટા ભાગના એટીએમ પણ હવે રૂ. 2,000ની નોટનું વિતરણ કરતા નથી. તો પછી તે ગઈ ક્યાં? … અને જો તે અદૃશ્ય થઈ જાય, તો પછી કાળું નાણું ઘટ્યું કે વધ્યું? તે વિચારવાની વાત છે. જોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નોટબંધી કાયદાકીય રીતે યોગ્ય હતી. તો ધારો કે તે સાચું જ હશે!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.